મંત્ર (૭૮) ૐ શ્રી નૈષ્ઠિક વ્રતપોષકાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 8:02pm

મંત્ર (૭૮) ૐ શ્રી નૈષ્ઠિક વ્રતપોષકાય નમઃ

શતાનંદસ્વામી કહે છે- પ્રભુ ! તમે નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતના પોષક છો, નૈષ્ઠિક વ્રતનું પ્રતિપાદન કરનારા છો. કેટલાકનું માનવું એવું હોય છે કે કલિયુગમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન થઇ શકે, અશક્ય છે. આ બાબત પણ સમજવા જેવી છે.

જેને ગુરુનું અવલંબન નથી, હરિનું શરણું નથી, તેના માટે નિષેધ છે. બાકી જેના ઉપર ગુરુની કૃપા છે, પુરુષોત્તમ નારાયણની ઉપાસના છે, તે ચોક્કસ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકે. કેવળ પોતાની સાધનાના બળથી ધારે કે, હું બ્રહ્મચર્યવ્રત પાલન કરી શકીશ, તો સંભવ છે કે તેના વ્રતમાં કદાચ ભંગ થાય પણ ખરો. પણ જેની દૃઢ નિષ્ઠા ભગવાનમાં અચળ હોય, હૈયામાં હરિવર રમતા હોય, તે ભક્ત સહેલાઇથી બ્રહ્મચર્યવ્રત જીવન પયત રાખી શકે છે. નેત્રની વૃત્તિ નટવર નારાયણમાં રમતી હોય તેના માટે વ્રત રાખવું સહેલું છે. પણ જેના નેણમાં, વેણમાં, હૈયામાં માયા રમતી હોય તેના માટે કઠિન છે.

બ્રહ્મ એટલે ભગવાન, ચારી એટલે ભગવાનના માર્ગે ચાલનારો ને અખંડ ચિંતવન કરે તેને કહેવાય બ્રહ્મચારી. નૈષ્ઠિક એટલે એક ભગવાનમાં નિષ્ઠા, જેને પૂરોપૂરો ભગવાનનો આશરો હોય તેને ભગવાન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાની શક્તિ જરૂર આપે છે. તેથી તો યુવાન સાંખ્યયોગી બાઇઓ અને યુવાન સાધુઓ હળાહળ કલિયુગમાં પણ આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી, હરિધ્યાન પરાયણ જીવન જીવે છે. એ પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો છે, બાકી થાય નહિ. કીડીથી બ્રહ્મા સુધી માયા મૂકી શકે તેમ નથી. ૬૦-૬૦ ૮૦-૮૦ વરસના બુઢિયાથી માયા છોડાતી નથી.

-: બુઢિયાથી માયા છોડાતી નથી :-

વીસ વીસ વરસના યુવાન માયાને ઠોકર મારી પ્રભુ ભજે છે, એ ચોક્કસ સાબિતી આપે છે, કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં સાક્ષાત છે જ. ! નહિતર પંચવિષય અને માયા મૂકે એવા નથી. ભગવાનને મૂકી દે, પણ માયાને ન મૂકે. સૂકાઈણખલાની જેમ માયાને ઉડાડી દે છે, એવા અનેક ભક્તજનો આપણા સંપ્રદાયમાં થયા છે અને વર્તમાન કાળે થાય છે.

રાજબાઇનાં માતા પિતાએ કહ્યું, ‘‘રાજુ તું ઉમર લાયક થઇ છે તેથી હવે સારી જગ્યાએ સગપણ કરીએ.’’ રાજબાઇએ કહ્યું. ‘‘મા મારી ચિંતા જરાય ન કરશો, મેં મારું સગપણ ગોતી લીધું છે.’’ ‘‘કોની સાથે?’’ રાજબાઇએ કહ્યું, ‘‘ભગવાન સાથે. મેં શિરને સાટે સગપણ કરી લીધું છે.’’

વર્યા મેં તો વનમાળીરે શિરને સાટે . . . .

તનડાની આશા ત્યાગી, લગની એ સાથે લાગી; મોહી હું તો ભૂધર ભાળી રે ... શિરને સાટે૦

સંસારનાં સુખ એવાં, ઝાંઝવાંનાં પાણી જેવાં; તુચ્છ જાણી આશા ટાળી રે .... શિરને. . .

રાજબા કહે છે, સંસારનાં સુખ ઝાંઝવાંનાં પાણી જેવાં છે, ઝાંઝવાંનાં પાણી દેખાય ખરાં, પણ હાથમાં ન આવે, આભાસ માત્ર હોય. એનાથી સ્નાન ન થાય અને પીવાય પણ નહિ. તેમ સંસારનો સુખ કેવળ આભાસ માત્ર છે, દેખવામાં સુખ જેવાં લાગે પણ અંતે ટકતાં નથી. નાશવત છે.

પરણી પ્રીતમ પ્યારો, અખંડ સોહાગ મારો; રંડાપાની બીક ટાળી રે શિરને....

રાજબા કહે છે, અખંડ વરને વરી ચૂકી છું, ત્યારે રાજબાનાં મા રાજબાઇ માથે મીઠો હાથ ફેરવતાં કહ્યું, ‘‘બેટા, ત્યાગનો માર્ગ બહુ કઠણ છે, શેકેલા ચણા ચાવવા જેવો નથી, લોઢાના લાડવા ચાવવા જેવો કઠણ માર્ગ છે, તલવારની ધાર ઉપર ચાલવા જેવો કઠણ માર્ગ છે.’’

ત્યારે રાજબાતએ સરસ જવાબ દીધો, ‘‘મા તલવારની ધાર મારા માટે ફૂલની શય્યા જેવી છે, માટે રાજી થઇને પરણવાની વાત મૂકી દો અને મને ભગવાન ભજવા ગઢપુર જવા દો.’’ મા એ કહ્યું. ‘‘બેટા રાજુ, તમારા માટે અમે કેટલી દોડા દોડ કરીએ છીએ.’’ રાજબાઇએ કહ્યું, મા તમે બધા ઊંધી દિશામાં શા માટે દોડો છો ? જો મને સુખી કરવી હોય તો મને ભગવાન સાથે સગપણ કરવા દો.’’

-: ભગવાન સાથે સગપણ કરવા દો :-

‘‘શા માટે મને માયામાં ફસાવો છો!’’ પછી મા-બાપે બળપૂર્વક સગપણ કર્યું, પછી જાન આવી પરણ્યાં અને ગાડાંમાં બેસીને સાસરે જાય છે, શરીર ગાડાંમાં છે ને મન ભગવાનમાં છે, પ્રાર્થના કરે છે, પ્રભુ ! મારી લાજ રાખજો, મારી સ્થિતિ ઘંટીના બે પડ વચ્ચેના જેવી છે, વધારે ને વધારે સપડાતી જાઉં છું. ધ્રુસકે ધ્રુસકે રડે છે, હવે મારું શું થશે ? અખંડ ભગવાનને યાદ કરે છે.

રાત પડી તેમનો પતિ શયનગૃહમાં આવ્યો, તો વિકરાળ સિંહ પલંગમાં બેઠો છે. ભગવાન મદદમાં આવી ગયા. એનો પતિ બૂમ પાડી બહાર નીકળી ગયો. ઘરનાં સગાં બધાં ભેગાં થઇ ગયાં. શું કામ રાડો પાડે છે, ? ‘‘અરે જુઓ તો ખરા, ઘરમાં સિંહ ત્રાડ પાડે છે, મારા સામે આંખના ડોળા કાઢે છે.’’ મા બાપે ઘરમાં જોયું  તો કોઇ નથી. ‘‘અરે ગાંડા ઘરમાં કાંઇ સિંહ હોતો હશે ? સિંહ તો જંગલમાં હોય.’’ પિતાજી, તમે ભલે ન દેખો, પણ હું દેખું છું, મને જીવતો રાખવો હોય તો આ સ્ત્રીને એના પિયરીયે મૂકી આવો. ત્યાંતો રાજબાઇના શરીરમાંથી અનોખી કાંતિ પ્રસરી, તેજથી ઘર છવાઇ ગયું. પછી ધીરેથી રાજબાઇનાં સાસુએ કહ્યું. ‘‘રાજુ આ બધું છે શું ?’’

રાજબાઇએ સુંદર જવાબ આપ્યો, ‘‘મા મારું સગપણ ઊંધું થઇ ગયું છે. મારાં માવતરે મને બળજબરીથી પરણાવી છે. મારે અહિ રહેવું નથી. મને રાજીખુશીથી ગઢપુર મુકવા ચાલો.’’ પછી રાજીખુશીથી રાજબાતને ગઢપુર મૂકી આવ્યા. રાજબા રાજીરાજી થઈ ગયાં. ભગવાનને પગે લાગી રડી પડ્યાં. હે પ્રભુ ! ખરી વેળાએ તમે પહોચી આવ્યા. સારું થયું અખંડ તમારી સેવામાં રહીશ. ભગવાન સ્વામિનારાયણ નૈષ્ઠિક વ્રતનું પોષણ કરનારા છે.