અમદાવાદ ૪ : ભગવાન દેહ ધરતા થકા અજન્મા છે. નટવિદ્યાના જાણતલ.

Submitted by swaminarayanworld on Sun, 17/01/2016 - 2:24pm

અમદાવાદ ૪ : ભગવાન દેહ ધરતા થકા અજન્મા છે. નટવિદ્યાના જાણતલ.

સંવત્‌ ૧૮૮૨ના ફાગણ વદી ૩ તૃતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીઅમદાવાદ મધ્યે શ્રીનરનારાયણના મંદિરને સન્મુખ વેદિકા ઉપર ગાદીતકિયે યુક્ત જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં,ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ વિરાજમાન હતી અને પાઘને વિષે ગુલાબના તોરા ઝુકી રહ્યા હતા, અને શ્રવણ ઉપર ગુલાબના ગુચ્છ ખોસ્યા હતા, અને ગુલાબના બહુ હાર કંઠને વિષે વિરાજમાન હતા, ને બે બાંયે ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ મુનિમંડળ તથા હરિભક્ત પ્રત્યે એમ બોલ્યા જે, “સર્વે સાંભળો એક વાત કરીએ છીએ જે, પ્રથમ ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય કરવો તે ભગવાન કેવા છે તો પોતાની ઇચ્છાએ કરીને જીવના કલ્યાણને અર્થે જન્મ ધરે છે. ને જન્મને ધરતા થકા પણ અજન્મા છે, ને દેહને મુક્તા થકા પણ અજર અમર છે, ને નિરંજન છે, કેતાં માયાના અંજને કરીને રહિત છે, ને મૂર્તિમાન છે, અને સ્વયંપ્રકાશ છે, પરબ્રહ્મ છે, અક્ષરાતીત છે, અંતર્યામી છે, અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે, અને મનુષ્ય દેહને જે ધરવું ને મુકવું તે તો નટની પેઠે ઈન્દ્રજાળ સરખું છે. અને અનંતકોટિ અક્ષરાદિક મુક્તના નિયંતા છે, ને સર્વેના સ્વામી છે, એવા જે શ્રીપુરૂષોત્તમ નારાયણ તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિષે શ્રીનરનારાયણ રૂપે પ્રગટ થઈને બદરીકાશ્રમને વિષે તપ કરે છે. અને વળી તે શ્રીનરનારાયણ તે પૃથ્વીને વિષે કોઇક કાર્યને અર્થે મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, રામ, કૃષ્ણાદિક જે દેહ તેને ગ્રહણ કરીને અને તે પોતાને દેહે કરીને અન્ય જીવના દેહાભિમાનનો ત્યાગ કરાવીને અને બ્રહ્મઅભિમાનને ગ્રહણ કરાવીને પોતાના દેહને અને અન્ય જીવના દેહને સમ દેખાડે છે. જેમ કાંટે કરીને કાંટાને કાઢીને બે કાંટાનો ત્યાગ કરે. તેમ ભગવાન પોતાના દેહનો અન્ય જીવના દેહને તુલ્યપણે ત્યાગ કરે છે. તે ભારતને વિષે આખ્યાન છે જે નૃસિંહજીને જ્યારે દેહત્યાગ કર્યાની ઇચ્છા થઈ ત્યારે અંતર્યામીરૂપે કરીને શિવના હૃદયને વિષે પ્રેરીને શિવ પાસે શરભનો દેહ ધરાવ્યો. અને તે શરભને ને નૃસિંહજીને યુદ્ધ થયું ને પછી નૃસિંહજીએ પોતાનો દેહ મુકી દીધો. એવી રીતે સ્વતંત્ર થકા પોતાની ઈચ્છાએ કરીને દેહને ગ્રહણ કરે છે ને દેહનો ત્યાગ કરે છે. તે જેમ ઋષભદેવનો દેહ દાવાનલને વિષે બળી ગયો, અને શ્રીકૃષ્ણભગવાનના પગમાં તીર લાગ્યો ને દેહનો ત્યાગ કર્યો, તે ચરિત્રને દેખીને જે નાસ્તિક મતિવાળા છે ને અભક્ત છે તેમની મતિ ભ્રમી જાય છે, અને પોતાની પેઠે ભગવાનને વિષે પણ જન્મ મૃત્યુનું આરોપણ કરે છે. અને તેમની મતિને વિષે એમ જણાય છે જે ભગવાન પણ કર્મે કરીને દેહને ધરે છે અને કર્મે કરીને દેહને મુકે છે. અને જ્યારે નૈષ્કર્મ્ય કર્મને કરશે ત્યારે કર્મ ખપીને મુક્ત થશે. અને જે આસ્તિક બુદ્ધિવાળા છે અને હરિભક્ત છે તે એમ જાણે છે જે નાસ્તિકની સમજણ છે તે ખોટી છે. ને ભગવાનનો દેહ તો નિત્ય છે, અને ભગવાનને વિષે જન્મ, બાલ્ય, યૌવન, વૃદ્ધપણું ને મૃત્યુ ઈત્યાદિક જે દેહના ભાવ તે તો ભગવાનની લીલા છે, અને કાળ ને માયા તે ભગવાનના દેહને વિષે ચેષ્ટા કરવાને અર્થે સમર્થ થતા નથી. અને ભગવાનના દેહને વિષે પરિણામપણું જણાય છે તે તો એ ભગવાનની યોગમાયાએ કરીને જણાય છે, અને તેને વિષે જે ભગવાનના ભક્ત છે, તે મોહ નથી પામતા ને જે અભકત છે તેની મતિ ભ્રમી જાય છે. જેમ નટનાં ચરિત્રને દેખીને જગતના જીવની મતિ ભ્રમી જાય છે. અને નટની વિદ્યાના જાણતલની મતિ નથી ભ્રમતી. તેમ પુરૂષોત્તમ એવા જે શ્રીનરનારાયણ તે અનેક દેહ ધરીને નટની પેઠે ત્યાગ કરે છે ને એ શ્રીનરનારાયણ સર્વે અવતારના કારણ છે ને શ્રીનરનારાયણને વિષે જે મરણભાવ કલ્પે છે તેને અનેક દેહ ધરવા પડે છે. ને ચોરાશીના દુ:ખનો ને યમપુરીના દુ:ખનો તેને પાર આવતો નથી. અને જે શ્રીનરનારાયણને વિષે અજર અમરપણું સમજે છે તે કર્મ થકી અને ચોરાશી થકી મુકાઈ જાય છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયના સર્વે સત્સંગી સાધુ ભગવાનની મૂર્તિયું જે થઈ ગઈ ને હમણાં છે ને આગળ થશે તેને વિષે મરણભાવ કોઈ કલ્પશો માં. અને આ વાર્તા સૌ લખી લેજો.” એમ કહીને શ્રીજીમહારાજ પોતાનું પ્રગટપણું જણાવતા હવા. ને તે વાર્તા સાંભળીને સર્વે તેવી જ રીતે શ્રીજીમહારાજનો નિશ્ચય કરતા હવા.

ઇતિ વચનામૃતમ્ અમદાવાદનું ।।૪।। ૨૨૪ ।।

Monday, 26th March, 1826

નોંધ – આ વચનામૃતનો સમાવેશ વડતાલ દેશની આવૃતિમાં નથી.