અધ્યાય - ૧૩ - દીપાવલી તથા અમાવાસ્યાના પવિત્ર પર્વે ભગવાન શ્રીહરિ સંતો-ભક્તો સાથે મધ્યાહ્ને ઉન્મત્તગંગામાં જળક્રીડા કરી.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:25pm

અધ્યાય - ૧૩ - દીપાવલી તથા અમાવાસ્યાના પવિત્ર પર્વે ભગવાન શ્રીહરિ સંતો-ભક્તો સાથે મધ્યાહ્ને ઉન્મત્તગંગામાં જળક્રીડા કરી.

દીપાવલી તથા અમાવાસ્યાના પવિત્ર પર્વે ભગવાન શ્રીહરિ સંતો-ભક્તો સાથે મધ્યાહ્ને ઉન્મત્તગંગામાં જળક્રીડા કરી. ઉન્મત્તગંગાની સર્વશ્રેષ્ઠતા.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! સર્વે ભક્તજનોએ પૂજા પૂર્ણ કરી લીધા પછી ભગવાન શ્રીહરિએ પોતાની બ્રહ્મચારી ધર્મની માધ્યાહ્નિક વિધિ કરવા ઉન્મત્તગંગાએ જવાની ઇચ્છા કરી. તેથી પોતાની પૂજા કરવા તત્પર થયેલા મુક્તાનંદ સ્વામી આદિ સર્વે સંતોને કહ્યું કે, હે સંતો ! તમે સર્વે આવતી કાલે તમારી ઇચ્છા પ્રમાણે પૂજા કરજો. અત્યારે હું સ્નાન કરવા માટે ઉન્મત્તગંગા પ્રત્યે જાઉં છું.૧-૨

આજે અમાવાસ્યાનું મહાપર્વ છે, તેથી તે નિમિત્તનું સ્નાન ઉન્મત્તગંગામાં મારે કરવું જોઇએ. તેથી હું ત્યાં સ્નાન કરવા જઇ રહ્યો છું.૩

હે રાજન્ ! આ પ્રમાણે સંતોને કહી પોતાના આસન ઉપરથી ભગવાન શ્રીહરિ ઊભા થયા અને નાનખાચરને મહાવેગવંતા રોઝા ઘોડાને પોતાની સમીપે લઇ આવવાની આજ્ઞા કરી. તેથી નાનભક્ત તત્કાળ તે ઘોડાને ભગવાન શ્રીહરિની સમીપે લાવ્યા.૪

ત્યારે શ્રીહરિએ સર્વે ભક્તજનો અને સંતોને તમે આગળ ચાલો, એવો આદેશ કર્યો, અને સ્વયં પોતે રોઝાઘોડા ઉપર આરુઢ થયા અને ભક્તજનોનાં વૃંદની સાથે ઉન્મત્તગંગા નદી તરફ ધીરે ધીરે ચાલવા લાગ્યા.૫

તે સમયે હાથમાં હથિયારધારી સર્વે ક્ષત્રિયો પણ પગપાળા શ્રીહરિની પાછળ ચાલવા લાગ્યા. અને પાર્ષદોમાં ઉત્તમરાજા, સોમલાખાચર, સુરાખાચર, અલૈયાખાચર, મુળુજી, જીવાખાચર, ભગુજી, નાંજાજોગીયા, રાઠોડ, માંત્રિક, વાઘજી, વેરાભાઇ, હસ્તી, મામયો, રામ, ગાલવ, ગોવર્ધન, માનજીત્, વસ્તો, વેલો, અર્જુન, અલય, કેસરી, માનસિંહ, કુશળ, પુંજાજી, કાળો, હમીરજી, ખોડો, ભીમો, જુષો, રત્નજી, જાલમ, લાખો, કમો, મોકો, વીરો, દેવો, નથુજી અને દેશજી આદિ અનંત ક્ષત્રિય ભક્તજનો ભગવાન શ્રીહરિની પાછળ ચાલવા લાગ્યા. તેવી જ રીતે મુકુન્દ બ્રહ્મચારી આદિ વર્ણીઓ પણ ચાલવા લાગ્યા, મયારામ આદિ ભૂદેવો અને પર્વતભાઇ આદિ વૈશ્યભક્તજનો, હરજી આદિ શૂદ્ર ભક્તજનો, ગોકુળ આદિ ચારણ ભક્તજનો ભગવાન શ્રીહરિની પાછળ ચાલવા લાગ્યા.૬-૧૧

હે રાજન્ ! આ સર્વે ભક્તજનો સ્નાન કરવા પધારતા શ્રીહરિની સાથે સ્નાન કરવાનો લહાવો લેવા માટે જઇ રહ્યા હતા. તેમાં વાજિંત્રો વગાડનારાનો સંઘ સહુથી આગળ ચાલતો હતો.૧૨

તેમની પાછળ બે હાથ દૃષ્ટિ પસારીને અહીંતહીં નહીં જોતા થકા સર્વસંતો, બ્રહ્મચારીઓ ચાલતા હતા. તેમની પાછળ અશ્વારુઢ થયેલા ભગવાન શ્રીહરિ ધીરે ધીરે ચાલી રહ્યા હતા.૧૩

તેમની પાછળ સર્વે પાર્ષદો ચાલતા હતા. તેમની પાછળ ભક્તજનો અને સ્ત્રી ભક્તજનોનો સમુદાય ધીમે ધીમે ચાલતો હતો.૧૪

ઉન્મત્તગંગાની સર્વશ્રેષ્ઠતા :- હે રાજન્ ! તે સમયે ભક્તજનોના સમુદાયથી તેમજ તરંગોરૂપી પોતાના હાથ હલાવી જાણે બોલાવી રહી હોયને શું ? એવી ઉન્મત્તગંગાનદી શ્રીહરિએ નિહાળી.૧૫

જે ઉન્મત્ત ગંગામાં આ પૃથ્વીપર પોતાના એકાંતિક ભક્તોના સુખને માટે કરુણા કરીને જેણે મનુષ્યાકૃતિ ધારણ કરી છે, એવા ભક્તપતિ સાક્ષાત્ વાસુદેવ ભગવાન શ્રીહરિ મંદમંદ મુખહાસ કરતા પોતાના એકાંતિક અને બ્રહ્મરૂપ એવા મુક્તાનંદ સ્વામી કે વ્યાપકાનંદ સ્વામી જેવા સંતોની સાથે પ્રતિદિન બહુકાળ પર્યંત વારંવાર સ્નાન કરેલું છે. તથા જળ ઉછાળવું, ડૂબકી મારવી વગેરે અનેક પ્રકારની જેમાં જળક્રિડાઓ પણ કરી છે. તેણે કરીને સાક્ષાત્ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ ભગવાનના સાક્ષાત્ જળક્રિડાદિકના સંબંધથી ઉદય પામેલી કાલિન્દી એવી યમુનાનદીના સર્વ કરતાં શ્રેષ્ઠપણાના અભિમાનને પણ હટાવી દેતી હોયને શું ? એવી આ ઉન્મત્તગંગા અત્યારે આ પૃથ્વી પર સર્વ તીર્થો કરતાં શ્રેષ્ઠ સર્વોપરી અને જયજયકારી પ્રવર્તે છે. અને તેથી જ બ્રહ્માદિ દેવતાઓ પણ જેને વારંવાર વંદન કરી ધન્ય થાય છે. એવી મહીમાવાળી આ ઉન્મત્તગંગા સ્નાન કરવા માત્રથી જીવોને મુક્તિ આપે છે.૧૬

વળી આ ઉન્મત્તગંગા દર્શન માત્રથી પણ મનુષ્યમાત્રનાં જન્મોજન્મથી ભેળાં થયેલાં અસંખ્ય પાપોનો પણ નાશ કરે છે. તથા સ્નાન કરવા માત્રથી સકળ પુરૂષાર્થને પૂર્ણ કરી આપે છે. પોતાના ફીણના ગુચ્છોથી યમુના નદીનો ઉપહાસ કરતી હોયને શું ? એવા મહિમાએ યુક્ત શોભી રહી છે. વળી જે ઉન્મત્તગંગા ઉચ્ચ સ્વરે થતા પોતાના જળપ્રવાહના ઉદ્ઘોષથી પ્રગટ પુરુષોત્તમનારાયણ ભગવાનના પ્રગટ અંગસંગ વિના પણ આલોકમાં પ્રસિધ્ધિ પામેલી ઇતર નદીઓના માહાત્મ્યનો નિષેધ કરતી હોય તેમ જણાય છે.૧૭

વળી જેના જળનો સ્વાભાવિક શ્વેત વર્ણ હોવા છતાં સંતોનાં મંડળોએ અને ભક્તજનોએ સ્નાનના સમયે ધોઇને સાફ કરેલાં ઊર્ધ્વપુંડ્ર તિલકના કેસર ચંદનથી તેમનો વર્ણ પીળો થઇ જાય છે. તેમજ બ્રહ્મચારી, સાધુ અને સંન્યાસીઓના ભગવાં વસ્ત્રોને ધોવાથી જે ગંગાનો વર્ણ પણ ભગવો થઇ જાય છે. તેમજ રાજાઓની રાણીઓ શ્રીહરિની પૂજા કરી બચેલાં પ્રસાદીભૂત કસ્તૂરી, કેસર અને કુંકુમને પોતાના શરીર પર ધારણ કરી આ ઉન્મત્તગંગામાં જ્યારે સ્નાન કરે છે. ત્યારે તેમનો વર્ણ લાલ, શ્યામ વિગેરેનો થઇ જતાં તે ગંગા ચિત્રવિચિત્ર તરંગવાળી થઇને શોભવા લાગે છે.૧૮

વળી આ ઉન્મત્તગંગાના નિર્મળ જળમાં સંતો તથા નરનારી ભક્તજનો ત્રિકાળ સ્નાન કરે છે. ત્રણ વખતના તેમના પ્રતિદિનના સ્નાન સમયે તેઓના મુખમાંથી પ્રત્યક્ષ પ્રગટ થઇ મનુષ્યભાવને પામેલા શ્રીહરિના સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... એવા નામનો ઉદ્ઘોષ થાય છે તે ગંગાના જળના પ્રવાહના ઉદ્ઘોષની સાથે મળી દશે દિશાઓમાં વ્યાપે છે. ત્યારે ભગવાનથી વિમુખ જીવોના પ્રાણ લેવા નિઃશંક અને નિર્ભય થઇ દશે દિશાઓમાં ફરી રહેલા યમદૂતોના કાનમાં પડે છે, ત્યારે તેને તે શૂળની માફક લાગે છે. તેથી સ્વામિનારાયણ નામ સાંભળતાંની સાથે જ ઉન્મત્તગંગા નદીથી ક્યાંયના ક્યાંય દૂર ચાલ્યા જાય છે.૧૯

વળી જે પ્રાયશ્ચિતો કરવાથી પણ વિનાશ ન પામે તેવા મહાપાપના પૂંજોનો આ ગંગામાં સ્નાન કરવા માત્રથી નાશ થઇ જાય છે. જેથી યમરાજાના લેખક પાપીઓને દંડ આપવા પ્રતિદિન પરિશ્રમ કરતા ચિત્રગુપ્તને વિશ્રાંતિ આપે છે, દૂરદૂર પ્રદેશમાં નિવાસ કરતા મનુષ્યો પણ જો પ્રાણાંતે આ ઉન્મત્તગંગાના જળબિન્દુનું પાન કરે છે તો તેઓ શરીરનો તત્કાળ ત્યાગ કરી સ્વર્ગમાં સિધાવે છે અને ત્યાં ઇન્દ્રાદિ દેવતાઓની અપ્સરાઓને વરવા લાયક થાય છે.૨૦

વળી આ ઉન્મત્તગંગાને કિનારે નિવાસ કરતા ચક્રવાક, બતક, જળકુકડો, અને કારંડવ આદિ પક્ષીઓ તેમજ જળમાં નિવાસ કરતાં માછલાં, કાચબા, મગર, સર્પ આદિ અનંત જંતુઓને જોઇને સ્વર્ગની અપ્સરાઓ તે જંતુઓના અંત સમયની પ્રતીક્ષા કરી તેને પતિ તરીકે વરવા આ પ્રાણી મારો પતિ થશે તારો નહિ, એમ પરસ્પર કામવશ થઇ સ્પર્ધા કરતી વાક્યુદ્ધ અને કરયુદ્ધ કરતી એક બીજાના કેશ ખેંચે છે. અને કિનારાનાં પ્રાણી જ્યારે શરીર છોડે છે ત્યારે તેને તત્કાળ વિમાન દ્વારા સ્વર્ગમાં લઇ જાય છે.૨૧

વળી આ ઉન્મત્તગંગાને કિનારે બેસી જે કાંઇ વ્રત, જપ, શ્રાદ્ધ, પિતૃકર્મ, દાન અને સાધુ બ્રાહ્મણોનું તર્પણ આદિ સત્કર્મ કરવામાં આવે તો તે અવિનાશી ફળને આપનારાં થાય છે. તેમજ આ ગંગાને તીરે દેવતાઓ, પિતૃઓ અને સનકાદિક જેવા મહાપુરુષોનું જલાંજલી અર્પણ કરી તર્પણ કરવામાં આવે તો તેઓને અત્યંત પ્રસન્ન કરનારું થાય છે. આ ગંગામાં સ્નાન કરવાથી કે માત્ર જળનો સ્પર્શ કરી આંખે સ્પર્શ કરવાથી મનુષ્યોને અનેકવિધ યજ્ઞો કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી જ મોક્ષને ઇચ્છતા અથવા અન્ય ત્રણે પુરુષાર્થની પ્રાપ્તિને ઇચ્છતા મનુષ્યો આ ઉન્મત્તગંગાનું નિત્યે સેવન કરે છે.૨૨

આ ઉન્મત્તગંગાના જળમાં દુષ્ટ પાપી, નિંદિત અને પતિતજનો પણ જો સ્નાન કરે છે તો તત્કાળ સ્વર્ગના અધિકારી થાય છે. તેથી આ નદીને કવિજનો ઉન્મત્તગંગા કહે છે. (ઉન્મત્ત માણસ જેમ યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા વિના પોતાનું ઐશ્વર્ય વાપરે છે તેમ આ નદી પાપ બાળવામાં પોતાનું ઐશ્વર્ય વાપરે છે. તેથી કવિજનાએે ઉન્મત્ત એવું નામ રાખ્યું છે.) અને સાક્ષાત્ પરમાત્મા પુરુષોત્તમનારાયણ આ તો મારી છે, એવા આત્મીયભાવથી તેનો સ્વીકાર કર્યો હોવાથી એનો મહિમા અને ઐશ્વર્ય અત્યંત વૃદ્ધિ પામે છે. તેથી તેનો મહિમા અને ઐશ્વર્ય સમગ્રપણે શેષ કે બ્રહ્માદિ દેવતાઓ કહેવા સમર્થ થતા નથી તો બીજાની શી વાત કરવી ?૨૩

હે રાજન્ ! આવી મહિમાવાળી પાવનકારી આ ઉન્મત્તગંગાને તીરે શ્રીહરિ સર્વે સંતો-ભક્તોને અને રાજાઓની સાથે પધાર્યા અને તેના જળમાં ઉતરી પોતાની સાથે સ્નાન કરવા ઉતરેલા સંતો-ભક્તો ઉપર જળનો છંટકાવ કરવા લાગ્યા, અને તે સંતોભક્તો પણ પરસ્પર જળાંજલીનો છંટકાવ કરી અપૂર્વ આનંદ લેવા લાગ્યા.૨૪

તે સમયે શ્રીહરિ પોતાનું દર્શન કરવા ઊભેલા ભક્તજનોને અલૌકિક આનંદ ઉપજાવતા અગાધ જળમાં પ્રવેશ કર્યો. તે સમયે કીર્તનોનું ગાન કરી ભક્તજનો શ્રીહરિની કીર્તિનો મહિમા ગાવા લાગ્યા.૨૫

અને શ્રીહરિ જળના પ્રવાહની સન્મુખ ઊભા રહ્યા ત્યારે શ્રીહરિનાં દર્શન કરતા સર્વે સંતો ભક્તો તેમની ફરતે ઊભા રહ્યા અને કેટલાક ભક્તો પાછળના ભાગે ઊભા રહી શ્રીહરિના ચરણની સાથે અથડાઇને વહેતાં જળનું પાન કરી ધન્યતા અનુભવવા લાગ્યા. તેથી નીચેના ભાગે સ્નાન કરતી સ્ત્રીભક્તજનો પણ જળનું પાન કરી ધન્યતા અનુભવી.૨૬

હે રાજન્ ! જળક્રીડા કરી પોતાના ભક્તજનોને અત્યંત આનંદ ઉપજાવી રહેલા શ્રીહરિનાં દર્શન કરવાની અત્યંત ઉત્કંઠા વાળા બ્રહ્માદિક દેવતાઓ પણ વિમાનમાં બેસી તત્કાળ આકાશ માર્ગે ભેળા રહી શ્રીહરિનું દર્શન કરી આનંદ પામ્યા.૨૭

તે સમયે જળમાં ડૂબકી મારવાની કુશળતાથી સંતાતા શ્રીહરિને શોધવા દોડાદોડ કરતા બ્રહ્માનંદ સ્વામી આદિ સંતોને જળમાં આમ તેમ ભમાવતા હતા અને સંતોએ નિર્ધાર નહિ કરેલા સ્થળે પહોંચી બહાર આવી મસ્તક ભાગનાં દર્શન કરાવી આનંદ ઉપજાવવા લાગ્યા.૨૮

વળી ફરી જળમાં ડૂબકી મારી કોઇ શોધી ન શકે એવા સ્થળમાં શ્રીકૃષ્ણમંત્રના જપની સાથે ધ્યાન કરતા કરતા બહુકાળ પર્યંત જળમાં બેસી રહ્યા પછી સર્વને વિસ્મય ઉપજાવતા બહાર નીકળ્યા.૨૯

આ રીતે અનેક પ્રકારે તરવાની યુક્તિથી બ્રહ્માનંદ સ્વામી આદિ સખા સંતોની સાથે અને સોમલાખાચર, સુરાખાચર આદિ પાર્ષદોની સાથે જળક્રીડા કરતા અનેક પ્રકારના ભેદથી તરતા હોવાથી સર્વને આશ્ચર્ય ઉપજાવતા સુંદર તરણલીલાનો વિસ્તાર કરતા શ્રીહરિની પાછળ સેંકડો પાર્ષદો તથા મુક્તાનંદ સ્વામી આદિ સેંકડો સંતો પણ તરવા લાગ્યા.૩૦

તેમજ વારંવાર મુખમાં પાણી ભરી ફુત્કાર કરતા હોવાથી તેઓનાં મુખ ફુલી ગયાં અને શ્રીહરિનો સ્પર્શ કરવા વારંવાર પાછળ દોડવાના પરિશ્રમથી લાંબા શ્વાસ લેવા લાગ્યા, છતાં શ્રીહરિને સ્પર્શી શક્યા નહિ તેથી શ્રીહરિ મંદમંદ હસવા લાગ્યા, અને કિનારે ઊભેલા સર્વે ભક્તો પણ હસવા લાગ્યા.૩૧

હે રાજન્ ! આ રીતે સર્વને આનંદ ઉપજાવતા ભગવાન શ્રીહરિએ પોતાના ચરણકમળનો સ્પર્શ કરવાની ઇચ્છાથી જળમાં બહુ સમયથી માછલાંના રૂપને ધારણ કરી પ્રતીક્ષા કરતા બ્રહ્માદિક દેવતાઓને પણ સ્પર્શ કરવા આપી ધન્ય કર્યા. તેમજ રાત્રીના સમયમાં પોતાના વિરહમાં ઝૂરતી ઉન્મત્તગંગાને પોતાના સંયોગનું પ્રદાન કરી આનંદ આપતા જળમાં બહુ કાળ સુધી જળક્રીડા કરી.૩૨

હે રાજન્ ! ભગવાન શ્રીહરિનો જેના માટે પાદુર્ભાવ છે એવા ધર્માચરણની ભક્તજનોને શિક્ષા આપવા મધ્યાહ્ન કાલિક કર્મવિધિનું આચરણ કરવા લાગ્યા તે કથા સંભળાવું છું, શ્રીહરિ જળક્રીડા કર્યા પછી જળમાં જ ઊભા રહી જળવડે જ ભાલમાં ઊર્ધ્વપુંડ્ર તિલક કર્યું, અને શુક્લ વર્ણવાળી મધ્યાહ્ન સમયે કરવાની સંધ્યાનું યથાવિધિ ઉપાસન કરીને આકાશના મધ્ય ભાગે વિરાજતા સૂર્યનારાયણને ઊંચી દૃષ્ટિ કરીને સરલપણે બે હાથ ઊંચા રાખી સૂર્યની ઉપાસના કરવા લાગ્યા.૩૩

આ રીતે સૂર્યમંડળને વિષે દૃષ્ટિ અને શરીરને સ્થિર કર્યા પછી સૂર્યસૂક્તનો ઉચ્ચસ્વરે પાઠ કરવા લાગ્યા. આ રીતે સૂર્યોપાસન કરી રહેલા શ્રીહરિના વિશાળ ભાલમાં પરસેવાનાં બિંદુઓની પંક્તિરૂપી મોતીઓની સૂક્ષ્મ માળા સર્જાણી. ત્યારે બ્રહ્માદિ દેવતાઓ આકાશમાં આવી પોતપોતાનાં વિમાનમાં બેસી આશ્ચર્યપૂર્વક દર્શન કરવા લાગ્યા.૩૪

હે રાજન્ ! ભગવાન શ્રીહરિને સૂર્યોપાસન કરતા જોઇ સર્વે મુકુન્દાનંદ આદિક બ્રહ્મચારીઓ તથા સમસ્ત ભૂદેવો પણ યથા વિધિ સ્નાન કરી ભગવાન શ્રીહરિની ચારે બાજુ જળમાંજ પંક્તિબદ્ધ ઊભા રહી એક એક અંજલી સૂર્યને અર્ઘ્ય આપી હાથ ઊંચા કરી અતિ આદર પૂર્વક હજારોની સંખ્યામાં તેઓ સૂર્યની ઉપાસના કરવા લાગ્યા.૩૫

પછી ધર્મ રક્ષક ભગવાન શ્રીહરિએ સૂર્યોપાસન સમાપ્ત કર્યું ને પ્રથમ બ્રહ્મયજ્ઞા કરી દેવતાઓનું તર્પણ કરવા લાગ્યા.૩૬

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ યજ્ઞોપવિતને ડાબે ખભે મૂળ સ્થિતિમાં રાખી અગ્નિ આદિ દેવતાઓનું એક એક અંજલી આપી તર્પણ કર્યું. ત્યારપછી યજ્ઞોપવિતને નીવીત કરીને એટલે કે કંઠમાં લાંબી યજ્ઞોપવિતને ધારણ કરીને સનકાદિકોને બે અંજલી અર્પણ કરી તર્પણ કર્યું અને યજ્ઞોપવિતને જમણે ખભે ધારણ કરીને રાણાયન આદિક પિતૃઓને ત્રણ અંજલી અર્પણ કરી તર્પણ કર્યું.૩૭

હે રાજન્ ! વર્ણીરાજ ભગવાન શ્રીહરિ બ્રહ્મચારી અને બ્રાહ્મણોની સાથે મધ્યાહ્ને કરવાનો સંધ્યાવિધિ કરીને જળમાંથી બહાર નીકળી તૈયાર થઇ રોઝા ઘોડા ઉપર અસ્વાર થઇ મુક્તાનંદ સ્વામી આદિક સંતો તથા હેમંતસિંહ અને ઉત્તમરાજા આદિક રાજાઓની પ્રાર્થનાથી તેઓની સાથે દુર્ગપુરમાં પ્રવેશ કરવા લાગ્યા.૩૮

ત્યારે માર્ગમાં સંતો અને ભક્તજનો ઉચ્ચસ્વરે ગીતોનું ગાન કરતા હતા તેને સાંભળતા શ્રીહરિ ઉત્તમરાજાના ભવનમાં પધાર્યા. ત્યાં રસોઇ તૈયાર હોવાથી સર્વે સંતોને યથાયોગ્ય ભોજન કરાવવા લાગ્યા.૩૯

તેમાં દૂધપાક, ખીર, પૂરી, મોતીયા લાડુ, વગેરે પીરસી ભગવાન શ્રીહરિએ સંતોને ખૂબ જ તૃપ્ત કર્યા, અને ધર્મશાળામાં જવાની આજ્ઞા આપી, ત્યારપછી સર્વે દેશ દેશાંતર વાસી ભક્તોને પણ ભોજન કરવા જવાની આજ્ઞા આપી.૪૦

હે રાજન્ ! ત્યારબાદ ભગવાન શ્રીહરિ પોતાના નિવાસસ્થાન અક્ષરભુવને આવી ફરી સ્નાન કર્યું ને પવિત્ર કરેલી ભૂમિમાં પોતાને હાથે રસોઇ તૈયાર કરી ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માને નિવેદન કરી વૈશ્વદેવ કર્મ કર્યું, ત્યારપછી રસાસ્વાદ ઉપર વિજય મેળવનારા અને મિતાહારી શ્રીહરિએ પણ ભોજનનો સ્વીકાર કર્યો.૪૧

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવ પર દીપાવલીના દિવસે ઉન્મત્તગંગામાં સંતો-ભક્તોની સાથે જળક્રીડા કરી મધ્યાહ્ને કરવાનો સંધ્યાવિધિ કરી પુરમાં પાછા પધાર્યાનું નિરૂપણ કર્યું એ નામે તેરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૩--