તરંગઃ - ૨૦ - શ્રીનીલકંઠ બ્રહ્મચારી નદી કીનારે ભગવાનદાસને પોતાની પાસે બોલાવ્યો

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:04pm

પૂર્વછાયો
રામશરણજી બોલિયા, સુણો શ્રી મહારાજ । નીલકંઠજીયે શું કર્યું , જગન્નાથપુરીમાં કાજ ।।૧।।
વિસ્તારીને તે વર્ણવો, વાલમજીનાં ચરિત્ર । પ્રગટના ગુણ સુણતાં, હું થાઉં પુન્ય પવિત્ર ।।૨।।
ત્યારે ધરમગુરુ બોલિયા, રામશરણ સુણો આજ । સ્નેહે સંભળાવું તમોને, બાળાયોગીનાં કાજ ।।૩।।
જગન્નાથમાં રહ્યા પોતે, વર્ષ એક નરવીર । અધર્મને છેદન કરવા, ધાર્યું છે મન ધીર ।।૪।।
તે સર્વેનો નાશ કરવા, ઇચ્છા કરી મનમાંય । અન્યોઅન્ય લડી મરે તો, સુખ સંતોષ થાય ।।૫।।

ચોપાઈ
નીલકંઠે ધાર્યું મને એમ, પાપી નાશ પામી જાય કેમ । ત્યાંય હતા જે અસુર જન, તેમનાં ડોલવા લાગ્યાં મન ।।૬।।
થયો ઉત્પન્ન સર્વેને ક્રોધ, માંહોમાંહિ ચાલ્યો છે વિરોધ । કેતાં કેતાં સુણાવે છે કાન, ભુલ્યા વાતો કરતાં તે ભાન ।।૭।।
એક એકને દેછે તે ગાળ, સામસામી બજાવે છે તાલ । હું ને તું તારી કરતા ત્યાંય, લડવા લાગ્યા છે માંહોમાંય ।।૮।।
ઓચિંતો થાય અગ્નિપ્રકાશ, બાળે વનને જેમ હુતાશ । ક્રોધરૂપી અગ્નિ થયો જેવે, ઘેર્યા અસુર પાપીને તેવે ।।૯।।
જામીછે માંહોમાંહિ લડાઈ, ન સહે અન્યોઅન્ય વડાઈ । પરસ્પર લડે છે અપાર, કરે છે હોહોકાર હોકાર ।।૧૦।।
એમ વિરોધ વધ્યો તે ઠામ, જાણે ચાલતો થયો સંગ્રામ । કરવા લાગ્યા દારુણ યુદ્ધ, કામી ક્રોધી કુત્સિત કુબુદ્ધ ।।૧૧।।
કેાઈ કોઈનો મુકે ન ઠોર, એક એકનું જબરૂં જોર । કૈકે ઝાલી છે કાળી કબાન, ઝળકે શસ્ત્ર ૧વિદ્યુતસમાન ।।૧૨।।
થાય તડિતના ઘણા પાત, જાણે રણભૂમિ આ સાક્ષાત । આવી પોચ્યો જાણે પ્રલેકાળ, એમ અસુર લડે વિક્રાળ ।।૧૩।।
ગ્રંથવધે કરતાં વિસ્તાર, માટે સંક્ષેપથી કહું સાર । પછે તો રવિ થયો છે અસ્ત, નાશ પામ્યા અસુર સમસ્ત ।।૧૪।।
દશ હજારનો વળ્યો ઘાણ, મરણ પામી પડ્યા સોથરાણ । એમ થયો અધર્મિનો નાશ, થયા પ્રસન્ન શ્રીઅવિનાશ ।।૧૫।।
પરભાર્યો હર્યો ભૂમિભાર, કોઈમર્મ ન જાણે લગાર । કર્યું નીલકંઠે એવું કાજ, પછે ચાલ્યા ત્યાંથી મહારાજ ।।૧૬।।
તે તીરથને કર્યું પાવન, ચાલ્યા જાય અગાડી જીવન । આદિ કૂર્મનામે જે તીરથ, દક્ષિણદેશ ગયા સમરથ ।।૧૭।।
વળી ત્યાંથી ચાલ્યા છે પાવન, આગે જાતાં આવ્યું એક વન । તેમાં થૈને પધાર્યા છે અગ્ર, માનસપુર આવ્યું છે નગ્ર ।।૧૮।।
સત્રધર્મા નામે રાજા ત્યાંય, ગયા શ્રીહરિ તે નગ્રમાંય । રાજાયે કર્યો બહુ સત્કાર, થયો આશ્રિત તે નિરધાર ।।૧૯।।
પછે બાળાયોગીયે તે ઠામ, રાજા દ્વારાયે કરાવ્યું કામ । ત્યાં હતા દૈત્ય દોય હજાર, તેનો નાશ કરાવ્યોતે વાર ।।૨૦।।
વળી ત્યાં થકી પ્રયાણ કરી, વેંકટાદ્રિને પામ્યા છે હરિ । કેટલા દિવસ રહ્યા ત્યાંય, ગયા સેતુરામેશ્વર જ્યાંય ।।૨૧।।
તે તીર્થમાં રહ્યા વિશ દન, જગઆધાર પ્રાણ-જીવન । ત્યાંથી પધાર્યા પૂરણકામ, આવ્યું મારગમાં ધુલે ગામ ।।૨૨।।
ત્યાં છે સરિતા સુંદર સાર, તે સ્થળે ગયા ધર્મકુમાર । પાથર્યું છે ત્યાં નિજ આસન, સરિતાને કીનારે પાવન ।।૨૩।।
ત્યાં છે પિપળાનો તરુ એક, તેના તળે બેઠા છે વિશેક । હવે તે ગામમાં નિરધાર, જાતિ એક બાઈ ભાવસાર ।।૨૪।।
એને સુત છે એકજ એક, તે પ્રત્યે બોલી પોતે વિશેક । સુણ લાડકવાયા હે તન, મને ધાર્ય તું મારું વચન ।।૨૫।।
હવે માવજીની કર્ય શોધ, ઓળખી લે જે તું અવિરોધ । ગમે તે જગ્યાએ જોવો ભાઈ, ભગવાનને લાવો આંઈ ।।૨૬।।
ભાતું કરી આપું છું હું આજ, લેઈ જાઓ કરો શુભ કાજ । કોટિ ઉપાય કરજે સાજ, પણ પ્રભુને લાવજે આજ ।।૨૭।।
પુત્ર પાળે જો મારું વચન, ત્યારે તો સાચો તું મારો તન । નહિ તો પત્થર આવ્યો પેટ, એવું માનીશ મન હું નેટ ।।૨૮।।
તેનું કારણ સુણ કુમાર, ખરી વાત કહું છું આવાર । હતા ભગવદી તારો તાત, કર્તા અખંડ પ્રભુની વાત ।।૨૯।।
તું તો ભુલી ગયો છે એ ટેક, નથી સંભારતો ક્ષણ એક । માટે જા તું ઉતાવળો સુત, પ્રભુને શોધી લાવો સપુત ।।૩૦।।
મળે જો તુને શ્રીઅવિનાશ, તેડી લાવજે નિજ ૧આવાસ । પ્રભુજીને લિધા વિના પુત્ર, ઘરે આવીશ નૈ બલસુત્ર ।।૩૧।।
તેડ્યા વિના જો આવીશ આમ, નથી મારે પછી તારું કામ । ત્યાગ કરીશ હું મારો દેહ, માનિ લેજે તું નિઃસંદેહ ।।૩૨।।
માતાનાં સુણી એવાં વચન, બોલ્યો ભગવાનદાસ તન । સુણી લ્યો માતુશ્રી મારી વાત, તમને સત્ય કહું સાક્ષાત ।।૩૩।।
શ્રીહરિનું હશે કેવું રૂપ, કેમ ઓળખવા તે અનૂપ । રુડિ બતાવો તેની જે રીત, પછી હું જાઉંછું ધરી પ્રીત ।।૩૪।।
ત્યારે બોલી તે બાઈ વચન, હે લાડીલા કહું તુને તન । પ્રભુનાં ચિહ્ન જાણુંછું હુંય, બતાવું છું જાણી લેજે તુંય ।।૩૫।।
પ્રભુના બેઉ ચર્ણ મોઝાર, સોળે ચિહ્ન હોય નિરધાર । તેમના શરીરની જે છાય, પૃથ્વી ઉપર નવ દેખાય ।।૩૬।।
સામો દીવો કરીશ જે વાર । અંગમાં દેખાશે આરપાર । બતાવું છું હું નિશાન જેહ, સત્ય માની લેજે પુત્ર તેહ ।।૩૭।।
તે સમે પુત્રની વધૂ ત્યાંય, બોલી વિચારીને મનમાંય । નિજ સ્વામિને કે છે વચન, સુણો નાથ તમે શુભ મન ।।૩૮।।
તમે તો જાશો પ્રદેશવન, પ્રભુને શોધવા ધારી મન । પ્રભુજી મળે તો ઘણું સારું, પાછા ઘેર આવો તમે વારુ ।।૩૯।।
પણ જો કદી ન મળ્યા શ્યામ, પાછા આવો નહિ તે આ ઠામ । ત્યારે કો મારી શી વલે થાય, પછે શું કરવો રે ઉપાય ।।૪૦।।
એમ કહી કરેછે કલ્પાંત, ત્યારે કેવા લાગ્યો એનો કાંત । હે સ્ત્રી તું શું વિચારે છે મન, શામાટે તું કરેછે રૂદન ।।૪૧।।
મારી માનો હશે સાચો ભાવ, ઉરમાં હશે એવો ઉછાવ । શુદ્ધ મને કેતાં હશે માત, તેની કહું છું હું સત્યવાત ।।૪૨।।
વળી હું સાચા ભાવથી જઈશ, તું પતિવ્રતા સ્ત્રી સાચી હઈશ । તો મળશે પ્રભુજી જરુર, તારે સમજી લેવું એ ઉર ।।૪૩।।
પછે તો પાછો આવું હું તરત, પંદર દિનમાં એક શરત । પ્રભુને લાવું આપણે ઘેર, સુખ પામીએ આનંદભેર ।।૪૪।।
એમાં ધારવો નહિ સંદેહ, પ્રભુ અંતર્યામી છે એહ । સાચે સાચો છે આપણો ભાવ, હરિ જાણે છે સર્વે સ્વભાવ ।।૪૫।।
એછે સેવકના સુખધામ, મળે નૈ કેમ સુંદરશ્યામ । માટે મળશે શ્રીભગવાન, દ્રઢવિશ્વાસથી ધરો ધ્યાન ।।૪૬।।
એવી રીતથી આપી છે ધીર, પછે ચાલ્યો થઈ મતિ સ્થિર । જાય પ્રભુને શોધવા માટ, એક ટેક ધરી શિરસાટ ।।૪૭।।
ગામબાર સરિતા છે જ્યાંય, આવ્યો દ્રઢ મન રાખી ત્યાંય । ત્યાં બેઠા છે જીવનસાર, અંતર્યામીએ કર્યો વિચાર ।।૪૮।।
નદી ઉતરતાં તે દેખાય, બાળાયોગીએ બોલાવ્યો ત્યાંય । આંહિ આવો ભગવાનદાસ, કહો કિયાં જાઓ છો હુલ્લાસ ।।૪૯।।
એવું સુણી ભગવાનદાસ, ઉભો રૈને વિચારે છે પાસ । ઘડી વાર ઠર્યો છે તે ઠામ, કોણે બોલાવ્યો લઇ નામ ।।૫૦।।
દયાળુને દેખ્યા છે રે ત્યાંય, કરે વિચાર તે મનમાંય, કોણ હશે બાળાયોગી રૂપ, દીશે અદ્ભુત કાંતિ અનુપ ।।૫૧।।
નથી ઓળખતો હું આ ઠામ, મુને બોલાવે છે દેઈ માન । માટે જાઉં હું એમની પાસ, આવ્યા છે કુણ એ સુખરાશ ।।૫૨।।
ગયો ધારી વિચારીને મન, જે સ્થળે બેઠાછે ભગવન । ઉભો રહ્યો જઈ સનમુખ, પામ્યો આનંદ સહિત સુખ ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીનીલકંઠ બ્રહ્મચારી નદી કીનારે ભગવાનદાસને પોતાની પાસે બોલાવ્યો એ નામે વિશમો તરંગઃ ।।૨૦।।