ગઢડા પ્રથમ – ૩૬ : કંગાલના દૃષ્ટાંતે સાચા ત્‍યાગીનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:01am

ગઢડા પ્રથમ – ૩૬ : કંગાલના દૃષ્ટાંતે સાચા ત્‍યાગીનું

સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના ઝાડ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, અને કંઠને વિષે ધોળા ને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા, અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્‍છ ખોશ્‍યા હતા, ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો લટકતો હતો, તથા કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મુકયું હતું, અને જમણા હાથને વિષે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા, ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેણે સંસાર મુકયો અને ત્‍યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્‍વરૂપ વિના અસત્ પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો ? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય, ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય, ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય, તે પોતે પોતાને પાપી સમજે, અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે ‘આણે પાપ કર્યા હશે માટે એને અન્નવસ્ત્ર મળતું નથી, તેમ જે ત્‍યાગી થઇને સારાં સારાં જે વસ્‍ત્રાદિ પદાર્થ તેને ભેળાં કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય અને ભકિત તેને વિષે પ્રીતિએ રહિત હોય, એવો જે ત્‍યાગી, તેને તો જે મોટા એકાંતિક સાધુ છે, તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે, કેમ જે, જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય અને ભકિત તેને વિષે પ્રીતિ થતી નથી, અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે અને જે ત્‍યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેય બરોબર હોય અને “આ પદાર્થ સારૂં અને આ પદાર્થ ભુંડું” એવી તો સમજણ જ હોય નહિ, અને એક ભગવાનને વિષેજ પ્રીતિ હોય, તે જ સાચો ત્‍યાગી છે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૩૬||