ગઢડા પ્રથમ – ૨૯ : ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્‍યાનું – પ્રારબ્‍ધ, કૃપા અને પુરુષપ્રયત્‍નનું

Submitted by swaminarayanworld on Wed, 19/01/2011 - 9:31pm

ગઢડા પ્રથમ – ૨૯ : ધર્માદિકનું બળ વૃદ્ધિ પામ્‍યાનું – પ્રારબ્‍ધ, કૃપા અને પુરુષપ્રયત્‍નનું

     સંવત્ ૧૮૭૬ના પોષ સુદિ ૧૫ પુનમને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેશ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો. ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાધને વિષે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના  મુખારવિંદની આગળ સાધુ  તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

     પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “પ્રશ્ર્ન પુછો,” ત્‍યારે ગોપાળાનંદ સ્‍વામીએ પુછયું જે “ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય સહિત જે ભકિત તેનું બળ વૃદ્ધિને કેમ પામે ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એના ઉપાય ચાર છે, એક તો પવિત્ર દેશ, બીજો રુડો કાળ, ત્રીજી શુભ ક્રિયા અને ચોથો સત્‍પુરૂષનો સંગ, તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે, ને દેશકાળ ને સંગનું કારણ વિશેષ છે, કેમજે, જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય ત્‍યાં ક્રિયા રૂડી જ થાય અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય તથા પાતર્યું ને ભડવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય તો ક્રિયા પણ ભૂંડીજ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્‍યાંથી આધું પાછું ખસી નીસરવું અને સંગ પણ પ્રભુના ભકત અને પંચ વર્તમાને યુકત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો તો હરિભકતને પરમેશ્વરની જે ભકિત તેનું બળ અતિશે વદ્ધિ પામે, એ પ્રશ્ર્નનો એ ઉત્તર છે.”

     પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “હે મહારાજ ! કોઇક હરિભકત હોય તેને પ્રથમ તો અંતર ગોબરૂં સરખું હોય અને પછી તો અતિશે શુદ્ધ થઇ જાય છે, તે એને કોઇ પૂર્વનો સંસ્‍કાર છે તેણે કરીને એમ થયું ? કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું ? કે એ હરિભકતને પુરૂષપ્રયત્‍ને કરીને સારૂં થયું ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પૂર્વને સંસ્‍કારે કરીને જે સારૂં અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્‍યામાં આવે, જેમ ભરતજીને મૃગલામાં આસકિત થઇ એવે ઠેકાણે પ્રારબ્‍ધ લેવાય અથવા કોઇ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના જાણ્‍યામાં આવે, ત્‍યારે તેને તો પ્રારબ્‍ધ જાણવું.” પછી શ્રીજીમહારાજે પોતાની વાત કરી જે, “અમે જે જે સાધન કર્યા હતાં તેને વિષે કોઇ રીતે દેહ રહેજ નહિ ને તેમાં પણ દેહ રહ્યો તેને ૧પ્રારબ્‍ધ કહીએ, તે શું તો અમે શ્રીપુરૂષોત્તમપુરીમાં રહેતા ત્‍યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા ત્રણ ચાર ગાઉના પહોળા પટવાળી એક નદી હતી તેને વિષે એક વાર શરીર તણાતું મેલ્‍યું તથા શિયાળો, ઉનાળોને ચોમાસું તેને વિષે છાયા વિના એક કૌપીનભર રહેતા તથા ઝાડીને વિષે વાધ, હાથી તથા અરણાપાડા તેની ભેળે ફરતા, એવાં એવાં અનંત વિકટ ઠેકાણાં તેને વિષે ફર્યા તોય પણ કોઇ રીતે દેહ પડયો નહિ, ત્‍યારે એવે ઠેકાણે તો પ્રારબ્‍ધ લેવું અને જેમ સાંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાણો અને વળી જેમ પાંચ વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્‍તુતિ કરવા માંડી ત્‍યારે વેદાદિકના અર્થની સહેજે સ્‍ફુર્તિ થઇ, એવી રીતે અતિ શુદ્ધભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઇચ્‍છાએ કરીને તથા તે ભગવાનને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂડી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. અને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષપ્રયત્‍ન કહીએ. એમ વાત કરીને જય સચ્‍ચિદાનંદ કહીને શ્રીજીમહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૨૯||