તરંગ - ૩૭ - શ્રીહરિયે જાંબુફળની સોનામોરો કરીને ભાભીને ત્રણ્ય કાળમાં જુદે જુદે રૂપે દર્શન દીધાં

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:05am

 

પૂર્વછાયો- એક સમે સુવાસિનીને, થયો વિચાર નવિન । મારા દિયરના ચરણમાં, આ રહ્યાં છે સોળે ચિહ્ન ।।૧।।

ઉર્ધ્વરેખા સહિત ઓપે, સુંદર કોમળ ચરણ । પૂર્ણ પુરૂષોત્તમ પોતે, એ છે અશરણ શરણ ।।૨।।

ચોપાઇ- બે કરમાં છે પદ્મનાં ચિહ્ન, તેની શોભા ત્રિલોકથી ભિન્ન । હૃદેમાં શ્રીવત્સ ચિહ્ન શોભે, ભાળી મુનિતણાં મન લોભે ।।૩।।

તેથી ઉપર છે ઉર્ધ્વ ચંદ્ર, તેને ધરી રહ્યા છે બલીંદ્ર । છાતીમાં છે વિનગુણ હાર, મોટો તીલ તે કંઠમોઝાર ।।૪।।

તે ઉપર તિલ એક નાનો, જેને સેવે યોગીજન છાનો । નાસિકા શુકચંચુ સમાણી, જાણે દિપક જ્યોત જણાણી ।।૫।।

મોટો તીલછે જમણા ગાલે, તેને જોયા વિના કેમ ચાલે । રૂડી આંખ્યો દિશે અણિયાળી, કંજપત્ર સમાન રૂપાળી ।।૬।।

તેમાં રાતી રેખા થોડી થોડી, જક્તમાં ન મળે એની જોડી । ભ્રકુટી જાણે કામ કમાન, મહા મુક્ત ધરે એનું ધ્યાન ।।૭।।

સુંદર શીરની શોભા સારી, ગોળાકાર દિવ્ય અવિચારી । તે મધ્યે શિખા બેતસુ ઉભી, સર્વ ભક્તની વૃત્તિ ત્યાં લોભી ।।૮।।

થોડીક વળેલી છે તે સ્થિર, ઘણા ગુણ તેમાં છે ગંભીર । એવી શીખાની શોભા નિરખી, હરિજન જુવે મન હરખી ।।૯।।

કર ચરણ આદિ સહુ અંગ, અતિ કોમળ છે નવરંગ । નોય મનુષ્યદેવનું રૂપ, આતો રૂપના નિધિ અનૂપ ।।૧૦।।

સુવાસિની ધારે મન આમ, રખે ભગવાન હોય શ્યામ । મારા ચિત્તમાં જણાય એમ, પણ થોડું રેછે મન વેમ ।।૧૧।।

મારા મનમાં ધાર્યું છે છાનું, તે જો સત્ય કરે ત્યારે માનું । નિર સંશે જાણું ભગવાન, ધરૂં પ્રભુનું નિત્ય હું ધ્યાન ।।૧૨।।

એમને જમાડીને જમવું, પાણી પાઇને પછે હું પીવું । પેલા પોઢાડું શ્રીભગવન, પછી મારે કરવું શયન ।।૧૩।।

એમના ઉઠયા પેલાં હું જાગું, તરત તનડાની માયા ત્યાગું । કરૂં ભજન ધરી હિંમત્ય, પણ સંકલ્પ જો કરે સત્ય ।।૧૪।।

આ જાંબુડાનાં ફળ છે પાંચ, મુકું છું ટોપલીમાં તે સાચ । ટોપલી શીંકાપર ધરૂં છું, એવો વિચાર મન કરૂં છું ।।૧૫।।

પાંચ જાંબુની જો કરે મોર, તો પ્રભુ સાચા ધર્મકિશોર । વળી મુને કહે રૂડી રીત, તમારો સંકલ્પ થયો સત્ય ।।૧૬।।

એવું કહે પ્રભુ જો આ પળે, તારે સંશય મારો તો ટળે । બેઠા ઓશરીમાં જઇ બાર, જાંબુ ફળ જમે છે તે વાર ।।૧૭।।

તે સમે ધર્મ રામપ્રતાપ, ઇચ્છારામ ને શ્રીહરિ આપ । તે પણ જાંબુ જમે છે ત્યાંયે, નિજઘરની ઓશરીમાંયે ।।૧૮।।

તે સમે હરિ શ્રીઘનશ્યામ, જાણ્યો સંકલ્પ ભાભીનો આમ । અંતર્યામી પણે જાણી લીધું, બેઠે બેઠે તે કારજ કીધું ।।૧૯।।

ભાભી શીંકામાં જાંબુ સંભારો, સત્ય સંકલ્પ થયો તમારો । સાંભળતામાં તૈયાર થયાં, શીંકે જાંબુ સંભાળવા ગયાં ।।૨૦।।

ઉતારીને જોયું છે તે ઠોર, પાંચે થઇ છે સોનાની મોર । પામ્યાં આશ્ચર્ય પોતે ભોજાઇ, અહોહો અલૌકિક નવાઇ ।।૨૧।।

સોના મોરો લઇ આવ્યાં બાર, મુકી શ્રીહરિચરણ-મોઝાર । પગે લાગી કરે છે પ્રણામ, ધન્ય ધન્ય તમે ઘનશ્યામ ।।૨૨।।

હવે નિશ્ચય મુજને થયો, મારો સંશય તો ટળી ગયો । તમે પૂરણબ્રહ્મ છો પ્રભુ, વિશ્વાધાર વિશ્વંભર વિભુ ।।૨૩।।

શ્રીહરિ તમે છો સમરથ, મારો પૂર્ણ કર્યો મનોરથ । વૃત્તિ તમમાં રે હે ભગવાન, એવું આપો મુને વરદાન ।।૨૪।।

પછી થયા છે પ્રભુ પ્રસન્ન, આપ્યું માગ્યા પ્રમાણે વચન । બોલ્યાં પ્રેમવતી પ્રેમલાઇ, તમે સુણો સુવાસિનીબાઇ ।।૨૫।।

સદા પાળશો આ પ્રતિબંધ, તો રેશે શ્યામ સાથે સંબંધ । સુણી માતાજીના એવા બોલ, બોલ્યાં સુવાસિની કરી તોલ ।।૨૬।।

વારૂં માજી હવે નહિ ચુકું, મારા મહારાજને ન મુકું । અવધપ્રસાદજી પ્રીતે, કહે રામશરણની પ્રત્યે ।।૨૭।।

ઘનશ્યામના જે છે ભોજાઇ, તેનું નામ સુવાસિનીબાઇ । તેતો મારાં માતુશ્રીજ થાય, પુન્ય પવિત્ર પોતે સદાય ।।૨૮।।

જ્યાં સુધી રાખ્યો તેમણે દેહ, ભજ્યા પ્રગટ પ્રભુને એહ । દૃઢ નિશ્ચે જાણ્યા ભગવાન, ધર્યું આયુષપર્યંત ધ્યાન ।।૨૯।।

પ્રભુયે પણ માતાજી જાણ્યાં, સતસંગમાં સર્વે વખાણ્યાં। જાણે છે આપણો સંપ્રદાય, એછે પ્રસિદ્ધ વાત સદાય ।।૩૦।।

જાંબુની કરી સોનાની મોર, જાણ્યું છુપૈયામાં ચારે કોર । વિસ્મય પામ્યા છે સર્વજન, માને આશ્ચર્ય આશ્ચર્ય મન ।।૩૧।।

વળી એક દિન ઘનશ્યામ, વ્હેલા ઉઠયા છે પૂરણકામ । ગયા મીનસાગરને તીર, શૌચવિધિ કરવા નરવીર ।।૩૨।।

પછે વિધિ કરી ઘેર આવ્યા, ત્યાં ભાભીયે પગ ધોવરાવ્યા । આંબલી વૃક્ષ હેઠે જીવન, બેઠા કરે છે દંતધાવન ।।૩૩।।

સુવાસિની લાવ્યાં ઉનું ૧વારી, નાવા બેઠા છે દેવ મોરારી । નવરાવે પ્રભુને ભોજાઇ, કરે છે વિચાર મનમાંઇ ।।૩૪।।

પ્રભુ આપેછે દર્શન ભિન્ન, ત્રૈણકાળવિષે જે નવીન । એમ કેછે જન અભિરામ, તેમ મુને આપે ઘનશ્યામ ।।૩૫।।

એવો કરે છે મન વિચાર, અંતર્યામીયે જાણ્યું તે વાર । આ શું વિચારો છો ભાભી તમે, તમારા ઘાટ જાણ્યા છે અમે ।।૩૬।।

ત્રૈણ અવસ્થાનાં દરશન, ક્યાં સુધી કરવાનું છે મન । ત્યારે સુવાસિની કહે આજ, સુણો સત્ય કહું મહારાજ ।।૩૭।।

મારે કાંઇ નથી એવા ઘાટ, પણ લોક કહે છે તે માટ । જાણું છું એવો લોક વિવાદ, આ ટાણે મુને આવ્યું છે યાદ ।।૩૮।।

બોલ્યા પ્રસન્ન થઇ જગતાત, સુણો ભાભી કહું સત્ય વાત । ત્રૈણે કાળનાં દરશન થાશે, જુદાં જુદાં સ્વરૂપ જણાશે ।।૩૯।।

થશે લાગટ દિવસ પાંચ, એવું માની લેજ્યો મારૂં સાચ । પછે પેર્યું કોરૂં પટકુળ, આવ્યા ઓશરીમાં સાનુકુળ ।।૪૦।।

સુવાસિની પામ્યાં છે વચન, એ પ્રમાણે થયાં છે દર્શન । ભક્તિમાત સુવાસિનીબાઇ, ધર્મદેવ ને જોખનભાઇ ।।૪૧।।

સુંદરી સુરજાબાઇ નામ, એ આદિ સર્વે જન તમામ । ઘનશ્યામનાં દેખી ચરિત્ર, થયાં પાવન પુન્ય પવિત્ર ।।૪૨।।

તેને બીજે દિવસ સવાર, આવી એકાદશી નિરધાર । ધર્મદેવ સહિત કુમાર, ગયા નારાયણસરે સાર ।।૪૩।।

શૌચવિધિ કરી ભગવાન, સરોવરમાં કરે છે સ્નાન । ઘનશ્યામ રમત કરે છે, પિતાનો કર ઝાલી તરે છે ।।૪૪।।

થોડી વાર ત્યાં રમત કરી, પછી હાથ મુકી દીધો હરિ । ડુબકી મારીને ઉંડા ગયા, સરોવરમાં અદૃશ થયા ।।૪૫।।

ધર્મદેવ કહે રે જોખન, જુવો ઉંડા ગયા છે જીવન । આ અંબુમાં ક્યાંક ડુબી જાશે, પછે કેડેથી પસ્તાવો થાશે ।।૪૬।।

ભાઇ ગયા તે જળમાં ચાલી, શોધે છે પાણીમાં કર ઘાલી । કૃષ્ણજી જળમાંહી સલક્યા, સામા આરા ઉપર ઝળક્યા ।।૪૭।।

હાથ લાંબો કરીને હલાવે, બીજાં બાલકડાંને બોલાવે । પાછા જળમાં તરતા તરતા, પિતા પાસે આવ્યા જગકર્તા ।।૪૮।।

રમવા લાગ્યા બાળક જોડે, પછે બોલ્યા ધર્મ કોડે કોડે । ચાલો ઘેર જૈયે હવે ભાઇ, એમ કહી બેઠા આરામાંઇ ।।૪૯।।

ભગો વણિક રેછે તેહ ગામ, તેની પુત્રી રામકોર નામ । નાતાં નાતાં બુડી ગઇ બાળ, તેનાં માબાપ આવ્યાં તે કાળ ।।૫૦।।

કરે શોક રુદન અપાર, અતિ ૧આક્રંદ વારમવાર । દયા આવી પ્રભુજીને સોય, કૃપાદૃષ્ટિ કરી પોતે જોય ।।૫૧।।

પેલી પુત્રી તમારી છે જુવો, નથી બુડી તમે શીદ રુવો । તેનાં માબાપે તેડીને લીધી, સ્વામિનારાયણે રક્ષા કીધી ।।૫૨।।

પછે આનંદમાં પ્રભુ રમે, ઘેર્ય આવ્યા પોતે તેહ સમે । લાખો કેરા કર્યા ઉપકાર, કોટી કોટીના કર્યા ઉદ્ધાર ।।૫૩।।

ઇતિ શ્રી મદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે જાંબુફળની સોનામોરો કરીને ભાભીને ત્રણ્ય કાળમાં જુદે જુદે રૂપે દર્શન દીધાં એ નામે સાડત્રીશમો તરંગ ।।૩૭।।