ગઢડા પ્રથમ – ૫૫ : ભજન, સ્‍મરણને વર્તમાનના દ્રઢાવનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 11:18am

ગઢડા પ્રથમ – ૫૫ : ભજન, સ્‍મરણને વર્તમાનના દ્રઢાવનું

સંવત્ ૧૮૭૬ ના માઘ વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉગમણે બાર ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પ્રશ્ર્ન ઉત્તર કરો.” પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “જીવને ભજનસ્‍મરણનો તથા વર્તમાનનો એક દઢાવ કેમ રહેતો નથી?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. અને તે દ્ઢાવ પણ ત્રણ પ્રકારનો છે, ઉત્તમ, મઘ્‍યમ અને કનિષ્‍ઠ. તેમાં જો ઉત્તમ દઢતા હોય અને દેશ, કાળ, ક્રિયા અને સંગ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દઢતાને પણ ટાળી નાખે તો મઘ્‍યમ અને કનિષ્‍ઠ દઢતાની તો શી વાત કહેવી ? અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય, ને તેમાં પણ દઢતા જેમ છે એમને એમ જો રહે તો, એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્‍ય છે. અને દેશ, કાળ, ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઇ જાય છે તો એને પૂર્વજન્‍મનું તથા આ જન્‍મનું કોઇ મોટું પાપ છે, તે નડે છે, અથવા કોઇ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઇ ગયો છે તે એને નડે છે, કેમ જે દેશ, કાળ, ક્રિયા અને સંગ રૂડા છે તોય પણ એનું અંતર ભૂંડું થઇ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબડદાર થઇને રહે તો એનાં પાપ બળીને ભષ્મ થઇ જાય અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કાંઇક સુકૃત હોય તે પણ નાશ પામે અને મદિરાપાનની કરનારી જે પાતર્યો તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે જે, “મારૂં મન કેમ ઠેકાણે રાખ્‍યું નહિ” તેને તો મહામૂર્ખ જાણવો. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૫૫||