વિજ્ઞપ્તિ

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 2:31pm

શ્રીસ્વામિનારાયણો વિજયતેતરામ્‌

अधर्मसर्गोत्खननस्य कर्ता धर्मान्वस्याधिकपुष्टिकर्ता ।

स प्रीयतां मेखिलपापहर्ता हरिः स्वभक्तैः सह दुःखहर्ता ।।

પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન પાસેથી પરમ ભાગવત ધર્મને પ્રાપ્ત કરનાર શ્રીઉદ્ધવજીએ પ્રવર્તાવેલા અને શ્રીસ્વામિનારાયણ ભગવાને વૃધ્ધિ પમાડેલા સર્વોપરી શ્રી ઉદ્ધવ સંપ્રદાયના સત્સંગી સમસ્તને જાણવામાં આવેલ છે જે આ ઉદ્ધવ સંપ્રદાયમાં શ્રીજી મહારાજનાં ચરિત્રોને સંસ્કૃત ભાષામાં તથા ગદ્યપદ્યાત્મક વાણીમાં ગ્રંથોને રચનારા સદ્‌ગુરુ શતાનંદ સ્વામી, સદ્‌ગુરુ વાસુદેવાનંદ વર્ણી, સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામી, સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી આદિ અનેક મુનિઓ સુપ્રસિધ્ધ છે. તેઓએ શ્રીહરિનાં ચરિત્રરસથી પરિપૂર્ણ વિવિધ ગ્રંથોની સંકલના કરી સાંપ્રદાયિક જનોના હૃદયમાં નવીન જીવન પ્રસરાવ્યું છે. આવા ગ્રંથો પૈકી ભુજ મંદિરના મહંત સદ્‌ગુરુ અચ્યુતદાસજી સ્વામી રચિત આ શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર નામનો ગ્રંથ પણ શ્રીજી મહારાજની લીલાઓથી પરિપૂર્ણ છે.

આ ગ્રંથનો પ્રસ્તુત વિષય, અક્ષરધામના અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડોનાનિયંતા, અનંતાંડોદ્‌ભવસ્થિતિલયલીલ, સર્વેશ્વર, સર્વજ્ઞ, પરબ્રહ્મ, પરમતત્વ પરમાત્મા, સર્વાંતર્યામી, અવતારી શ્રી પુર્ણ  પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને કચ્છ દેશમાં વિચરણ કરીને કરેલી વિવિધ, અમાનુષિક દિવ્ય, લીલાઓનું વર્ણન કરવાનો છે.

પરમાત્મા પરમતત્વ શ્રી પુરુષોત્તમનારાયણ ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થાય અને તે મૂર્તિની અખંડ સ્મૃતિ રહે, એ સર્વ સાધનનું મુખ્ય ફળ છે. અખંડ સ્મૃતિ રહેવા માટે ભગવાનનાં ચરિત્રોનું સ્મરણ કરવું તે એક સફળ સાધન છે. તે ચરિત્રોને મુમુક્ષુ ભક્તજનો સરળતાથી રસપૂર્વક શ્રવણ તથા વાંચન કરી પોતાના જીવનમાં ધારણ કરી શકે તે કારણથી શ્રીજી મહારાજના પરમ ઉપાસક અને શ્રીજી મહારાજના પરમ કૃપાપાત્ર કેટલાક મહાનુભાવ સંતોએ બહુજ પરિશ્રમ વેઠી સંસ્કૃત વાણીમાં તમે જ પ્રાકૃત વાણીમાં તથા વજ્ર ભાષામાં ગદ્યપદ્યાત્મક ગ્રંથોમાં શ્રીજી મહારાજનાં ચરિત્રોને ગૂંથેલાં છે. જેથી ભગવાનના ભક્તજનો તે મહાનુભાવ મુનિઓના પ્રયાસનો લાભ લે અને પોતાના જીવનમાં તે ચરિત્રોને ધારી પોતાનું જીવન પ્રગતિશીલ બનાવે અને ભાગવત ધર્મનો સાક્ષાત્કાર અનુભવી કૃતાર્થ બને એજ તેની સફળતા છે.

આ ગ્રંથમાં ઘણે ભાગે શ્રીપુરુષોત્તમ ભગવાનની લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ ગ્રંથના મધ્યભાગમાં પુરુષોત્તમગીતાનું નિરુપણ કરવામાં આવ્યું છે. વળી મુખ્યત્વે કચ્છ પ્રદેશની લીલાનું નિરુપણ કરાયેલ હોવાથી આ ગ્રંથનું નામ શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર (કચ્છ લીલા) રાખવામાં આવેલું છે.

આ લોકમાંથી પરમાત્મા પરબ્રહ્મ પરમતત્ત્વ વસુદેવાત્મજ શ્રીવાસુદેવ ભગવાને પોતાની માનુષીલીલા સંકેલી લીધા પછી આ બ્રહ્માંડમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને શમ-દમ-શૌચાદિક ગુણોનો લોપ થવા લાગ્યો અને ધર્મના મિષથી અધર્મ સર્વત્ર ફેલાવા લાગ્યો. જ્ઞાનનું કેવળ નાસ્તિકતા તેમજ શુષ્કવેદાંતમાં પર્યાવસાન થવા લાગ્યું. ધર્મને પ્રવતાર્વનારા આચાર્યો કેવળ નામધારી જ ધર્માચાર્યો તરીકે થવા લાગ્યા અને શુધ્ધ સનાતન ધર્મને છોડી પાખંડ ધર્મનું આચરણ કરવા લાગ્યા તેમજ વિષય ભોગમાં ચકચૂર થવા લાગ્યા અને સર્વત્ર ઘોર કળિયુગની ઘોર ઘોષણા ગાજી રહી.

તે સમયે સંસારાબ્ધિમાં વિસ્તૃત સમયથી સંસરતા અનેક જીવોનું શ્રયે : કરવાની ઇચ્છાથી તમે જ દુષ્ટ પાખંડધર્મોનું ખંડન કરવા અને શુદ્ધ સનાતન ભાગવત ધર્મને પ્રવર્તાવવા તથા ધર્મનું પાલન કરનારા શુદ્ધ સનાતનીઓનું પરિત્રાણ કરવા અને પોતાના પ્રેમી ભક્તોને પોતાની માનુષી મૂર્તિનું સુખ આપવાની અભિલાષાથી શ્રી પુરુષોત્તમનારાયણ ભગવાન વિક્રમ સંવત્‌ ૧૮૩૭ના ચૈત્ર સુદી ૯ નવમીના મંગળમય સમયે રાત્રી દશ ઘડી વીત્યા બાદ નાની સરવારમાં અયોધ્યા પાસેના છપૈયા ગામમાં પ્રાદુર્ભવ્યા. શુક્લપક્ષના ચંદ્રની કળાની પેઠે શ્રી બાળસ્વરૂપ ભગવાન દિવસો દિવસ વૃદ્ધિ પામવા લાગ્યા. ભગવાનના જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય, તેજ, પ્રભાવ, સ્થિરતા, ધૈર્યતા, શૌર્યતા, ઔદાર્યતા આદિ ગુણો એટલા બધા પ્રભાવિત હોય છે કે તે ગુપ્ત રાખ્યા છતાં ગુપ્ત રહી શકતા નથી. ભગવાને માત્ર બે ચાર દિવસની ઉંમરમાં જ ભયંકર કોટરાદિ કૃત્યાગણોનો નાશ કર્યો. ત્રણ વર્ષની ઉંમરે કાલીદત્ત કે જે અસુરોનો અગ્રણી હતો તેનો દ્રષ્ટિમાત્રથી નાશ કર્યો. ભારે અડીખમ મલ્લના માનનું મર્દન કર્યું. અસંખ્ય જનોને પોતાના વિરાટ સ્વરૂપે, શ્વેતદ્વીપવાસી શ્રીવાસુદેવસ્વરૂપે, બદરીકાશ્રમવાસી શ્રીનરનારાયણરૂપે દર્શન આપીને તથા પોતાની મૂર્તિમાં અનંત પ્રકારનાં ઐશ્વર્યોને બતાવીને પોતાનું પુરૂષોત્તમપણું જણાવવું વિગેરે  અનેકવિધ લીલાઓ બાલસ્વરૂપ ભગવાને કરીને સ્વસમાશ્રિત જનોને પરમ સુખીયા કર્યા. ત્યાર પછી અયોધ્યામાં રહીને પણ પોતાનાં અનંત ચરિત્રો બતાવીને અનંત જનોને પરમાનંદિત બનાવ્યા.

શ્રીહરિનું મુખ્ય કર્તવ્ય અનેક જીવોને પોતાના અક્ષરધામની પ્રાપ્તિ કરાવવાનું હતું જેથી પોતે ગૃહસ્થ જીવન ન સ્વીકારતાં યજ્ઞોપવીત ધારણ કર્યા પછી પોતાનાં માતાપિતા ભક્તિ-ધર્મને સ્વસ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન અને ભક્તિરૂપી અમૃતનું પાન કરાવીને પરમ પદની પ્રાપ્તિ કરાવ્યા પછી શ્રીહરિ નિત્યસ્નાનના મિષથી વનમાં પધાર્યા. ત્યાં ઘણા યુગોથી પોતાનાં દર્શનને અભિલષતા યોગીઓને અલૌકિક દર્શન આપી બુટોલપુર, સીરપુર વગેરે સ્થળના રાજાઓ તથા તેમની પ્રજાને પણ પોતાનાં અલૌકિક દર્શન આપી પોતાનો સમાશ્રય કરાવ્યો. તેમજ પિબેકાદિક તાંત્રિકોનો પરાજય કરી તેઓને પણ પોતાના આશ્રિત કરી કપિલાશ્રમ થઇ જગન્નાથપુરી પધાર્યાં. ત્યાં અસુરોમાં પરસ્પર વૈમનસ્ય ઉપજાવીને તેમનો નાશ કરાવ્યો અને સનાતન ધર્મની સ્થાપના કરી. પછી ત્યાંથી માનસપુર જઇ ત્યાંના સત્રધર્મા નામના રાજાને ભારે અલૌકિક દર્શન આપી પ્રજા સહિત તેને પોતાનો આશ્રિત કર્યો. ત્યાંથી અનેક ભક્તજનોને સુખ આપવા આદિકૂર્મ, રાજમહેન્દ્રિ, વિજયવાડા, વેંકટાદ્રિ, શિવકાંચી, વિષ્ણુકાંચી, ભૂતપુરી, શ્રીરંગક્ષેત્ર, સુંદરરાજ, રામેશ્વર, કન્યાકુમારી, તોતાદ્રી, પદ્મનાભ, જનાર્દન, મલયાચલ, કુલગીરી, સાક્ષીગોપાલ વિગેરે તીર્થોમાં ફરી ધર્મોપદેશ સહ સ્વસ્વરૂપનું જ્ઞાન લોકોને આપી અનેક તીર્થોને પાવન કરી કિષ્કિંધા, પંપાસરોવર, પંઢરપુર, નાસિક, ત્ર્યંબક થઇને તાપી, નર્મદા, મહીસાગર વિગેરે સરિતાઓને ઓળંગી ભીમનાથ, ગોપનાથ વિગેરે પંચતીર્થોને પવિત્ર કરી માંગરોળ થઇને શ્રીહરિ લોજપુર પધાર્યા. ત્યાં મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસોનો મેળાપ થયો. પછી મુક્તાનંદ સ્વામીના તથા શ્રીહરિના પત્રથી ભુજનગરથી પીપલાણા પધારેલા શ્રીરામાનંદ સ્વામી પાસેથી ભાગવતી દીક્ષાને પ્રાપ્ત કરી શ્રીરામાનંદ સ્વામીની આગ્રહ ભરેલી વિજ્ઞપ્તિથી અનેકવિધ મુમુક્ષુઓના હિતાર્થે જેતપુર ગામે ધર્મધુરાને ગ્રહણ કરી.

મુમુક્ષુજનોને સરળતાથી પરમશ્રેયની પ્રાપ્તિ થાય અને સત્સંગની અભિવૃધ્ધિ થાય તે માટે હજારો મહાનુભાવો ભક્તજનોને ભાગવત પરમહંસની દીક્ષા આપી તેઓ દ્વારા સત્સંગની અભિવૃધ્ધિ કરી.

આ મંગળમય યજ્ઞના ફાળામાં કઇક મહાનુભાવ સંતોએ તથા ભક્તોએ પોતાનો સમય ભોગ આપી તે યજ્ઞની જ્યોતિને આઠે દિશાઓમાં એટલી બધી ફેલાવી છે કે જેનાથી બધો સત્સંગ દિવ્ય જ્યોતિમય બની ગયેલો છે. શ્રીજી મહારાજના પ્રતિભા, જ્ઞાન, ઓજસ, બળ, પ્રતાપ, પ્રભાવ વિગેરે વિવિધ કલ્યાણકારી ગુણો મહાનુભાવ સંતોના ગ્રંથોમાંથી સ્વતઃ જણાઇ આવે છે. આવા પ્રાતઃસ્મરણીય સંતોએ આવા ગ્રંથો કરીને ભાવિજનોને અમૂલ્ય રત્નોની ભેટ કરેલી છે.

આ સંતો પૈકીના આ ગ્રંથ ‘‘શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર’’ના કર્તા સદ્‌ગુરુ શ્રીઅચ્યુતદાસ સ્વામી છે. તેમનું જીવનચરિત્ર આ ગ્રંથમાં જુદા વિભાગમાં આપેલ છે.

શ્રીજી મહારાજે આવા અદ્વિતીય મહાનુભાવ સંતો દ્વારા પ્રકૃષ્ટ ગ્રંથો સેંકડો સંખ્યામાં તૈયાર કરાવી પોતાની મૂર્તિનું તથા જ્ઞાનનું અપરિમિત સુખ આપ્યું છે અને પછીથી પણ ભવિષ્યના ભક્તજનો માટે અક્ષરધામનો માર્ગ નિરાવરણ રહે તે કારણે મોટાં મંદિરો બંધાવીને તેમાં પોતાનાં દિવ્ય સ્વરૂપોને પધરાવીને તથા પોતાની ધર્મધુરાને પોતાના ધર્મવંશમાં સમર્પી અમદાવાદ તથા વડતાલની ગાદી ઉપર બે આચાર્યોની નિયુક્તિ કરીને સ્વયં અક્ષરધામમાં પધાર્યા. કલિયુગમાં ભગવાન કેવળ ભક્તિથી પ્રસન્ન થાય છે અને તે ભક્તિમાર્ગ આબાલ-વૃધ્ધ, સ્ત્રીપુરુષોને જાતિ વર્ણાશ્રમના કોઇપણ ભેદ વગર સર્વથા ગમ્ય છે. શાસ્ત્રો પણ કહે છે જે : नारायणनाममात्रम्‌, कलौ तद्धरिकीर्तनात्‌

કલિયુગમાં ખાસ કરીને કીર્તન તથા શ્રવણ ભક્તિ સહુ કોઇને સરલગામી હોવાથી તે દ્વારા ભગવત્પ્રાપ્તિ સત્વર થાય છે. શ્રીહરિએ નવધા ભક્તિમાં શ્રવણ ભક્તિને પ્રથમ દરજ્જે ગણી છે અને વળી કથા વાર્તાનું કીર્તન અને શ્રવણ તે સત્સંગ સંબંધી કલ્યાણકારી ગુણોને આવ્યાનું મુખ્ય કારણ છે. એમ પણ કહ્યું છે, તો દરેક ત્યાગી-ગૃહી હરિભક્તો આ ગ્રંથ વાંચી સાંભળીને શ્રીહરિના દિવ્ય સ્વરૂપનું શ્રવણ, મનન, નિદિધ્યાસ કરી સાક્ષાત્કારનો લાભ લેવા અવશ્ય પ્રયાસ કરશે.

જ્યાં સુધી માનવજીવન અનેક પ્રકારના વિકારોથી ભરપુર છે ત્યાં સુધી શાસ્ત્રો તેને યથાર્થ રીતે સમજી શકાતાં નથી, અને તેમાંથી અનેક કુતર્કો થવાનો સંભવ છે તેથી જો પોતાના બધા જ વિકારો શાંત કરી પોતાના આત્માને અક્ષરબ્રહ્મ સંગાથે એક કરીને પરમાત્મા પરમતત્ત્વ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીસહજાનંદ સ્વામીના ગુણચરિત્રનું શ્રવણ કીર્તન કરાય તોજ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય. શુકજી જેવા પણ જ્યારે બહ્મ્ર નિષ્ઠ થયા ત્યારેજ ભગવાનની કથા કરવાની યોગ્યતાને પામ્યા. શૌનકાદિક મહર્ષિઓ પણ જ્યારે બ્રહ્મનિષ્ઠ થયા ત્યારેજ કથા શ્રવણ કરવાની યોગ્યતાને પામ્યા. ભગવાનનાં ચરિત્રો વર્ણવવામાં અને સાંભળવામાં જેવો આનંદ છે તેવો બીજે નથી. ભાગવતમાં તેમજ ભગવદ્‌ગીતામાં બ્રહ્મસ્વરૂપ

થયેલાનેજ યોગ્યતા પ્રાપ્ત થાય છે એમ,

ब्रह्मभूतः प्रसन्नात्मा, आत्मारामाश्च मुनयो ।

એ વાક્યોથી પ્રતિપાદન કરેલું છે. શ્રીહરિ પોતે કર્તુમ્‌, અકર્તુમ્‌, અન્યથાકર્તુમ્‌, સમર્થ છે. વળી સ્વયં વિશ્વાત્મા અને વિશ્વંભર છે. તેમનાથી કોઇપણ કાર્ય ન બની શકે તેવું નથી. સર્વ કંઇ કરવાને પૂર્ણ શક્તિમાન છે પરંતુ જ્યાં સુધી ભક્તિની યોગ્યતા સંપાદન થઇ ન હોય ત્યાં સુધી ભગવત્‌ ચરિત્રોમાં મોહ, શંકા વિગેરે થવાનો સંભવ રહે છે. માટે શુકશૌનકાદિકની પેઠે એવી યોગ્યતા સંપાદન કરી શ્રધ્ધાવાન થઇને ભગવત્‌ ચરિત્રોના વાંચન-શ્રવણમાં તત્પર થવું એ આવશ્યક છે.

આ ગ્રંથની પ્રથમ લેખિત પ્રતિઓ કચ્છ પ્રદેશમાં ફક્ત એક બે જ સ્થળે હતી. આ ગ્રંથ વાંચન શ્રવણમાં આવતાં તેની અંદર રહેલી કચ્છ પ્રદેશની લીલાઓ સાંપ્રદાયિક ત્યાગી-ગૃહી આબાલ-વૃધ્ધ બધાને અત્યંત રુચિકર લાગતી. સહુના મનમાં એમ થતું જે, આવો કચ્છની લીલાથી પરિપૂર્ણ ગ્રંથ મુદ્રિત થાય તો સહુને આ લીલામૃતરસનું પાન થઇ શકે. આમ ઘણાઓને ઘણાં વર્ષોથી મનમાં થયા કરતું હતું. તેવામાં શ્રીજીમહારાજની પ્રેરણાથી શ્રી કચ્છ ખાતાના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર શ્રી ભુજના કાયસ્થ મહેતા માવજીભાઇ કાનજીને આ જ ગ્રંથ મુદ્રિત થઇને બહાર પાડે તો સર્વને અદ્‌ભુત લીલારસના વાંચન શ્રવણનો લાભ મળી શકે એવો વિચાર થતાં તેમણે આ ગ્રંથની સંક્ષિપ્ત પ્રેસ કોપી કરી અને ભુજમાં શ્રી ઘનશ્યામ મહારાજની સંવત્‌ ૧૯૯૮ની સાલમાં વૈશાખ સુદ પાંચમને રોજ પ્રતિષ્ઠા કરવા માટે અમદાવાદથી પધારેલા અમદાવાદ શ્રીનરનારાયણદેવની ગાદીના પરમપૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા આ પુસ્તક છપાવવા માટે મેળવેલી હતી અને શ્રી આચાર્ય મહારાજે પણ આ પુસ્તક જોઇ તપાસીને હર્ષભેર આજ્ઞા આપેલી હતી.

પરમ ભગવદીય માવજીભાઇ કાનજીએ આ પુસ્તકની સંક્ષિપ્ત કોપી કરેલી તે લખાણ ઘણુંજ ટૂંકાણમાં હોવાથી સહુ કોઇ ત્યાગી ગૃહીઓના મનમાં થયું કે જો પુસ્તકનું મુદ્રણ કરાવવું હોય તો સવિસ્તૃત હોય તો જ બધાને વાંચવા સાંભળવાનું સારું સુખ પ્રાપ્ત થાય. આમ વિચાર થવાથી ભુજ શ્રી સ્વામિનારાયણ પુસ્તકાલયમાં શ્રીપુરૂષોત્તમલીલામૃત-સખુ સાગરની હસ્ત લિખિત પ્રતમાંથી તેનું યથાવત્‌ સવિસ્તૃત લખાણ મેં તૈયાર કર્યું.

આ પ્રથમ આવૃત્તિમાં વાંચકોની સગવડતા ખાતર પદચ્છેદ પેરેગ્રાફ વિગેરેનો સુધારો કરવામાં આવ્યો છે. સર્વ કોઇને પ્રબંધ કર્તાનું જીવન ચરિત્ર અને પ્રબંધ પ્રતિપાદ્ય વિષયો જાણવાની પણ આકાંક્ષા સહજ રહે છે. તે જાણ્યા પછી જ તેનાં વાંચન શ્રવણાદિકમાં શ્રધ્ધાપૂર્વક પ્રવૃત્તિ થાય છે. એમ વિચારીને ગ્રંથ કર્તા સ્વામીશ્રીનું સર્વોત્તમ જીવનચરિત્ર વૃધ્ધ પરંપરાથી મેળવીને આ સુનવ આવૃત્તિમાં મૂકવામાં આવ્યું છે. વળી શ્રીજીનાં લીલાચરિત્રોની સ્મૃતિ તાજી રહે તે હેતુથી શ્રીજી મહારાજનાં સંબંધિત રંગીન ચિત્રો, ફોટા, કેટલાંક પ્રસિધ્ધ પ્રસાદીનાં સ્થાનોના ફોટા આપીને આ ગ્રંથને સમૃધ્ધ કરવામાં આવ્યો છે.

વિષયાનુક્રમણિકાનું લખાણ ગ્રંથ કર્તાએ પોતે જ ગ્રંથના અંતે આપેલું હતું. તેને વિસ્તૃત કરીને આ પ્રથમાવૃત્તિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. ઉપરાંત કચ્છલીલા અંગેની કેટલીક પ્રકીર્ણ બાબતનો સમાવેશ પરિશિષ્ટ પ્રકરણમાં આપ્યો છે.

પરિશિષ્ટ (અ)માં શ્રીહરિએ પાવન કરેલ રુકમાવતી ગંગાનો પરિચય આપેલ છે.

પરિશિષ્ટ(બ) માં કચ્છપ્રદેશમાં આવેલાં શ્રીજીએ ચરણાંકિત કરેલાં ગામો તથા જ્યાં હાલ સત્સંગ છે તેવાં ગામોનો ટૂંકો પરીચય આપવામાં આવેલ છે જેથી ગામવાર લીલાની સ્મૃતિ તાજી રહે. ઉપરાંત શ્રી કચ્છ-ભુજ સ્વામિનારાયણ મંદિરના માર્ગદર્શન નીચે વિદેશમાં જે સત્સંગ ફાલ્યો ફૂલ્યો છે તેની માહિતિ પણ આપેલી છે.

પરિશિષ્ટ (ક) માં ભુજના શ્રીસ્વામિનારાયણ મંદિરમાં આવેલા અક્ષર ભુવનમાં રાખવામાં આવેલી પ્રસાદીની વસ્તુઓની ખંડવાર યાદી આપવામાં આવેલી છે. શ્રીજી સંબંધિત આ વસ્તુની યાદી વાંચતાં ભક્તજનને શ્રીજીના સમયની સ્મૃતિ કરાવે છે. (ઉપર લખેલા વસ્તુઓની યાદી જુના મંદિરમાં અક્ષર ભુવાનની છે.) ગ્રંથના અંતે ત્રણ સામાન્ય અનુક્રમણિકાઓ મૂકવામાં આવી છે. તેમાં એક અનુક્રમણિકા કચ્છ દેશના ગામોનો જે પાનામાં ઉલ્લેખ આવે છે તેની છે, બીજી અનુક્રમણિકા કચ્છ દેશનાં હરિભક્તોની છે, અને ત્રીજી અનુક્રમણિકા અન્ય પ્રદેશોના ગામો તથા વ્યક્તિઓ જેનો ઉલ્લેખ ગ્રંથમાં આવેલ છે તેની છે. આ અનુક્રમણિકાઓ વાચકને અને ખાસ કરીને સંશોધકને ઉપયોગી નીવડશે તેવી આશા છે.

આ ગ્રંથનું મુદ્રણ કરાવવાનો શુભ વિચાર ભુજ શ્રીસ્વામિનારાયણ મંદિરના મહંત, કોઠારી વિગેરે કાર્યવાહકોને થતાં તેને મુદ્રણ કરાવવાની શ્રીનગરનિવાસી શ્રીનરનારાયણદેવની ગાદીના ધર્મધુરંધર આચાર્ય શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા માગતાં તેઓશ્રીએ હર્ષભરે હ.જા.ર.નં. ૪૯૪/૨૮થી આજ્ઞા આપતાં આ સુનવ આવૃત્તિનો અવતાર થવા પામ્યો છે.

આ ગ્રંથના મુદ્રણકાર્યના આકર્ષક કામ માટે સારા કાગળો જોઇએ તેથી સુંદર કાગળો સંપાદન કરાવીને તેના પર સુશોભિત નવા ટાઇપોથી સર્વોત્તમ મુદ્રણ કરાવ્યું છે.

સંપ્રદાય શ્રેષ્ઠ સહુ કોઇને કચ્છ પ્રદેશસ્થ સ્વામી શ્રી અચ્યુતદાસજીની અમૃતવાણીનો અલભ્ય લાભ મળતો રહે એ ઉદ્દેશથી ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી અને બધા સંતો તથા હરિભક્તોના શુભાશીર્વચનોથી અને સહાનુભૂતિથી આ ગ્રંથનું મુદ્રણ થવા પામ્યું છે. આ ગ્રંથના મુદ્રણ બાઇન્ડિંગ વિગેરે કાર્યોમાં સમયાનુસાર ભાવમાં સહજ વધારો થયો છે. તદુપરાંત બીજો પરચુરણ ખર્ચ પણ વધારે આવેલ છે જેથી આ પુસ્તકની કીમતમાં વધારો થાય એ સહજ છે. છતાં આ ગ્રંથની પડતર કીંમત રાખી છે તે પુસ્તકની સુદ્રઢતા સહ સુંદરતાનું સૂક્ષ્મ દ્રષ્ટિથી નિરીક્ષણ કરવાથી તેમજ દુન્યવી ચાલુ મોંઘવારીનું પરીક્ષણ કરવાથી નિરીક્ષણ અને પરીક્ષણ કરનારાઓને વ્યાજબીજ જણાશે.

આ પુરુષોત્તમલીલામૃતસુખસાગરની પ્રથમ આવૃત્તિને શ્રીહરિની પરમકૃપાથી ભવ્યતા મળી છે તે તો દર્શન માત્રથી જણાઇ આવશે એટલે તેની વિશેષ વિવેચન કરવાની આવશ્યકતા નથી.

પ્રસ્તાવક : મહંત શાસ્ત્રી ધર્મજીવનદાસજી

શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ-કચ્છ.