તરંગ - ૫૯ - શ્રીહરિએ ધર્મદેવની પાસે સંતજનને સિધાં અપાવીને ઐશ્વર્ય દેખાડયું

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 5:26pm

 

રાગ સામેરી - નીપાલદેશની સેનાયો, નીકળી તીરથે જેહ । દેશાંતરે ફરતી ફરતી, આવી ચડી છે તેહ ।।૧।।

ગંડકી ગંગામાંથી લાવી, સુંદર શાલગ્રામ । અવધપુરીયે જાય છે, વચ્ચે આવ્યું છુપૈયાગામ ।।૨।।

ખંપાસરોવરે આવીયો, કરીને મનમાં ભાવ । અસ્ત્ર શસ્ત્ર સાથે લઇને, પ્રીતે કર્યો ત્યાં પડાવ ।।૩।।

ગજ રથ ઘોડા ને ડંકા, અબ્દાગરી નિશાન । જંજાળ્યું તોપો તીર તિખા, અસી છરા ને કબાન ।।૪।।

ગુપ્તિયો સાંગ્યુ ભાલા ફર્શિ, લાકડીયો ને કટાર । ચિપીયા ને તુરીયો પાસે, હજારો છે હથીઆર ।।૫।।

ઠાકોરજીને દૂધ પાવા, ગૌવા ઘણી છે સંગ । દશ વિશ ભાગે વિષ્ણુનાં, સિંહાસન છે અભંગ ।।૬।।

દેરા તંબુને રાવટિયો, શિબિકા આદિ સામાન । સોસોને ટુકડે સેનાયો, આવી છે કરવા હેરાન ।।૭।।

જુદે જુદે વિભાગ કરી, ઉતરી જુજવે સ્થાન । તે સેનાયોને જોવા સારૂં, ગયા છે શ્રીભગવાન ।।૮।।

વેણી માધવ પ્રાગ આદિ, મોટાભાઇ છે સાથ । ખંપાસર ઉપર આવ્યા, દીનબંધુ દીનોનાથ ।।૯।।

તેમાંથી કેટલા સેનાવાલા, આવ્યા છુપૈયામાંય । નામ પુછીને ચાલ્યા ગયા, ધર્મતણું ઘર જ્યાંય ।।૧૦।।

આંગણા આગળ આવીને, પુછયું ધર્મ કોનું નામ । હરિપ્રસાદ કહે હર્ખે, મારું છે એહ નામ ।।૧૧।।

ત્યારે તે સર્વે બોલિયા, સિધાં અપાવો ઉદાર । નામ તમારૂં જાણી આવ્યા, અમો છૈયે એક હજાર ।।૧૨।।

ધોકા ને ચિપીયા પછાળે, બળ કરીને ત્યાંય । ગામ ધણી મોતીત્રવાડી, ત્રાસ પામ્યા મનમાંય ।।૧૩।।

ભય પામીને નાઠા તેતો, ગયા ગાયઘાટ ગામ । હરિપ્રસાદ વિચારે છે, શું કરવું હવે કામ ।।૧૪।।

ધર્મદેવ કે સુણો સંત, મારૂં વાક્ય મહારાજ । હજારમૂર્તિ જમે તેટલો, પિષ્ટ નથી હાલ આજ ।।૧૫।।

વળી નાનું છે ગામ આતો, ક્યાંથી સિધું એમ હોય । પણ બેશો ધીરજ રાખી, સેવા કરીશ હું શોય ।।૧૬।।

ત્યારે કે તમને ઓળખિયે, બીજાનું નથી કામ । સર્વે સિધાં તમેજ આપો, ગમે તો ખરચો દામ ।।૧૭।।

ચિંતા થઇ ધર્મદેવને, હવે શું કરવું કામ । મોતીત્રવાડી નાશી ગયા, ઘરે નથી ઘનશ્યામ ।।૧૮।।

ઉઘરાણું થાત ગામમાં, મહાજનોને પાસ । હું એકલો હવે શું કરૂં, કેમ બને તે પ્રયાસ ।।૧૯।।

એમ ચિંતા કરતા છતા, બેઠા મન ધરી ટેક । શ્રીઘનશ્યામે જાણી લીધું, પિતાના મનનું વિશેક ।।૨૦।।

જ્યેષ્ઠબંધુને સાથે લૈને, શ્રીહરિ આવ્યા સદન । પિતાજીને કહેવા લાગ્યા, કેમ ઉદાસી છો મન ।।૨૧।।

શું કરવા ચિંતા કરો છો, બીજાનું શું કામ । આપણા ઘરમાં સિધું છે, પુરું થશે એ તમામ ।।૨૨।।

જે જોઇએ તે નિકળશે, જુવોને ઘર મોઝાર । સિધાં સર્વે આપણે આપો, શીદ કરો છો વાર ।।૨૩।।

એવું સુણી હીંમત આવી, હરિપ્રસાદને મન । સુવાસિની ત્યાં સિધું લાવ્યાં, મનમાં થઇ મગન ।।૨૪।।

સાકર ઘૃત દાળ ચોખા, લાવ્યાં ઉમંગે લોટ । જે સામાન જોયે સિધાંમાં, તેની રહી નહીં ખોટ ।।૨૫।।

જેટલાં જોયે તે સિધાં, દીધાં ધર્મે ઉદાર । તે સર્વેના કેવા પ્રમાણે, આપ્યું છે નિરધાર ।।૨૬।।

તોપણ ખુટયું નહિ ત્યાંથી, ભર્યું રહ્યું ભરપુર । સુવાસિની તે લઇ ગયાં, પાછું ઘરમાં જરૂર ।।૨૭।।

પછે તે સિધાં લઇ ચાલ્યા, મનમાં થયા મગન । જઇ કરી રસોઇ રૂડી, નૈવેદ્ય રૂડાં ભોજન ।।૨૮।।

પછે પોતે ધર્મદેવ, સાથે લીધા બેઉ તન । તે ખબર્ય કાઢવા ગયા, જોડે બીજા ઘણા જન ।।૨૯।।

ત્યારે તે રાજી થયા થકા, કર્યો બહુ સત્કાર । પ્રેમવડે કરે પ્રશંસા, વખાણે વારંવાર ।।૩૦।।

સિધું તો બહુ સારૂં આપ્યું, એવું ન આપે કોઇ । પુત્ર તમારા ઇશ્વર છે, એવી સત્તા અમે જોઇ ।।૩૧।।

હિંમત આપી ઘનશ્યામે, સિધાં દેવાની સાર । થોડામાં પરિપૂર્ણ કર્યું, જમાડયા સાધુ હજાર ।।૩૨।।

વળી તેમાંથી વધી પડયું, તે લૈ ગયા ઘરમાંય । આશ્ચર્ય પામ્યા અમે સર્વે, આવું ન દેખ્યું ક્યાંય ।।૩૩।।

આતો છે અવતારી પ્રભુ, અમે જાણ્યું એ જરૂર । એમ કહી આસન આપ્યું, ઉમંગ કરીને ઉર ।।૩૪।।

પ્રારથના કરે પ્રેમથી, સર્વે મુકી દેઇ માન । સ્નેહવડેથી શ્રીહરિનું, કર્યું છે બહુ સનમાન ।।૩૫।।

ત્યાંથી ઉઠીને જોવા લાગ્યા, બીજી જગાયે માવ । એક સેનાનો છે ટુકડો, તિયાં ગયા કરી ભાવ ।।૩૬।।

તેમાં એક અતિશે ક્રોધી, ધર્મથી કર્યો તો વિવાદ । કટુક વચન બોલ્યો હતો, કરીને ઉંચો સાદ ।।૩૭।।

ત્યારે તે વાઘાંબર પર, બેઠો કરીને આસન । પોતાની અસી હલાવે છે, મનમાં થઇ મગન ।।૩૮।।

એ સિંહચર્મ દેખી વ્હાલો, કહે પિતાજીને પેર । હે દાદા આ ચર્મ લઇને, ચાલો આપણે ઘેર ।।૩૯।।

એવું સુણીને તેહ બોલ્યો, ક્યા કેતાહે ઓ બાળ । ધર્મ કે આ ચર્મ માગે છે, વાઘાંબર જે વિશાળ ।।૪૦।।

ગર્વતણે ઘોડે ચડેલો, ત્યારે તે બોલ્યો વચન । તીનસો રૂપૈયા બેઠેગા, ક્યા જાણતા હે મન ।।૪૧।।

પ્રભુ સમજ્યા અંતરમાં, અભિમાન છે અપાર । ત્યાગીને તો ગર્વ ન શોભે, ખચિત થાય ખુવાર ।।૪૨।।

એવું ધારી યોગિપતિયે, ઇચ્છા કરી તતકાળ । તે ચર્મનો થયો કેસરી, ભયંકર વિકરાળ ।।૪૩।।

ત્યારે તેણે નજરે જોયો, પામી ગયો તનત્રાસ । ચમકી ગયો ચિત્ત ફટક્યું, ઉભો થયો ઉદાસ ।।૪૪।।

અરરર ઓ બાપલીયા, મારી નાખ્યો મુને આજ । મૃગેન્દ્રની આ ઝડપથી, મુકાવો મહારાજ ।।૪૫।।

પોકાર સુણી બીજા સંત, નાઠા લઇને પ્રાણ । દશ દિશામાં દોડવા લાગ્યા, ભારે પડયું છે ભંગાણ ।।૪૬।।

આસન વસન શસ્ત્રને, મુકીને નાઠા સર્વ । જન્મારાની ખોડ ભુલ્યા, ગળી ગયો છે ગર્વ ।।૪૭।।

શ્રીહરિયે પાછા બોલાવ્યા, આપી સર્વેને ધીર । સિંહ કોઇને નહિ મારે, ધ્રુજાવશો માં શરીર ।।૪૮।।

આતો છે અભિમાની અર્થે, સંતને સંકટ નોય । માટે બીશો નહિ મનમાં, આવો મુજ પાસે જોય ।।૪૯।।

એવું સુણીને અભિમાની, વદે છે નમ્ર વચન । છેટેથી દીન થઇ કે છે, ક્ષમા કરો ભગવન ।।૫૦।।

અપરાધ સામું જોશો નહિ, દુર્ગુણ ધરો ન ઉર । પ્રણતપાળ દયાળ છો, શાર્દુલને કરો દૂર ।।૫૧।।

પર્મ દયાળુ પ્રભુજીને, દયા આવી છે અપાર । મૃગેન્દ્રને ત્યાં રજા આપી, જોતાં જન હજાર ।।૫૨।।

કાળસમો વિક્રાળ મારે, ફાળ ઉપરે ફાળ । બગીહાવનમાં નાશી ગયો, જટિલોની મટી જાળ ।।૫૩।।

અભિમાની ને બીજા સંત, આવ્યા પ્રભુની પાસ । ચરણકમળમાં શીષ મુકી, પ્રારથના કરે તાસ ।।૫૪।।

અભિમાની સ્તુતિ કરે છે, મુકીને માન ગુમાન । ચરણકમળમાં શીષ નમાવી, પ્રભુને દેછે માન ।।૫૫।।

ધર્મદેવ આ પુત્ર તમારા, સાક્ષાત છે રામચંદ્ર । ઇષ્ટદેવ અમારા એતો, બહુનામી છે બલીંદ્ર ।।૫૬।।

એવું કહી આશ્ચર્ય પામ્યા, પોતાના મનમાં અપાર । ધર્મદેવે તે સર્વેનો, કર્યો ઘણો સત્કાર ।।૫૭।।

પોતપોતાની સેના લઇ, ચાલિયા છે રે ત્યાંયે । અવધપુરી ગયા સર્વે, સમજ્યા તે મનમાંયે ।।૫૮।।

ધર્મદેવ તો ઘરે આવ્યા, લઇને બેઉ કુમાર । પુરવાસીને વાત કરી, અથ ઇતિ વિસ્તાર ।।૫૯।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ધર્મદેવની પાસે સંતજનને સિધાં અપાવીને ઐશ્વર્ય દેખાડયું એ નામે ઓગણસાઠમો તરંગ ।।૫૯।।