વચનવિધિ કડવું - ૩૫

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:34pm

વળી વિમુખ કહે હું દેખી દુઃખ ભાગોજી, સહુ મને કે’આજ્ઞામાં અનુરાગોજી
તન મન મમતા સર્વે ત્યાગોજી, એવો ઉપદેશ મને લેશ ન લાગોજી

લાગ્યો નહિ લવલેશ એનો, ઉપદેશ તે મારે અંગે ।।
ભોળો નહિ જે હું ભરમું, સમજી ન રહ્યો એને સંગે ।। ર ।।

પછી ગોતી કાઢ્યો મેં ગાફલ ગુરુ, જેને અતિ ખપ ચેલા કેરડો ।।
જાણે અણચેલે રહે એકલો, જેવો ઊજડ ગામનો એરડો ।। ૩ ।।

એવો ઓશિયાળો મેત મળ્યો, તે તો કઠણ કેમ કહી શકે ।।
દા’ડી રહિયે ડરાવતાં, વળી ટોકિયે તકે તકે ।। ૪ ।।

સ્વપ્ન શ્રાવણ માસમાં વળી, એકાદશીના જે ઉપવાસ ।।
થાયે ન થાયે થડકો નહિ, તેનો તલભાર ન રહ્યો ત્રાસ ।। પ ।।

સર્વે નિયમ સતસંગના, પળે ન પળે પુરા વળી ।।
કે’નાર તેનો કહો કોણ છે, કળી લીધી છે વાતો સઘળી ।। ૬ ।।

બા’રે બણી ઠણી બેસિયે, સાધુ સુંદર સારા સરખા ।।
અંતરની અસાધુતાની, કહો કોણ કરે છે પરખા ।। ૭ ।।

એવા કપટી કુટિલનો, સંગ તે સારો નહિ ।।
નિષ્કુળાનંદ નકી વારતા, કે’વાની હતી તે કહી ।। ૮ ।।