૧૪૭. સોની દયાળજી, વલ્લભ, વજેસંગ, આદિત, બાપુ વગેરે ભકતજનોને શ્રીહરિએ આપેલા પરચા.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:37pm

પૂર્વછાયો- વળી વડોદરે વાલ્યમે, જેહ કર્યાં જનનાં કાજ ।

સાંભળજયો સંક્ષેપશું, જેહ જેહ કર્યું મહારાજ ।।૧।।

સોની કુળમાં ભક્ત ભલો, ત્રિકમજી તેનું નામ ।

તેનો સુત દયાળજી, થાય ધારણા દેખે ધામ ।।૨।।

એક દિવસ કરી ધારણા, ગયા જીયાં હતા જગદીશ ।

તિયાં હતા બહુ દેવતા, કરે સ્તવન ક્રોડ્ય તેત્રિશ ।।૩।।

તેને મહારાજે પૂછિયું, તમે રાજી હો સહુ દેવ ।

તો નરનારાયણ મૂરતિ, પધરાવિએ તતખેવ ।।૪।।

ચોપાઇ- ત્યારે દેવ કહે બહુ સારૂં, ઘણું ગમતું છે એ અમારૂં ।

આ ભૂમિના છે એજ ભૂપતિ, તેની ક્યાંય નથી જો મૂરતિ ।।૫।।

માટે જરૂર કરવું એ કાજ, એમ બોલિયા સુરસમાજ ।

તે દયાળજી દેખીને આવ્યો, ત્યાંથી ખબર તે આંહિ લાવ્યો ।।૬।।

દિઠા દેવતા સમાધિમાંઇ, તેનાં કહ્યાં નામ રૂપ આંઇ ।

પામ્યા આશ્ચર્ય સહુ સાંભળી, કહું વાત એની એક વળી ।।૭।।

ત્રિકમજી કહે એનો તાત, તું સાંભળજે દયાળજી વાત ।

માગ્યે માળા તું ધારણામાંહિ, આપે નાથ તો લાવજે આંહિ ।।૮।।

બોલ્યા ઇચ્છારામ રણછોડ, નાથ હાથની માળાનો કોડ ।

મળે પ્રસાદીની ક્યાંથી માળુ, માગ્યે દિયે દયા કરી દ્યાળુ ।।૯।।

કહે લાલદાસ રંગનાથ, આલે નાથ માળા તુજ સાથ ।

તો એ થકી મોટી નહિ વાત, મળે અલૌકિ માળા સાક્ષાત ।।૧૦।।

ત્યારે બોલિયા ભગવાનદાસ, નથી ગઉમુખી મુજ પાસ ।

ક્યાંથી મળે પ્રસાદીની મને, મળે તો લાવ્યે કહું છું તને ।।૧૧।।

કહે વણારશી સુણ્ય દ્યાળા, મારે નથી બેરખો ને માળા ।

સહુને આપે નાથ દયા કરી, તો માગજયે મારૂં કરગરી ।।૧૨।।

સુણી સંદેશા એટલા કાને, પછી દયાળજી બેઠો ધ્યાને ।

ગયો ધારણામાં પ્રભુપાસ, અતિહેતે બોલ્યા અવિનાશ ।।૧૩।।

શું શું લેવા આવ્યો છો તું આજ, માગ્ય આપીએ કહે મહારાજ ।

ત્યારે દ્યાળજી કહે સુણો નાથ, માગી માળા ષટ મુજસાથ ।।૧૪।।

એક બેરખો ગઉમુખી એક, આપો મને તો વળી વિશેક ।

પછી આપ્યાં સઘળાં એ નાથે, જાગી દયાળજી લાવ્યો સાથે ।।૧૫।।

જેણે જેણે મગાવીતી જેવી, દીધી સહુને માળાઓ તેવી ।

જાડી ઝીણી સુખડ્ય તુલસીની, આપી ગૌમુખી એક નવિની ।।૧૬।।

સહુ જોઇને આશ્ચર્ય પામ્યાં, ધન્ય સ્વામી કહી શિશ નામ્યાં ।

ભાઇયો આતો વાતમોટી કહીએ, આથી પરચો બીજો કિયો લહીએ ।।૧૭।।

વળી એક દિવસ દયાળો, કરી સમાધિ થયો સુખાળો ।

આવ્યો સમાધિમાંહિથી બાર, લાવ્યો જામફળ પાંચવાર ।।૧૮।।

ક્યારે પાંચ ક્યારે સાત સાત, લાવે સમાધિમાંથી સાક્ષાત ।

આપી પ્રસાદી ને પોત્યે લિયે, એમ પચોર્ નાથ બહુ દિયે ।।૧૯।।

ત્યાર પછી સમાધિમાં વળી, લાવ્યો પાંચ પાકી કેળાફળી ।

ત્યાર પછી બરફી બહુવાર, પેંડા પતાસાનો નહિ પાર ।।૨૦।।

સાકર વળી શ્રીફળ આદિ, નિત્ય નવી લાવે પરસાદી ।

આણે અહોનિશ અલૌકી ચીજ, કહેતાં લખતાં ન આવે તેજ ।।૨૧।।

વળી એકદિ દીનદયાળ, આવી પ્રકટ જમીયા થાળ ।

દીઠા બહુ જને બહુનામી, જમી પધાર્યા અંતરજામી ।।૨૨।।

એમ પરચા થાય છે નિત્ય, ધન્ય ધન્ય એ ભક્તની પ્રીત્ય ।

વળી વાત કહું માનો સત્ય, એનું ચોરાણું માળા રજત ।।૨૩।।

તેતો ચોરે સંતાડ્યું છે અતિ, કેને ન જડે ન પડે ગતિ ।

પછી દ્યાળજી ધારણા કરી, ગયો તિયાં જીયાં હતા હરિ ।।૨૪।।

દેખી દ્યાળને બોલ્યા મહારાજ, તારી ગઇ ચીજ આપું આજ ।

પછી એજ માળા એજ રૂપું, લઇ દયાળજી કર સોંપ્યું ।।૨૫।।

જાગી દયાળજીએ તેહ દીધું, માળા રૂપું ઓળખીને લીધું ।

જોઇ આશ્ચર્ય પામિયા જન, સહુ કહેવા લાગ્યા ધન્ય ધન્ય ।।૨૬।।

એવી અલૌકિક રીત્ય જોઇ, માને ભાગ્ય મોટું સહુ કોઇ ।

વળી વાત કહું એક બીજી, જે વાવરી છે સામર્થી શ્રીજી ।।૨૭।।

એક સોની વલ્લભજી સારો, પ્રેમી ભક્ત પ્રભુજીને પ્યારો ।

રાખે નિયમ અતિ હેત ધારી, જમે અન્ન જતને સુધારી ।।૨૮।।

પડી એકદિ જંતુની ભ્રાંત, ગયું સુખ ન રહી નિરાંત્ય ।

પછી એમ વિચારીયું મન, આજ થકી લેવું નહિ અન્ન ।।૨૯।।

તેને વીતિ ગયા બહુ દન, તોય ન થાય જમ્યાનું મન ।

કરે ભજન મહારાજતણું, તેણે રહે ખુમારીમાં ઘણું ।।૩૦।।

પછી મહારાજે મોકલ્યું કહી, એ ટેક તારે રાખવી નહિ ।

જમ્ય અન્ન તું દન આજથી, મેલી ખાવું સિધ્ધ થાવું નહિ ।।૩૧।।

કહ્યું વચન એ જયારે શ્રીમુખ, ત્યારે લાગી વલ્લભને ભૂખ ।

એવી સામર્થી નાથની જોઇ, કહે ધન્ય ધન્ય સહુ કોઇ ।।૩૨।।

એવી આશ્ચર્ય કારી છે વાતું, તે મેં લખતાં નથી લખાતું ।

વળી ભક્ત ખતરી વખાણું, નામ વજેસિંઘ તેનું જાણું ।।૩૩।।

તેના તનમાં આવિયો તાવ, થયો અન્ન જળનો અભાવ ।

અતિ તાવમાં તવાણું તન, તોય મુખે ન મેલે ભજન ।।૩૪।।

પછી પધાર્યા પ્રાણઆધાર, કહ્યું તાવને નિસર બાર ।

ત્યારે તાવ નિસર્યો તે વાર, મૂર્તિમાન ઉભો આવી બાર ।।૩૫।।

હતી નાથ હાથે સારી છડી, મારી તાવને ત્રણ્ય તે ઘડી ।

ભાગ્યો તાવ પાડી કાળી ચીસ, નાથ આવડી મ કરો રીસ ।।૩૬।।

હવે એના તનમાં ન આવું, આવું તો ચોર તમારો કાવું ।

એમ કાઢ્યો તાવ જનમાંથી, દઇ દર્શન પધાર્યા ત્યાંથી ।।૩૭।।

વળી ભક્ત આદિત તે કડિયો, તેને પણ તાવ તેમ ચડિયો ।

કાઢ્યો એમનો એમ મહારાજે, નાવ્યો ફરી ગયો વાજોવાજે ।।૩૮।।

એમ ઘડી ઘડી પળ પળે, બહુ પરચા જનને મળે ।

કરે રક્ષા અનંત પ્રકારે, હરે છે જન દુઃખ આ વારે ।।૩૯।।

એક ભક્ત વણિક બાપુજી, થયા સતસંગી કુસંગ તજી ।

સાચા જાણ્યા સહજાનંદ સ્વામી, બીજા જાણ્યા ક્રોધી લોભી કામી ।।૪૦।।

એમ જાણી કર્યો સતસંગ, ચડ્યો અંગે ન ઉતરે રંગ ।

કરે હરિભજન હમેશ, નહિ નિશ્ચયમાં સંશય લેશ ।।૪૧।।

એક દિવસે દર્શન કાજ, બહુ બહુ સંભાર્યા મહારાજ ।

આવ્યા નાથ અલૌકિકરૂપે, સુંદર ઘનશ્યામ સ્વરૂપે ।।૪૨।।

જોયા બાપુભાઇયે બહુનામી, પધાર્યા પ્રકટ પોત્યે સ્વામી ।

પછી ઉઠી લાગ્યો પ્રભુ પાય, નિર્ખિ હર્ષ હૈયામાં ન માય ।।૪૩।।

જાણ્યું પધાર્યા પ્રગટ પ્રમાણ, આવી મૂર્તિ ન સમજયો સુજાણ ।

દીધાં દર્શન સહુને બોલાવી, નિર્ખ્યા નાથ બાળ વૃધ્ધે આવી ।।૪૪।।

પછી લેવા ગયો પૂજા સાજ, ત્યાંતો ચાલી નિસર્યા મહારાજ ।

સહુ જોઇ થયાં છે થકિત, ધન્ય ધન્ય સત્સંગીની રીત ।।૪૫।।

આમ દર્શન દીયે દયાળ, એવું સુણ્યું નોતું કોઇ કાળ ।

આવા પર્ચા આપે જીયાં હરિ, નથી વાત બીજી એ ઉપરી ।।૪૬।।

ઘણા થયા થાશે અવતાર, વાળ્યો આંક વાલે આણિવાર ।

આજ આપ્યો છે જેજે આનંદ, લખી નહિ શકે નિષ્કુળાનંદ ।।૪૭।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે એકસોને સડતાળિશમું પ્રકરણમ્ ।।૧૪૭।।