તરંગ - ૭૩ - શ્રીહરિયે ભેટીયા ગામના તળાવમાં મીન-મગર આદિક જંતુને દેવલોક પમાડ્યા ને શ્રવણતલાવડીમાં આંધળાને દેખતા કર્યા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 6:51pm

 

 

પૂર્વછાયો

સદ્ભાગી જન છુપૈયાનાં, પુન્યતણો નહિ પાર । પૂર્ણ પુરૂષોત્તમ સાથે, સંબંધ પામ્યા સાર ।।૧।।

ભેટીયાના તળાવ ફરતાં, મોતીત્રવાડી ત્યાંયે । કમોદ શાલી રોપાવી છે, ચારે બાજુની માંય ।।૨।।

ચોમાસુ ચારે માસ સુધી, મેઘ વરસ્યો ગંભીર । તેણે કરીને તળાવમાં, ઘણું ભરાણું નીર ।।૩।।

ડાંગર સર્વે ડુબી ગઇ, અપાર જળમાં એહ । મોતીરામ ઉદાસી થયા, આશા મુકી દીધી એહ ।।૪।।

ઘણા દિન જળ ભર્યું રે તો, શાલી સર્વે સડી જાય । શું કરવા હું આશા રાખું, ડાંગર શેર ન થાય ।।૫।।

 

 

ચોપાઇ

 

એક દિવસે તે મોતીરામ, હરિપ્રસાદ ને ઘનશ્યામ । ભાવે ગયા તે ભેટીયા ગામ, વેવારનું હશે કાંઇ કામ ।।૬।।

 

ગયા તળાવ ઉપર ધર્મ, મધુવૃક્ષ નીચે કહું મર્મ । મોતીરામે કરીતી જે વાત, શાલી ડુબી જવાની પ્રખ્યાત ।।૭।।

 

ધર્મદેવને આવ્યું તે યાદ, પોતે બોલ્યા તજીને પ્રમાદ । તમે કેતાતા હે મોતીરામ, શાલી રોપાવી છે કોણ ઠામ ।।૮।।

તેમની તેમ કાયમ રઇ છે, કે ઘણા પાણીમાં સડી ગઇ છે । એવું સાંભળીને મોતીરામ, બતાવે ડાંગરનું જે ઠામ ।।૯।।

આ ઠેકાંણે વાવી છે મેં શાલી, જળમાં કોણ શકે તે ભાળી । બોલ્યા ધર્મ કરીને વિચાર, આ તો પાણી ભર્યું છે અપાર ।।૧૦।।

હવે ડાંગર તો શું આ થાય, પાણી વિના બીજું ન દેખાય । ત્યારે બોલ્યા બલભદ્ર વીર, મામા સુણો તમે મતિધીર ।।૧૧।।

શાલી પાકે જો આમાં તમારી, કેટલી ગણશો તે અમારી । મોતીરામ બોલ્યા છે ખુંખારી, ભાઇ છે આ સર્વે તમારી ।।૧૨।।

પાણી ભર્યું છે તેમાં શું થાશે, જરૂર ડાંગર સડી જાશે । મંદ મંદ કરે પ્રભુ હાસ, બોલ્યા આનંદથી અવિનાશ ।।૧૩।।

પાણીમાં ડાંગર સડે નહી, સાચી વાત કહું છું હું સહી । એવું કહી ગયા થોડા જળમાં, બહુનામી ઉભા છે બળમાં ।।૧૪।।

જમણા પગે અંગુઠો ત્યાંયે, પૃથ્વીપર દાબ્યો જળમાંયે । ધરા ફાટીને દીધો છે માગ, ઉભો ચીરો થયો છે અથાગ ।।૧૫।।

સર્વે જુવે છે તે લોકપાળ, પાણી સમાયું ત્યાં તતકાળ । તેનો શબ્દ થયો ઘડેડાટ, સર્વે લોકે સુણ્યો કડેડાટ ।।૧૬।।

ઘણા આવ્યા તે ગામના જન, દેખી આશ્ચર્ય પામ્યા છે મન । પાણીમાં રહેલી જળજંત, તેનો આવી ગયો જાણે અંત ।।૧૭।।

મચ્છ કચ્છ આદિ જીવ જેહ, તડફે પાણી વિના જ તેહ । એવું દેખીને ધર્મકુમાર, દયા દીલ ધરી તેણી વાર ।।૧૮।।

સત્ય સંકલ્પ કર્યો તે વાર, તીયાં વેમાન આવ્યાં અપાર । હરિકૃષ્ણની ઇચ્છાએ કરી, ઇંદ્રે મોકલીયાં ભાવ ધરી ।।૧૯।।

મચ્છ આદિ જે જીવ અનૂપ, તેને ધરાવ્યાં દિવ્ય સ્વરૂપ । ચતુર્ભુજ થયા છે આકાર, શ્રીહરિને કર્યા નમસ્કાર ।।૨૦।।

બેઠા વેમાને અવશ્યમેવ, ગયા સ્વર્ગવિષે થઇ દેવ । ધર્મદેવ અને મોતીરામ, વળી ગામના લોક તમામ ।।૨૧।।

પામ્યા વિસ્મે મનમાં અપાર, નરનારી બન્યા તદાકાર । આ પ્રગટ પ્રભુનાં ચરિત્ર, શિખે સુણે તે થાય પવિત્ર ।।૨૨।।

પછે ઘણા દિવસે કરીને, કમોદ પાકી છે ત્યાં ઠરીને । મોતીત્રવાડી રાજી થઇને, આવ્યા દૂત પોેતાના લઇને ।।૨૩।।

ઘરે લઇ ગયા કપાવી તેને, આશા નોતી અંતરમાં જેને । ઘણી ડાંગર પાકી છે સારી, આ તો કામ થયું ચમત્કારી ।।૨૪।।

ગામ ભેટીયાના રઘુવીર, ગુલામસિંહ મતિધીર । દયારામ દુબે કુશ્મીર ગામ, થયા પ્રસન્ન જાણી આ કામ ।।૨૫।।

નરેચેબાબુ સન્માનસંગ, આનંદાદી પામ્યા છે ઉમંગ । વળી બીજા ગામોના જે જન, જાણીને સ્થિર થઇ ગયા મન ।।૨૬।।

હવે એકસમે અવિનાશ, સખાઓને સાથે લેઇ ખાસ । ચાલ્યા છુપૈયાપુરથી બહાર, નારાયણસરોવર સાર ।।૨૭।।

દક્ષિણ દિશાને કાંઠે થઇને, ચાલ્યા આગળ મિત્રો લઇને । આવ્યું કેસરી આંબાનું વૃક્ષ, સખા સાથે બેઠા ત્યાં સમક્ષ ।।૨૮।।

હેઠે બેસીને જમ્યા નારંગી, પછે ચાલ્યા છે આપ ઉમંગી । ગામ અગીયે થૈને સધાવ્યા, તાબેપુર ગામ વાલો આવ્યા ।।૨૯।।

ત્યાંતો ક્ષત્રિ કૈયે રામસંગ, જેનંુ નિર્મલ સત્યનું અંગ । તેની તનયા છે બાલે વેષ, નામ રામકુંવરબા એષ ।।૩૦।।

તેના ઘરે વાડામાં વિશેક, ત્યાં છે બદ્રિતરુવર એક । તેની ઉપર ચડી તે બાઇ, બદ્રીફળ જમે સુખદાઇ ।।૩૧।।

 

 

સખા સહિત સુંદર શ્યામ, જઇને ઉભા રહ્યા તે ઠામ । વેણીરામ બોલ્યા છે વચન, સુણો શ્રીઘનશ્યામ જીવન ।।૩૨।।

આ બદ્રીફળ છે બહુ સારાં, તમારે જમવા જેવાં ન્યારાં, રામકુંવરના ખોડામાંયે, બદ્રીનાં ફળ ભર્યાં છે ત્યાંયે ।।૩૩।।

નીચે ઉતરવા જાય જેવી, તરુ ઉપરથી પડી તેવી । પ્રભુજીએ તેની રક્ષા કીધી, કર લાંબા કરી ઝીલી લીધી ।।૩૪।।

અંગે વાગવા દીધું ન કાંઇ, બહુ રાજી થઇ છે તે બાઇ । બદ્રીફળ હતાં પોતા પાસ, સખાઓને આપ્યાં સુખરાશ ।।૩૫।।

કર્તા ચરિત્ર એ ઠામો ઠામ, ગયા ત્યાંથી પોતે ગુર ગામ । વળી ત્યાં થકી આગળ ચાલ્યા, સખા સર્વે સાથે બહુ માલ્યા ।।૩૬।।

ગયા શ્રવણતળાવ તીર, તેમાં સ્નાન કર્યું થઇ સ્થિર । મેળો જુવે છે ધર્મકુમાર, ફર્યા તે જગ્યાએ ઠારોઠાર ।।૩૭।।

વળી ત્યાંથી ચાલ્યા છે અગાડી, સખા સર્વે આવે છે પછાડી । પ્રભુ પતજીયે ગામ ગયા, સંધ્યાગીરજીને ભેગા થયા ।।૩૮।।

એમ સઘળે ફર્યા મોરારી, પૃથ્વી પવિત્ર કરી વિહારી । પછે આવ્યા તે છુપૈયાપુર, જેને વાલી છે ધર્મનીધુર ।।૩૯।।

ત્યાર પછી ઘણા દિન વીતે, શું થયું તે સુણો એકચિત્તે । આવી એકાદશી સુખકારી, પુરુષોત્તમજીને છે પ્યારી ।।૪૦।।

ધર્મ ભક્તિ ને શ્રીઘનશ્યામ, રામપ્રતાપ ને વશરામ । એ આદિ બીજા કઇ મનુષ્ય, નાવા ચાલ્યા કરી મન હુંસ ।।૪૧।।

બાઇ ભાઇ ચાલ્યાં જાય ભેળે, શ્રવણતલાવડીને મેળે । મેળો ભરાણો છે બહુ સારો, બીજા લોક આવ્યા છે હજારો ।।૪૨।।

શ્રવણતલાવડીને તીર, એક બાવો બેઠો છે ગંભીર । આસન વાળી લગાડી તાળી, સર્વે લોકોએ જોયો નિહાળી ।।૪૩।।

તેના સમીપમાં સુરદાસ, કેટલાક બેઠા કરી આસ । અંધાને દેખતા તે કરે છે, ઘણા પ્રાણીની પીડા હરે છે ।।૪૪।।

બેઠા છે એમ જાણીને ઉર, બાવો આંખ્યો આપે છે જરુર । સુરદાસોને કહે છે બાવો, પેલા પૈસા દવાના તે લાવો ।।૪૫।।

પૈસા આપો જો માગ્યા પ્રમાણે, આંખ્યે સાજા કરું હું આ ટાંણે । નૈ તો છેટે બેસો જઇ તમે, ખરું વચન કઇયે છીયે અમે ।।૪૬।।

એમ બોલે છે બાવો વચન, ધર્મદેવે સુણ્યું કરી મન । સ્નાન કરીને નિકળ્યા બાર્ય, વસ્ત્ર પેરીને થયા તૈયાર ।।૪૭।।

કહે સુરદાસ ભગવન, થઇ ઘણી મુંઝવણ મન । અમારી પાસે પૈસા જો હોય, તો કરગરીયે નહી કોય ।।૪૮।।

ખાવાનું તો પુરુ થાતું નથી, ત્યારે પૈસા તે લાવીયે ક્યાંથી । એવું કૈને થયા છે ઉદાસ, છેટે જઇ બેઠા છે નિરાશ ।।૪૯।।

દેખ્યા હરિયે અંધાને જ્યારે, દીલ દયા આવી ગઇ ત્યારે । દાદા પ્રત્યે બોલ્યા છે દયાળુ, હે પિતા સુણો પરમ કૃપાળુ ।।૫૦।।

બિચારા આતો અંધા દેખાય, નેત્રે દેખે તો સારું જ થાય । એમ કહી પિતાએ સહિત, ગયા અંધાનું કરવા હિત ।।૫૧।।

કરુણારસ ભરેલાં વેણ, વદે અંધા પ્રત્યે સુખદેણ। આંખે સાજા કર્યા નહિ બાવે, તમને એ કેમ લલચાવે ।।૫૨।।

 

 

ત્યારે બોલ્યા સર્વે સુરદાસ, પૈસા નથી કાંઇ અમ પાસ । બાવો તો કહે છે લાવો દામ, ત્યારે કરીએ તમારૂં કામ ।।૫૩।।

ક્યાં થકી લાવીયે પૈસા અમે, ખાવા મળતું નથી કોઇ સમે । દયા લાવીને બોલ્યા દેવેશ, તમને દુઃખ પડે હમેશ ।।૫૪।।

સુરદાસ કહે મહારાજ, ઘણા દુઃખી છૈયે અમે આજ । પણ પ્રભુને ગમે તે થાય, એમાં ચાલે ન કોઇ ઉપાય ।।૫૫।।

એમ કહી થયા દલગીર, સુરદાસને ન રહી ધીર । પ્રભુજીયે ઇચ્છા કરી મન, અંધ માત્રને આપ્યાં લોચન ।।૫૬।।

થયા દેખતા આનંદ પામ્યા, જન્મ અંધતણું દુઃખ વામ્યા । ચતુર્ભુજ થયા ભગવન, તે સર્વેને દીધાં દર્શન ।।૫૭।।

સુખ સંતોષ પામ્યા અપાર, વારંવાર કરે નમસ્કાર । કર જોડીને સ્તુતિ કરે છે, નેત્રે ઉત્તમ નેહ ધરે છે ।।૫૮।।

હે કૃપાવંત હે મહારાજ, અમને સુફળ કર્યા આજ । તમે ભલે પધાર્યા આંય, અમે સુખી થયા મનમાંય ।।૫૯।।

 

 

ભુંડી વલે અમારી તો થાત, તવ વિના અમો મરી જાત । એમ કહીને આશરો લીધો, પ્રભુપણાનો નિશ્ચય કીધો ।।૬૦।।

પ્રેમ પૂર્વક કર્યા પ્રણામ, ગયા પોતપોતાને તે ગામ । બાવા સહિત હજારો લોક, જોઇ ઐશ્વર્ય થયા વિશોક ।।૬૧।।

અલૌૈકિક છે આશ્ચર્ય આતો, એમ સર્વે કરે છે ત્યાં વાતો । હરિપ્રસાદના પુત્ર જેહ, પુરૂષોત્તમ કહિયે તેહ ।।૬૨।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ભેટીયા ગામના તળાવમાં મીન-મગર આદિક જંતુને દેવલોક પમાડ્યા ને શ્રવણતલાવડીમાં આંધળાને દેખતા કર્યા એ નામે તોંતેરમો તરંગ ।।૭૩।।