પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ર૩

Submitted by swaminarayanworld on Tue, 19/04/2016 - 8:16pm

 

દોહા

પુરુષોત્તમ પધારિયા, બહુ  જીવનાં કરવા કાજ ।

સર્વે સામર્થિ સહિત પોતે, આજ આવિયા મહારાજ ।।૧।।

અનેક ઉપાયે કરી હરિ, ખરી આદરી છે વળી ખેપ ।

આ સમે જેનો જન્મ છે, તેને આવિગયું ઘણું ઠેપ ।।૨।।

દાસના દરશન સ્પરશથી, કર્યાં છે બહુનાં કલ્યાણ ।

ત્રિલોકના જીવ તારવા, વડુ મંડાણું છે વા’ણ ।।૩।।

પાર ઉતાર્યા પરિશ્રમ વિના, બેસી નામ રૂપિયે નાવ ।

જે જને જપ્યા જીભથી, તે તરિગયા ભવદરિયાવ ।।૪।।

 

ચોપાઇ

એવો નામનો છે પરતાપ રે, ધન્ય જે જન જપે આપ રે ।

પૂર્ણ પુરુષોત્તમ સુખધામ રે, તેણે ધર્યું સહજાનંદ નામ રે ।।૫।।

સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે ।

સહજાનંદ નામ જેને મુખે રે, તે તો બ્રહ્મપુર જાશે સુખે રે ।।૬।।

જેહ મુખે એ નામ ઉચ્ચાર રે, તે તો પામી ગયા ભવપાર રે ।

સહજાનંદ નામ સમરતાં રે, નથી પરિશ્રમ પાર ઉતરતાં રે ।।૭।।

સહજાનંદ નામ જે વદને રે, તે તો પહોત્યા બ્રહ્મસદને રે ।

સહજાનંદ સહજાનંદ ગાતાં રે, નથી કઠણ એને ધામ જાતાં રે ।।૮।।

સહજાનંદ સહજાનંદ કહિયે રે, જાણે એથી પરમ પદ લહિયે રે ।

જેને અખંડ એ છે રટન રે, તેને ન રહે ભવ અટન રે ।।૯।।

સ્વામિનારાયણ શબદે રે, પ્રાણિ વાસ કરે છે બેહદે રે ।

સહજાનંદ નામ સુણ્યું કાને રે, તેને આવ્યું છે એ ધામ પાને રે ।।૧૦।।

સહજાનંદ એ નામ સાંભળી રે, જાયે પાપ પૂરવનાં બળી રે ।

સુણિ સ્વામિનારાયણ નામ રે, સર્યાં કઇક જીવનાં કામ રે ।।૧૧।।

કાને એ નામની ભણક પડિ રે, તેને અક્ષરપોળ ઉઘડી રે ।

સ્વામિનારાયણની કીરતિ રે, સુણિ રહે નહિ પાપ રતિ રે ।।૧૨।।

સ્વામિનારાયણની જે કથા રે, સુણે જાયે નહિ જન્મ વૃથા રે ।

સ્વામિનારાયણ નામ પદરે, સાંભળતાં આવે સુખ સદરે ।।૧૩।।

છંદ અષ્ટક ને વળી શ્લોકરે, સુણે ભણે પો’ચે બ્રહ્મલોકરે ।

સાખિ શબ્દ સ્વામિનામે જેહરે, સર્વે કલ્યાણકારી છે તેહરે ।।૧૪।।

શ્વાસ ઉશ્વાસે સમરે સ્વામીરે, તેની વ્યાધિ જાયે સર્વે વામીરે ।

રહે રસનાએ રવ એનોરે, ધારા અખંડ ઉચ્ચાર તેનોરે ।।૧૫।।

તે તો પામેછે પરમ પ્રાપતિરે, નથી ફેર તેમાં એક રતિરે ।

એવો નામ તણો પરતાપરે, કહ્યો સહુથી અધિક અમાપરે ।।૧૬।।

જાણે અજાણે જપશે જેહરે, પરમધામને પામશે તેહરે ।

એવું આજ ઉઘાડ્યું છે બારરે, કરવા બહુ જીવને ભવપારરે ।।૧૭।।

સકાર કે’તા સર્વે દુઃખ વામેરે, હકાર કે’તા હરિધામ પામેરે ।

જકાર કે’તા જયજય જાણોરે, નકાર કે’તા નિર્ભય પ્રમાણોરે ।।૧૮।।

દકાર કે’તા દદામા દઈનેરે, પામે ધામ સહજાનંદ કહિનેરે ।

સ્વામિનારાયણ નામ સારરે, જેથી જીવ તર્યા છે અપારરે ।।૧૯।।

કલિયુગમાં કર્યું છે વા’ણરે, રે’વું નારાયણ પરાયણરે ।

નથી એથી વાત કાંય મોટિરે, મર કરે ઉપાય કોઈ કોટિરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોવિંશતિતમઃ પ્રકારઃ ।૨૩।