મંત્ર (૧૨) ૐ શ્રી ધાર્મિકાય નમઃ

Submitted by swaminarayanworld on Tue, 09/02/2010 - 9:31pm

શતાનંદ સ્વામી કહે છે હે પ્રભુ ! તમે ધાર્મિક છો, તમોને ધર્મનિષ્ઠા પ્રધાન છે. ગમે તેવો પ્રસંગ હોય તોય ધર્મને કયારેય જતો નથી કરતા. અને સૌ ભકતજનોને પણ ધર્મમાં અચળ રહેવા વારંવાર ઊપદેશ આપો છો.

શ્રીજીમહારાજ વચનામૃતમાં કહે છે કે, "ધર્મવાળા અમને બહુ ગમે છે ધર્મવાળા પાસે અમો અખંડ રહીએ છીએ." કેવી સુંદર ધર્મની વ્યવસ્થા બાંધી છે. સ્ત્રી પુરુષોનાં મંદિરો જુદાં કર્યાં અને સદાચારની પ્રવૃત્તિ કરી. સ્ત્રીએ પુરુષનો સ્પર્શ ન કરવો. પુરુષે સ્ત્રીનો સ્પર્શ ન કરવો. આવી મર્યાદા બાંધી શા માટે ? ધર્મને લાંબાકાળ સુધી ટકાવવા માટે. સ્ત્રી પુરુષોનો જરાય ભેળીસાળો ન રાખ્યો.

શ્રીજીમહારાજે રંગ ઊત્સવ ઘણી જગ્યાએ કર્યા, પણ સ્ત્રી સ્ત્રીઓમાં રંગે રમે અને પુરુષ પુરુષોમાં રંગે રમે. ધર્મને જરાય ઢીલો થાવા ન દીધો. પુત્રનો ધર્મ છે કે માતા પિતાની સારી રીતે પ્રેમભાવથી સેવા કરવી. તો એ ધર્મની ફરજ સ્વામિનારાયણ ભગવાને પુરી કરી. વિશ્વના નિયંતા છે છતાં મા-બાપને દરરોજ પગે લાગે અને સેવા કરે. એવા ભગવાન ધાર્મિક છે.

-: ધર્મ પ્રભુનું હૃદય છે :-

ભક્તિમાતા બિમાર થયાં ત્યારે ઘનશ્યામ મહારાજ માના ખાટલાની પાંગતે બેસીને માના પગ દાબે. જોઈતું કરતું બધું આપે. માતા-પિતાની ખૂબ સેવા કરી. ધર્મનો માર્ગ શિખવાડ્યો. કોઈ વડીલ સામે આવે તો ઘનશ્યામ મહારાજ નમસ્કાર કરે, કુશળતા પુછે. આવા વિવેકરૂપી ધર્મને ધારણ કરનારા છે.

ઘનશ્યામ મહારાજે ધર્મનું કેવું પાલન કર્યું. ? જયાં મોકલ્યા ત્યાં ગયા. ભક્તિ માતા કહે "ઘનશ્યામ બળતણ થઈ રહ્યું છે. તો બળતણ લેવા જાય. લોજમાં મુકતાનંદસ્વામી કહે, "સરજુદાસ ! યાત્રાળુ માટે અથાણું કરવું છે, તો ચીંભડાં લઈ આવો." તો તરત તૈયાર થઈ જાય. ધર્મ પ્રભુનું હૃદય છે. ધર્મને તમે સાચવશો તો ધર્મ તમને સાચવશે. સ્વામી નિષ્કુળાનંદજી ગાય છે.

ધર્મે હાલવું ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી ધર્મે રહેવું ધર્મે કહેવું, ધર્મે લેવી વાત સાંભળી

સર્વે કામ ધર્મે કરવાં, ધર્મ મૂકી ન કરવું કાંઈ સર્વે કાળે એમ સમજી, રહેવું સદાય ધર્મમાંહી ।।

ધર્મનું તન મન અને ખરા ખંતથી સેવન કરવું જોઈએ. જીસને ધર્મ સંપાદન નહિ કિયા એસા ધર્મહીન નાસ્તિક આદમી જિંદા હો તોભી મુડદે જેસા હૈ । દેહ જીવકો આધાર હૈ, વૈસી જિંદગી ધર્મ કે આધાર પર હૈ.

ધર્મ એવ હતો હન્તિ, ધર્મો રક્ષતિ રક્ષિતઃ

જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરેછે, મીઠા વિનાનું ભોજન નીરસ છે. તેમ ધર્મ વિનાના બધાંજ સાધનો વ્યર્થ, નિર્બળ અને લૂખાં છે. કોઈ પંચાગ્નિ તાપે, કોઈ ભલેને આખા ભારતની યાત્રા પગે ચાલીને કરે, કોઈ ચાર વેદ કંઠસ્થ બોલી શકે, યજ્ઞો કરીને ભૂમિને કુંડોથી ભરી દે, ગમે તેટલી ભક્તિ કરે, જપ કરે, સ્વાધ્યાય કરે, પ્રદક્ષિણા કરે, દંડવત્ કરે, પણ જો તેમાં ધર્મ નથી, તો બધું જ નકામું છે. ધર્મ વિના મોક્ષ થતો જ નથી. જેમ વાંઝિયા પુરુષ થકી સ્ત્રીને કયારેય સંતાનરૂપી ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ ધર્મ વિના ગમે તેટલા જપ, તપ, વ્રત, દાન, પુણ્ય કરો તો પણ કોઈ ફળ કે પુણ્ય મળતું નથી. સર્વ સુખનું મૂળ ધર્મ છે.

શતાનંદ સ્વામી ધર્મને ધારણ કરનાર એવા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને વંદન કરી ૧૩ માં મંત્રમાં પ્રવેશ કરે છે.