૧૧. ભકિતમાતાનો જન્મ, વિવાહ અન પતિવ્રતાનાં ધર્મનું નિરૂપણ.

Submitted by swaminarayanworld on Sun, 03/07/2011 - 9:29pm

પૂર્વછાયો-

સુંદર દેશ સરવારમાં, નદી મનોરમા નામ છે ।

મખોડા તીર્થ ત્યાં થકી, ઉત્તરે છપૈયા ગામ છે ।।૧।।

સુંદર સર ત્યાં સોહામણું, અતિ અમળ જળ તે તણું ।

પદ્મ પોયણાંની પંક્તિએ, શોભે છે સુંદર ઘણું ।।૨।।

ત્યાંથી દક્ષિણ દિશમાં, બગિહા ચુડવા બે વન છે ।

ફળ ફુલ સુંદર જેમાં, સુંદર ઝાડે સઘન છે ।।૩।।

અનુપ એવી અવનિમાં, છે ગામ નામે છપૈયા ।

દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શુદ્ર, ચારે વર્ણ જયાં વસિયા ।।૪।।

ચોપાઇ-

તિયાં કૃષ્ણશર્મા દ્વિજ એક રે, જાણે સાર અસાર વિવેક રે ।

શીલ સંતોષ ગુણે સંપન્ન રે, શુદ્ધ હૃદયે પરમ પાવન રે ।।૫।।

તેને ઘેર ભાગ્યમાની નાર રે, અતિ પવિત્ર અંતર ઉદાર રે ।

જેવી નિર્મળ એ યુવતિ રે, તેવા કૃષ્ણશર્મા છે સુમતિ રે ।।૬।।

વળી વાસુદેવની જે ભક્તિ રે, કરે ભાવ ભરીને દંપતિ રે ।

એવાં નિર્મળ એ નરનાર રે, તિયાં ભક્તિએ ધર્યો અવતાર રે ।।૭।।

સંવત્ સત્તર વર્ષ અઠાણું રે, ર્કાિતકી પુનમ પ્રમાણું રે ।

નક્ષત્ર કૃતિકા બુધવાર રે, થયો ચંદ્ર ઉદે અવતાર રે ।।૮।।

લીધો જન્મ જયારે જસવતિ રે, થયાં માત તાત રાજી અતિ રે ।

પછી કૃષ્ણશર્મા જે વિપરરે, તેડ્યા જોતિષી બ્રાહ્મણ ઘેર રે ।।૯।।

જોયા જોષિએ જોશ રૂપાળા રે, કહ્યું નામ કહેજયો એનું બાળા રે ।

બીજાં નામતણો નિરધાર રે, કરશે ગુણે કરી નરનાર રે ।।૧૦।।

છે એ દેવ મનુષ્ય મ જાણો રે, ભાગ્ય મોટાં તમારાં પ્રમાણો રે ।

એવું સુણી કૃષ્ણશર્મા કાન રે, કર્યા વિપ્ર રાજી દઇ દાન રે ।।૧૧।।

પછી મોટાં થયાં એ મૂર્તિ રે, લાગે માબાપને વાલાં અતિ રે ।

કરે ખેલ બાળક સમાન રે, તેણે ઢાંક્યું છે પોતાનું જ્ઞાન રે ।।૧૨।।

વાધે બાળચંદ્ર પેઠ્યે નિત્યે રે, કરે શ્રીકૃષ્ણની ભક્તિ પ્રિત્યે રે ।

માટે લોક કહે ભક્તિ નામ રે, એમ બોલાવે પુરૂષ ને વામ રે ।।૧૩।।

રૂપ ગુણે લક્ષણે છે એવાં રે, કપિલમાતા દેવહૂતિ જેવાં રે ।

શિલ સ્વભાવે શોભે છે ઘણું રે, બીજા ગુણ હું કેટલા ગણંુ રે ।।૧૪।।

લજજાવાન ને નમ્રતા અતિ રે, દયા ક્ષમાવાળાં એ મૂરતિ રે ।

શુદ્ધ અંતર સદા અમળ રે, નિષ્પાપ ને આપે નિર્મળ રે ।।૧૫।।

એવાં ભક્તિ ધર્મની પત્ની રે, ધરી તન બાળા નામે બની રે ।

જેદિ થકી જન્મ્યાં એ સતી રે, ભાવિ સૌને કૃષ્ણની ભક્તિ રે ।।૧૬।।

વધી શ્રદ્ધા સહુને એ સમે રે, ભક્તિ કરવા ભક્તિ જનમે રે ।

રહ્યો ઘરઘર આનંદ છાઇ રે, દંભી પાખંડી ગયા સંતાઇ રે ।।૧૭।।

એવો ભક્તિતણો જે પ્રતાપ રે, જોઇ બોલ્યા કૃષ્ણશર્મા બાપ રે ।

આની કરીયે હવે સગાઇ રે, સુંદર મોટી સરવાર માંઇ રે ।।૧૮।।

તિયાં બાલશર્મા ગુણવાન રે, ઉચ્ચે કુળે એ ઘર નિદાન રે ।

તેના સુત દેવશર્મા કહીએ રે, આ કન્યા એને આપણે દૈયે રે ।।૧૯।।

ત્યારે રાજી થયાં છે ભવાની રે, સારૂં વાત તમારી મેં માની રે ।

પછી લગ્ન લખી તેહ વાર રે, કર્યો વિપ્ર જાવાને તૈયાર રે ।।૨૦।।

ચાલ્યો બ્રાહ્મણ ત્યાં થકી ઝટ રે, આવ્યો પુર જયાં રૈકહટ રે ।

કહે બાલશર્માને વિપર રે, લાવ્યો લગ્ન હું તમારે ઘર રે ।।૨૧।।

સુત તમારો ધર્મ છે નામે રે, તેને પરણાવો છપૈયા ગામે રે ।

એવું સાંભળી સહુને ભાવ્યું રે, હેતે કરીને લગ્ન વધાવ્યું રે ।।૨૨।।

પછી શણગારી સુંદર જાન રે, થયા સજજ સહુ ગુણવાન રે ।

કર્યા વરે સુંદર શણગાર રે, તેણે ઓપે છે ધર્મ અપાર રે ।।૨૩।।

પહેર્યો કાછ કસુંબલ વાઘો રે, શિરે શોભે છે સોનેરી પાઘો રે ।

હૈયે હાર ને મિંઢલ હાથે રે, સુંદર ખોશ્યાં છોગલિયાં માથે રે ।।૨૪।।

કાને કુંડળ વેલ્ય ને કળી રે, કંઠે શોભે છે હેમહાંસડી રે ।

હૈયે હુલર હીરા સાંકળી રે, ઓપે ઉત્તરી સુંદર વળી રે ।।૨૫।।

પહેરી મોહન માળા રૂપાળી રે, ઉરપર ઉત્તરી શોભાળી રે ।

બીજી પહેરી છે ફુલની માળા રે, તેણે શોભે છે અતિ રૂપાળા રે ।।૨૬।।

બાજુ કાજુ પોંચિ કર કડાં રે, સુંદર શોભે વર નાનકડા રે ।

પહેરી વેઢ વિંટી જડી નંગે રે, મુદ્રિકામાં મણિ કણિ ઝગે રે ।।૨૭।।

અંસે શોભે છે સોનેરી અસિ રે, મુખે પટ દઇ રહ્યા હસી રે ।

પાયે પહેરી છે મોજડી લાલ રે, ચાલે મલપતા જેમ મરાલ રે ।।૨૮।।

ચડ્યા ઘોડલે વર સુજાણ રે, વાજે ઢોલ ને ગડે નિશાણ રે ।

જોડ્યાં રથ વહેલ ને ગાડલાં રે, ચાલે એક થકી એક ભલાં રે ।।૨૯।।

ચડી ર્ગિદ ઢંકાણો ગગન રે, જોઇ અમર થયા મગન રે ।

પહોંચ્યા સુંદર વર છપૈયે રે, આવ્યું ગામ સરવે સામૈયે રે ।।૩૦।।

જન જોઇને વરનું રૂપરે, કહે આ છે સુરનર ભૂપરે ।

આપી ઉતારા જુગત્યે જમાડ્યારે, પછી વર તે તોરણે આવ્યારે ।।૩૧।।

જોઇ સુંદર વરનું રૂપ રે, મોહ્યાં નરનારી સુર ભૂપરે ।

ભાળ્યું ભાલ તિલકનું બિંદુ રે, જાણું ઉગ્યો છે આ બીજો ઇંદુ રે ।।૩૨।।

પછી પોંખી પાટે પધરાવ્યા રે, ઘણું સાસુજીને મન ભાવ્યા રે ।

પછી દિધાં છે કન્યાનાં દાન રે, બાઇ વર તારો ગુણવાન રે ।।૩૩।।

બેઠા માયરે વર કન્યા જોડી રે, બાંધી ગાંઠ્ય છુટે નહી છોડી રે ।

પ્રીતે પરણ્યા ધર્મ ઉદાર રે, તિયાં વર્ત્યો છે જયજયકાર રે ।।૩૪।।

કરી પહેરામણી બહુપેર રે, પછી જાનને વળાવી ઘેર રે ।

દિધી જાનૈયે બહુજ દાત્ય રે, તેની કહીએ આવે કેમ વાત રે ।।૩૫।।

ઉડે અબીર ગુલાલ તેલ રે, થઇ રહી છે રંગડાની રેલ રે ।

એમ રમ્યા જમ્યા રૂડી રીતે રે, પછી કૃષ્ણશર્મા બોલ્યા પ્રીતે રે ।।૩૬।।

બાલશર્મા માગું તમ પાશ રે, સત્યવાદી છો પુરજયો આશ રે ।

કુળ તમારામાં નિર્ધાર રે, માગે જે તે ન કરો નકાર રે ।।૩૭।।

માટે માગું છું જોડી હું પાણ રે, દેજયો દયા કરીને સુજાણ રે ।

સુત તમારો મારો જમાઇરે, આપો મુજને રાખું હું આંઇ રે ।।૩૮।।

એવું સુણી બાળશર્મા કાન રે, પામ્યા ધર્મ સંકટ નિદાન રે ।

એહ વાત મુજથી કેમ થાશે રે, સુત ધર્મ તે કેમ દેવાશે રે ।।૩૯।।

તેમ નકારો પણ નહિ થાય રે, પાડું ના તો પત્ય મારી જાય રે ।

પછી કુળનો ધર્મ સંભાળી રે, સુત આપ્યા તણિ તે હા વાળી રે ।।૪૦।।

જેમ કાઢી આપે કોઇ પ્રાણ રે, એમ આપ્યા સુતને સુજાણ રે ।

રહ્યું નહિ ધીરજય ધારતાં રે, કહેતાં કહી ન જાય વારતા રે ।।૪૧।।

પછી અતિશે ધીરજય ધાર્યું રે, દેવા શિક્ષા મનમાં વિચાર્યું રે ।

સુણો દુલહિ કુંવરી કલ્યાણી રે, કહું તમારા હિતની વાણી રે ।।૪૨।।

તમે પાળજયો કહું પતિવ્રત રે, જેણે કરી પામો સુખ તરત રે ।

પતિવ્રતાના ધર્મ સમાન રે, નથી નારીનો યશ નિદાન રે ।।૪૩।।

પતિવ્રતપણાને જે પામે રે, તેનાં સર્વે સંકટ વામે રે ।

માત તાત ભ્રાત કાકા મામા રે, ધન્ય પતિ જેને એવી ભામા રે ।।૪૪।।

તેની ત્રણ પેઢી લગી તારે રે, જે કોઇ નારી પતિવ્રત ધારે રે ।

તન રોમ લેખે કોટી વર્ષ રે, રમે સ્વર્ગે એ નારી ને પુરૂષ રે ।।૪૫।।

સુર શશિ થાવાને પાવન રે, બિતો પવન સ્પરશે તન રે ।

તપ તીર્થ વ્રત જે કહાવે રે, તેનું તેજ પતિવ્રતા પાવે રે ।।૪૬।।

પાપી પૃથ્વીની સ્પરશે જો રજ રે, થાય પવિત્ર નહિ આશ્ચર્યજ રે ।

એવી પતિવ્રતા પુણ્યવાન રે, તેનાં નામ સાંભળો નિદાન રે ।।૪૭।।

અરુંધતી અનસૂયા જેહ રે, સાવિત્રી શાંડિલી સત્યા તેહ રે ।

અહલ્યા દ્રૌપદી શતરૂપા રે, મેના સુનીતિ સંજ્ઞા અનુપા રે ।।૪૮।।

સ્વાહા લોપામુદ્રા એહ સતી રે, જેણે પ્રેમેશું સેવિયા પતિ રે ।

એવી તું પણ થાઇશ કલ્યાણીરે, સત્ય માનજયો કહું છું વાણીરે ।।૪૯।।

થાશે પતિમાંહિ પ્રેમ અતિ રે, માટે તુંને કહેશે પ્રેમવતી રે ।

પછી પોતાના સુત પાવન રે, તેને કહે છે હિત વચન રે ।।પ૦।।

પુત્ર બ્રહ્મકર્મ જે કહેવાય રે, રહેજયો કુશળ તમે તેહ માંય રે ।

વળી આ સુંદરી જે સૌભાગ્ય રે, તેનો કરશો માં તમે ત્યાગ રે ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે ભક્તિધર્મ વિવાહ એ નામે અગ્યારમું પ્રકરણમ્ ।।૧૧।।