૪. હિમાલયનું વર્ણન અને બદ્રિકાશ્રમમાં શ્રી નરનારાયણનાં દર્શને ઋષિઓનું આવવું.

Submitted by Parth Patel on Sun, 13/06/2010 - 2:39pm

પ્રકરણમ્ ।।૪।।

રાગ :- સામેરી

શુભમતિ હવે સાંભળો, એક ઉત્તર દિશે અદ્રિ કહીએ ।।

અતિસુંદર શિખરી જેનું, નામ હિમાચળ લહીએ ।। ૧ ।।

સુંદર ગેહેરી ગુફાઉં જેમાં, સદન સરિખી શોભે ઘણી ।।

તેમાં દીપક સમ શોભે, શ્રેણી ઘણી મણિતણી ।। ૨ ।।

રજત સમ રળિયામણો, વળી કયાંક શ્યામવર્ણ સહી ।।

સુમેરુ સરખી શિખર્યું જેની, વિચિત્ર પેર્યે વિલસી રહી ।। ૩ ।।

સહુ દિશે ચાલે અતિ, નદીરુપ નિઝરણાં ।।

લેરી તરંગે આવૃત જેનાં, સુંદર જળ શોભે ઘણાં ।। ૪ ।।

તિયાં વૃક્ષ વિવિધ જાત્યનાં, સુણો નામ સહુ તેહતણાં ।।

અંબ કદંબ અનાર આસુ, તાલ તમાલ ત્યાં ઘણાં ।। ૫ ।।

પારિજાતક પિપર પિપ્પળા, પિલુ પનસ ને પુંનાગરી ।।

પાડળ મિંડળ બેડાં મૌડાં, બિલાં બિજોરાં બોરસરી ।। ૬ ।।

ગર્માલ ગુંદી ગુવાક ગુલછા, ગુલબાસ સાલર સર્ગવા ।।

સર્શ શિશમ સાગ સરલા, સિતાફળી સોપારી હવા ।। ૭ ।।

શાલમલી ને શેમલ શમડા, અમરવડ ઉદુંબરા ।।

કોઠ કોઠવડી કર્ણાવર્ણ, ખેર ખાખર ખજૂર ખરા ।। ૮ ।।

અરિઠાં ને અંજીર આંબલી, રૂડી રાણ્ય ને રોહિડા ।।

કર્મદી ને કર્મકેતકી, કેસર કણિયર કેવડા ।। ૯ ।।

કર્ણી અર્ણી ચંપક ચંદન, સુખડ્ય દાડ્યમ સોયામણી ।।

લિંબ લિંબોઇ હરડા ધવડા, જેઠી મજેઠી જોરબણી ।। ૧૦ ।।

જામફળી બદામ જાંબુ, આમલિયો ઓપે સહી ।।

તરલા અરલા તિંતિડી, નાળિયેરી ને કેળી કહી ।। ૧૧ ।।

વગરાગ મંદાર વિકળા, આલ્ય આસોંદરા રોહિણી ।।

વૃંદા આદિ વનવૃક્ષની, જાત્ય નવ જાય ગણી ।। ૧૨ ।।

બોરડી સવન શિશમડી, રકતપતિ ને રતાંજળી ।।

વેણુ આદિ અનેક વિટપે,  હિમગિરિ શોભે વળી ।। ૧૩ ।।

દ્રાખ ખારેક ખજૂર ઇક્ષુ,  જાયફળ લવિંગ લતા  ।।

એલચી ને નાગરવેલી, પુષ્પ સોરંગે શોભતા ।। ૧૪ ।।

ડોલરિયા ગુલાબ ગેરા, વાસ સુવાસે સેવતી ।।

જાઇ જુઇ જયાં જૂથિકા, માધવી મલ્લિકા માલતી ।। ૧૫ ।।

કુંદ કેસર કેશુ કુંભી, ગુલદાવદી ને ગઢુલિયાં ।।

ચંપા ચમેલી આદિ અનેક, ફુલ બહુ ફુલી રહ્યાં ।। ૧૬ ।।

કંદ મૂળ રસાળ કોમળ, જેને જે જોયે તેહ જમે ।।

અતિ રસાળ ફળ વિશાળ, સુંદર મળે સર્વે સમે ।। ૧૭ ।।

શરભ સિંહ શશા શેમર,  કપિ કુરંગ ને કુરભિ  ।।

ચિત માતંગ વરાહ મહિષા,  શોભે રોઝ ને સુરભિ ।। ૧૮ ।।

કરી કેસરી વાઘ વાનર, સિંહ સુરભિ ભેળાં રમે ।।

સહજ વૈર જેને સદા, તે કોઇ કેને નવ દમે ।। ૧૯ ।।

શુક સારસ હંસ મેના, કોકિલા કિલોલ કરે ।।

મોર ચકોર ચાત્રક ચકવા, નીલકંઠ હરિ ઓચરે ।। ૨૦ ।।

ચાતક વૈતક ઢોલર ઢેલ્યું, લેલાં હોલાં ને લાવરાં ।।

કલંગ કુંઝિ કાક કાબર, બટ ભ્રમર તમ સુઘરાં ।। ૨૧ ।।

સુંદર વાણિએ સર્વે બોલે, વૃક્ષ પર વિહંગ ચડી ।।

અતિ અતોલ થાય કિલોલ, જાણું વન કરે છે વાતડી ।। ૨૨ ।।

મંદ સુગંધ શીતળ વાયુ, વહે સુંદર એ વનમાં ।।

સ્પરસ તેનો પામતાં, શીતળ થાય તનમાં ।। ૨૩ ।।

પંખી હિલોલા કરે કિલોલા, ગેહેરે શબ્દે ગેકી રિયાં ।।

જાણું નૃત્યક નૃત્ય ભેદે, તાને ગાન ગાય તિયાં ।। ૨૪ ।।

પરસ્પર પવન યોગે, ચાલે વિટપની ડાળિયો ।।

તેમાં રવ રૂડા કરે, કોયલો રૂપાળિયો ।। ૨૫ ।।

પંખી શબ્દે સાદ કરે, દ્રુમલતાકર કહે ૠષિ ।।

કંદ મૂળ ફળ ફૂલ સુંદર, આવો જમી થાઓ ખુશી ।। ૨૬ ।।

વળી એવા એ અદ્રિમાં, નદી નિગમની ધ્વનિ ઘણી ।।

ગજ ઇંડજ ગાંધર્વ ગાને, શોભા નવ જાય ભણી ।। ૨૭ ।।

રૂડાં રત્ન હીરા મણિ, ઘણી ખાણ્યો એ ગિરિમાંય છે ।।

શિવ બ્રહ્માદિક દેવે સેવ્યો, વળી સર્વે શિખરીનો રાય છે ।। ૨૮ ।।

વળી બ્રહ્મલોકથી ઉતરી, સપ્ત ધારાએ ગંગા સ્રવી ।।

તેનાં નામ સુણો સહુ, કહું વિવેકે વળી વર્ણવી ।। ૨૯ ।।

વસ્વૌકસારા નલિની, પાવની વળી સરસ્વતી ।।

જંબૂ સીતા ગંગા સિંધુ, એ સપ્ત ધારા ઉત્તમ અતિ ।। ૩૦ ।।

પુણ્ય પવિત્ર સરિતા સુંદર, ગંગા ગેહેરી જયાં વહે ।।

જે જન નાય તે શુદ્ધ થાય, પાપ તાપ તે નવ રહે ।। ૩૧ ।।

એવા ગિરિમાં નરનારાયણ, બેઠા બેઉ બદ્રિતળે ।।

સુખકંદ પૂરણચંદ, ઝાઝે તેજે જળમળે ।। ૩૨ ।।

મુનિવૃંદ આનંદકંદ, આગળ્યે બેઠા બહુ ।।

નારાયણના મુખથી, સુંદર કથા સુણે સહુ ।। ૩૩ ।।

એવા સમામાં આવિયા, ૠષિ બિજા બહુ મળી ।।

તીરથરત એ આશ્રમે, આવિયા મુનિ મળી ।। ૩૪ ।।

નરનારાયણ નિરખવા, જેને હૈયે ઘણી હામ છે ।।

સંક્ષેપે કહું સાંભળો, જેહ એ મુનિનાં નામ છે ।। ૩૫ ।।

મોટા મોટા મુનિ મળી, આવ્યા આશ્રમ એહમાં ।।

તેનાં નામ સાંભળજયો, સહુ જન સનેહમાં ।। ૩૬ ।।

ઈતિ શ્રીમદેકાંતિક ધર્મપ્રવર્તકશ્રીસહજાનદં સ્વામી શિષ્ય નિષ્કુળાનદં મુનિ

વિરચિતે ભકતચિંતામણિ મધ્યે હિમાદ્રિવર્ણન નામે ચોથું પ્રકરણમ્ ।।।।