તરંગઃ - ૧૬ - નવલાખયોગીનો મોક્ષ કરી કપિલજીનાં દર્શન કર્યાં ને ખવીને ચમત્કાર દેખાડીને બદ્રિકાશ્રમમાં મોકલ્યો

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:01pm

પૂર્વછાયો

રામશરણજીયે પુછિયું, પિતા બંધુને સાર । બાલાયોગી પછે કયાં ગયા, તે વાત કહો નિરધાર ।।૧।।

બોલ્યા અવધપ્રસાદજી, સાંભળી મિષ્ટ વચન । નીલકંઠની વાત કહું, તે સુણો ધરીને મન ।।૨।।

કામાક્ષીથી ચાલીયા, વ્હાલો વનમોઝાર । આગળ ચાલતાં આવીયો, નવલખો નગ નિરધાર ।।૩।।

 

 

ચોપાઈ

 

તેના ઉપર કર્યું વિચરણ, ચાલ્યા જાય છે અશરણશરણ । ચડ્યા તે નગ ઉપર નાથ, જ્યાં છે નવલાખ યોગી સાથ ।।૪।।

પોતે ધર્યાં નવલાખરૂપ, દીધાં દર્શન સૌને અનૂપ । મળ્યા મહાત્માને ધરી ભાવ, યોગિજનને થયો ઉછાવ ।।૫।।

ઉર અતિ આનંદસહિત, કર્યા પ્રણામ કરીને પ્રીત । હે કૃપાનાથ જીવનપ્રાણ, સુણો વિનંતિ સારંગપાણ ।।૬।।

તમને મળવા મારા શ્યામ, તપ કરીયે છૈયે આઠુ જામ । ઘણાં વર્ષ વીતી ગયાં આંય, મળ્યા ભલે તમે વનમાંય ।।૭।।

તપનું ફળ મળ્યા છો આપ, અમારા ટાળ્યા ત્રિવિધના તાપ । યોગીનો દેખ્યો પ્રેમ અપાર, થયા પ્રસન્ન ધર્મકુમાર ।।૮।।

પોતાના સ્વરૂપનું જે જ્ઞાન, આપ્યું સર્વયોગીને સમાન । તેમને મોક્ષ આપ્યો તતકાળ, છોડાવી દીધી માયાની જાળ ।।૯।।

અગ્નિહોત્ર નવલાખ કુંડ, પ્રજ્વલિત અગ્નિ છે અખંડ । વળી પાણીના એજ પ્રમાણો, તેપણ નવલાખ છે જાણો ।।૧૦।।

પાણી અગ્નિના કુંડ એ સર્વ, બાલાયોગીયે જોયા અપૂર્વ । ત્યાં રહ્યા પોતે કેટલા દિન, પછે પધાર્યા ત્યાંથી જીવન ।।૧૧।।

પરસ્પર કર્યા નમસ્કાર, હેઠે ઉતર્યા શ્રીબ્રહ્મચાર । ચાલ્યા ત્યાંથકી જીવનપ્રાણ, કૈક જીવનાં કરવા કલ્યાણ ।।૧૨।।

પછે ચાલ્યા હરિ એકદમ, ગયા ગંગા સાગરસંગમ । કર્યું સ્નાન સંગમ મોઝાર, બેસી નૌકામાં ઉતર્યા પાર ।।૧૩।।

ત્યાંથી ચાલ્યા છે જગદાધાર, કપિલાશ્રમ ગયા મોરાર । કર્યાં કપિલજીનાં દર્શન, અતિ આનંદ પામ્યા છે મન ।।૧૪।।

માસ એક વર્ણી રહ્યા ત્યાંય, વળી ચાલ્યા વ્હાલો વનમાંય । ત્યાંથી પર્વર્યા દીનદયાળ, કેટલા દિન ચાલ્યા કૃપાળ ।।૧૫।।

એમ કર્તાં આવ્યું કોઈ શેર, તેસ્થળે પોચ્યા આનંદભેર । મોટું મંદિરછે ત્યાં જે એક, તેમાં ઉતારો કર્યો વિશેક ।।૧૬।।

એનો આચાર્ય છે મતિસાર, બેઠા છે તે મંદિર મોઝાર । બાલાયોગી ગયા છે તે પાસ, પ્રેમે પુછવા લાગ્યા હુલ્લાસ ।।૧૭।।

સુષુમ્ણા નાડી છે જેનું નામ, રેછે શરીરમાં કિયે ઠામ । એમાં પ્રવેશ શી રીતે થાય, આપ બતાવો એનો ઉપાય ।।૧૮।।

ત્યારે બોલ્યા આચાર્ય વચન, સુણો બ્રહ્મચારી શુભ મન । અમ ગુરુ મોટા હતા જેહ, સઘળી વાત જાણતા તેહ ।।૧૯।।

અમને ખબર નથી ખ્યાત, વ્હાલા સાચી કૈયે છૈયે વાત । એવું વેણ સુણી એના શિષ્ય, બાલાયોગી પર કરી રીશ ।।૨૦।।

તમે તો આવ્યા છો આંહીં આજ, અમારા ગુરુની લીધી લાજ । પ્રશ્ન પુછ્યું કર્યું અપમાન, સભામાં બેઠા છે આણે સ્થાન ।।૨૧।।

એવું સુણીને સુંદર શ્યામ, બોલ્યા વચન વ્હાલો તેઠામ । ભાઈ સુણો તમે સાધુજન, ગુરુશિષ્ય થઈ શુભ મન ।।૨૨।।

શિષ્યને હોય સંશય જેહ, તરત ગુરુ ટાળી નાખે તેહ । ત્યારે સાચા ગુરુ તે કેવાય, જેથી સંતોષ શાંતિજ થાય ।।૨૩।।

એવાં સુણી વિમલ વચન, ગુરુ શિષ્ય થયા છે પ્રસન્ન । બોલ્યા વાણી નીલકંઠ સાથ, તમે સુણો બાલાયોગી નાથ ।।૨૪।।

તમારો કોણ છે ગુરુદ્વાર, કૃપા કરીને કરો ઉચ્ચાર । ત્યારે અકળ શ્રીઅવિનાશ, બોલ્યા ભાગવત શ્લોક હુલ્લાશ ।।૨૫।।

ગુરુને ગુરુનો દ્વાર જાણો, એ બે મિથ્યાછે એમ પ્રમાણો । કાળથકી જે કરે બચાવ, એજ સાચા ગુરુનો સ્વભાવ ।।૨૬।।

ત્યારે આચાર્ય શિષ્યસહિત, સત્ય વાત માની લીધું હિત । જાણ્યા વર્ણિને શ્રીભગવાન, ગુરુશિષ્ય થયા નિરમાન ।।૨૭।।

કર્યાં ભોજન નાનાપ્રકાર, પ્રભુને જમાડ્યા તેણી વાર । બાલાયોગીયે જાણ્યું નિદાન, આતો આચાર્ય છે વિદ્વાન ।।૨૮।।

સાંજ સમે કરીને વિચાર, પ્રશ્ન ઉત્તર કરે તેઠાર । પ્રાણજીવને પુછ્યું તેવાર, સુણો આચાર્યજી કહું સાર ।।૨૯।।

જીવ માયા ને બ્રહ્મનું રૂપ, આપ કરી બતાવો અનૂપ । ઉત્તર ખોટો કરશો આપ, તરત જાણીશું તમારું માપ ।।૩૦।।

ત્યારે આચાર્ય બોલ્યા વચન, સુણો નીલકંઠ શુભ મન । જાણતા મુજ ગુરુ એ અર્થ, મુને ખબર્ય નથી યથારથ ।।૩૧।।

નીલકંઠે જાણ્યું મનમાંઇ, આને માન નથી મન કાંઈ । એમ સમજ્યા પ્રાણજીવન, ત્યાં રહ્યા પોતે કેટલા દન ।।૩૨।।

પોતાનો દેખાડ્યોછે પ્રતાપ, તેમને નિશ્ચે કરાવ્યો આપ । તેના મનમાં હતા સંદેહ, તતકાળ ટાળી નાખ્યા તેહ ।।૩૩।।

હે રામશરણજી સુણો ૧ગાથ, પછે શું કરે છે મુક્તનાથ । ચાલ્યા ત્યાં થકી વરણિરાજ, કરવા સૌનાં કલ્યાણકાજ ।।૩૪।।

ઘણા દિન ચાલ્યા સુખધામ, એમ કર્તાં આવ્યું કોઈ ગામ । તેગામથી પશ્ચિમ દિશાયે, ચોકી મુકી છે ત્યાં તેહ રાયે ।।૩૫।।

કોઈને જાવા દે નહિ ત્યાંય, દૂત રહે નિશદિન જ્યાંય । ગયા તેમાર્ગે જગજીવન, રાજાનો દૂત બોલ્યો વચન ।।૩૬।।

તે રસ્તે ન જાશો બલવાન, જાશો તો તમે થાશો હેરાન । નૈ તો પડે તમને વિઘન, નિશ્ચે માની લેજો એવું મન ।।૩૭।।

માથા વિનાનો ખવીછે એક, વડવૃક્ષમાં રેછે વિશેક । માટે મારગ કર્યો છે બંધ, સમજી લેજ્યો સત્ય સંબંધ ।।૩૮।।

ભુલે ચુકે જે જાય સમક્ષ, મારી નાખીને કરે છે ભક્ષ । બીજે મારગે થૈ ને જાવો આજ, તમો માટે કૈયે સુખકાજ ।।૩૯।।

બોલ્યા બાલાયોગી તજી બીક, તમે વાત કરી ભાઈ ઠીક । ક્યારે મારગ એ ચોખો થાય, અમો વિના બીજાું કોણ જાય ।।૪૦।।

એમ કહિને ચાલ્યા નિદાન, પોતાની હિંમતે ભગવાન । અનુચર જોઈ રહ્યા મન, કાંઈ બોલ્યા નહી તે વચન ।।૪૧।।

હવે બાલાયોગી ચાલ્યા જાય, વડવૃક્ષ સામો જે દેખાય । નીલકંઠ ગયાછે નજીક, આવ્યો દૂતને લાગેછે બીક ।।૪૨।।

આવ્યા સમીપમાં સુખકારી, તેસમે ખવિશ થયો ત્યારી । કરવા લાગ્યોછે કડેડાટ, વડ ધ્રુજાવેછે ફડેડાટ ।।૪૩।।

જાણે થયો છે ગિરિસમાન, વૃક્ષથી હેઠે પડ્યો નિદાન । નીલકંઠને સામો તે દુષ્ટ, આવ્યો ભયંકર રૂપે પુષ્ટ ।।૪૪।।

પેલા દૂત ઘણા રહ્યા દૂર, દિલ ડરવા લાગ્યા જરૂર । જાણે હમણાં આવશે પાસ, એમ પામી ગયા સહુ ત્રાસ ।।૪૫।।

પરસ્પર કહેછે તે એમ, અહો ભાઈ હવે થશે કેમ । યોગીયે માન્યું નહી સમક્ષ, ખવી કરી જાશે હવે ભક્ષ ।।૪૬।।

સામસામા કરેછે પસ્તાવ, અરે ક્યાંથી બન્યો આ બનાવ । જોતજોતામાં કરશે હાણ, લેશે બાલુડા યોગીના પ્રાણ ।।૪૭।।

માંહોમાંહિ કરે છે વિચાર, હવે શું થયું છે તેણી વાર । ખવી આવ્યો હરિ સનમુખ, નીલકંઠજીને દેવા દુઃખ ।।૪૮।।

કરી નીલકંઠે કર્ડિ દૃષ્ટિ, ખવીને થઈ છે બહુ કષ્ટિ । અતિ દાઝવા લાગ્યો પ્રકાશ, જાણે અંગે પ્રગટ્યો ૧હુતાશ ।।૪૯।।

પાપી પાડેછે મુખે પોકાર, ભય પામ્યો મનમાં અપાર । બળી ગયો બળી ગયો આજ, કરેછે એમ ઘોર અવાજ ।।૫૦।।

હવે જાવું કયાં ને રેવું ક્યાંય, લાય લાગી મારા અંગમાંય । હું તો આવ્યોતો મારવા માટ, આતો બન્યો મારો આવો ઘાટ ।।૫૧।।

મોટામોટાને બેહાલ કીધા, હજારો જીવના પ્રાણ લીધા । પણ સાચા ગુરુ મળ્યા આજ, હવેતો નથી રેવાની લાજ ।।૫૨।।

માથાના મળ્યા આ યોગિરાજ, મારું તો બગાડી નાખ્યું કાજ । ચિસો પાડે અપરમપાર, ગામલોકે જાણ્યું તેણીવાર ।।૫૩।।

રાજા પ્રજા સહિત સૌ લોક, દોડીને ત્યાં આવ્યાછે અશોક । વાતો કરેછે મળીને સર્વ, ભલો ઉતાર્યો ખવીનો ગર્વ ।।૫૪।।

દીનપણે થયો નિરમાન, ભારે બની રહ્યો ભાગ્યવાન । શ્રીહરિ આગળ કર જોડી, તે બોલ્યો મેં ગુના કર્યા ક્રોડી ।।૫૫।।

કરે પ્રારથના નામી શિર, હવે ક્ષમા કરો નરવીર । હે કૃપાનાથ પુન્ય પાવન, તમે સાક્ષાતછો ભગવાન ।।૫૬।।

ભટકતાં વીત્યો ઘણો કાળ, લખ ચોરાશીમાંહિ દયાળ । પામું છું હવે તો મહાદુઃખ, સ્વપ્ને નથી ભાળ્યું મેં સુખ ।।૫૭।।

કૃપા કરીને કરો ઉદ્ધાર, આ ભવજળ ઉતારો પાર । એવું સુણી બાલાયોગી સાર, એને આજ્ઞા કરી નિરધાર ।।૫૮।।

દયાળુયે દયા કરી સાર, મોકલ્યો બદ્રીવન મોઝાર । આજ્ઞા માની લીધી મન એવ, ખવી ચાલ્યો ગયો તતખેવ ।।૫૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે નવલાખયોગીનો મોક્ષ કરી કપિલજીનાં દર્શન કર્યાં ને ખવીને ચમત્કાર દેખાડીને બદ્રિકાશ્રમમાં મોકલ્યો એ નામે સોળમો તરંગઃ ।।૧૬।।