તરંગઃ - ૪૬ - શ્રીહરિ સિદ્ધપુરમાં બિંદુસરોવરમાં સ્નાન કરી માહાત્મ્ય કહ્યું

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:28pm

પૂર્વછાયો

ઉમંગથી હવે ઉચર્યા, ધર્માચાર્યજી આપ । પ્રેમ વડે શ્રવણ કરો, રામશરણ નિષ્પાપ ।।૧।।

શ્રીહરિ સહજાનંદજી, પધાર્યા ઉંઝે ગામ । લાખો હરિજન તેડાવ્યા, સંત સહિત તેઠાર ।।૨।।

સત્કાર કર્યો ત્યાં સર્વેનો, પ્રભુજીયે કરી પ્યાર । એમ કરતાં આથમ્યો દન, નિશા પડી તે વાર ।।૩।।

સંત હરિજન સાંભળો, એમ કે છે ભગવાન । હે ભાઈ સૌ તમે થાક્યા છો, તેથી કરોને શયન ।।૪।।

એવું સુણી જન સઘળે, કર્યું શુભ આસન । આજ્ઞા પ્રમાણે સુઈ ગયા, તે પ્રેમ ધારીને મન ।।૫।।

 

 

ચોપાઇ

 

શ્રીજીની આજ્ઞાને અનુસાર, સૌએ શયન કર્યું તે વાર । વીતી નિશા થયું છે સવાર, જાગ્યા ભક્ત સાથે કીરતાર ।।૬।।

શૌચવિધિ કરીને કર્યું સ્નાન, નિત્યનેમ કર્યાં છે નિદાન । સરોવરે ગડનાળા જ્યાંય, તેના ઉપર કરી સભાય ।।૭।।

મધ્યે બિરાજ્યા દેવ મુરારી, અલૌકિક શોભા દીશે સારી । જેમ તારામંડળમાં ચંદ્ર, વળી ૧ત્રિદશમાં શોભે ઇન્દ્ર ।।૮।।

એવી શોભા ધરી રહ્યા શ્યામ, સભામાં બિરાજ્યા છે તે ઠામ । બ્રહ્મમોલના વાસી પાવન, દિવ્યસભા રચી છે જીવન ।।૯।।

જાુવે ચકોર ચંદ્રને જેમ, સંત સર્વે નિરખે છે તેમ । એકાગ્ર દ્રષ્ટિયે નિરધાર, શ્રીહરિમાં થયા તદાકાર ।।૧૦।।

વળી કોઈ સમે તેહ ઠાર, નવા સંત કર્યા છે અઢાર । દીક્ષા આપી ધર્યા કર શિર, કાળકર્મથી ઉગાર્યા ધીર ।।૧૧।।

પછે કૃપા કરી નરવીર, બોલ્યા વાણી મૃદુલ ગંભીર । સુણો સંત હરિજન ઉર, કાલે તો જાવું છે સિદ્ધપુર ।।૧૨।।

મોટું તીરથ છે પ્રમાણ, જેનાં દેવ કરેછે વખાણ । તેમાં કરવું છે જૈને સ્નાન, મુકી દેવા અંતર અભિમાન ।।૧૩।।

કામ ક્રોધ લોભ રસાસ્વાદ, કાંઈ રાખવો નૈ ત્યાં પ્રમાદ । એમ વાત કરી ઘણી વાર, આતો સંક્ષેપથી કહ્યો સાર ।।૧૪।।

પછે જેકુંવરબા તેકાળ, શ્રીજીને જમવા કર્યો થાળ । ભાવે જમાડ્યાં રુડાં ભોજન, પછે બોલ્યાછે શ્રીભગવન ।।૧૫।।

સુણો જયકુંવરબા આજ, તમે તો કર્યું તે રૂડું કાજ । અમને કરાવ્યાં છે ભોજન, તમ ઉપર થયા પ્રસન્ન ।।૧૬।।

પણ આવ્યો છે અત્રે જે સંઘ, તેને જમાડો તો રહે રંગ । ત્યારે બોલ્યાં જેકુંવરબાઈ, સુણો મહાપ્રભુ સુખદાઈ ।।૧૭।।

મારૂં નથી ગજું એ પ્રમાણે, સંઘને જમાડું શું આ ટાણે । કરીતી મેં તો થોડી રસોઈ, તમને જમાડ્યા પ્રીતપ્રોઈ ।।૧૮।।

હવે તો નથી રસોઈ ત્યાર, પછે બોલ્યાછે જગદાધાર । તમે બીશો નહિ મન એમ, નથી રસોઈ ઘરમાં કેમ ।।૧૯।।

જૈને જુવો રસોેેડા મોઝાર, ઘણી રસોઇ ભરી છે તૈયાર । જયકુંવરે જોયું જેવાર, દેખી રસોઈ ભરી તેઠાર ।।૨૦।।

શ્રીહરિ કે ઢાંકી મુકો સાર, રાખો ભરૂસો મનમોઝાર । આપો સર્વેને જોઈએ જેમ, નહિ ખુટે ભરી રેશે એમ ।।૨૧।।

જેકુંવરને આવ્યો વિશ્વાસ, કહ્યું તેમ કર્યું છે હુલ્લાસ । ભરી ભરીને આપે છે બાર્ય, પણ ખુટે નહિ તલભાર ।।૨૨।।

એમ જમાડ્યો સઘળો સંઘ, રાખ્યો શ્રીહરિયે જાુવો રંગ । એમ સૌને જમાડ્યાં ભોજન, અતિ આનંદ પમાડ્યાં મન ।।૨૩।।

એવો શ્રીજીનો પ્રૌઢ પ્રતાપ, ભાળી આશ્ચર્ય પામ્યા છે આપ । થયો નિશ્ચય પ્રભુનો એહ, જેકુંવરબાનો ગયો સંદેહ ।।૨૪।।

પછે જમીને જીવનપ્રાણ, ત્યાંથી ચાલવા કર્યું પ્રયાણ । સર્વે સંઘને કરી આજ્ઞાય, થયા તૈયાર તે સમુદાય ।।૨૫।।

ગામ મેથાણના કાકાભાઈ, તેને ઘોડે ચડ્યા સુખદાઈ । જેમ ઐરાવતે શોભે ઇંદ્ર, એમ શોભવા લાગ્યા બલીન્દ્ર ।।૨૬।।

ઉચ્ચૈઃ૧શ્રવાયે સવિતા દેવ, એવા દિસેછે શ્રીવાસુદેવ । એવી શોભા ધરી કરી હિત, ત્યાંથી ચાલ્યા છે સંઘસહિત ।।૨૭।।

સંત હરિજન તે ઉમંગ, વગાડે છે કાંસાને મૃદંગ । અલબેલા આગે એવી રીત, ગાતા ગાતા ચાલે રાખી પ્રીત ।।૨૮।।

ઘણો ઘણો ઉડાવે ગુલાલ, દેખીને રાજી થાય દયાળ । ચાલે ભક્ત થઇ તદાકાર, પોંચ્યા કાંબળી સીમ મોઝાર ।।૨૯।।

ગાયોનાં ટોળાં છે તેહ સ્થાન, ચર્તાં ચર્તાં દેખ્યા ભગવાન । ચારો છોડી દીધો તેણી વાર, હીંસોરા કરવા લાગી અપાર ।।૩૦।।

ઉંચાં કર્યાં છે પુચ્છ ને મુખ, આવી શ્રીહરિને સનમુખ । ઘેરો દેઇને ગાયો સમગ્ર, અતિ આતુર થૈ ઉભી અગ્ર ।।૩૧।।

કર્યાં દરશન જેણી વાર, ભુલી ચારો થઈ ચિત્રાકાર । પછે શ્રીહરિયે વસ્ત્ર એક, નિજ આગે ધરાવ્યું વિશેક ।।૩૨।।

ત્યારે પાછી વળી ગાયો આપ, સૌને દેખાડ્યો એવો પ્રતાપ । હવે તે ગાયુંનો જે ગોવાળ, જાતે ભરવાડ છે રખવાળ ।।૩૩।।

તેણે કહ્યું ગંભીર વચન, સુણે જેમ સંત હરિજન । તમારી મંડળીમાંયે આજ, કનૈયો લાલ છે મહારાજ ।।૩૪।।

તે વિના મારી ગાયુંનો વ્યૂહ, અહિંથી ચાલે નહિ તે સમૂહ । સઘળી ગાયોનાં અંતઃકર્ણ, ઓચિંતાનાં થયાં આકર્ષણ ।।૩૫।।

એેવું સુણીને સુંદર શ્યામ, બોલ્યા મધુર વચન તે ઠામ । આ છે ભરવાડ ડાહ્યો અપાર । એને કેવો સુઝ્યો છે વિચાર ।।૩૬।।

પછે ગયા છે બિલીયે ગામ, સુખસાગર સુંદર શ્યામ । ગામથી પશ્ચિમ દિશે જેહ, રૂડી વાવ્ય શોભિતી છે તેહ ।।૩૭।।

તે સ્થળે ઉભા દેવ મુરાર, જલકોશ ફરે છે તેઠાર । કોશ ચલાવે છે કામરાજ, તેણે દેખ્યા આવ્યા મહારાજ ।।૩૮।।

હવે કોશ આવ્યો કોઠા બાર્ય, તે કુવેતીયે કર્યો ઉચ્ચાર । વારિમાંથી ભલે આવ્યા રામ, તે સુણીને બોલ્યા સુખધામ ।।૩૯।।

રામ આવ્યા તો છે સનમુખ, પણ ઓળખે તે પામે સુખ । ઓળખ્યા વિના કાંઇ ન થાય, ગર્ભવાસનું દુઃખ ન જાય ।।૪૦।।

એમ કૈને ચાલ્યા અલબેલ, સંત હરિજન સાથે છેલ । ત્રીજો પોર થયો છે જે વાર, સિદ્ધપુર પોચ્યા નિરધાર ।।૪૧।।

સરસ્વતી ગંગાજીને તીર, આંબલીનાં તરુ છે ગંભીર । ત્યાં રમણિક ભૂમિ વિશાળ, તેમાં જઈ ઉતર્યા તતકાળ ।।૪૨।।

પડી નિશા રવિ થયો અસ્ત, કર્યો મુકામ સંઘ સમસ્ત । સમો થયો છે કર્યું શયન, નિજાશ્રિત સાથે ભગવન ।।૪૩।।

વીતી રાત થયો પ્રાતઃકાળ, વ્હેલા ઉઠ્યા છે દીનદયાળ । મુનિ હરિજનને લૈ સંગ, સ્નાન કરવા ચાલ્યા છે ઉમંગ ।।૪૪।।

કર્યાં સરસ્વતીમાં સ્નાન, નિત્યવિધિ કર્યો છે તે સ્થાન । પછે બિન્દુસરોવરમાંય, સ્નાન કરવા સારુ ગયા ત્યાંય ।।૪૫।।

ભર્યું છે સરોવરમાં વાર, તેમાં લીલ વળીછે અપાર । લીલ છોયું દેખાય છે નીર, બોલ્યા સંત કરી મન ધીર ।।૪૬।।

હે કૃપાનાથ હે નરવીર, નાયા જેવું નથી આ નીર । માટે તીર્થ જાણી મહારાજ, જળ માથે ચડાવી લ્યો આજ ।।૪૭।।

એમ સંત કરે છે જ્યાં વાત, તીર્થદેવ ત્યાં પ્રગટ્યા ખ્યાત । બિંદુસર થયા મૂર્તિમાન, આવ્યા જ્યાં ઉભા છે ભગવાન ।।૪૮।।

કર જોડી કરે છે સ્તવન, પધાર્યા ભલે પ્રાણજીવન । આજ અમને કર્યાં પાવન, મુજ સફળ થયું છે મન ।।૪૯।।

થયો ભાગ્યનો ઉદયસાર, મળ્યો ચરણનો સ્પર્શ આવાર । ઘણા કલ્પથી હું છું આ સ્થાન, સુણો તે કહું છું ભગવાન ।।૫૦।।

પૂર્વે પ્રજાપતિના જે તન, કર્દમઋષિ નામે જે પાવન । એમણે તપ આરંભ્યું આંય, જપે વિષ્ણુનામ મનમાંય ।।૫૧।।

ઘણાં વર્ષ કર્યું તપ ઉગ્ર, શરીર કૃશ થયું સમગ્ર । થયા વિષ્ણુ પ્રસન્ન તેવાર, દીધાં દર્શન સાક્ષાતકાર ।।૫૨।।

આવ્યો વિષ્ણુને પ્રેમ અપાર, પડ્યાં નેત્રમાંથી બિંદુસાર । તેનું થયું બિંદુસર નામ, આ ભૂમિમાં સુણો સુખધામ ।।૫૩।।

એજ કર્દમઋષિના તન, થયા કપિલજી ભગવન । આપ્યું માતાને મોક્ષનું દાન, નિજસ્વરૂપનું દેઈ જ્ઞાન ।।૫૪।।

માટે આ ભૂમિકા છે પવિત્ર, તેદીનું થયું છે તીર્થક્ષેત્ર । તેમાં આપ પધાર્યા છો આજ, થયું વિશેષ પાવન કાજ ।।૫૫।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ સિદ્ધપુરમાં બિંદુસરોવરમાં સ્નાન કરી માહાત્મ્ય કહ્યું એ નામે છેતાલીશમો તરંગઃ ।।૪૬।।