મંત્ર (૫૪) ૐ શ્રી કૃષ્ણાચાર્યાસ્થાપનકરાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 2:42pm

મંત્ર (૫૪) ૐ શ્રી કૃષ્ણાચાર્યાસ્થાપનકરાય નમઃ

શતાનંદસ્વામી કહે છે :‘‘પ્રભુ ! તમે તમારા હાથે, મૂર્તિઓ પધરાવી છે. જે જગ્યાએ જેવી મૂર્તિઓ પધરાવવી જોઈએ, તેવી મૂર્તિઓ તમે મંદિરોમાં પધરાવી.’’

નરનારાયણ દેવ બદરીનારાયણ ધામમાં બિરાજે છે. ત્યાં બધાં દર્શન કરવા ન જત શકે. તેથી કચ્છ ભુજમાં અને અમદાવાદમાં મંદિર બનાવીને નરનારાયણ દેવને પધરાવ્યા, ગઢપુરમાં ગોપીનાથજી પધરાવ્યા, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, ધોલેરામાં મદનમોહન અને જૂનાગઢમાં રાધારમણદેવ પ્રભુએ પોતાના હાથે પધરાવ્યા.

ગઢપુરમાં ગોપીનાથજીની પડખે સૂર્યનારાયણ દેવ પધરાવ્યાં. શા માટે ? કારણ કે કાઠી દરબારો બધા સૂર્યનારાયણના ઉપાસક હતા. તેથી સૂર્યનારાયણની સ્થાપના કરી, જેથી બધા કાઠી દરબારો મંદિરે દર્શન કરવા આવે, ને સર્વોપરી ભગવાનની સ્થાપનાની ઓળખાણ થાય.

જૂનાગઢમાં નાગર બ્રાહ્મણો ઘણા, તે બધા શિવની ઉપાસનાવાળા. શિવને ભજે. તેથી ભગવાન સ્વામિનારાયણે રાધારમણદેવની પ્રતિષ્ઠા કરી. પણ સાથે સાથે સિધ્ધેશ્વર મહાદેવની પણ સ્થાપના કરી. એનાં દર્શન નિમિત્તે નાગરો મંદિરે આવતા થયા. બહુ વિચારીને દેવ પધરાવ્યા છે. જયાં જેવા દેવ પધરાવવા ઘટે ત્યાં તેવા દેવ પધરાવ્યા છે. જુદા જુદા સ્વરૂપો પધરાવ્યાં પણ નામના પોતાની રાખી. ગઢપુર જાવ અને એમ કહો કે, ગોપીનાથજીનું મંદિર કયાં છે ? તો કોઈ ન બતાવે. પણ એમ કહો કે, સ્વામિનારાયણનું મંદિર કયાં ? તો તરત બતાવશે.

મંદિર બંધાવી પછી ભગવાને સાધુઓને આજ્ઞા આપી કેઃ ‘‘હે સંતો ! તમે ભગવાનની પૂજા કરજો. પૂજારી બીજા નહિ પણ તમે પૂજારી થજો તમે ભલે ત્યાગી છો પણ ભગવાનની પૂજા ભારે ભારે કિંમતી વસ્ત્ર અલંકારોથી સેવા કરજો. કેશર-ચંદન વિગેરે ષોડશોપચારથી સેવા કરજો. ભગવાનને સોનાના દાગીના પહેરાવજો. પ્રભુને જુદા જુદા મેવા મીઠાતના થાળ ધરજો. તમે ભલે ત્યાગી છો પણ ભગવાનમાં અનુરાગી થાજો. શુષ્ક હૃદય નહિ પણ ભાવ ભીની ભક્તિ કરજો ને બીજાને કરાવજો.

-: હું તમારી પ્રત્યક્ષ સેવા સ્વીકારીશ. :-

દામ વિનાના દાસ સાધુ સંત છે. તેને પૂજા કરવાની આજ્ઞા આપી અને દેવનો અપરાધ ન થાય તેવો ઉપદેશ આપ્યો. જે દેવનું પૂજન કરવા તત્પર થાય તે દેવ જેવો પવિત્ર થઈને પૂજા કરે તો દેવ એની પૂજાને અંગીકાર કરે છે.

મલિન વસ્ત્ર પહેરીને પૂજા કરાય નહિ. પૂજા કરતા બોલાય નહિ. જમીને એંઠા મુખે પૂજા કરાય નહિ. અપવિત્ર હાથે ભગવાનનો સ્પર્શ કરાય નહિ. એક હાથે પ્રણામ કરાય નહિ. એક પ્રદક્ષિણા કરાય નહિ. ભગવાન પોઢ્યા હોય ત્યારે પ્રદક્ષિણા કરાય નહિ, ભગવાનને પ્રાર્થના કર્યા વગર જગાડાય નહિ. ભગવાનને પ્રાર્થના કરીને પોઢાડાય. ભગવાનની પૂજા ઋતુ અનુસારે કરાય. સમય સમયના વસ્ત્ર અલંકાર ધરાવાય. સમો જોતને કીર્તન ગવાય, વાસી ફૂલોથી પૂજા કરાય નહિ. કાગડા કે કૂતરાં અડી ગયાં હોય એવા અપવિત્ર વસ્ત્ર પહેરીને પૂજા કરાય નહિ.

ભગવાન સામે પગ લાંબા કરાય નહિ. પૂંઠ વાળીને બેસાય નહિ ભગવાનને જમાડ્યા વગર કોઈ વસ્તુ જમાય નહિ. મંદિરમાં ગ્રામ્ય વાર્તા કરાય નહિ. વિષય વાસનાથી દૂર રહેવું, ભગવાન સાક્ષાત બિરાજેલા છે, એવો ભાવ રાખીને પૂજા કરવી. આ પ્રમાણે સેવા કરશો તો ભગવાન કહે છે : ‘‘હું તમારી પ્રત્યક્ષ સેવા સ્વીકારીશ.’’ ભગવાને પોતાના હાથે મૂર્તિઓ પધરાવેલ છે. તેથી શતાનંદસ્વામી કહે છેઃ ‘‘પ્રભુ !તમો કૃષ્ણર્ચાસ્થાપનકરાય છો.’’