પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૫૦

Submitted by swaminarayanworld on Thu, 21/04/2016 - 5:26pm

 

દોહા

પુરુષોત્તમ પધારિયા, કરી કામ અલૌકિક આપ ।

અનેક જીવ ઉદ્ધારિયા, પ્રગટાવી પ્રબળ પ્રતાપ ।।૧।।

થોડાક દનમાં સ્થાવર જંગમ, તારિયા જીવ તતકાળ ।

કળ ન પડી કોઇને, એવું કરિયું દીન દયાળ ।।૨।।

અનેક જીવને ઉપરે, અઢળ ઢળ્યા અવિનાશ ।

જગ જાળ કાપી આપી પદવી, બ્રહ્મમો’લે કરાવ્યો નિવાસ ।૩

અણ ચિંતવે આવી ગયા, અતિ અચાનક અલબેલ ।

ખબર ન પડી ખટ મતને, એવો ખેલી ગયા એક ખેલ ।।૪।।

 

ચોપાઇ

સૌ શાણા રહ્યાછે વિચારીરે, આ તો વાત થઇ વણ ધારીરે ।

એણે ઠીક કર્યું’તું ઠરાવીરે, એ તો સમઝણ અર્થ ન આવીરે ।।૫।।

જોઇ રહ્યા’તા જુજવી વાટરે, તે તો વાત ન બેઠી કોઇ ઘાટરે ।

કોઇ કે’તા હરિ થઇ ગયારે, થાશે હવે કે’છે બિજા રહ્યારે ।।૬।।

કોઇ કે’તા છે કળિનું રાજરે, પ્રભુ ન હોય પ્રગટ આજરે ।

જોગી કે’તા જોગકળા પખિરે, નથી કલ્યાણ રાખ્યું છે લખિરે ।।૭।।

જૈન કે’તા પાંચમો છે આરોરે, આજ નોય કલ્યાણનો વારોરે ।

કે’તા તપી તપ્યા વિના તનરે, ક્યાંથી કલ્યાણ જાણજો જનરે ।।૮।।

કે’તા સંન્યાસી સર્વે નાશ થાયરે, તારે જનમ મરણ તાપ જાયરે ।

કે’તા પંડિત એમ પુરાણીરે, પ્રભુ પ્રગટ હશે તો લેશું જાણીરે ।।૯।।

જંગમ કે’તા છે અગમ વાતરે, આજ નોયે પ્રભુ સાક્ષાતરે ।

શેખ કે’તા છે તેરમી સિદ્ધિરે, આજ પામે મુકામ કોણ વિદ્ધિરે ।।૧૦।।

ભક્ત કે’તા ભક્તિ કર્યા વોણુંરે, શીદ કરો કલ્યાણનું વગોણુંરે ।

કે’તા વેદાંતિ વણ જાણે બ્રહ્મરે, શાને કરોછો ઠાલો પરિશ્રમરે ।।૧૧।।

કે’તા મારગિ નકલંક થાશેરે, કુડિયા કપટિ ઘાણે ઘલાશેરે ।

કે’તા પ્રણામિ રાજ્ય સખિ પખિરે, નહિ પામે ધામ નવી સખિરે ।।૧૨।।

કે’તા ગોસ્વામિના સહુ એમરે, સમાશ્રય વિના તરે કેમરે ।

રામાનુજના કે’તા એહ રીતરે, જીવ તરશે ચકરાંકિતરે ।।૧૩।।

વામી કે’તા કલ્યાણ છે તારેરે, માનો મળવે પંચ મકારેરે ।

ભેખધારી કે’તા વણ ભેખેરે, તર્યા ના’વ્યા નજરે કોઇ દેખેરે ।।૧૪।।

તુરક કે’તા આવશે આખરીરે, તેદિ ઉદ્ધારશે કજા કરીરે ।

એમ બહુ પ્રકારે બહુ બહુરે, વાટ જોઇ રહ્યા’તા સહુરે ।।૧૫।।

પણ કોઇનું ધાર્યું ન રહ્યુંરે, વણ ધારે વચ્ચે બીજું થયુંરે ।

એવો લિધો અલૌકિક અવતારરે, સહુના ધાર્યા વિચાર્યાથી બારરે ।।૧૬।।

બહુ રહ્યા સહુ વાટ જોતારે, પીર મુરિદ ગુરુ શિષ્ય સોતારે ।

અણચિંતવી આનંદ એ’લિરે, થઇ અમૃતરસ ચાલ્યો રેલિરે ।।૧૭।।

તેમાં પડ્યા સાકરના કરારે, વરસ્યા મોતિડાંના મેઘ ખરારે ।

ભાગિ સરવે ભુખ્યાની ભુખરે, કર્યું દૂર દારિદ્ર દુઃખરે ।।૧૮।।

આપે આવી ગયા અણધારરે, જન ઉદ્ધારવા આણિ વારરે ।

અકળ કળા એની ન કળાણિરે, ડાહ્યા શ્યાણાને રહી અજાણિરે ।।૧૯।।

ન પડી ગમ રહ્યા ગમ ખાઇરે, ના’વી વાત મતિના મત માંઇરે ।

અગમ અપાર કા’વે અકળરે, કહો કેને પડે એની કળરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૦।।