૯૪ ભુજના નરસિંહભાઈ તથા રામપ્રતાપભાઈ તથા અમદાવાદના શ્રાવકને પરચા.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:26pm

અધ્યાય ૯૪

ભુજનગરના રહેવાસી લુહાર નરસીંભાઇને દમનો રોગ થયો ત્યારે પોતે વિચાર કર્યો જે, મારી પાસે પાંચ રૂપિયા દ્રવ્ય છે તે જો ભગવાનને અર્થે ખરચાય તો મારા જીવનું પરલોકનું ભાતું થાય. એમ વિચારીને નરનારાયણદેવના થાળ મારે એકસો કરવા અને સાધુ પણ પાંચસો જમાડવા અને જ્યારે એકાદશી આવે ત્યારે એકાદશીનું ‘ફલાહાર’ કરાવવું. અને બારસની રસોઇ આપવી. એવો ઠરાવ કર્યો. ત્યારે મંદિરમાં શ્રી ઠાકોરજી સહિત સીધાં મૂર્તિ પચીશનાં થાતાં. ત્યારે નરસીંભાઇએ બે માસ સુધી રસોઇ આપી. ત્યારે થાળ ચાર થયા. અને સો મૂર્તિ સાધુ જમ્યા ત્યાર પછી એમને શરીરે દમનો વધારો જણાયો. ત્યારે પોતે પોતાના દીકરાને કહ્યું જે, તેજા ! આંહી આવ; તને એક વાત કહું તે સાંભળ. ત્યારે તેજાએ કહ્યું જે, હે બાપા ! તમે જે કહો તે સાંભળું છું. ત્યારે નરસીંભાઇએ કહ્યું જે, મને દમનો રોગ થયો છે. અને મને ભગવાને પાંચ રૂપિયા આપ્યા છે, જો હું તે ભગવાનને અર્થે વાપરું તો મારા જીવનું પરલોક સંબંધી ભાતું થાય એવું જાણીને મેં ચાર થાળ કર્યા અને સો સાધુ પણ જમાડ્યા, બાકી રહ્યા તે તું થાળ કરજે અને સાધુને જમાડજે. ત્યારે તેજાએ કહ્યું જે, બાપા, મારાથી કાંઇ નહીં થાય. ત્યારે નરસીંભાઇએ કહ્યું જે, તારાથી કેમ ન થાય ? ત્યારે તેજે કહ્યું જે, બાપા મારી પાસે પૈસા નથી. પૈસા તો મારી મા પાસે છે, તે મને આપે નહીં.

ત્યારે હું શું કરું ? માટે તમે પોતે પોતાના હાથે કરી જાઓ. તો તમારા જીવનું પરલોકનું ખરું ભાતું થાય. જે હાથે કરીએ તે સાથે આવે. ત્યારે નરસીંભાઇએ કહ્યું જે, મારો દેહ તો નહીં રહે, બે દિવસમાં પડી જશે. તે બે દિવસમાં હું શું ઉપાય કરું તે મને તું કહે તેમ કરું. ત્યારે તેજા કહ્યું જે, બાપા ! એનો ઉપાય હું તમને બતાવું. થાળ કરવા અને સાધુ જમાડવા તેનું ખર્ચ કોરી સાડા સાતસો થાશે. તે આપણે શ્રીનરનારાયણના મંદિરમાં કોઠારી સાધુ છે તે જેમ આપણે કહેશું તેમ કરશે. હું આપણા મંદિરમાં જાઉં અને કોઠારીને કહીશ જે મારા બાપાને કોરી સાડા સાતસો મંદિરમાં આપવી છે તે તમે હાર સોનાનો સારો શ્રીકાર લઇને સાધુ પાંચ મૂર્તિ ભેળા ચાલો તે મારા બાપને દર્શન થાશે અને તે હાર મારા બાપાના હાથમાં આપજો તે હાર મારો બાપ હાથમાં લઇને પાછો તમને ઠાકોરજી માટે આપશે અને કહેશે જે, આ હારના પૈસા હું કોઠારીને આપું છું. એમ કહીને હાર પણ પાછો આપશે તે શ્રીનરનારાયણ દેવને ધરાવજો. પછી કહ્યું જે, બાપા ! હવે મેં કહ્યું તેમાં જો રાજી ખુશી હો તો મને કહો તો હું કોઠારી સાધુને તેડી આવું. ત્યારે નરસીંભાઇએ કહ્યું જે, તેજા ! બહું સારું કહ્યું, એ કામ તત્કાળ કરો. મારા દેહનો તો કાંઇ પણ નિરધાર નથી.

પછી તેજો મંદિરમાં જઇને કોઠારી અને સાધુને પોતાને ઘેર તેડી ગયો. નરસીંભાઇને મલ્યા અને ભગવાનની વાત કરીને કહ્યું, આ હાર લાવો. પછી હાર લઇને પોતાની છાતીમાં દાબીને કહ્યું જે, આ મારા જીવનું પરલોકનું ભાતું થયું. એમ કહીને કોઠારીને કોરી સાડા સાતસો આપી. પછી સાધુને કહ્યું જે, આ હાર શ્રી નરનારાયણ દેવને પહેરાવજો.

હવે દેહ ગમે તો હમણાં જ પડી જાય. એમ બોલ્યા, પછી સાધુ મંદિરમાં ગયા. તે હાર નરનારાયણ દેવને ધરાવ્યો. પછી નરસીંભાઇને દેહ મૂકવાનો સમય થયો. ત્યારે તેનાં સગાં સંબંધીઓ તથા નાતનાં જે મનુષ્યો હતાં તે આવીને બેઠાં ત્યારે નરસીંભાઇ બોલ્યા જે, શ્રીજી મહારાજ મને તેડવા પધાર્યા છે. જે મેં સોનાનો હાર શ્રી નરનારાયણ દેવને આપ્યો છે તે હાર પહેરીને આવ્યા છે. તે હાર પાછો મને આપે છે. શ્રીજી મહારાજ એમ કહે છે જે, આ હાર તું પહેર અને અમે તને તેડવા આવ્યા છીએ તે ચાલ એમ કહે છે, તેથી હવે હું શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાં જાઉં છું. એમ કહી જય સ્વામિનારાયણ કહીને દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા. (૪૩)

ગામ સુખપુરના પટેલ નારાયણ માંદા થયા ત્યારે જે સત્સંગીઓ આવે તે જય સ્વામિનારાયણ કહીને પૂછે જે નારાયણ ભક્ત કેમ છે ? ત્યારે જે સત્સંગીઓ પૂછે તેને એમ કહે જે મારે મંદવાડ કંઇ નથી અને આ દેહ ક્ષણભંગુર છે તે શ્રીજી મહારાજની મરજી હશે તેમ થાશે. દેહ રહે તો ભલે અને પડે તોય ભલે, મારે તો આનંદ છે. જે સત્સંગીઓ મારી પાસે આવે તેમણે મારા દેહનું અને વહેવારનું તો પૂછશો જ નહીં. શ્રીજી મહારાજની વાતો કરો અને મૂર્તિનાં સારાં સારાં કીર્તનો ગાઓ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો તે મારી પાસે આવો. જે તેમ ન કરો અને જે દેહના અને લોકના વ્યવહારના લોચા કાઢી મારા કાન બગાડો તે મારી પાસે ન આવે. એમ વાતો કરતાં કરતાં પાંચ છ દિવસ થઇ ગયા. ત્યાર પછી સર્વે જે પોતાની નાતનાં અને ગામનાં મનુષ્યોને કહ્યું જે આજે કોઇ કામકાજે જશો નહીં. મારી પાસે આવીને બેસો. જેને શ્રીજી મહારાજની વાતો આવડે, તે વાતો કરો. જેને કીર્તન આવડે તે કીર્તન બોલો. મારે આજે દેહ મૂકવાનો છે, માટે આજ છેલ્લો દિવસ છે.

પછી ગામનાં મનુષ્યો ભેળાં થઇને કીર્તન ગાવા લાગ્યાં. પછી નારાયણ પટેલે કહ્યું જે, હવે કીર્તન રાખો અને શ્રીજી મહારાજ પધાર્યા છે તે આસન પાથરો તો શ્રીજી મહારાજ બિરાજે. પછી આસન પાથર્યું ત્યારે તે આસન ઉપર શ્રીજી મહારાજ બિરાજ્યા. પછી નારાયણ પટેલે વાત કરી જે, સર્વે સત્સંગી થાજો અને વર્તમાન પાળજો. ધર્મમાં રહેજો અને શ્રીજી મહારાજ ભગવાન છે. સર્વ અવતારના અવતારી શ્રીજી મહારાજ છે. એવી પરિપક્વ નિષ્ઠા તમે સર્વે શ્રીજી મહારાજને વિષે રાખશો તો આ જે મને શ્રીજી મહારાજ તેડવા આવ્યા છે, તે તમને પણ સર્વેને તેડવા આવશે. એમ કહીને ભગવાનના ધામમાં ગયા. તે દિવસથી આખા ગામમાં સર્વે મનુષ્યો નિત્ય મંદિરમાં આવે છે અને તે મંદિરમાં સમાતાં નથી તેટલાં દર્શન કરવા આવે છે. (૪૪)

ગામ ગાગોદરમાં કચરા ભક્ત માંદા થયા, શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે કચરો ભક્ત શ્રીજી મહારાજને પગે લાગીને કહ્યું જે હે, મહારાજ ! તમે કૃપા કરીને દર્શન દીધાં, મને કૃતાર્થ કીધો. પછી શ્રીજી મહારાજે કહ્યું જે, હવે ચાલો. ત્યારે કચરા ભક્તે કહ્યું જે, હે મહારાજ ! હું તો વાટ જોઇને જ બેઠો છું તે ચાલો. પછી પોતાના દીકરાને કહ્યું જે, ચોકો કરો અને મને ખાટલા ઉપરથી નીચે ઉતારીને ચોકામાં સુવાડો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો. પછી પોતે સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા દેહ મૂકી શ્રીજી મહારાજ ભેળા ચાલ્યા તે ભચાઉ ગયા. અર્ધ રાત્રીએ કરમણ ભક્તને સાદ કર્યો. ત્યારે કરમણ ભક્ત પોતાને ઘેર સૂતા હતા તે ઊઠ્યા અને કહ્યું જે, કોણ છે ? ત્યારે કચરા ભક્તે કહ્યું જે, એ તો હું કચરો ભક્ત છું. ત્યારે કરમણ ભક્તે કહ્યું જે આ ટાણે કેમ આવ્યા ? ત્યારે કચરા ભક્તે કહ્યું, શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે, તે હું દેહ મૂકીને ભગવાનના ધામમાં જાઉં છું. આપણા બેને હેત હતું તેથી તમને છેલ્લીવારના નારાયણ કહેવા આવ્યો છું. પછી ખડકી ઉઘાડીને જોયું ત્યાં તો અદ્રશ્ય થઇ ગયા. (૪૫)

ગામ ધમડકામાં જાડેજા રાયધણજી માંદા થયા ત્યારે શ્રીજી મહારાજ દોઢસો સાધુ લઇને પધાર્યા. રાયધણજીને દર્શન થયાં, ત્યારે રાયધણજીએ શ્રીજી મહારાજને પગે લાગીને સ્તુતિ કરીને કહ્યું જે, હે મહારાજ ! અમ સારુ આટલા સાધુ મોકલ્યા હોત તો પણ હું રાજી થઇને આવત. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, તમે જૂનામાં જૂના સત્સંગી તેને તો અમે પોતે આવી રીતે તેડવા આવીએ છીએ તે જાણજો. તમારા ગામની નદીમાં અને ‘દુધઇ’ના માર્ગથી દક્ષિણ બાજુ જે પાણીનો ધરો છે તેમાં અમે કેટલીક વખત નાહ્યા છીએ અને એ ધોબીના આરામાં પણ કેટલીક વાર સ્નાન કર્યું છે તે તમારી નદી તીર્થરૂપ છે. માટે જે નદીમાં સ્નાન કરશે, એ નદીનું કોઇ પાણી પીશે, તમારા દરબારમાં મનુષ્ય અને પશુ જે દેહ મૂકશે, તેનું કલ્યાણ અમારે કરવું છે, અને હવે તમે ચાલો, ત્યારે રાયધણજીએ કહ્યું જે, મહારાજ ! હું તો તૈયાર છું. ચાલો, પછી દેહ મૂકીને શ્રીજી મહારાજના ધામમાં ગયા. જ્યારે શ્રીજી મહારાજ અને સાધુ ‘ધમડકા’ની બજારમાંથી ચાલ્યા ત્યારે વાણિયાના હાટ આગળથી નીકળ્યા. ત્યારે વાણિયે જાણ્યું જે, જાડેજા રાયધણજી આદિ સર્વે મારા હાટેથી નામું લે છે. તે હમણાં લોટ લેવા આવશે. મારા હાટમાં સો માણસને પૂરો થાય તેટલો લોટ નથી. તેથી હું દળવા આપી દઉં તો લોટ વહેલો વહેલો તૈયાર થાય તો સારું. ત્યારે રાયધણજીએ દેહ મૂક્યો, તે વાણિયાએ સાંભળ્યું જે આજ રાયધણજી દેહ મૂકી ગયા. તેથી જાડેજા સર્વને સૂતક આવ્યું. માટે મારો લોટ નહીં લે. પછી વાણિયાનો લોટ પડ્યો રહ્યો. શ્રીજી મહારાજ ને સાધુ અદૃશ્ય થઇ ગયા. (૪૬)

એક દિવસ ગામ અંજારમાં ચાગબાઇ માંદાં થયાં ત્યારે જે કોઇ બાઇ બોલાવવા આવીને કહે જે બાઇ ! કેમ છે, સારું છે ? ત્યારે ચાગબાઇ કહે જે, ‘દેહનું શું પૂછો છો ? કારણ કે દેહ છે તે પાપરૂપ છે, આ દેહ મૂકીને જ્યારે શ્રીજી મહારાજના ચરણારવિંદને પામીએ ત્યારે સારું થશે. તે માટે સર્વે બાઇઓ ભેળાં થઇને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો, શ્રીજી મહારાજ પધારે તો સારું. પછી બાઇઓએ સર્વે ભેળાં થઇને ધૂન કરી, ત્યારે શ્રીજી મહારાજનાં દર્શન થયાં, પીડા મટી ગઇ ને સુખશાન્તિ થઇ. દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયાં. (૪૭)

અમદાવાદમાં નરનારાયણદેવનું મંદિર કરતી વખતે શિખરની કોળીમાં નાખવાનો પથ્થર ધ્રાંગધ્રાથી લાવવો હતો. તે પથ્થર ૧૬૦, એકસો સાઇઠ મણનો બહુ ભારે હતો. તેને કોઇએ ગાડે ચડાવ્યો નહીં. પછી નાના અંકેવાળીના પટેલ જીવા, વિરમગામાએ ગાડા ઉપર ચડાવીને છ બળદો જોડ્યા. તે બળદો ઠાલા ચાલ્યા જાય પણ કાંધમાં ધૂંસરું અડે નહીં. તે માર્ગમાં આવતાં ગામ ગોધાવી આગળ ગાડાનો ઇસોટો ભાંગી ગયો તે જોઇને ભક્ત રાજી થયા અને બોલ્યા જે ‘આ તો મારે સંભારણું થયું.’ પછી દરવાજા પાસે લીંબડા નીચે શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા ત્યાં જઇને દર્શન કર્યાં. પછી મહારાજ તેમને મળીને બોલ્યા જે, આવો ભક્ત ! પથ્થર બહુ ભારે લાવ્યા. ત્યારે ભક્ત બોલ્યા જે, હે મહારાજ ! એ તો તમો લાવ્યા છો, મારા બળદો તો ઠાલા ચાલ્યા આવ્યા છે. પછી શ્રીજી મહારાજે કહ્યું જે, આ અમારી ‘રાખડી’ અમારા કાંડામાંથી છોડી લ્યો, અમે બહુ રાજી છીએ. પછી ભક્તે છોડી લીધી. પછી શ્રીજી મહારાજે સભાને કહ્યું જે, તમે ઊંચા બેઠા છો પણ છો બકરાં જેવા. તે બકરૂં અર્ધ શેર દૂધ કાઢે અને આ ભેંસ જેવા છે. તે ભેંસો માદળામાં બેસે પણ દૂધ બહુ કાઢે. તેમ આમની અમારે ઉતારાની અને ખાવાની કાંઇ પણ ખબર રાખવી પડે નહીં. સેવા શિર સાટે કરે. એમ પ્રશંસા કરી. (૪૮)

એક સમય ગઢડે મહારાજ અક્ષર ઓરડીના ફળિયામાં ઢોલિયે બિરાજમાન હતા. તે સમયે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે મહારાજને દંડવત્‌ કરીને ચરણ સ્પર્શ કરીને બેઠાં. પછી હાથ જોડીને બોલ્યાં જે, હે મહારાજ ! તમે જ્યાં અમને આજ્ઞા કરો ત્યાં અમે રહીએ, અને સત્સંગીમાં ફરીએ અને તમારાં દર્શન કરીએ. ત્યારે મહારાજ બોલ્યા જે, ‘માહાત્મ્યે સહિત જે ભક્તિ તે ગોપાળાનંદ સ્વામી પાસે રહો અને સ્વધર્મ ! તમે મુક્તાનંદ સ્વામી પાસે રહો. અને જ્ઞાન, તમે નિત્યાનંદ સ્વામી પાસે રહો, અને વૈરાગ્યને કહ્યું તમે નિષ્કુળાનંદ સ્વામી પાસે રહો. એવી રીતે સત્સંગમાં ફરો. એમ આજ્ઞા કરી. ત્યારે તેવી રીતે તેઓ ફરવા લાગ્યાં અને અષ્ટ સિધ્ધિ અને નવ નિધિ તે તો મૂર્તિમાન આવીને મહારાજના ચરણારવિંદની સેવા કરવા લાગ્યાં અને સેવા પૂજાના વિધિને કહ્યું જે, તમે આનંદ સ્વામી પાસે રહો, ત્યારે તે ત્યાં રહ્યા. (૪૯)

એક દિવસે રામપ્રતાપભાઇ, સંત, પાળા અને બ્રહ્મચારીઓએ સહિત સિધ્ધપુર ગયા. ત્યાં હરિભક્તોએ ભારે સન્માન કર્યું. જ્યાં શ્રીજી મહારાજ ઊતર્યા હતા ત્યાં જ ભાઇ ઊતર્યા હતા અને હરિભક્તો સામાન લાવ્યા અને બોલ્યા જે, ભાઇ ! નદીમાં પાણી નથી. જો પાવડા લઇને ખોદીએ તો પાણી નીસરે. ત્યારે ભાઇ કહે જે, ‘‘બ્રહ્માકી લડકી હમકું નવરાને કું નહીં આયેગી?’’ પછી નિર્મળ જળ આવ્યું તે જોઇને સત્સંગીઓએ ભાઇને સંભળાવ્યું જે, નદીમાં જળ વહે છે. ત્યારે ભાઇ કહે જે, દેખો, બ્રહ્માકી લડકી હમકું નવરાનેકું આઇ હૈ. પછી સવારે સંત હરિભક્તો સહિત માધવપાવડીએ નાવા પધાર્યા, વસ્ત્રો બદલીને સ્નાન કર્યું અને બ્રાહ્મણે આવીને ચાંદલો કર્યો. ત્યારે ભાઇ બોલ્યા જે, અમારા ભાઇએ તમારી નાતમાં તમને દેગ દેવડાવી છે તેથી અમે પણ તમને દેગ કરાવી આપશું. પછી તે કરાવી આપી. (૫૦)

એક વખત રામપ્રતાપભાઇ ઠાકોરજીનાં દર્શન કરવા ગયા ત્યારે પૂજારીએ આડો પડદો નાખ્યો. ત્યારે ભાઇએ કહ્યું જે, હમારા ભાઇ હમકો અપના હસ્તસે હમારા હસ્તમેં હાર દેંગે. પછી મૂર્તિના ગળામાંથી હાર ઉછળ્યો તે ભાઇની છાતીમાં વાગ્યો. તે ભાઇએ લઇને પહેર્યો. ૫૧

કોઇક વખત અમદાવાદમાં એક શ્રાવક હાથમાં ઘરેણાં લઇને શહેરમાં દરેક મંદિરમાં ગયો હતો. અને મનમાં એમ વિચાર કર્યો જે, ‘આ ઘરેણાં જે મૂર્તિ મારી પાસેથી માગે તેને આપું.’ પછી બધાં મંદિરો ફરીને, છેવટે નરનારાયણદેવનાં મંદિરે આવ્યો ત્યારે નરનારાયણદેવે તે ઘરેણાં તેની પાસેથી માગ્યાં; તું જે ઘરેણાં લાવ્યો છે તે ઘરેણાં અમને આપ. પછી તેણે તે મૂર્તિઓને ઘરેણાં પહેરાવ્યાં અને તે સત્સંગી થયો. (૫૨)

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે ભુજના નરસીંભાઇ તથા રામપ્રતાપભાઇ અને અમદાવાદના શ્રાવકને પરચા પૂર્યા એ નામે ચોરાણુંમો અધ્યાય. ૯૪.