મંત્ર (૫૬) ૐ શ્રી કલિતારકાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 5:11pm

મંત્ર (૫૬) ૐ શ્રી કલિતારકાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, હે મહારાજ ! કેટલાય મતવાદીઓ એમ કહે છે કે કલિયુગમાં કલ્યાણ થાય નહિ, કલિયુગમાં ભગવાન અવતાર લે નહિ. કલિયુગમાં ભવસાગર તરી ન શકે, કલિયુગમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન થાય નહિ. કલિયુગમાં સતી, યતિ અને યોગી જોવા મળે નહિ, પણ

શતાનંદસ્વામી કહે છે :- ‘‘ ભગવાન સ્વામિનારાયણ કલિયુગમાં પ્રગટ થયા છે. અનેકનાં કલ્યાણ કરેલાં છે અને કરે છે. કલિમાં પણ અનેકને ભવસાગરથી તાર્યા છે. તેથી તમે કલિતારક છો. જેનાં પાપ પર્વત જેવડાં હોય તેને પણ પ્રભુએ તારી દીધા છે. વડતાલનો જોબનપગી લૂંટારો જેટલી સાડીમાં ભાત એટલા એના પાપ છતાંય ભગવાને એને તારી દીધો. લોઢા જેવાને પણ તારી દીધા.

-: પોતે તરે ને બીજાને તારે :-

વેરો લૂંટારો, ધોળે દહાડે જાન લૂંટનારો, તેને તારી દીધો. દાંતણ પણ ચોરે નહિ, દાંતણ જેવી વસ્તુ લે તે રજા લઈને લે. અનેકને તાર્યા છે. કલિયુગમાં કોઈક કહેશે બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન થઈ શકે, પણ ભગવાન તો કલિતારક છે. તેથી અનેક સાંખ્યયોગી બાતઓ અને અનેક સંતો બ્રહ્મચર્ય વ્રતનું અણી શુદ્ધ પાલન કરે છે. તે બધો કલિતારક સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે.

કલિયુગમાં તમને યોગી જોવા ન મળે. પણ ભગવાને કલિયુગમાં પણ સત્યુગ જેવા યોગી બનાવ્યા. પોતે તરે ને બીજાને તારે એવા પ્રબળ યોગી. તમોને ગામો ગામ મંદિરમાં જોવા મળશે.

કલિકાળમાં સત્યુગ જેવા ભકતો પણ તમને દેખાશે. જેઓ કોઈ દિવસ પારકા ધનની આશા રાખતા નથી. પારકી સ્ત્રી સામે ઊંચી આંખ કરી જોતા નથી. એની દષ્ટિમાં વિકાર કે વાસના નથી. કરોડો રૂપિયાના આસામી હશે, છતાંય એમનામાં સાદાંત દેખાતી હશે, કલિયુગનાં દૂષણો એને એક પણ અડતાં નથી. એ બધો કલિતારક પ્રભુનો પ્રતાપ છે.

વહાલે કલિ મધ્યે અતિ કરૂણા કરી, લીધો વૃષકુળે રે ગણનિધિ અવતાર. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ....

વહાલે સતયુગ સમ ધર્મ સ્થાપિયો, ટાળ્યા નિજજનના મનથી મદમાર. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ....

-: આ લપ કયાંથી આવી ! :-

એક મંદિરના મહંત હતા. તેને ભગવાનને મળવાની તચ્છા થઈ તેથી ગઢપુરની વાટ લીધી. સંધ્યા સમય થયો. ગાઢ જંગલ. તેમાં પગપાળા ચાલ્યા જાય છે. ત્યાં તેની પાસે સોનાના દાગીના પહેરીને એક યુવાન સ્ત્રી આવી. તરત મહંતજીનો હાથ પકડી લીધો. મહંતની ઉંમર ૪૦ વરસની. સ્ત્રી બોલી : ‘‘આજથી તમે મારા પતિ, આ પૈસા સોનામહોરો અને હું બધું જ આજથી તમારું તમને જાવા નહિ દઉં.’’  ગાઢ જંગલ સાવ એકલા, કરવું શું ? મહંત મૂંઝાત ગયા, ‘‘પણ હું તો બાવો છું, ને તે મને કયાં પકડ્યો ?’’ સ્ત્રીએ કહ્યું, ‘‘ગમે તે હો તમે મારા પતિ, આપણે સાથે રહેશું ને મજા કરશું. દાગીનાની પોટલી સાંચવી લો.’’ આ મહંત સમજી ગયા કે, ચોક્કસ મૂર્તિમત માયા લાગે છે. જો માયામાં ફસાયા તો ગયા ! ભગવાન ભૂલાશે ને જિંદગી બગડશે.

આ ભૂત કયાંથી વળગ્યું ? હવે છૂટાય કેમ ? હાથ મૂકતા નથી. મહંત એક  બે માતલ ચાલ્યા, પછી મહંતજીએ કહ્યુંઃ ‘‘આ મારાં વસ્ત્ર સાંચવ. હું હમણાં સ્નાન કરીને આવું છું.’’ એક કૌપીન પહેરીને જાય ભાગ્યા. પાંચ ગાઉ સુધી દોડતાં જ ગયા. ઓલી સ્ત્રી વાટ જોતી જ રહી ગઈ. ત્યાં મંદિર આવ્યું ત્યાં રોકાણા ને વિશ્રાંતિ લીધી.

પૂજારીને થયું, આ યુવાન મહંતજી બહુ રૂપાળા છે તેને મારી દીકરી સાથે પરણાવી દઉં, પછી વાત કરી કે, ‘‘આ મંદિર છે તેના મહંત તમે થાવ અને મારી દીકરી સાથે લગ્ન કરો ! મારી પાસે ખૂબ ધન છે તે બધું તમારું. દીકરો છે નહિ. જે છે તે તમને મળશે.’’

આ યુવાનને થયું વળી બીજી માયા આવી. માંડ માંડ છૂટ્યા ને આ લપ કયાંથી આવી, પૂજારીએ કહ્યું :- ‘‘નહિ પરણો તો જેલમાં પૂરીશ.’’ યુવાને કહ્યું :- ‘‘જેલમાં પૂરશો તો પણ પરણીશ નહિ.’’ સાચે જ જેલમાં પૂરી દીધા. ચારે બાજુ ચોકી રાખી, કયાંય જવાય નહિ, હવે શું કરવું ? રાત્રે જાજરૂની બારી હતી તેમાંથી નીકળી ગયા. બધા ગોતતા જ રહી ગયા...

દોડતાં આવ્યા ગઢપુર સ્વામિનારાયણનાં દર્શન થતાં શાંતિ શાંતિ થઈ ગઈ. પ્રભુને પ્રાર્થના કરી :- ‘‘મને સાધુ કરો.’’ પછી પ્રભુએ તેમને સાધુ કર્યા. નામ રાખ્યું ગોવિંદાનંદસ્વામી કલિતારક પ્રભુના પ્રતાપથી માયા એને લોભાવી શકી નહિ.

ભગવાન કહે છે :- ‘‘ચોમાસામાં કાદવ કીચડ થાય. પગ લપસે નહિ તેનું બહુ ધ્યાન રાખવું પડે. કાંતો લાકડી રાખવી જોઈએ. કાંતો દીવાલનો ટેકો લેવો જોઈએ. કાંતો રસ્તો સારો થાય પછી ચાલવું જોઈએ. એમાં આ કલિયુગનો કીચડ છે. એમાં કયારે પગ લપસે તેનું કાંઈ કહેવાય નહિ અને તેથીજ તેને પ્રભુ ભજનનો ટેકો જોઈએ. જેને સંતની દીવાલ મળી ગઈ હશે તેટલાજ આ સંસારરૂપી કલિયુગના કીચડમાંથી બહાર નીકળી શકશે. સાચા સંતનો સંગ મળી જાય. આ કલિયુગમાં માયાથી, મોહથી અને મમતાથી બચવું કઠણ છે. પ્રભુ કલિતારક છે. કલિયુગમાં અનેકને તાર્યા છે ને તારશે.