સર્વે સખી જીવન જોવાને ચાલો રે, (૪) ?

Submitted by swaminarayanworld on Fri, 18/03/2016 - 10:03pm

 

રાગ - ધોળ

 

પદ-૧

સર્વે સખી જીવન જોવાને ચાલો રે,

શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે. ૧

એની શોભા મુખે વર્ણવી ન જાય રે,

જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે. ૨

રોઝે ઘોડે રાજેશ્વર બીરાજે રે,

છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે. ૩

મળ્યાં આવે મહા મુનિનાં વૃન્દ રે,

તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ રે. ૪

શુક સનકાદિક ઊત્તમ યશ ગાવે રે,

નૃત્ય કરી નારદ વિંણા વજાવે રે. ૫

નિજ સખા ચમર કરે લઈ હાથ રે,

આજો આવ્યા ભૂમાનંદના નાથ રે. ૬

 

પદ - ૨

જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે,

હીરની નાડી સૂથણલી સોનેરી રે. ૧

જરકસિ જામો બુટ્ટાદાર રે,

કસિયો કમર સોનેરી કટાર રે. ૨

શિરપર પાઘ પેચાળી નવરંગી રે.

કાંને ગુચ્છ ગુલાબી માથે કલંગી રે. ૩

ગજરા  તોરા ગળે ગુલાબના હાર રે,

આવી ઊપર ભમર કરે છે ગુંજાર રે. ૪

પોચીં કડાં બાંયે બાજુબંધ રે,

નંગ જડયાં કુડળ મોતીનાં વૃન્દ રે. ૫

વેગે જુવો વરણાગિયો વનમાળી રે,

શીતળ થાયે ભૂમાનંદ કહે ભાળી રે. ૬

 

પદ - ૩

મૂરતિ ચંચળ જુઓ ચટકંતી ચાલ રે,

નેતર છડી કરમાં ફુમકિયાળી લાલ રે. ૧

મંદ હાસ ચપળ નેણાં ચિત્ત ચોરે રે,

કરનાં લટકાં કરી કાળજડાંને કોરે રે. ૨

મીઠા બોલો ઘેરે રાગે ગાય રે,

અધર ધરી મોરલી મનોહર વાય રે. ૩

ઝળકે ભાલ વિશાળ શોભાનુ ધામ રે,

નાશા અણિયાળી ભ્રમર અતિ શ્યામ રે. ૪

અધર લાલ માંહી મઘુરી હાસ્ય રે,

દંતપંક્તિ કરે છે અતિશે પ્રકાશ રે. ૫

જમણે ગાલે ટીબકડી રૂપાળી રે,

તાપ ટળ્યા ભૂમાનંદ કહે ભાળી રે. ૬

 

પદ - ૪

ઘેરે ચાલી આવ્યા છે ગોલોક વાસી રે,

જેને કહે છે અક્ષરાતીત અવીનાશી રે. ૧

જુઓ જીવ મોહ-નિદ્રામાંથી જાગી રે,

વરી એને થાઓ અખંડ સોહાગી રે. ૨

જોતાં વાટ આવી મારી જાન રે,

પોતે વર પુરુષોત્તમ ભગવાન રે. ૩

શુક સનકાદિક ધરે જેનું ધ્યાન રે,

મારાં લોચન કરે તે મુખડાંનું પાન રે. ૪

એની સર્વે દેખી અલૌકિક રીત રે,

ચોટ્યું મારું સુંદરવરમાં ચિત્ત રે. ૫

હથેવાળો હરિ સંગાથે મ કીધો રે,

ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે.૬

Facebook Comments