અમદાવાદ ૭ : ભગવાનના માહાત્મ્ય સાથે શ્રીજી પોતાનું પુરુષોત્તમપણુ કહે છે

Submitted by swaminarayanworld on Sun, 17/01/2016 - 2:51pm

અમદાવાદ ૭ : ભગવાનના માહાત્મ્ય સાથે શ્રીજી પોતાનું પુરુષોત્તમપણુ કહે છે.

સંવત્‌ ૧૮૮૨ના ફાગણ વદી ૭ સપ્તમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રીનરનારાયણના મંદિરને વિષે દૃરવાજાના મેડા ઉપર વાસુદેવમાહાત્મ્ય વંચાવતા હતા. પછી ઉઠીને દૃરવાજા પાસે લીંબડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર સંધ્યા સમે વિરાજમાન થયા હતા. અને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ બાંધી હતી, તેમાં ગુલાબના તોરા ખોસ્યા હતા, ને ગુલાબના હાર પહેરીને ગરકાવ થયા હતા. ને શ્વેત પછેડી ઓઢી હતી, ને શ્વેત સુરવાળ પહેર્યો હતો, ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે પ્રાગજી દૃવે શ્રીજીમહારાજને પ્રશ્ન પુછ્યો જે, “હે મહારાજ ! તમારે વિષે કીયે પ્રકારે મન સ્થિર થાય ને વ્યભિચારને કોઈ કાળે ન પામે તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમારા પ્રશ્નનો ઉત્તર કરીએ તેને તમે સાંભળો” એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનનું માહાત્મ્ય જાણવા થકી ભગવાનને વિષે મન સ્થિર થાય છે તે માહાત્મ્ય જાણવાની રીત કહીએ છીએ જે, પ્રથમ અમે પીપલાણામાં લાધા બ્રાહ્મણને ઘેર રામાનંદ સ્વામીને એમ પુછ્યું હતું જે, તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક છો ? ત્યારે રામાનંદ સ્વામી તો બોલ્યા જ નહિ. ને ત્યારપછી અગણોત્તરા કાળમાં અમે માંદા થયા હતા ત્યારે અમે ક્ષીરસાગરને વિષે શેષશય્યાને વિષે શેષશાયી નારાયણ સુતા છે ત્યાં ગયા. ત્યારે ત્યાં અમે રામાનંદ સ્વામીને જોયા. તે ધોળી ધોતી પહેરી હતી ને પછેડી ઓઢી હતી. એવા બીજા પણ ઘણાક શેષશાયી નારાયણના ચરણારવિંદને સમીપે બેઠા હતા તે અમે જોયા. ત્યારે અમે નારાયણને પુછ્યું જે, આ રામાનંદ સ્વામી તે કોણ છે ? પછી નારાયણે કહ્યું જે, એ તો બ્રહ્મવેત્તા છે. એમ નારાયણને બોલતે સતે રામાનંદ સ્વામી તો તે નારાયણના શરીરને વિષે લીન થયા. ને ત્યાર પછી અમે દેહને વિષે આવ્યા, ને તે પછી અમે અંતરદૃષ્ટિ કરી ત્યારે પ્રણવનાદને જોયો. તે જોતાં જોતાં નંદીશ્વર પોઠીયો આવ્યો તે ઉપર બેસીને કૈલાસમાં શિવજી પાસે ગયા. ને ત્યાં ગરૂડ આવ્યો તે ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મધામને વિષે જાતા હવા. ત્યાં ગરૂડ પણ ઉડી શક્યો નહિ એટલે અમે એકલા જ તે સર્વ થકી પર એવું જે શ્રી પુરૂષોત્તમનું ધામ તેમાં ગયા. ત્યાં પણ હું જ પુરૂષોત્તમ છું, મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહિ. એટલે ઠેકાણે ફર્યા અને પછી અમે દેહને વિષે આવ્યા, ને ફેર અંતર સામું જોયું ત્યારે એમ જણાણું જે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, તેનો કર્તા પણ હું જ છું. ને અનંત બ્રહ્માંડુંના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ, એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. અને વળી હું કેવો છું તો મારા પગને અંગુઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમા, તારા આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિષે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિષે મન સ્થિર થાય, ને કોઈ કાળે વ્યભિચારને પામે નહિ, ને જે જે જીવ મારે શરણે આવ્યા છે ને એમ સમજશે તેને સર્વેને હું સર્વોપરી એવું જે મારૂં ધામ છે તેને પમાડીશ, અને તે સર્વેને અંતર્યામી જેવા કરીશ, ને બ્રહ્માંડુંની ઉત્પત્યાદિકને કરે એવા સમર્થ કરીશ, પણ પછી સામર્થી પામીને એમ જાણે જે હું જ મોટો છું, એમ જાણીને ઋષિરૂપ એવા જે પ્રત્યક્ષ શ્રીનરનારાયણ તેને ગણવા જ નહિ એવો અહંકાર આવવા દેવો નહિ, ને એમ જાણવું જે શ્રીનરનારાયણની કરૂણાએ કરીને હું મોટપ પામ્યો છું.” એમ શ્રીજીમહારાજે એ પ્રશ્નનો ઉત્તર કર્યો.

ઇતિ વચનામૃતમ્ અમદાવાદનું   ।।૭।। ૨૨૭ ।।

Friday, 30th March, 1826

નોંધ – આ વચનામૃતનો સમાવેશ વડતાલ દેશની આવૃતિમાં નથી.