તરંગ - ૧૩ - શ્રીઘનશ્યામ મહારાજે ચંદનમાસીને પોતાના મુખમાં અનંતકોટિ બ્રહ્માંડની રચના બતાવી

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:24pm

 

પૂર્વછાયો- એક સમે શ્રી ભક્તિમાતા, પોતાનું આંગણું જ્યાંયે । આંબલીના તરૂતલે બેઠાં, બાજોઠ ઉપર ત્યાંયે ।।૧।।

ઘનશ્યામને તેડી લાવ્યાં, સ્નેહે કરાવવા સ્નાન । ઉગમણે મુખે બેસાર્યા, બહુનામી બલવાન ।।૨।।

ઉષ્ણોદકે સ્નાન કરાવે, કળશેથી કરે ધાર । નીર ગરમ લાગ્યું હરિને, ચીસ પાડી તેણી વાર ।।૩।।

ઓચિંતાના રોવા લાગ્યા, ખમા ખમા કરે માત । નીર ગરમ શું ઘણું પડયું, દાઝયા કોમળ ગાત ।।૪।।

ચોપાઇ- એમ કહીને જળ તપાસ્યું, વારિ ગરમ ઘણું તે વિમાસ્યું । પ્રભુ બેસો તમે થોડીવાર, ટાઢું પાણી લાવું હું તૈયાર ।।૫।।

એમ કહી લેવા ગયાં નીર, સુણે સર્વે થઇ મતિધીર । બ્રહ્મા વિષ્ણુ શેષાદિક દેવ, આવી બેઠા હતા કુવે એવ ।।૬।।

કરે દર્શન તે મહાભાગ, સેવા કરવાનો આવ્યો લાગ । અવકાશ જોઇને તે આવ્યા, મારા વાલિડાને નવરાવ્યા ।।૭।।

ઉના જળથી કરાવે સ્નાન, વળી કેછે સુણો ભગવાન । અમને આવ્યા જાણીને એવા, માતાને મોકલ્યાં જળ લેવા ।।૮।।

મોટી દયા કરી મહારાજ, લાભ આપ્યો છે સેવાનો આજ । ભક્તિમાતા વળ્યાં તતકાળ, ત્યારે હરિએ માગ્યો રૂમાલ ।।૯।।

માતાજી રુમાલ લેછે જ્યાંયે, પ્રભુને દીઠા ઓરડામાંયે । વસ્ત્રાભૂષણ બહુ મુલ્યવાન, ઘનશ્યામે કર્યાં પરીધાન ।।૧૦।।

બન્ને ઠેકાણે જોયા હરિને, માતા બારે આવ્યાં છે ફરિને । જુવે તો ત્રણ દીઠા ત્યાં દેવ, કરે સુંદર શ્યામની સેવ ।।૧૧।।

જુવે પ્રેમવતી પુછે તાંઇ, તમે ત્રણ જણા કોણ ભાઇ । ત્યારે તે કે આ છે ભગવાન, અમો કરાવીયે છૈયે સ્નાન ।।૧૨।।

પાછું જોયું માતાએ તે ઠામ, ઘરમાં દીઠા સુંદરશ્યામ । માતા મન થયાં ભયભીત, વળી વિભ્રાંત થયું છે ચિત્ત ।।૧૩।।

તેવું જોઇને બોલ્યા છે લાલ, હે દીદી પાણી લાવોને હાલ । ઘણી વારથી જોઉછું વાટ, બેસી રહ્યો છું નાવાને માટ ।।૧૪।।

એવું વેણ બોલ્યા ભગવાન, સુણી માતા થયાં સુખવાન । પછે આવ્યાં ઓસરી બહાર, વળી વદે છે વિભુ આધાર ।।૧૫।।

દીદી અમને કરાવા સ્નાન, ત્રણે દેવ આવ્યા છે આ સ્થાન । ભાવેથી તે કરે છે સ્તવન, માતા જોઇ રહ્યાં એકમન ।।૧૬।।

બ્રહ્માદિક કહે સુણો માતા, તમારા પુત્ર છે જગત્રાતા । અમે આવ્યા એનેજ નમતા, અમારા સર્વેના છે નિયંતા ।।૧૭।।

એમ કહી રજા લીધી ત્યાંય, થયા અદૃશ્ય આકાશમાંય । પછી રુમાલથી અંગ લોયું, પામરી ઓઢાડી મન મોહ્યું ।।૧૮।।

ઓશરીની છે જેર તે સ્થાન, તે ઉપર બેસાર્યા ભગવાન । પયસાકર હરિને પાયું, ત્યારે માતાનું મન મનાયું ।।૧૯।।

ઘર આંગણાં બાર પ્રત્યક્ષ,પારીજાતકનું એક વૃક્ષ । તેને હેઠે બેઠા જગનાથ, ખાવા મૃતિકા લિધી છે હાથ ।।૨૦।।

મૂર્તિ કે સુણો ચંદનબાઇ, જુવો શું કરે છે ત્યાંહાં ભાઇ । એવું સુણી આવ્યાં બલપામી, જ્યાં બેઠાછે વાલો બહુનામી ।।૨૧।।

જુવે તો મૃતિકા લીધી છે જેહ, માસીયે પડાવી નાંખી તેહ । જુવેછે મુખ પોળું કરીને, જમેછે તે વદન ભરીને ।।૨૨।।

ડારો દેખાડીને કરી રીશ, આશું ખાવા શિખ્યા જગદીશ । મુખ પોળું કરી જુવે માસી, બતાવે છે પોતે સુખરાશી ।।૨૩।।

કોટિકોટિ બ્રહ્માંડની માયા, બતાવી મુખમાં જગરાયા । ઇંદ્ર વિભુ વરુણને યમ, ૧સવિતા ૨શૂલિ શારદ બ્રહ્મ ।।૨૪।।

અગ્નિ વાયુ સમુદ્રને દ્વિપ, તારા મંડલ વળી ૩ઉડુપ । દશ દિશાઓના દિગપાલ, સ્થાવર આદિ મેરુ મરાલ ।।૨૫।।

સ્વર્ગ મૃત્યુ પાતાલ જે ખંડ, કોટિકોટિ બતાવ્યાં બ્રહ્માંડ । લોકાલોક અલોક અલક્ષ, દેખીને ઠરી ગયાં છે અક્ષ ।।૨૬।।

માસી વિસ્મય પામ્યાં છે મન, આતો શું થયું મને સ્વપ્ન । થોડીવાર થયો પરીતાપ, પછે જાણ્યો પ્રભુનો પ્રતાપ ।।૨૭।।

અતિ આનંદ પામ્યાં છે માસી, માતા આગળ વાત પ્રકાશી । આવાં અદ્બુત આશ્ચર્ય નિરખે, માતા પિતા આદી સહુ હરખે ।।૨૮।।

ત્યાર પછી કહું બીજી વાત, સુણો રામશરણજી ભ્રાત । માતાએ કરાવ્યું સ્તનપાન, ધાવી તૃપ્ત થયા ભગવાન ।।૨૯।।

ત્યાં રમતા મુક્યા પ્રાણપતિ, રસોડામાં ગયાં પ્રેમવતી । કરે રસોઇનો ઉપચાર, એમવિતી ગઇ થોડીવાર ।।૩૦।।

જુવે ઘનશ્યામ ચારેપાસ, કોઇ દેખ્યું નહિ અવિનાશ । ચાલ્યા ભાખોડીયે રૂડી ચાલ, આવ્યા ઘરમાં ભક્તિના બાલ ।।૩૧।।

પરાણે ઉમરા પર ચડયા, જાવું તું ઘરમાં પણ પડયા । કાલાં કાલાં બોલીને વચન, કરે મનુષ્યાકૃતિ રૂદન ।।૩૨।।

રુવે છે ત્યાં ઘનશ્યામભાઇ, માતા શબ્દ સુણી આવ્યાં ધાઇ । ખમાખમા કરી તેડી લીધા, કૃષ્ણકુંવરને શાંત કીધા ।।૩૩।।

કાંઇ ભાન રહ્યું નહિ અમને, મારા લાડિલા વાગ્યું તમને । વિસ્મે પમાડવા બોલ્યા વેણ, સુણો માતા તમે સુખદેણ ।।૩૪।।

દીદી અમને તો વાગ્યું નથી, ક્ષુધા લાગી છે તે કહું કથી । પડી જવાનું કારણ એહ, કાંઇ બીજો ન કરો સંદેહ ।।૩૫।।

ક્ષરઅક્ષરથકી છું પર, મારું નામ રટે મુનિવર । હું છું પુરૂષોત્તમ સાક્ષાત, તમે સત્ય માની લેજ્યો વાત ।।૩૬।।

માતા પિતા છો ભક્તિ ને ધર્મ, મોટાભાઇ સંકર્ષણ પર્મ । અમે ધરયો મનુષ્યાવતાર, કરવા તે જીવનો ઉદ્ધાર ।।૩૭।।

પછે માતા થયાં છે પ્રસન્ન, અતિ આનંદ પામ્યાં છે મન । પયસાકર કર્યું તૈયાર, પાયું પુત્રને પ્રેમથી સાર ।।૩૮।।

તૃપ્ત થયા છે પ્રાણજીવન, પછે નિદ્રા આવી છે લોચન । ગાદલાં સહિત જે પલંગ, તેમાં પોઢાડયા કરી ઉમંગ ।।૩૯।।

એક સમે થયો સંધ્યા કાળ, બેઠાં ભક્તિ ધર્મ જેષ્ઠ બાળ । બાલમુકુંદ વિષ્ણુ છે જેહ, કરી આરતી તેમની તેહ ।।૪૦।।

સ્તુતિ ધૂન્ય કર્યા દંડવત, પછે જમવા બેઠા તરત । તેસમે એક આવ્યો સુરારી, થયો વંટોળીયો બહુભારી ।।૪૧।।

બીજા અસુરને સંગે લાવ્યો, આસુરી માયા મોહ મચાવ્યો । હતી રાત અંધારી અપાર, તેમાં દૈત્યે કર્યો અંધકાર ।।૪૨।।

ચાલે છે ભયંકર ૧સમીર, તેને દેખી રહે નહિ ધીર । ઘર ઉપરનાં જે નળીયાં, ખડે સહિત ખળભળિયાં ।।૪૩।।

અતિશે આંધિ ચડી છે ત્યાંયે, અંધકાર થયો નભમાંયે । તેસમે હરિ પૂન્ય પવિત્ર, કરે પોતે મનુષ્ય ચરિત્ર ।।૪૪।।

ભક્તિને કહે આ શું થયું છે, વ્યોમમારગમાં શું રહ્યું છે । માતાયે જાણ્યું જે હરિ બીશે, અંધકાર દેખીને આ દિશે ।।૪૫।।

એમ ધારીને ઉપાડી લીધા, નિજરુદે સાથે દાબી દીધા । કરયું ચુંબન ખમા કરીને, પછે તેડી લીધા શ્રીહરિને ।।૪૬।।

ધર્મદેવ અને મોટાભાઇ, જમવા બેઠા છે ઘરમાંઇ । તેસમે માતા બીજું ન બુજે, અંધકારમાં કાંઇ ન સુજે ।।૪૭।।

દીવો કરવા તે અકળાય, આસુરીમાયામાં અથડાય । પ્રોક્ષદેવનું કરે સ્તવન, વળી સંભારે મારુતતન ।।૪૮।।

ત્યારે બોલ્યા ત્રિભુવનરાય, માતા એમ કરેથી શું થાય। કરો પ્રાર્થના જો અમારી, અમે રક્ષા કરીશું તમારી ।।૪૯।।

એવું સુણીને માતા સમજ્યાં, પ્રોક્ષદેવનું સ્તવન તજ્યાં । હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, અમારી રક્ષા કરો આ ઠામ ।।૫૦।।

તેવું સાંભળી કે છે વિચારો, માતાજી મુને હેઠે બેસારો । એમ કેતાં થયો છે પ્રકાશ, જમણે અંગુઠેથી ઉજાસ ।।૫૧।।

મોટાભાઇ ભણી તેજ આવ્યું, સઘળા ભુવનમાં ભરાયું। તેજ દેખી બેઉ અકળાય, દિવ્યભાવ વિના ન કળાય ।।૫૨।।

જુવો હરિ ઇચ્છા બળવાન, આવ્યું ૨અહિપતિને ત્યાં ભાન । પૂર્વે પ્રભુએ આપ્યું વચન, તેની સ્મૃતિ થઇ આવી મન ।।૫૩।।

પછે બોલ્યા મન કરી ધીર, તમે ક્યાં છો ઘનશ્યામ વીર । તેજ સમાવી લીધું તે વાર, ભાઇ હું બેઠો છું આણે ઠાર ।।૫૪।।

એવું સુણ્યું પ્રભુનું વચન, ભાઇ સુખ પામ્યા ઘણું મન । ઓલ્યો અસુર અઘનું ધામ, કરવા આવ્યો તો કૂડું કામ ।।૫૫।।

તેજ દેખીને દાઝવા લાગ્યો, ભય પામીને ત્યાંથકી ભાગ્યો । પ્રભુનો દેખી પ્રૌઢ પ્રતાપ, થયો અસુરને પરીતાપ ।।૫૬।।

નાઠો પ્રાણ લઇ નિરધાર, પોતાની માયાજુક્ત તે વાર । ધર્મ ભક્તિ અને મોટાભાઇ, પામ્યા આશ્ચર્ય અંતરમાંઇ ।।૫૭।।

અવતારના છે અવતારી, એની ગૂઢમતિ અતિ ન્યારી । એમ સર્વે બ્રહ્માંડ મોઝાર, વરતાવ્યો છે જયજયકાર ।।૫૮।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીઘનશ્યામ મહારાજે ચંદનમાસીને પોતાના મુખમાં અનંતકોટિ બ્રહ્માંડની રચના બતાવી એનામે તેરમો તરંગઃ ।।૧૩ ।।