લગની લાગી રે મારે લગની લાગી (૪)
પદ - ૧
લગની લાગી રે મારે લગની લાગી;
સખી શામળીઆ સંગાથે મારે, લગની લાગી. ટેક૦
મીઠે સ્વરે મોહનજીની, મોરલી વાગી;
સાંભળતામાં ચટકી લાગી, ઝબકી જાગી. લગની લાગી૦ ૧
વૃંદાવનની વાટે ચાલી, કુળ લજજા ત્યાગી;
વાંસળી વગાડતાં જોયા, શ્યામ સોહાગી. લગની લાગી૦ ૨
રસિયા સંગે રમતાં સર્વે, ભ્રમણા ભાંગી;
મેં તો અખંડ સોહાગ લીધો, મુખડે માગી. લગની લાગી૦ ૩
મુક્તાનંદ કે’ પલ એક ન્યારો, ન મેલું વા’લો;
શિરને સાટે કયાંથી મળે, નંદનો લાલો. લગની લાગી૦ ૪
પદ - ૨
ગિરધારી રે સખી!, ગિરધારી,
મારે નિરભે અખુટ, નાણું ગિરધારી. ટેક૦
ખરચ્યું ન ખૂટે એને, ચોર ન લુંટે;
દામની પેઠે એ ગાંઠે, બાંધ્યું નવ છૂટે. ગિરધારી૦ ૧
અણગણ નાણું સંચી અંતે, નિરધનીયાં જાયે;
તેની પેઠે નિરભે નાણું, દૂર ન થાયે. ગિરધારી૦ ૨
સંપત વિપત સર્વે, સ્વપ્નું જાણું;
હરિના ચરણની સેવા, પુરણ ભાગ્ય પરમાણું. ગિરધારી૦ ૩
મુક્તાનંદ કહે મોહનવરને ઊરમાં ધારી;
હવે દુઃખ ને દારિદ્ર થકી થઈ રહી હું ન્યારી. ગિરધારી૦ ૪
પદ - ૩
સુખ પામી રે સખી!, સુખ પામી;
હું તો શામળીયાને શરણે, જાતાં સુખ પામી. ટેક૦
શરણાગતને પાળે સદા, બહુનામી;
મારે હરિનો ઊપર હાથ, કશી ન રહી ખામી. સુખ પામી૦ ૧
તપ ને તીરથ મેં તો, કાંઈ નવ કીધું;
મારે ઘેર બેઠાં શ્યામ થકી, કારજ સીધું. સુખ પામી૦ ૨
સંસારીનું સુખડું જુઠું, આવે ને જાયે;
હરિનો અખંડ સોહાગ, કેદી કાળ ન ખાયે. સુખ પામી૦ ૩
મુક્તાનંદ કે’ હરિ હરિજનની, ગતી છે ન્યારી;
તેને દેહદરશી દેખે, પોતા જેવા સંસારી. સુખ પામી૦ ૪
પદ - ૪
છેલ છોગાળો રે, મીઠી મોરલીવાળો;
મારે મંદિરયે પધારે, નિત્ય છેલ છોગાળો. ટેક૦
હસતાં હસતાં મુજને દેખી, આનંદ પામે;
એની કરુણાની દૃષ્ટિ, સર્વે દુઃખડાં વામે. છેલ છોગાળો૦ ૧
મોતીડાંની માળા પે’રી, મલપંતો આવે;
ગાવું ત્યાં સંગાથે મારે, પ્રેમ શું ગાવે. છેલ છોગાળો૦ ૨
મ વાલો વશ કીધા, મુજને વાલે વશ કીધી;
આમાસામી પાનબીડી, દીધી ને લીધી. છેલ છોગાળો૦ ૩
મુખડેથી તંબોળ મુજને, મહેર કરી દીધો;
મુક્તાનંદ કહે મોહનસંગે, લાવ ઘણો લીધો. છેલ છોગાળો૦ ૪