મંત્ર (૧૦૮) ૐ શ્રી સર્વમંગલસદ્રુપનાનાગુણવિચેષ્ટિતાય નમઃ

Submitted by swaminarayanworld on Thu, 03/03/2016 - 8:57pm

મંત્ર (૧૦૮) ૐ શ્રી સર્વમંગલસદ્રુપનાનાગુણવિચેષ્ટિતાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમારા ગુણ મંગળ કરનારા છે. ભગવાનનું બોલવું મંગલ, ચાલવું મંગલ, હસવું મંગલ, લીલા મંગલ, સમગ્ર મંગલ સ્વરૂપ છે. એનું ધ્યાન કીર્તન જે કરે છે તેને પણ મંગલ કરી દે છે, ભગવાનની વાણી મંગલ કરનારી છે.

વાણીમંગલ રૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં

નેત્રે મંગલદે ચ દોર્વિલસિતં નૃણાં પરંમંગલમ્‌ ।

વક્ત્રં મંગલકુચ્ચપાદચલિતં યસ્યાસ્તિ વૈ મંગલમ્‌

સૌઽયં મંગલમૂર્તિરાસુજગતો નિત્યં ક્રિયાત મંગલમ્‌ ।

ભગવાન સદ્‌રૂપ છે. પ્રભુનું રૂપ સદાય એવું ને એવું જ છે. માનવનું રૂપ બદલતું રહે, બાળક હોય ત્યારે દાંત ન હોય, યુવાન થાય ત્યારે દાંત હોય અને વૃદ્ધ થાય ત્યારે દાંત પડી જાય ને ગોખલા જેવું મોઢું થઇ જાય. વ્યક્તિ એની એ હોય પણ કેટલો બધો ફેરફાર થઇ જાય ? રૂપમાં, શરીરમાં, શક્તિમાં આ બધી રીતે ફેરફાર થઇ જાય છે. રૂપ બે પ્રકારનાં છે, અસત રૂપ અને સદ્‌રૂપ, રૂપે કરીને જે સ્નેહ થયો હોય તે ટકતો નથી. જ્યારે એના શરીરમાં કોઢ નીકળે, પિત્ત નીસરે, રોગી શરીર થઇ જાય, ત્યારે એને સ્નેહ થયો હોય તે નાશ થઇ જાય.

માયિક રૂપ છે તે અસતરૂપ છે. જે રૂપમાં પરિવર્તન થાય, તેને અસતરૂપ કહેવાય. શ્રીજીમહારાજ કહે છે ગુણે કરીને જે સ્નેહ થયો હોય તે જ ટકે છે. બાકી રૂપ સ્વાર્થ અને લોભથી જે હેત થાય છે તે ટકતું નથી. જગતનું કોઇ પણ રૂપ શાશ્વત નથી, ભગવાનનું રૂપ શાશ્વત છે. સદ્‌રૂપ છે, સત્યરૂપ છે, એમાં કોઇ ફેરફાર થતો નથી.

પ્રભુનું રૂપ બદલે છે ખરું, જ્યાં જેવી જરૂર પડે ત્યાં તેવા રૂપને ધારણ કરે ખરું, પણ નિત્ય નવું ને નવું રૂપ રહે છે, એ ક્યારેય જૂનું થતું નથી.

-: પ્રભુના ગુણ કેવા છે ? ગાયા જેવા છે :-

જે પ્રભુના ગુણ ગાય છે, તેને આનંદ થાય છે, પ્રભુના ગુણ અખંડ છે, માણસના ગુણ આવે છે ને જાય છે, ક્યારેક સત્વગુણ આવે, ક્યારેક રજોગુણ આવે, ને ક્યારેક તમોગુણ આવે. ભગવાન તો સર્વગુણે સંપન્ન છે, આ ત્રણ ગુણથી પર છે, ગુણવિચેષ્ટિતાય છે. ગુણના સાગર છે. સાગર સૂકાય નહિ, ને મપાય નહિ, કે એમાં કેટલું પાણી છે ? તેમ પ્રભુના ગુણનો કોઇ માપ નથી. તમામ પ્રકારના ગુણ પ્રભુમાં રહેલા છે, (છતાં ભગવાનને નિર્ગુણ કહેલા છે તેનું કારણ ભગવાનને વિષે માયિક ગુણ નથી ભગવાનમાં સર્વેગુણો રહેલા છે તે દિવ્ય છે.) ગુણ ગાય તેનું મંગલ કરે છે. યુગોના યુગો વીતી ગયા છતાં પ્રભુની કથા તાજી ને તાજી, નવી ને નવી લાગે, શાશ્વત છે તેથી નવી લાગે છે.

જે સત્યયુગમાં ઋષિ મુનિઓ ગુણ ગાતા હતા, તે અત્યારે આપણે ગાઇએ છીએ. ભગવાનના ગુણનું શ્રવણ શાશ્વત છે ને અગાધ છે. અને પ્રભુ વિચેષ્ટિતાય છે, એટલે પ્રભુની ચેષ્ટા દિવ્ય છે. લીલા ચરિત્રનો પાર આવે તેમ નથી.