તરંગ - ૭૬ - શ્રીહરિએ મોટાભાઇને ફણસનાં વૃક્ષને વિષે ચમત્કાર દેખાડ્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 6:53pm

 

પૂર્વછાયો

એકસમે તરગામથી, મોટાભાઇના શ્વસુર । ફણસનાં ફળ લઇ આવ્યા, બળદેવજી જરૂર ।।૧।।

ધર્મ ને મોતીરામ ઘેર, વિવેકથી મતિ સાર । ફણસનાં ફળ મોકલ્યાં, પાંચ પાંચ અનુસાર ।।૨।।

સ્વાદિષ્ટ પાકાં જાણી, બોલ્યા ધર્મદેવ તત્કાળ । જોખન આને સુધારીને, ભરો તપેલામાં બાળ ।।૩।।

 

ઠાકોરજીને જમાડ્યાનો, વખત થાશે જે વાર । પ્રથમ જમાડી વિષ્ણુને, સહુને દેશું કરી પ્યાર ।।૪।।

 

 

 

ચોપાઇ

 

એવું સુણીને રામપ્રતાપ, આજ્ઞા પાળવા ઉઠ્યા છે આપ । રૂડાં ફણસ સુગંધીવાન, રંગે જોતાં કેસર સમાન ।।૫।।

સુધારીને કર્યાં છે તૈયાર, ભર્યાં મોટાં તપેલાં મોઝાર । ઉપર તાંસ ઢાંકી તે વાર, પછે અનંતજી આવ્યા બાર ।।૬।।

એવામાં તો આવ્યા ત્યાં શ્રીરંગ, નિજ સખાઓને લેઇ સંગ । છાના માના ગયા ઘરમાંયે, ફણસનાં ફળ મુક્યાં ત્યાંયે ।।૭।।

કોઇ જાણે નહિ આ પ્રબંધ, માટે કમાડ કર્યાં છે બંધ । સખા સહિત જીવનપ્રાણ, ફળ સર્વે જમી ગયા જાણ ।।૮।।

પાત્ર ખાલી કરીને ત્યાં મુક્યું, હતું તેમનું તેમજ ઢાંક્યું । કોઇ જાણે નહિ આવો મર્મ, પછે બારે આવ્યા તજી ભર્મ ।।૯।।

સખા સહિત સત્વર થયા, નારાયણસરોવરે ગયા । જઇ જળમાં ધુવેછે હાથ, છાનું કામ કરી યોગિનાથ ।।૧૦।।

તે સમે જે સુવાસિનીબાઇ, આવ્યાં જળ ભરવાને ત્યાંઇ । સખી સાહેલીઓના સંગે, અંબુ ભરવા લાગ્યાં ઉમંગે ।।૧૧।।

હાથ ધુવે ઘનશ્યામભાઇ, તે જુવે છે સુવાસિનીબાઇ । તે દેખીને પ્રભુને પુછે છે, કર ધોવાનું કારણ શું છે ।।૧૨।।

કેવા હતા તમારા બે હાથ, ધોવા પડે છે શ્રીયોગિનાથ । પોતે બોલ્યા નહિ ઘનશ્યામ, પણ કેવા લાગ્યા વેણીરામ ।।૧૩।।

ફણસનાં ફળ ખાધાં અમે, તેથી હાથ ધોયા સુણો તમે । એવાં વચન સુણ્યાં જે વાર, ભાભી મન કરે છે વિચાર ।।૧૪।।

ઘરે ફણસ મુક્યાં સુધારી, રખે ખાઇ ગયા ભયહારી । એવો કર્યો છે પોતે ઠરાવ, ઘેર આવ્યાં ધરી મન ભાવ ।।૧૫।।

ઓરડામાં આવી જોયું જ્યારે, તપેલીમાં નથી કાંઇ ત્યારે । ખાલી ઢાંકેલું તે ખખડે છે, તે ઉપર તાંસ રખડે છે ।।૧૬।।

સુવાસિનીએ કર્યો વિચાર, માતાને બોલાવ્યાં તેણીવાર । મૂર્તિમાતા આવ્યાં ઘરમાંયે, પુત્રવધુ કેવા લાગ્યાં ત્યાંયે ।।૧૭।।

પ્રેમવતીયે કર્યો તપાસ, પાત્ર ખાલી પડ્યું છે પ્રકાશ । માતાયે સાચું માન્યું તે ઠામ, આતો છે ઘનશ્યામનું કામ ।।૧૮।।

બીજાનો આમાં હાથ ન હોય, આવું કામ કરે નહિ કોય । એવો વિચાર થયો ઉરથી, ચટકી ચડાવી અંતરથી ।।૧૯।।

બેઠાં બારણે સોટી લઇને, આવે તો મારૂં ઉભી થઇને । માતાજી બેઠાં છે થોડીવાર, ત્યાં તો આવ્યા છે વિશ્વઆધાર ।।૨૦।।

શ્રીહરિયે જોયું ધીરે રઇ, માતાજી બેઠાં છે સોટી લઇ । રખે મારે મુને આજ માતા, એમ ભય ધરે જગત્રાતા ।।૨૧।।

ભીંત ઓથે સંતાતા સંતાતા, ઘરમાં પ્રવેશ્યા મોેક્ષદાતા । નમ્ર થયા છે નિજકુમાર, માતાને દયા આવી અપાર ।।૨૨।।

પ્રેમવતી ગયાં પુત્ર પાસ, કર ગ્રહી કરાવે છે હાસ । માતા વાત્સલ્ય પ્રેમસમેત, કેવા લાગ્યાં કરી મન હેત ।।૨૩।।

ઠાકોરજીને એ ફળ ધરી, પ્રસાદી દેવીતી હેતે કરી । વારુ ઠીક કર્યું ઘનશ્યામ, બીજી વાર ન કરશો એ કામ ।।૨૪।।

ધીમેથી બોલ્યા શ્યામ શરીર, હે દીદી સુણી લ્યો મતી ધીર । નોતી ખબર મુને ખચીતે, નહિ તો ખાત ન એવી રીતે ।।૨૫।।

પણ હોય તમારો વિચાર, પ્રભુજીને ધરાવા આવાર । ચાલો આપણા બાગનીમાંય, ઘણાં ફણસ પાક્યાં છે ત્યાંય ।।૨૬।।

જેટલાં જોઇએ આ ફણસ, પાકેલાં લાવો તેથી સરસ । ફણસ ફળ જાણે વિશેક, આપણા બાગમાં નથી એક ।।૨૭।।

ઓણ સાલ તો બેઠાં જ નથી, ત્યારે કૃષ્ણ બોલ્યા છે ધીમેથી । જુવો તો ખરાં દીદી ત્યાં જૈને, તપાસો તપાસો ધીરાં રૈને ।।૨૮।।

એવું સુણી ધર્યો વિશ્વાસ, ત્યારે જોયું છે કરી તપાસ । માતા મન કરે છે વિચાર, આતો ફણસ બેઠાં અપાર ।।૨૯।।

મોટાં મોટાં પાકાં છે સ્વાદિષ્ટ, પ્રેમવતીયે જોયાં છે શ્રેષ્ઠ । વળતાં માતા બોલ્યાં વચન, સુણો ઘનશ્યામ મારા તન ।।૩૦।।

કાલ સવારના પ્રાતઃકાળ, હું આવીતી આંહી મારા બાળ । ત્યારે તો નોતું ફણસ એક, આજ ક્યાંથી બેઠાં છે અનેક ।।૩૧।।

એમ કેતાં છતાં બેઉ ફળ, સારાં મોટાં લીધાં છે વિમલ । ઘરમાં લાવીને સુધરાવ્યાં, ઠાકોરજી આગળ ધરાવ્યાં ।।૩૨।।

પ્રસાદી આપી સર્વે જનને, શાંતિ થઇ માતાના મનને । એવું ચરિત્ર સાંભળ્યું જોયું, ત્યારે મોટાભાઇ મન મોયું ।।૩૩।।

કહે અનંત હે ઘનશ્યામ, ક્યાંથી ફણસ લાવ્યા આ ઠામ । આપણા બાગમાં બેઠાં નથી, આ સાલમાં તો શું કૈયે કથી ।।૩૪।।

ત્યારે શ્રીહરિ કે છે સમક્ષ, મોટાભાઇ એ છે કલ્પવૃક્ષ । તમે જે જે કરો ચિંતવન, તે તે મળે તમને પાવન ।।૩૫।।

 

 

વળી ચક્રીપતિ બોલ્યા વાણ, સુણો નટવરજી સુજાણ । કળિયુગમાં એ વૃક્ષ નોય, ૧કૃતયુગ વિષે મળે કોય ।।૩૬।।

પછી કે પુરૂષોત્તમરાય, સુણો જ્યેષ્ઠ બંધુ અભિ-પ્રાય । અમે ઇચ્છા કરી છે તે આજ, કર્યું છે મનવાંછિત કાજ ।।૩૭।।

કલ્પવૃક્ષ તણો આવિર્ભાવ, આ વૃક્ષમાં આવ્યો તેનો દાવ । મોટાભાઇ કહે એવી રીત, ક્યાં સુધી ભાવ રેશે અજીત ।।૩૮।।

હરિકૃષ્ણ કહે છે રે ભાઇ, કરૂં વર્ણન તેની બડાઇ । માતા પિતા છે આપણા જેહ, જ્યાં સુધી રેશે આરોગ્ય એહ ।।૩૯।।

ત્યાં સુધી જ રેશે ભાવ એવો, આ તરૂમાં કલ્પવૃક્ષ જેવો । ભાઇ કે બીજું મળે કે નહિ, સાચી વાત કહો મુને સહિ ।।૪૦।।

હા તમે જે માગો તેજ મળે, તેનું ફળ પામો તે જ પળે । તમારી ધ્યાનમાં આવે જેમ, માગી લ્યો સામટાં ફળ એમ ।।૪૧।।

પત્રે પત્રે જુદાં જુદાં ફળ, તમને મળે તે અનુકુળ । પછે મનમાં કર્યો વિશ્વાસ, ગયા ફણસના વૃક્ષ પાસ ।।૪૨।।

 

મમ બંધુનું સત્ય વચન, હોય તો મળે ધારેલું મન । કલ્પવૃક્ષ રૂપી છે આ તરુ, રૂડું ફનસ ફળેલું ખરૂં ।।૪૩।।

 

તેમાંથી ઇચ્છા મુજ ફળજ્યો, માગું ચીજો તે સર્વે મળજ્યો । એવું વાક્ય કહી બળરામ, પછી તે ચીજનાં દે છે નામ ।।૪૪।।

શ્રીફળ કેળાં કેરી દાડમ, રામફળ ને જામ ઉત્તમ । અંજીરાદિ ખારેક લવિંગ, નારંગી જાંબુફળ અભંગ ।।૪૫।।

 

 

પરવળ ને રાયણાં એ વસ્તુ, સત્ય હોય તો મળે સમસ્તું । ચંપો ગુલાબ મોગરો જેહ, જાઇ જુઇનાં પુષ્પ જ તેહ ।।૪૬।।

એ આદિક સર્વે ચીજો આપો, મારા મનનો સંશય કાપો । એમ કેતાં કેતાં તતખેવ, થયા સુફળ મનોરથ એવ ।।૪૭।।

પત્રે પત્રે અને ડાળે ડાળ, ફળ ફુલ ખીલ્યાં છે રસાળ । માગ્યા વિનાનાં નાના પ્રકાર, બીજાં ફળ દેખ્યાં છે અપાર ।।૪૮।।

હજારો જાત્યનાં ફળ ફુલ, ભાળી ને રાજી થયા અતુલ । મનગમતાં તે ફળ લીધાં, ઘેર લાવીને સુધારી દીધાં ।।૪૯।।

ઠાકોરને ધરાવ્યું નૈવેદ્ય, સર્વેને આપી પ્રસાદી સદ્ય । ભક્તિમાતા અને ત્રૈણે ભાઇ, વળી સતી સુવાસિનીબાઇ ।।૫૦।।

એ આદિ પ્રસાદી જમ્યા સહુ, પરમ સંતોષ પામ્યા છે બહુ । પુરૂષોત્તમજી નારાયણ, અક્ષરાધિપતિ તારાયણ ।।૫૧।।

તેનો તો મહિમા છે અપાર, મૂઢ સમજે નૈ એનો પાર । જે કોઇ સમજી ગયા સાર, તે તો પામી ગયા ભવપાર ।।૫૨।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ મોટાભાઇને ફણસનાં વૃક્ષને વિષે ચમત્કાર દેખાડ્યો એ નામે છોતેરમો તરંગ ।।૭૬।।