તરંગ - ૬૩ - શ્રીહરિએ મોહનદાસને ચમત્કાર દેખાડયો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 5:33pm

 

પૂર્વછાયો - એક સમે એકાદશીયે, એકલા શ્રીઘનશ્યામ । દર્શન કરવા ચાલિયા, કેશવ પૂરણકામ ।।૧।।

જન્મસ્થાન હનુમાનગઢી, બીજાં મંદિર જેહ । ઇચ્છા કરી પ્રથમ ગયા, હનુમાનગઢી તેહ ।।૨।।

ત્યાં મારૂતી આગળ્ય ચાલે, સભામાંહે કથાય । મોહનદાસ જે પુરાણી, રામચરિત્ર તે ગાય ।।૩।।

ચોપાઇ - બેઠા સાંભળવા ઘણાંજન, બાઇ ભાઇ સંત છે પાવન । તે સમે ત્યાં બેઠા જગપતિ, કથા સાંભળવામાં છે મતિ ।।૪।।

કથા ચાલેછે પુન્ય પાવન, આવ્યું એકાદશીનું વર્ણન । અશ્વમેઘ યજ્ઞા જે હજાર, રાજસુય યજ્ઞા સો કરે સાર ।।૫।।

સોળમા ભાગમાં તે વિધાન, નાવે એકાદશીના સમાન । હર્ષવડે બોલ્યા હરિકૃષ્ણ, પુરાણી પ્રત્યે પુછે છે પ્રશ્ન ।।૬।।

એકાદશીનો મહિમા પેલો, શાસ્ત્રમાં છે પ્રભુનો કહેલો । ઘણાખરા તે કરતા નથી, તેનું કારણ કહો મુને કથી ।।૭।।

એવું સાંભળીને તેહ બોલ્યો, થોડી રીસ કરીને તે ડોલ્યો । પ્રભુયે દેહ મનુષ્ય થાપ્યો, દુઃખ ભોગવવા નથી આપ્યો ।।૮।।

વળી જગન્નાથજીની માંય, ઉંચી બાંધી એકાદશી ત્યાંય । માટે આત્મારૂપી ભગવાન, તેને દુઃખ ન દેવું નિદાન ।।૯।।

ભુખ્યા રહી જે કષ્ટ કરે છે, એતો કૃત્ય ખોટું આચરે છે । ખાવું પીવું ને ખેલવું જેહ, એહ સારૂં આ મનુષ્ય દેહ ।।૧૦।।

મહામોંઘો માણસનો દેહ, ફરી ફરી મળે નહિં એહ । માટે મનુષ્યને તો જરૂર, વિષય ભોગવવા ભરપુર ।।૧૧।।

તૃપ્ત થઇને છોડે જે તન, તૃષ્ણા ટળી જાય એને મન । વિષયથી જો વૃત્તિ વિરામે, ત્યારે પ્રેતનો દેહ ન પામે ।।૧૨।।

ખાવા અન્ન મળે નહિં જ્યારે, એકાદશી જાણી લેવી ત્યારે । એવું સુણ્યું વચન તેવાર, કરે વિચાર જક્ત આધાર ।।૧૩।।

આવા ગુરુ જગતમાં આપ, એમ માને તે પામે સંતાપ । એજ અવળા માર્ગે ચડે છે, નિશ્ચે નર્કમાં જઇ પડે છે ।।૧૪।।

તેવું વિચારીને તત્કાળ, ત્યાંથી ઉંઠી ગયા છે દયાળ । મારુતીને પ્રક્રમા ફરે છે, વળી વળી વિચાર કરે છે ।।૧૫।।

પુરાણીયે કરી છે ઠેકડી, પુરૂષોત્તમજીની તે ઘડી । સભા પ્રત્યે બોલ્યો છે વચન, જુવો ભાઇ સમજી લ્યો મન ।।૧૬।।

એકાદશી મહિમા વધારી, શિખામણ દેવા આવ્યો સારી । એવાં બોલે છે વ્યંગ વચન, નથી સંકોચ ધરતો મન ।।૧૭।।

પછે શ્રીહરિયે ઇચ્છા કીધી, તુરત તેને થઇ સમાધિ । અભાગીની મતિ છે અધુરી, સમાધિમાં દેખી યમપુરી ।।૧૮।।

યમદૂતે પકડયો તેઠાર, મારવા માંડયો છે બહુ માર । અરે સાંભળ આંહી તું જન, યમદૂત કહે છે વચન ।।૧૯।।

ઘર મુકીને થયો વેરાગી, તુંને શિક્ષા કરીશું અભાગી । સૌને ઘાલે છે તું ખોટા વેમ, એકાદશીની ના પાડે કેમ ।।૨૦।।

સૌને કરવા છે શું તું જેવા, અધોગતિ પામી જાય તેવા । અલ્યા અવળું જ જ્ઞાન આપી, મૂળધર્મનું નાખ્યું તેં કાપી ।।૨૧।।

પ્રભુથી રાખવા છે વિમુખ, ભોગવશો જમપુરી દુઃખ । કોઇ આવે નહીં તુજ સાથે, માર પડશે તારે જ માથે ।।૨૨।।

યમરાજ કહે સુણ બાવા, કેમ લાગ્યો છે મોહ મચાવા । ભુંડાં કર્મ કરી થયો ભ્રષ્ટ, તારી સુમતિ થઇ છે નષ્ટ ।।૨૩।।

પ્રભુના પ્રભુ છે ઘનશ્યામ, એતો અવતારી પૂરણકામ । તેની અવજ્ઞા અતિશે કરી, તારૂં માથું ગયું છે તે ફરી ।।૨૪।।

એનું ફળ તુંને આ મળે છે, તારાં પૂરણપાપ ભળે છે । એવું કહી માર્યો ઘણો માર, ત્રાસ પામીને પાડે પોકાર ।।૨૫।।

માર પડે જમપુરીમાંયે, દેહ પડયો છે અયોધ્યા જ્યાંયે । એ દેહ ભોગવે છે જે કષ્ટ, સર્વે લોક જુવે છે ત્યાં સ્પષ્ટ ।।૨૬।।

ઉંચો ઉછળી નીચો પડે છે, સભાની નજરે તે ચડે છે । અયોધ્યામાં પડયો છે જે દેહ, તેના મુખેથી બોલે છે એહ ।।૨૭।।

યમરાજને કે છે તે જન, હવે ના ન કહું કોઇ દન । એકાદશી કરીશ હું નિત્ય, મનમાં પૂરણ ધરી પ્રીત ।।૨૮।।

કરીશ બીજાને ઉપદેશ, કરાવીશ તે વ્રત હમેશ । બોલે છે એવું નમ્ર વચન, સભામાં બેઠેલા સુણે જન ।।૨૯।।

એવું સાંભળી વચન સાર, સભાસદ કરે છે વિચાર । મનમાં આશ્ચર્ય પામે એમ, આને આ તે શું વળગ્યું વેમ ।।૩૦।।

ઘનશ્યામે ઇચ્છા કરી ત્યાંયે, પછે આવ્યો છે દેહની માંયે । ઉતરી ગઇ તેની સમાધિ, વધી છે જાણે દેહમાં વ્યાધિ ।।૩૧।।

અંગ થયું છે જર્જરીભૂત, હાડ ભાંગી ગયાં મજબૂત । મતિમંદ પડયો મડદાલ, મુખે બોલ્યો વચન તત્કાળ ।।૩૨।।

તમે ભાઇ સુણો સભાજન, હું કહું તે માની લેજ્યો મન । થયો હું ક્રુર કુબુદ્ધિવાન, કર્યું શ્રીહરિનું અપમાન ।।૩૩।।

નક્કી એ પાપ મુજને નડયું, યમપુરીમાં દુઃખ જે પડયું । યમનાદૂત આવ્યાતા આંયે, લેઇ ગયા યમપુરીમાંયે ।।૩૪।।

તે દૂતોયે માર્યો ઘણો માર, અસ્થી ભાંગી નાખ્યાં નિરધાર । ભગવાન છે આ ઘનશ્યામ, અક્ષરાધિપતિ પૂરણકામ ।।૩૫।।

એમ કહી પુછે ઉભો થઇ, ક્યાં ગયા એ ઘનશ્યામભાઇ । પ્રક્રમા કરે છે ઘનશ્યામ, મોહનદાસ ગયો તે ઠામ ।।૩૬।।

શ્રીહરિચરણમાં મુક્યું શીશ, કરે પ્રારથના તેણી દીશ । તમે સાક્ષાત છો ભગવન, એવો નિશ્ચે થયો મુને મન ।।૩૭।।

મારા ઇષ્ટદેવ રઘુનાથ, એવા તમને દેખું છું સાથ । કર્યો અપરાધ મેં જે તમારો, ક્ષમા કરો પ્રભુ ગુનો મારો ।।૩૮।।

એમ કહી તેણે નિમ લીધો, એકાદશીનો નિશ્ચય કીધો । થયો નિર્માની મોહનદાસ, પગે લાગી પોથી બાંધી તાસ ।।૩૯।।

પછે ગયો તે પોતાને સ્થાન, મન મટી ગયો અભિમાન । બીજા લોક છે સઘળા જેહ, તેમને વાત કરી છે તેહ ।।૪૦।।

એવું સાંભળીને તેહ સર્વ, જોવા આવ્યા તજીને ત્યાં ગર્વ । દેખી પામ્યા ઘણું મન સુખ, આવ્યા મહારાજને સન્મુખ ।।૪૧।।

ધર્મકિશોરે કર્યું ચરિત્ર, દીધાં દર્શન પુન્ય પવિત્ર । રામચંદ્રરૂપે થયા પોતે, કરે દર્શન સહુને જોતે ।।૪૨।।

દીધાં દરશન વાલમે એમ, ત્યારે તેના ટળી ગયા વેમ । થયા અદ્રશ અંતરજામી, બલવંત બેલી બહુનામી ।।૪૩।।

તેહ આશ્ચર્ય પામ્યા છે મન, તમે ક્યાં ગયા ધર્મના તન । ચારે તર્ફ જોયું છે તપાસી, ક્યાંઇ દીઠા નહિ અવિનાશી ।।૪૪।।

માંહોમાંહિ કરે છે વિચાર, એકએકને પુછે તે વાર । અહો આશ્ચર્ય કારક કામ, કયાં ગયા જુવો ઘનશ્યામ ।।૪૫।।

એમ કહીને વિસ્મિત થયા, નિજ નિજને ઉતારે ગયા । આવાં શ્રીહરિનાં જે ચરિત્ર, સુણે તે જન થાયે પવિત્ર ।।૪૬।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ મોહનદાસને ચમત્કાર દેખાડયો એ નામે ત્રેસઠમો તરંગ ।।૬૩।।