વચનવિધિ કડવું - ૦૯

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:54pm

આજ્ઞા ઉલ્લંઘી શઠ સુરપતિજી, ગૌતમ ઘરમાંયે કરી ગતિજી
તેણે દુઃખ પામ્યો અંગમાંયે અતિજી, રહ્યું નહિ સુખ શરીરમાં રતિજી

સુખ શરીરે શાનું રહે, લોપી અવિનાશીની આગન્યા ।।
શચી સરખી ત્રિયા તજી, રાચ્યો અહલ્યા રૂપે વિવેક વિના ।। ર ।।

પુરંદરને ઋષિપતની, ભોગવવું એ ભલું નહીં ।।
પણ અમરેશના અભિમાનમાં, ખોટની ખબર નવ રહી ।। ૩ ।।

એવી અવળાઈ જોઈ ઇન્દ્રની, આપ્યો શાપ ઋષિએ રોષમાં ।।
કહ્યું સહસ્ર ભગ પામી પુરંદર, રે’જે સદા સદોષમાં ।। ૪ ।।

પરણીને ઘરુણી ઘણી રાખે, તોય ન થાય આજ્ઞા લોપ ।।
અવર નારી એકમાં પણ, થયો ઋષિનો કોપ ।। પ ।।

વળી ભૂંડાં દુઃખને ભોગવવા, કર્યો કમળના વનમાંઈ વાસ ।।
જયાં જયાં હતી એની કીરતિ, ત્યાં ત્યાં થાવા લાગી હાસ ।। ૬ ।।

એમ વચન લોપે જો લજજા રહે, તો કોણ માને વચનને ।।
મહાપ્રભુની મરજાદ મૂકી, સહુ વરતે ગમતે મનને ।। ૭ ।।

મનમાને રે’તાં મોટપ્ય મળે, તો કોણ વેઠે વચનનું દુઃખ ।।
નિષ્કુળાનંદ તો નર અમર, વર્તે હરિથી સહુ વિમુખ ।। ૮ ।।