મંત્ર (૨૯) ૐ શ્રી તૈર્થિકાર્ચિતાય નમઃ

Submitted by swaminarayanworld on Sat, 27/02/2016 - 5:01pm

મંત્ર (૨૯) ૐ શ્રી તૈર્થિકાર્ચિતાય નમઃ

શતાનંદ સ્વામી કહે છે, હે પ્રભુ ! તમે તૈર્થિક અર્ચિત છો, એટલે તીર્થમાં રહેલા દેવો અને ભકતોથી પૂજાએલા છો, તીર્થો તમારી પૂજા કરે છે.

નિલકંઠ વર્ણી વનમાં ફરતા ફરતા બદરીનારાયણ પધાર્યા. ત્યાં દેવનાં દર્શન કરી, પવિત્ર અલકનંદા ગંગામાં સ્નાન કર્યું. પછી એક જગ્યાએ બેસી સ્વરૂપનું ધ્યાન કરે છે ત્યાં મૂર્તિમંત બદરીનારાયણ ભગવાન વર્ણી પાસે પધાર્યા અને કહ્યું તમો સત્સંગમાં જાવ ત્યારે આ સ્વરૂપની સ્થાપના કરજો. તેથી મહારાજે પ્રથમ અમદાવાદ અને ભુજમાં ભકતજન હિતાર્થે નરનારાયણ દેવની સ્થાપના કરી છે અને ભકતજનોને કહ્યું છે કે આ દેવના આશ્રિત થઈને રહેશો તો તમોને આલોક તથા પરલોકમાં કયારેય પણ કષ્ટ નહિ આવે.

ભરતખંડમાં આજ ઠેકાણે, મારી મૂર્તિ તે કોઈક જાણે;

માટે ગુજરાત મધ્યે વિચારી, પધરાવજો મૂર્તિ અમારી.

-: કચ્છ દેશ એટલે પુણ્ય ભૂમિ :-

સ્વામિનારાયણ ભગવાનનાં કરુણામૃતથી સભર એવો કચ્છ દેશ છે. કચ્છ દેશને શાસ્ત્રો અને પુરાણોએ પરમપવિત્ર દેશ માનેલો છે. જેમ જનેતા માવડી પોતાના કોડીલા કુંવરને કાંખમાં તેડે, તેમ ભારતમાતાએ આ કચ્છ દેશને પોતાની કાંખમાં તેડેલો છે. શ્રીજીમહારાજે શૂરવીર અને શ્રધ્ધાવાન સપૂતોને જન્મ દેનારી કચ્છની ધીંગી ધરતીના ખૂબ વખાણ કર્યા છે. શ્રીજીમહારાજના પાવનકારી પગલાંથી આ કચ્છની ધરતી વિશેષ પાવન બની છે. ભક્તિથી ભરપુર, નિષ્કપટ, ભોળા, ભકતો આ કચ્છ દેશના દાગીનારૂપ છે, એવા ભકતોથી અને સંતોથી કચ્છ દેશનો સત્સંગ ભર્યો ભર્યો લાગે છે. કચ્છ દેશ એટલે પુણ્ય ભૂમિ.

કહેવાનો સૂર પ્રભુની પૂજા તીર્થો પણ કરે છે. કેમ કે ભગવાન તો તીર્થના પણ તીર્થ છે, કારણ કે અડસઠ તીર્થો ભગવાનના ચરણોમાં રહે છે. નીલકંઠવર્ણી ઊઘાડે પગે વનમાં ફરતા ફરતા હિમગીરી તરફ ચાલતાં ચાલતાં રસ્તો ભૂલી ગયા. બધા રસ્તા એણે બનાવ્યા છે, એને શું ખબર ના હોય ? પણ લીલાનો વિસ્તાર કરવા માટે પ્રભુ ચરિત્રનો વિસ્તાર કરતા હોય છે. ઉભા રહી ગયા. ત્યાં હિમાલય મૂર્તિમાન રાજાના જેવું સુંદર રૂપ ધરીને આવ્યા, પ્રભુને નમસ્કાર કરી બે હાથજોડી ને કહ્યું, "મારા જેવું કામ બતાવો, પ્રભુ તમને પગે ચાલીને હવે નથી જવાનું, હું હમણાં જ વાહન લઈ આવું છું, તેમાં બેસીને આપ તીર્થ કરવા પધારો."

નીલકંઠવર્ણીએ કહ્યું, "વાહનની અમારે કોઈ જરૂર નથી, પણ માર્ગ ભૂલી ગયા છીએ, તે બતાવો, અમારે બદ્રિકાશ્રમ તરફ જવું છે." હિમાલય હસીને બોલ્યા, ઓળખી ગયા કે આ જગતનો માલિક સ્વયં પોતે શ્રીહરિ છે, તેથી કહ્યું, "પ્રભુ ! તમે ભૂલેલાને માર્ગ બતાવો એવા છો. છતાં પૂછો છો તો કહું છું સાંભળો.

તમે વ્યાપક સર્વ પ્રદેશ, નથી તમથી અજાણ્યું લેશ ।

તમે મારગે સૌને ચડાવો, ભૂલેલાને માર્ગ બતાવો ।।

તમે છો પ્રભુ અંતરજામી, અનંત બ્રહ્માંડના એક સ્વામી ।"

હિમાલય બોલ્યા છે, "હે પ્રભુ ! તમે દૃષ્ટા છો, તમને બધી જ ખબર હોય, આખી દુનિયાનાં દૃશ્ય તમારી હાથની હથેળીમાં હોય તેમ તમે દેખો છો, આ જગતમાં તમે જ રસ્તા બનાવ્યા છે, તમારાથી કાંઈ અજાણ નથી, તમે આખી દુનિયાના જાણકાર છો. છતાંય પૂછો છો તો કહું છું.

ગુફામાંથી ગંગા આવે સામી, તેના સન્મુખ ચાલજો સ્વામી ।

જયારે પામશો પર્વત પાર, ત્યારે આવશે મારગ સાર ।।"

હિમલય પર્વતે માર્ગે બતાવ્યો. પૂજા આરતી કરીને અંતર્ધાન થઈ ગયા. આવી રીતે પ્રભુ તમે તીર્થ દેવતાઓથી પણ પૂજાયેલા છો, તેમ અધિષ્ઠાતા દેવથી પણ પૂજાયેલા છો.

એક સમજવા જેવી મુદ્દાની કથા આવે છે, આપણને સજાગ થવાની ને સમજવાની જરૂર છે. શાસ્ત્રો કહે છે કે, વિધિ પૂર્વક યાત્રા કરવી જોઈએ, ખુલ્લા પગે ભગવાન છપૈયામાં ગોકુળમાં અને અયોધ્યામાં ફર્યા છે, મહિમા પૂર્વક યાત્રા કરીએ તો લેખાની થાય. મહિમા કેમ સમજવો ?

ગાય છે તે પશુ નથી પણ દેવ છે, તુલસી છે તે ઝાડ નથી પણ લક્ષ્મીસ્વરૂપ છે, ગંગાજી આદિક પવિત્ર જળાશયો તે પાણી નથી પણ જળદેવતા છે, જળ પ્રધાન તીર્થ અને સ્થળ પ્રધાન ક્ષેત્ર તેમાં સાક્ષાત ભગવાન બિરાજેલા છે, આવો મહિમા સમજવો.

કાશી જ્ઞાનભૂમિ છે. છપૈયા અને અયોધ્યા તે વૈરાગ્ય ભૂમિ છે. વૃંદાવન અને ગોકુળ તે પ્રેમ ભૂમિ છે. ગઢપુર ને વડતાલ ધર્મપ્રધાન ભૂમિ છે. અમદાવાદ અને કચ્છદેશ તે ભક્તિ પ્રધાન ભૂમિ છે. આવા પવિત્ર ધામમાં શાંતિથી માળા ફેરવશો, ધ્યાન ધરશો, કથા કીર્તન આદિક સત્સંગ કરશો, તો તે અનંત ફળ આપનારું થશે, પ્રભુમાં પ્રેમ પ્રગટશે, અને ઊત્તરોત્તર ભક્તિ વધતી જશે.

-: હવે જોયા જેવું થશે :-

શતાનંદસ્વામી કહે છે, તીર્થ કરવા જવું ત્યારે કોઈ નિયમ લેવો જોઈએ, ઘણા માણસો તીર્થ કરવા જાય ત્યારે કેળાં નહિ ખાઉં, ચીકુ નહિ ખાઉં, શાક નહિ ખાઉં, આવાં નિયમો લે છે. વસ્તુનો ત્યાગ એ સાધારણ નિયમ કહેવાય, પણ અંતરમાં જે શત્રુ નડે છે તેનો ત્યાગ કરવો તે શ્રેષ્ઠ નિયમ કહેવાય છે.

ઊત્તમ નિયમ તો એ છે કે, હવે હું ક્રોધ નહિ કરું, ગુસ્સે નહિ થાઉં, આવા નિયમ સૌએ લેવા જેવો છે. એક બાપાએ છપૈયામાં નિયમ લીધો કે, આજથી હું ક્રોધ નહિ કરૂં, બધાંને વિચાર થાય કે, બાપાએ ભલે નિયમ સરસ ને ઊત્તમ લીધો છે, પણ નિયમ પાળી નહિ શકાય, એમ કરતાં બાપા તીર્થ કરીને ઘેર આવ્યા. બાપાનો સ્વભાવ મરચાં જેવો તીખો હતો, તેથી તેને આખું ગામમાં કાનજીતીખો કહેતા, વાતની વાતમાં ગરમ થઈ જાય, મગજ છટકી જાય. એક દિવસ એના ભત્રીજાને વિચાર થયો, હું એવો પ્રસંગ ઉભો કરૂં, કે બાપાનો નિયમ તોડાવું. તેથી ભત્રીજાએ પોતાને ઘેર જમણવાર કર્યો, કે બાપા તમે તીર્થ કરીને આવ્યા છો તો અમારે ઘેર જમવા આવજો. તીર્થવાસીને જમાડીએ તો તીર્થનું પુણ્ય મળે. સગાં સંબંધી બધાં જમવા આવ્યા, બાપાની સાથે સગાં સંબંધી બધાં જમવા બેઠાં, ભત્રીજાએ બધાંની થાળીમાં દાળ, ભાત, રોટલી, શાક અને પકવાન પીરસ્યું, પણ બાપાની થાળીમાં કાંઈ પણ પીરસ્યું નહિ.

ખાલી થાળી જોઈને બાપા બોલ્યા, કાંઈક જમવા તો દો, ત્યાં તો ભત્રીજાએ દોડીને બે લાડવા જેવડા પથ્થરા થાળીમાં મૂકી દીધા. ભત્રીજાને એમ કે હવે જોયા જેવું થશે. પણ બાપા કાંઈ ન બોલ્યા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કરતા કરતા શાંતિથી બેઠા છે, જરાય દુઃખ ન થયું, કે આ લોકો મારું અપમાન કરે છે.

અને આવી જગ્યાએ આપણે હોઈએ તો ? જોયા જેવી થાય, મગજ છટકી જાય અને ભારે ઝઘડો ઉભો થાય હો ! કેમ ? જમાડવાની ત્રેવડ ન હોય મને આમંત્રણ કેમ આપ્યું ? મારું અપમાન કરવા મને બોલાવ્યો ? ગાળો બોલે હો ! પણ બાપા કાંઈ ન બોલ્યા, નિયમ લીધો તો શિરને સાટે પાલન કર્યું અને જીવનમાં સુખ અને શાંતિ રહી.

આવાં નિયમ જીવનને ધન્ય બનાવે છે, શાંતિ અપાવે છે. પછી ભત્રીજાએ બાપાની માફી માગી કે, બાપા ! તમારી પરીક્ષા લીધી પણ તમે નિયમમાંથી જરાય ડગ્યા નહિ. આવા નિયમ લેવાની મને અને તમને જરૂર છે. ગાળો દેવાની ટેવ હોય તો નિયમ લેજો હવે ગાળો નહિ બોલીએ. લોભિયો સ્વભાવ હોય તો નિયમ લેજો લોભ નહિ કરીએ. ગુસ્સે થવાની ખોટી ટેવ હોય તો નિયમ લેજો ગુસ્સે નહિ થઈએ. ચોરી કરવાની ટેવ હોય તો નિયમ લેજો ચોરી નહિ કરીએ. વાતની વાતમાં સંતનો દ્રોહ કરવાની ટેવ હોય તો નિયમ લેજો હવે કોઈ સાધુ સંતનો દ્રોહ નહિ કરીએ. ઈર્ષા અદેખાઈ કરવાનો સ્વભાવ હોય તો નિયમ લેજો, ઈર્ષા અદેખાઈ નહિ કરીએ.

આવા નિયમો લેવાની જરૂર છે. આ મંત્ર છે તૈર્થિકાર્ચિતાય નમઃ પ્રભુ તીર્થને પાવન કરવા પગલાં માંડ્યાં છે, પ્રભુ તીર્થ કરવા પધાર્યા છે. અને આપણને ઊપદેશ આપે છે, તમે પણ તીર્થ કરવા જરૂર જજો. ત્યાર પછીનો મંત્ર છે તે, જીવનમાં ઊતારવા જેવો છે.