તરંગઃ - ૪૨ - શ્રીહરિ જખૌના રણમાંથી પાછા વળીને સાંજે ગામ કાળેતળાવ પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:26pm

પૂર્વછાયો

હે રામશરણજી સુણજ્યો, વાલમજીની વાત । માનકુવેથી આગે ચાલ્યા, ભાવે ભૂધરભ્રાત ।।૧।।

તેરે પધાર્યા ત્રિકમજી, પોતે શ્રીભગવાન । નોંઘા સુતારને ત્યાં ગયા, બહુનામી બળવાન ।।૨।।

દવે પ્રાગજીને તેડાવ્યા, મેર્ય કરી મહારાજ । શ્રીમદ્ભાગવત કથાનું, ત્યાં ચલાવ્યું શુભ કાજ ।।૩।।

દવે પ્રાગજી કથા વાંચે, નિયમસર નિત્ય, શ્રીહરિ સહજાનંદજી, સુણે છે કરી પ્રીત ।।૪।।

સંત હરિજન મળીને, સાંભળે છે કથાય । મહાપ્રભુની કરે સેવા, સ્નેહે સહિત સદાય ।।૫ ।।

 

 

ચોપાઈ

 

કથા વાંચે છે પ્રેમસમેત, દવે ધારીને મનમાં હેત । નિજ ધ્યાનમાં આવે તે શ્લોક, લખાવી લે છે પ્રભુ અશોક ।।૬।।

તેના આશરે પાંચસે પૃષ્ઠ, શ્રીહરિયે લખાવ્યા તે શ્રેષ્ઠ । તે શ્રીભુજના મંદિરમાંય, સુખશય્યા છે સુંદર જ્યાંય ।।૭।।

તેમાં છે એ પ્રસાદિના પત્ર, અદ્યાપિ રાખી મુક્યાછે તત્ર । હવે શ્રીહરિ સમીપમાંય, કથા વાંચેછે પ્રાગજી ત્યાંય ।।૮।।

તેમાં આવી વૈરાગીની વાત, પ્રાગજી થયા છે રળિયાત । થયા દવેના મનમાં ઘાટ, કેવા હશે પુરૂષ વૈરાટ ।।૯।।

અંતર્યામીયે જાણ્યો વિચાર, દવેના મનનો તેણીવાર । દક્ષિણ ચરણ આંગળી જેહ, તેના એક રોમમાંથી તેહ ।।૧૦।।

કર્યું તેમાંથી તેજ પ્રકાશ, અતિ અખંડ દિશે ઉજાશ । તેમાં કોટિ કોટિ જે વૈરાટ, અણુની પેઠે ઉડે સ્વરાટ ।।૧૧।।

અનંતકોટિ અંડનાં રૂપ, તેમાં દેખાવા લાગ્યાં અનૂપ । સાતે પાતાળ સહિત ધરણી, ચંદ્ર સૂર્ય નક્ષત્રની કરણી ।।૧૨।।

વનસ્પતિ જે ભાર અઢાર, મેરુ સાત સાગર નિરધાર । એમ દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ, અતિ આશ્ચર્ય સહિત આપ ।।૧૩।।

તે દેખી દવે થૈગયા સ્થિર, કરે વિચાર મન સુધીર । થયા બોલતા બોલતા બંધ, ચાલેછે જે કથાનો સંબંધ ।।૧૪।।

શ્રીહરિયે તે યોગકળાય, સમાવી લીધી છે સુખદાય । પછે દવેને આવ્યુંછે ભાન, ત્યારે બોલ્યા શ્રીભગવાન ।।૧૫।।

દવેજી શું વિચારો છો મન, કાંઈ આશ્ચર્ય દેખ્યું શું અન્ય । કથા વાંચો તમે રુડી રીત, બોલ્યા પ્રાગજી ત્યાં કરી પ્રીત ।।૧૬।।

હે મહારાજ શું કહું વાત, તમે પ્રગટ પ્રભુ સાક્ષાત । અવતાર તણા અવતારી, પુરૂષોત્તમ છોે સુખકારી ।।૧૭।।

દેખ્યાં તવ એકરોમે આજ, કોટિ કોટિ બ્રહ્માંડનાં કાજ । હવે નિશ્ચે થયો મને એહ, ટળી ગયોછે મારો સંદેહ ।।૧૮।।

મારે જોવોતો એક વૈરાટ, પણ દેખ્યાં અનંત સ્વરાટ । અક્ષરાધિપતિ અવિનાશ, સર્વનિયંતા છો સુખરાશ ।।૧૯।।

એેવું સુણીને સૌ હરિજન, સંત સર્વે વિસ્મે પામ્યા મન । કથાસમાપ્તિ કરી તેવાર, એવાં સુખ આપે છે અપાર ।।૨૦।।

એમ કરેછે લીલા તે ઠાર, અલબેલોજી તેરા મોઝાર । ત્યાંના રાજા દેવાજી હુલ્લાશ, નિત્ય આવે મહાપ્રભુ પાસ ।।૨૧।।

જોઈ પ્રગટતણો પ્રતાપ, પામે વિસ્મે મનમાં તે આપ । પછે એક દિન જગતાત, વીતી ગૈછે જ્યારે મધરાત ।।૨૨।।

ડુંગરજી મુલજી બ્રહ્મચારી, એ બેને સાથે લૈ સુખકારી । ઘોર અંધારી નિશામાં શામ, ત્યાંથી પધાર્યા પૂરણકામ ।।૨૩।।

બેઉ ભક્ત સહિત મુરાર, દરવાજા પાસે ગયાતે વાર । દીઠો દરવાજો બંધ ત્યાંય, વ્હાલાયે વિચાર્યું મનમાંય ।।૨૪।।

પોેતાની યોગકળાયે સાર, ભક્તસહિત નિકળ્યા બાર્ય । નિરાવર્ણપણે ચાલ્યા શ્યામ, દરવાજો બંધ રહ્યો તે ઠામ ।।૨૫।।

મહાપ્રભુ અશરણશરણ, તેને શું કરે કોઈ આવરણ । પછે ચાલ્યા શહેરથી બાર, ગયા કોઈક ક્ષેત્રમોઝાર ।।૨૬।।

બેઠા બહુનામી જૈ તે સ્થાન, બ્રહ્મચારીને કે ભગવાન । નિદ્રા કરો બેઉ તમે ભાઈ, શુધ રાખીશું અમે તો આંઈ ।।૨૭।।

ત્યારે વર્ણી કહે મહારાજ, તમે પોઢી જાવો પ્રભુ આજ । અમે બે જાગીશું અવિરુદ્ધ, સાવચેતથી રાખીશું શુધ ।।૨૮।।

એવું સુણીને પ્રાણજીવન, મહાપ્રભુયે કર્યું શયન । ડુંગરજી ને મુળજી વર્ણી, બેઠા બન્ને જણા શુભકર્ણી ।।૨૯।।

એમ કર્તાં વીતી થોડી વાર, બન્નેને નિદ્રા આવી તેઠાર । ડોલાં ખાવા લાગ્યા બેઉ સાથ, ત્યારે બેઠા થયા દીનોનાથ ।।૩૦।।

બોલ્યા વિચારીને મનમાંય, તમે બન્ને સુઈ જાઓ આંય । અમે જાગીશું રુડે પ્રકાર, તમે ચિંતા ન કરો લગાર ।।૩૧।।

એવું સુણીને સુતા બેસાથ, નિરાંતે નિદ્રા પામ્યા સનાથ । પછે શ્રીહરિ સહજાનંદ, એકાએકી ચાલ્યા સુખકંદ ।।૩૨।।

બન્નેને મુક્યા ઉંઘતા ત્યાંય, પ્રભુ ચાલ્યા ગયા નિશામાંય । તીવ્રવેગથી ચાલ્યા છે શ્યામ, ઘણા દૂર ગયા અભિરામ ।।૩૩।।

એમ કરતાં થયો પ્રભાત, તોય ચાલ્યા જાયે જગતાત । જાગ્યા ક્ષેત્રમાં બે અવિરોધ, પ્રાણપતિની કરેછે શોધ ।।૩૪।।

અતિ આકુળ વ્યાકુળ થાય, મહારાજ વિના તે મુંઝાય । આજાુબાજુમાં કર્યો તપાસ, કયાંઈ મળ્યા નહી અવિનાશ ।।૩૫।।

પછે ત્યાં થકી તો ચાલ્યા જાય, ઉદાસી ધરેછે મનમાંય । હે પ્રાણપતિ હે મહારાજ, તમને ઘટે નૈ આવું કાજ ।।૩૬।।

અમને ઉંઘ્યા મુકીને નાથ, તમે ચાલ્યા ગયા કોની સાથ । કેમ દયા આવી નહિ મન, ગયા એકલા પ્રાણજીવન ।।૩૭।।

વાલિડા ગયા છો કેઈ વાટ, થાય છે તે અમને ઉચાટ । કૃપા કરીને દ્યો દરશન, કરૂણાના નિધિછો જીવન ।।૩૮।।

જ્યારે દેખીશું આપનું મુખ, ત્યારે ટળશે અમારૂં દુઃખ । હે વાલિડા આવી મળો આજ, તો સફળ થશે અમ કાજ ।।૩૯।।

ચડ્યાછો કોઈ ભક્તની વાર, કે ધર્મસાય થયા આવાર । કોઈ યોગીના ધ્યાનમાં ધીર, ગુપ્ત થયા છો શું નરવીર ।।૪૦।।

એમ શોચ કરે બન્ને ભક્ત, ચાલ્યા જાય છે પ્રેમ આસક્ત । આગળ જાતાં દેખ્યાં ઉપાનન, વ્હાલે પડ્યાં મુક્યાં જેહ સ્થાન ।।૪૧।।

લઈ ચાંપે હૃદયની સાથ, વળી ચાલ્યા આગળ સનાથ । ચાલ્યા જાય વેગે તતકાળ, ત્યાં દેખ્યો છે વ્હાલાનો ચોફાળ ।।૪૨।।

ઉપાડી લીધો પ્રેમસહિત, પછે થયા હિમ્મત રહિત । ક્યાંઈ મળ્યા નહીં અવિનાશ, ત્યારે છેક થયા છે નિરાશ ।।૪૩।।

ફરી ફરીને થાક્યા છે પાવ, પાછા આવ્યા તે કાળેતળાવ । હવે વાલમની કહું વાત, ક્યાંસુધી પોચ્યા છે જગતાત ।।૪૪।।

જખૌનું રણ છે ગાઉ વીસ, ત્યાંસુધી ગયા શ્રીજગદીશ । પછે દયા કરી ઘણી મન, ત્યાંથી પાછા વળ્યા ભગવન ।।૪૫।।

હવે થઈ ગયો છે મધ્યાન, એમ વિચારીને ભગવાન । તીવ્રવેગે કરી ચાલ્યા માવ, સાંજે આવ્યા છે કાળે તળાવ ।।૪૬।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ જખૌના રણમાંથી પાછા વળીને સાંજે ગામ કાળેતળાવ પધાર્યા એ નામે બેતાલીસમો તરંગઃ ।।૪૨।।