ગઢડા પ્રથમ – ૪૧ : ‘એકોડહં બહુસ્‍યામનું’

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:05am

ગઢડા પ્રથમ – ૪૧ : ‘એકોડહં બહુસ્‍યામનું’

સંવત્ ૧૮૭૬ના માઘ સુદિ ૫ પંચમીને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદા ખાચરના દરબારમાં, શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીંબડા તળે ચોતરા ઉપર ઢોલિયે વિરાજમાન હતા અને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પીળા પુષ્પના ગુચ્‍છ કાન ઉપર ધાર્યા હતા ને પાઘને વિષે પીળા પુષ્પના તોરા લટકતા મુકયા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “પ્રશ્ર્ન ઉત્તર કરો.” પછી નૃસિંહાનંદ સ્‍વામીએ પુછયું જે, ”હે મહારાજ ! ‘એકોહં બહુસ્યાં પ્રજાયેય’ એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે, “પ્રલયકાળને વિષે જે એક ભગવાન હતા તેજ પોતાની ઇચ્‍છાએ કરીને સૃષ્‍ટિકાળે સર્વ જીવ ઇશ્વરરૂપે થયા છે.” તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ધેડ બેસતી નથી. અમે તો એમ સમઝીએ છીએ જે, ભગવાન તો અચ્‍યુત છે તે ચ્‍યવીને જીવ, ઇશ્વરરૂપે થાય નહિ, માટે એ શ્રુતિનો જે અર્થ તેતો તમે કહો તો યથાર્થ સમજાય.”  પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ” એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. એનો અર્થતો બીજી રીતે છે, તે વેદસ્‍તુતિના ગદ્યમાં કહ્યો છે જે ” સ્‍વકૃતવિચિત્રયોનિષુ વિષન્નિવ હેતુતયા તરતમતશ્વકાસ્‍ત્‍યનલવત્ સ્‍વકૃતાનુકૃતિ:” એનો અર્થ એમ છે જે “પુરૂષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાનાપ્રકારની યોનિઓ, તેમને વિષે કારણપણે અંતર્યામીરૂપે કરીને ન્‍યૂનાધિકભાવે પ્રકાશ કરે છે.” તેની વિગતી જે, અક્ષરાતીત એવા જે પુરૂષોત્તમ ભગવાન તે સૃષ્‍ટિસમયને વિષે અક્ષર સામી દષ્‍ટિ કરે છે, ત્‍યારે તે અક્ષરમાંથી પુરૂષ પ્રગટ થઇ આવે છે. પછી તે પુરૂષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરૂષને વિષે  પ્રવેશ કરે છેને પુરૂષરૂપે થઇને પ્રકૃતિને પ્રેરે છે, એવી રીતે જેમ જેમ પુરૂષોત્તમનો ૨પ્રવેશ થતો ગયો, તેમ તેમ સૃષ્‍ટિની પ્રવૃત્તિ થઇ. અને પછી તે પ્રકૃતિપુરુષ થકી પ્રધાનપુરૂષ થયા અને તે પ્રધાનપુરૂષ થકી મહત્તત્ત્વ થયું અને મહત્તત્‍વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો, ને અહંકાર થકી ભૂત, વિષય, ઇન્‍દ્રિયો, અંત:કરણ અને દેવતા તે થયા. ને તે થકી વિરાટ્ પુરૂષ થયા ને તેની નાભિકમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્મા થકી મરીચ્‍યાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્‍યપ પ્રજાપતિ થયા ને તે થકી ઇન્‍દ્રાદિક દેવતા થયા, ને દૈત્‍ય થયા, અને સ્‍થાવર જંગમ સર્વે સૃષ્‍ટિ થઇ. અને પુરૂષોત્તમ ભગવાન જે તે એે સર્વેમાં કારણપણે અંતર્યામીરૂપે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરૂષપ્રકૃતિમાં નથી, ને જેવા પુરૂષપ્રકૃતિમાં છે તેવા પ્રધાનપુરૂષમાં નથી, ને જેવા પ્રધાનપુરૂષમાં છે તેવા મહત્તત્‍વાદિક ચોવિશ તત્ત્વમાં નથી. ને જેવા ચોવિશ તત્ત્વમાં છે તેવા વિરાટપુરૂષમાં નથી, ને જેવા વિરાટપુરૂષમાં છે તેવા બ્રહ્મામાં નથી, ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્‍યાદિકમાં નથી, ને જેવા મરિચ્‍યાદિકમાં છે તેવા કશ્‍યપમાં નથી, ને જેવા કશ્‍યપમાં છે તેવા ઇન્‍દ્રાદિક દેવતામાં નથી, ને જેવા ઇન્‍દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી, ને જેવા મનુષ્યમાં છે તેવા પશુપક્ષીમાં નથી. એવી રીતે પુરૂષોત્તમ ભગવાન જે તે તારતમ્‍યતાએ સર્વેમાં કારણપણે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે, જેમ કાષ્‍ઠને વિષે અગ્‍નિ રહ્યો છે, તે મોટા કાષ્ઠમાં મોટો અગ્‍નિ રહ્યો છે ને લાંબા કાષ્‍ઠમાં લાંબો અગ્‍નિ રહ્યો છે, ને વાંકા કાષ્‍ઠમાં વાંકો અગ્‍નિ રહ્યો છે, તેમ એ પુરૂષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય, તેને વિષે તેટલી સામથર્ીએ યુક્ત થકા રહે છે, અને અક્ષર ને પુરૂષ પ્રકૃતિ આદિ સર્વેને વિષે પુરૂષોત્તમ ભગવાન અંતર્યામીરૂપે રહ્યા છે, પણ પાત્રની તારતમ્‍યતાએ કરીને સામર્થિમાં તારતમ્‍યપણું છે. એવી રીતે એક પુરૂષોત્તમ ભગવાન છે તે અંતર્યામીરૂપે કરીને એ સર્વેને વિષે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જીવ ઇશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા, એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો.” ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૪૧||