Add new comment

૪. સારસિદ્ધિ

Submitted by swaminarayanworld on Wed, 02/11/2011 - 12:42am

-- ભૂમિકા --

સ.ગુ.શ્રીનિષ્કુળાનંદસ્વામી વિરચિત આ ‘સારસિદ્ધિ’ ગ્રંથ મુમુક્ષુઓ માટે ઘણો જ ઉત્તમ છે. કેમ જે, તેમાં સાર-સારનું સંશોધન કરી તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.

સાર એટલે શ્રેષ્ઠ વસ્તુ. સારની સિદ્ધિ એટલે હેતુપૂર્વક સારનું પ્રતિપાદન. તત્ત્વની દષ્ટએ જે કાંઈ સારરૂપ તત્ત્વો છે, તેની આ ગ્રંથમાં સિદ્ધિ કરવામાં આવી છે. એટલે साराणां सिद्धः यस्मन् આ રીતે સારસિદ્ધિ એ સાર્થક નામ છે.

આ સંપૂર્ણ વિશ્વમાં ત્રણ જ તત્ત્વો છે - (૧) જીવ (૨) માયા અને (૩) પુરુષોત્તમ. તેમાં જીવ પોતે અલ્પજ્ઞ તથા આધીન તત્ત્વ છે. માયા આધીન ઉપરાંત જડ તથા સતત વિકારી તત્ત્વ છે, તેથી તે અસાર વસ્તુ છે. એક પુરુષોત્તમ નારાયણ જ સર્વશ્રેષ્ઠ સાર તત્ત્વ છે. કેમ જે, તે સંપૂર્ણ નિર્વિકારી, સર્વજ્ઞ, સ્વતંત્ર તથા તમામ ત્યાજય દોષોથી રહિત અને અનંત દિવ્ય ગુણોએ સહિત છે. આવા શ્રીહરિ જ સર્વનું કારણ, સર્વનો આત્મા અને દિવ્યસુખનો મહાસાગર છે. આમ સારમાં સાર સદા સાકાર એક શ્રીહરિ જ છે. આ સદા સર્વદા સત્ય વાતનું સ.ગુ.શ્રીનિષ્કુળાનંદસ્વામીએ આ ગ્રંથમાં બહુ સારી રીતે પ્રતિપાદન કર્યું છે.

સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મનચિત્તવૃત્તિજી

હરિ વિના બીજે રાખે નહિ રતિજી, તે ખરા સંત કહિયે મહામતિજી ।। (૩૧/૧)

આવા સારના સારરૂપ શ્રીહરિને રાજી કરવા તથા તેમાં અખંડવૃત્તિ રાખવા માટે જે જે ગુણો ખાસ જરૂરી છે તેને પણ પૂ.સ્વામીએ સાર સ્વરૂપે આ ગ્રંથમાં વર્ણવ્યા છે. તેમાં આ તુચ્છ માયામાંથી જીવની વૃત્તિ પાછી વાળવા માટે તીવ્ર વૈરાગ્યનું શરૂઆતમાં જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સ.ગુ.શ્રીનિષ્કુળાનંદસ્વામીએ તેમના અંગ પ્રમાણે વૈરાગ્યનું અતિ ધારદાર શબ્દોમાં વર્ણન કર્યું છે. કુલ ૪૮ કડવાંના આ ગ્રંથમાં ૨૦ કડવાં સુધી વૈરાગ્યનું જ વર્ણન થયું છે, પરંતુ તેમાં તેમણે વૈરાગ્યનું સ્થાન તથા પ્રયોજન બહુ સ્પષ્ટ સમજાવ્યું છે જે --

તેહ પ્રભુને પમાડવા, શુદ્ધ વૈરાગ્ય છે વળાવો વળી

તેહ પોં’ચાડે હરિ હજૂરમાં, મુખોમુખ દિયે મેળવી ।। (૨૧/૪)

વૈરાગ્યરૂપી વળાવિયો (બોડીગાર્ડ) સર્વ વિઘ્નોથી બચાવી પ્રભુ સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે કે વૈરાગ્ય એક સાધન છે સાધ્ય નહિ, વૈરાગ્યના વર્ણન બાદ પ્રભુને પ્રસન્ન કરવા ભાવે સહિત ભક્તિનું પ્રતિપાદન કર્યું છે. આ ભક્તિ પ્રગટ પ્રભુ શ્રીસ્વામિનારાયણ ભગવાનની જ કરવી, તેવો ખાસ અનુરોધ પણ કર્યો છે. ત્યાર બાદ ધર્મનંદન શ્રીહરિના વચનરૂપી ધર્મને વર્ણવ્યો છે. તેને પાળવાથી સુખ તથા લોપવાથી દુઃખ મળે છે. તેથી જીવનના દરેક કાર્ય ધર્મમાં રહેતાં થકાં જ કરવાં એવી ટકોર કરી છે.

જેને પ્રગટ પ્રભુનો યથાર્થ મહિમા સમજાય છે, તેનાથી જ વચનમાં વર્તાય છે અને તેનાથી જ સમયે-સમયે નિષ્કામ સેવા-ભક્તિ થાય છે. એટલે મહિમા પણ અતિ જરૂરી સાર વસ્તુ છે. તે માટે મહારાજના મહિમાનું પણ આ ગ્રંથમાં સુંદર પ્રતિપાદન કર્યું છે. આ ધર્માદિક ચારેય બાબત શ્રીહરિના સાચા સંત થકી જ જીવનમાં આવે છે. તેથી સાચા સંતનો મહિમા તથા તેનાં લક્ષણો પણ આ ગ્રંથમાં સુંદર રીતે વર્ણવ્યા છે. સાથેસાથે અસંત પણ ઓળખાવ્યા છે.

આમ, આ સારસિદ્ધિમાં મુખ્યપણે આ પાંચ બાબતનું સારરૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે - (૧) પ્રગટ પ્રભુની આજ્ઞારૂપ નિષ્કામ ધર્મ, (૨) વૈરાગ્ય, (૩) ભકત, (૪) આત્મજ્ઞાન તથા શ્રીસ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી મહિમા અને (૫) સાચા સંતને ઓળખીને તેનો પ્રસંગ.

સ.ગુ.શ્રીનિષ્કુળાનંદસ્વામીની દિવ્યદષ્ટએ પુરુષોત્તમને પ્રસન્ન કરવા તથા પામવા માટે આ પાંચ સર્વશ્રેષ્ઠ સાર વસ્તુ છે. એટલે જ તેમણે અંતે આશીર્વાદ આપ્યા છે કે --

આ ગ્રંથ ગાશે સુણશે, રે’શે એમાં કહ્યું એવી રીત

નિષ્કુળાનંદ એ નરનાં, ઊઘડશે ભાગ્ય અમિત ।। (૪૮/૧૦)

આ ગ્રંથના છેલ્લા ધોળ પદમાં પ્રગટ પુરુષોત્તમની પ્રાપ્તનો જે કેફ છલકાઈ રહ્યો છે, તે હરકોઈ મુમુક્ષુ માટે એક આદર્શ સ્થતિ છે. મરતા પહેલા શ્રીહરિની આવી સ્વરૂપનિષ્ઠા આપણા જીવનમાં સાક્ષાત્ થઈ જાય તે જ જીવનભરની સાધનાનું ફળ છે.

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.