૫૦. શ્રીહરિ અસુરોનાં ઉપદ્રવથી સદાવ્રતો બંધ કરાવી સંતોને સત્સંગ કરાવવા માટે ફરવાની આજ્ઞા કરી. મે

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 11:31am

પૂર્વછાયો-

ધ્યાન ધારણા અતિ ઘણી, લીયે સમાધિયે જન સુખ ।

જોઇ પ્રતાપ મહારાજનો, દિલમાં ન મનાય દુઃખ ।।૧।।

ચોપાઇ-

એવો પૌઢ પ્રતાપ જણાવ્યો, દેખી દાસને આનંદ આવ્યો ।

સવેર્જનને ચડી ખુમારી, નિર્ખિ સહજાનંદ સુખકારી ।।૨।।

બોલે મસ્તિમાંહિ અતિ મોટું, એક સ્વામી સત્ય બીજું ખોટું ।

સ્વામી મળ્યે કલ્યાણ છે કોટ્ય, બીજી વાતમાં આવશે ખોટ્ય ।।૩।।

જયારે સેવશો સ્વામીનાં ચરણ, ત્યારે જાશે જનમ ને મરણ ।

બીજે શીદ રહ્યા છો બંધાઇ, મેલો મત આવો સંતમાંઇ ।।૪।।

મદ્ય માંસ દારૂ ચોરી મેલી, આવો સત્સંગમાં મટો ફેલી ।

ગાંજા ભાંગ્ય મફર કેફ મેલી, મેલો માજમ લસણ ડુંગળી ।।૫।।

પય પાણી ગળી વળી પીજે, સતસંગમાં એ રીત્યે રહીજે ।

એવી વાત કરે સંત સહુ, સુણી થાય સતસંગી બહુ ।।૬।।

વળી ગુરૂ જે સત્ય અસત્ય, તેની દેખાડે પાડી વિગત્ય ।

સાધુ અસાધુની ઓળખાણ, તેનાં દેખાડે સવેર્એંધાણ ।।૭।।

સર્વે શાસ્ત્રતણી સાંખ્ય લાવી, દિયે અસાધુને ઓળખાવી ।

કહે અસાધુથી ન સરે અર્થ, એતો લેવાને બેઠા છે ગર્થ ।।૮।।

માટે સતસંગ સહુ કરો, શીદ લખ ચોરાશીમાં ફરો ।

એવી વાત શ્રવણે સાંભળી, સવેર્અસાધુ ઉઠિયા બળી ।।૯।।

પ્રથમ ભેખમાં દ્વેષજ પેઠો, કળિ મળી એને ઘેર બેઠો ।

જીયાં તિયાંથી ઉઠ્યા છે બળી, માંડ્યા સંતને મારવા મળી ।।૧૦।।

જોજયો જીવનમુક્તનું જોર, આપણને કીધા ચોખા ચોર ।

આપણા શિષ્ય પ્રમોદી લીધા, દઇ ઉપદેશ પોતાના કીધા ।।૧૧।।

માટે આજથી સહુ એમ ધારો, જેને જયાં મળે ત્યાં એને મારો ।

લઇ લુગડાં તુંબડાં ફોડો, વળી સદાવ્રત એનાં તોડો ।।૧૨।।

એમ પરિયાણી અસુરસેના, મારે સાધુને વાંક જ વિના ।

ગર્જ ગિધ ને શ્વાન શિયાળ, કાક ચિલ એ વર્ણ ચંડાળ ।।૧૩।।

એની જણાય જુજવી જાત્ય, મળે મારણે છે એક નાત્ય ।

એમ દામ વામે ફેલે એક, એવા ભેળા થયા છે અનેક ।।૧૪।।

આવ્યા જાયગા ઉપર મળી, માંડ્યા સાધુને મારવા વળી ।

નાખે ગેડી ધોકા ને લાકડી, કરી ઝાઝી પથરાની ઝડી ।।૧૫।।

તેતો સાધુએ શરીરે સહ્યું, અતિ નિરમાનિવ્રત ગ્રહ્યું ।

અસંતે અસંતપણું કરી, પછી ગયા એ સર્વે ફરી ।।૧૬।।

પછી સ્વામી કહે સુણો સંત, આતો ભેખે ઉપાડ્યું અતંત ।

આપણે તો ખમ્યા ઘણું ઘણું, કોણે ન કર્યું ઉપર આપણું ।।૧૭।।

હવે સદાવ્રતનું શું કામ, મેલો ઉપાડી મ પુછો નામ ।

જયારે પ્રભુને ગમીયું એમ, ત્યારે આપણે કરવું તેમ ।।૧૮।।

ત્રોડ્યાં સદાવ્રત તેહ કાળે, પછી બાંધી મંડળી દયાળે ।

સંતો વિચરો દેશવિદેશ, જેમ છે તેમ રાખજયો વેશ ।।૧૯।।

વર્તજયો પંચવ્રત પ્રમાણે, જે કોઇ લખ્યાં છે વેદ પુરાણે ।

અષ્ટભાત્યે ત્રિયા ધન ત્યાગ, રાખજયો ઉરે અતિ વૈરાગ ।।૨૦।।

સુંદર મૂરતિ રાખજયો સારી, તેને પૂજજયો પ્રેમ વધારી ।

બહુ વિધનાં વાજાં વજાડી, કરજયો આનંદે ઉત્સવ દહાડી ।।૨૧।।

કથા કીર્તન વાત કરજયો, એમ દેશવિદેશે ફરજયો ।

અન્ન વસ્ત્ર જે આપશે તમને, તેતો નહિ જાય હાથ જમને ।।૨૨।।

વળી વાત તમારી સાંભળશે, તેનાં જન્મમરણ દુઃખ ટળશે ।

ભાવે કરશે તમારૂં દર્શન, તેનું થાશે નિરમળ મન ।।૨૩।।

માટે મોટો ઉપકાર એહ, તમારે પણ કરવો તેહ ।

પછી સંત રાજી સહુ થયા, માગી આગન્યા ફરવા ગયા ।।૨૪।।

ફર્યા સોરઠ દેશ હાલાર, પછી આવ્યા પંચાળ મોઝાર ।

ભાળ્યો ભાલ ને ગુર્જરદેશ, કર્યો સિધ્ધપુરે પરવેશ ।।૨૫।।

થયો સિધ્ધપુરનો સમૈયો, કર્યો ઉત્સવ ન જાય કહ્યો ।

સર્વે સંત હતા હરિભેળા, મહારાજે કરી મોટી લીલા ।।૨૬।।

સારો સંત મહારાજે સમૈયો, કર્યો સિધ્ધપુરનો તે કહ્યો ।

પછી પોતે સોરઠમાં આવ્યા, મેઘપુરમાં વિપ્ર જમાવ્યા ।।૨૭।।

રાખ્યા બ્રાહ્મણને ષટ્ માસ, જમીજમીને થયા ઉદાસ ।

પછી વૃંદાતણો વિવાહ કરી, આવ્યા કાઠિયાવાડ્યમાં ફરી ।।૨૮।।

સુંદર સારૂં કારિયાણી ગામ, ભક્ત વસે તિયાં માંચો નામ ।

તેને ઘેર પધાર્યા મહારાજ, કરવા અનેક જીવનાં કાજ ।।૨૯।।

માંચે બહુ કરી મનુવાર, જુક્તે જમાડ્યા પ્રાણઆધાર ।

પછી પાસે બેઠા જોડી પાણ, બોલ્યા મહારાજ પ્રત્યે સુજાણ ।।૩૦।।

નાથ અમારા કુળમાં એક, નામ એભલ જાણે વિવેક ।

તેનો પવિત્ર છે પરિવાર, તેતો તમને ઇચ્છેછે અપાર ।।૩૧।।

કાંતો ત્યાં જઇ દર્શન દીજે, નહિતો તેને તેડાવી યાં લીજે ।

ત્યારે એમ બોલ્યા મહારાજ, એતો સરવે છે ભક્તરાજ ।।૩૨।।

ઇયાં જાવાનું થાશે અમારે, નિશ્ચે માનજયો મને તમારે ।

રહેશું અમે તિયાં ઘણું ઘણું, કરશું મનમાન્યું એહતણું ।।૩૩।।

જયારે થાશે અમારૂં દર્શન, ત્યારે નહિ રહે બીજે મન ।

એમ જણાય છે વાત અમને, નિજભક્ત જાણી કહ્યું તમને ।।૩૪।।

સુણી માંચે એ સરવે વાત, થયા અતિ પોતે રળિયાત ।

એમ કરતાં થોડે ઘણે દને, આવ્યાં સરવે એ મળી દર્શને ।।૩૫।।

આવી નિરખ્યા નયણાં ભરી નાથ, જોઇ જીવન થયા સનાથ ।

જેવા જોયા નયણે નિરખી, તેવા લીધા છે અંતરે લખી ।।૩૬।।

જોયું મહારાજે હેતેશું જયારે, થયાં મને મગન જન ત્યારે ।

પછી સર્વે બોલ્યાં જોડી હાથ, અમે છીએ તમારાં હે નાથ ।।૩૭।।

અમ પર કરી હરિ મેર, આવો દયા કરી અમ ઘેર ।

એવી સાંભળી જનની વાત, થયા પ્રભુ પોતે રળિયાત ।।૩૮।।

તેહ વિના આવ્યાં બહુ જન, કરે નાથનાં સહુ દર્શન ।

આવ્યા દેશપ્રદેશના સંઘ, નરનારી જે અતિ અનઘ ।।૩૯।।

કરે પૂજા ગાય કીરતન, થાય કથા સુણે સહુ જન ।

દેશદેશનાં દર્શને આવે, આપે આજ્ઞા તળાવ ગળાવે ।।૪૦।।

એમ કરે નિત્ય નવી લીળા, દિયે સુખ કરી જન ભેળા ।

પછી સાધુને આપી છે શીખ, હવે ફરવા જાઓતો ઠીક ।।૪૧।।

પછી સંતને શીખજ આપી, રહેજયો નિર્ભય કહી પીઠ્ય સ્થાપી ।

સંત સધાવિયા નામી શિશ, પોતે પધાર્યા ગુર્જર દેશ ।।૪૨।।

ગયા સંત મળી ઝાલાવાડ્ય, આવી અસુરે રચાવી રાડ્ય ।

સવેર્સાધુને દુઃખજ દીધાં, વળી વસ્ત્ર શાસ્ત્ર લુંટી લીધાં ।।૪૩।।

ત્રોડી માળા કરી બહુ જેલી, લીધાં તુંબડાં તિલક ઠેલી ।

જોરે ઠાકોરમૂરતિ લીધી, તેને ભાંગીને ખંડિત કીધી ।।૪૪।।

એટલું કરી અસાધુ ગયા, તોય સંત સંતપણે રહ્યા ।

પછી મુક્તાનંદ બોલ્યા મુખે, સંતો શોક તજી રહેજયો સુખે ।।૪૫।।

થયું ગમતું ગોવિંદતણું, જુવો જ્ઞાને શું ગયું આપણું ।

એમ કહી ચાલ્યા પ્રભુ પાસ, હતા ગુજરાત્યે અવિનાશ ।।૪૬।।

જઇ નિરખ્યા નયણે નાથ, જોઇ જીવન થયા સનાથ ।

સામું જોઇ રાજી થયા રાજ, કહો કેમ થયું મહારાજ ।।૪૭।।

ત્યારે સંત બોલ્યા કરભામી, સર્વે જાણો છો અંતરજામી ।

અસુરે બહુ દુઃખજ દીધું, તેનું ઉપર કેણે ન કીધું ।।૪૮।।

પીડ્યા સંતને વાંક વિનાય, લોભી રાજાએ ન કર્યો ન્યાય ।

પછી સવેર્આવ્યા આંહિ મળી, હવે કહો કેમ કરીયે વળી ।।૪૯।।

કહે મહારાજ થયું એ સારૂં, એમ ગમતું હતું અમારૂં ।

એની માળા તિલકને મેલો, આપણે અલક્ષ્યપણે ખેલો ।।૫૦।।

એમ કહીને આવ્યા વેલાલ, રાખ્યા કાંઇક સંગે મરાલ ।

પછી બાંધી સંતની મંડળી, પોતે પધારીયા કચ્છ વળી ।।૫૧।।

એમ ઉધ્ધારવા બહુજન, ફરે સંત ને શ્રીભગવન ।

સહે ઉપહાસ જગ કેરી, તોયે ન કરે રીશ લેશ ફેરી ।।૫૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિચરિત્ર એ નામે પચાસમું પ્રકરણમ્ ।।૫૦।।