૨૩ શિશુમારચક્રનું વર્ણન

Submitted by swaminarayanworld on Thu, 25/02/2016 - 6:30pm

અધ્યાય - : - ૨૩

શિશુમારચક્રનું વર્ણન

શ્રીશુકદેવજી કહે છે- હે રાજન્‌ ! સપ્તર્ષિઓથી તેર લાખ જોજન ઉપર ધ્રુવલોક છે. તેને ભગવાન વિષ્ણુનું પરમ પદ કહેવાય છે. અહીં ઉત્તાનપાદના પુત્ર ભગવાનના પરમ ભક્ત ધ્રુવજી વિરાજમાન છે. અગ્નિ, ઇન્દ્ર, પ્રજાપતિ કશ્યપ અને ધર્મ આ બધા એકી સાથે અત્યંત આદર પૂર્વક એમની પદક્ષિણા કર્યા કરે છે. બધા જ કલ્પ પર્યંત રહેનાર લોક એમના આધારે જ રહેલા છે. એમના આ લોકોના પ્રભાવનું (ચોથા સ્કન્ધમાં) વર્ણન કરેલું છે. ૧ હંમેશાં જાગ્રત રહેતા અવ્યક્તગતિ ભગવાન કાળની પ્રેરણાથી જે ગ્રહો, નક્ષત્રો વગેરે જ્યોતિર્ગણ નિરંતર ઘૂમ્યા કરે છે, ભગવાને ધ્રુવલોકને જ તે બધાના આધારસ્થભરૂપે નિયુક્ત કરેલ છે. તેથી આ એક સ્થાનમાં રહીને સદાય પ્રકાશિત રહે છે. ૨ જેવી રીતે ડૂડાંમાંથી ધાન્ય છૂટું કરવા માટે ડૂડાંને ખુંદનારાં પશુ નાની, મોટી અને મધ્યમ રસીમાં બાંધીને ક્રમશઃ નજીક, દૂર ને મધ્યમાં રહીને ખૂટીની ચારે બાજુ મંડળ બાંધીને ફર્યા કરે છે. તેવી રીતે બધાં નક્ષત્ર અને ગ્રહમંડળ બહાર અને અંદરના ક્રમથી આ કાળચક્રમાં નિયુક્ત થઇને ધ્રુવલોકનો જ આશ્રય લઇને વાયુથી પ્રેરિત થતા કલ્પના અંત સુધી ફર્યા કરે છે. જેવી રીતે વાદળાં અને બાજ વગેરે પક્ષીઓ પોતાના કર્મોની સહાયથી વાયુને આધીન રહીને આકાશમાં ઊડ્યા કરે છે, તેવી રીતે આ જ્યોતિમંડળ પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગવશ પોતપોતાના કર્મોને અનુસારે ચક્કર મારતા રહે છે, પૃથ્વી પર પડતા નથી. ૩ કોઇ પુરુષ ભગવાનની યોગમાયાના આધારે રહેલ આ જ્યોતિશ્ચક્રનું શિશુમાર રૂપે વર્ણન કરે છે.૪ આ શિશુમાર ગોળાકારે વળેલા આકારવાળા છે અને તેનું મુખ નીચે તરફ છે. આની પૂંછડીના છેડે ધ્રુવ રહેલ છે. પૂછડીના મધ્યભાગમાં પ્રજાપતિ, અગ્નિ, ઇન્દ્ર અને ધર્મ છે. પૂંછડીના મૂળમાં ધાતા અને વિધાતા છે. એના કટિભાગમાં સપ્તર્ષિ છે.આ શિશુમાર જમણી તરફ સંકોચાઇને કુડળી વાળેલો છે. આવી સ્થિતિમાં અભિજિતથી લઇને પુનર્વસુ પર્યંત જે ઉત્તરાયણનાં ચૌદ નક્ષત્રો છે, તે સર્વે તેમના જમણા ભાગ છે અને પુષ્યથી લઇને ઉત્તરાષાઢા પર્યંત જે દક્ષિણાયનનાં ચૌદ નક્ષત્રો છે, તે સર્વે ડાબા ભાગમાં છે. લોકમાં પણ જ્યારે શિશુમાર કુંડળાકારે થાય છે, ત્યારે બન્ને બાજુનાં અંગોની સંખ્યા સમાન રહે છે, તેવી રીતે અહીં નક્ષત્રોની સંખ્યામાં  સમાનતા (બન્ને બાજુ ચૌદ-ચૌદ) છે. આમની પીઠના ભાગમાં અજવીથી (મૂળ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નામના ત્રણ નક્ષત્રોનો સમૂહ) છે અને ઉદરના ભાગમાં આકાશગંગા છે. ૫ હે રાજન્‌ ! એમના જમણા અને ડાબા કટિભાગોમાં પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રો છે. પાછલા ભાગે જમણા અને ડાબા ચરણોમાં આર્દ્રા અને આશ્લેષા નક્ષત્રો છે, તથા નસકોરાઓમાં ક્રમશઃ અભિજિત્‌ અને ઉત્તરાષાઢા નક્ષત્રો છે. આવી રીતે જમણાં અને ડાબાં નેત્રોમાં શ્રવણ અને પૂર્વાષાઢા અને જમણા અને ડાબા કાનોમાં ધનિષ્ઠા અને મૂળ નક્ષત્ર છે. મઘા વગેરે દક્ષિણાયનના આઠ નક્ષત્ર ડાબી પાસળીઓમાં અને ઊલટા ક્રમથી મૃગશિરા વગેરે ઉત્તરાયણના આઠ નક્ષત્ર ડાબી પાસળીઓમાં છે. શતભિષા અને જ્યેષ્ઠા આ બે નક્ષત્રો ક્રમશઃ જમણા અને ડાબા ખભાના સ્થાને છે. ૬ તેમની ઉપરની હડપચીમાં અગસ્ત્ય, નીચેની હડપચીમાં નક્ષત્રરૂપ યમ, મુખમાં મંગળ, લિંગપ્રદેશમાં શનિ, ખૂંધમાં બૃહસ્પતિ, છાતીમાં સૂર્ય, હ્રદયમાં નારાયણ, મનમાં ચન્દ્રમા, નાભિમાં શુક્ર, સ્તનોમાં અશ્વિનીકુમાર, પ્રાણ અને અપાનમાં બુધ, ગળામાં રાહુ, સમસ્ત અઙ્ગોમાં કેતુ અને રુવાંટાંઓમાં સમગ્ર તારાગણ રહેલ છે. ૭

હે રાજન્‌ ! આ ભગવાન વિષ્ણુનું સર્વદેવમય સ્વરૂપ છે. તેમનું નિત્યપ્રતિ સંધ્યાકાળના સમયે પવિત્ર અને મૌન થઇને દર્શન કરતાં ચિંતન કરવું જોઇએ તથા આ મંત્રનો જપ કરતાં ભગવાનની સ્તુતિ કરવી જોઇએ. (“નમો જ્યોતિર્લોકાય કાલાયનાયાતિમિષાં પતયે મહાપુરુષાયાભિધીમહિ” ‘સંપૂર્ણ જ્યોતિર્ગણોના આશ્રય, કાળચક્ર સ્વરૂપ, સર્વદેવાધિપતિ પરમપુરુષ પરમાત્માનું નમસ્કારપૂર્વક અમે ધ્યાન કરીએ છીએ.’ ૮ ગ્રહો, નક્ષત્રો અને તારાઓના રૂપમાં ભગવાનનું આધિદૈવિકરૂપ પ્રકાશિત થઇ રહ્યું છે; તે ત્રણે કાળમાં ઉપર્યુક્ત મંત્રનો જપ કરનાર પુરુષોનાં પાપોનો નાશ કરી નાખે છે. જે પુરુષ સવારે, બપોરે અને સાંજે આ ત્રણે કાળમાં તેમના આ આધિદૈવિક સ્વરૂપનું નિત્યપ્રતિ ચિંતન અને વંદન કરે છે, તેમનાં તે સમયે કરેલાં પાપો તુરંત નષ્ટ થઇ જાય છે. ૯

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે શિશુમારચક્ર્ર વર્ણન નામનો ત્રેવીશમો અધ્યાય સંપૂર્ણઃ (૨૩)