તરંગ - ૯૯ - શ્રીહરિયે ધર્મદેવને છુપૈયાપુરનું માહાત્મ્ય કહ્યું

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:50pm

 

પૂર્વછાયો

રામશરણજી ઉચર્યા, સુણો પિતા બંધુ વાણ । ધર્મદાદાયે પ્રશ્ન પુછ્યું, તેનું શું કહ્યું પ્રમાણ ।।૧।।

પ્રગટનાં ચરિત્ર સુણતાં, ઉપજે આનંદ ઉર । રાત્રિ દિન રટના લાગી, સાંભળવા છું આતુર ।।૨।।

છુપૈયાનો મહિમા મોટો, શ્રીહરિએ કહ્યો જેહ । વિસ્તારીને તે વર્ણવો, મારે સાંભળવો છે એહ ।।૩।।

 

 

ચોપાઇ

એવું સુણી અવધપ્રસાદ, બોલ્યા પ્રેમથી તજી પ્રમાદ । ધન્ય છે પુત્ર તમારી મતિ, તમે પ્રશ્ન પુછ્યું રુડું અતિ ।।૪।।

એનો ઉત્તર આપું છું આજ, સુણો એક ચિત્તે શુભ કાજ । શ્રીહરિ ધર્મદાદાને કહે છે, દાદા તેવાત મનમાં લે છે ।।૫।।

મમ જન્મ ભૂમિકા છે આંય, આવું સ્થાન નથી બીજે કયાંય । મુજ લીલાનું અનન્ય સ્થાન, તેથી છુપૈયા છે પુન્યવાન ।।૬।।

નારાયણસર નિર્મળ, એનો તો મહિમા છે અકળ । આવી જગ્યા નથી કોઇ અન્ય, છુપૈયાપુર પાવન ધન્ય ।।૭।।

શેષ મુનીશ વાગીશ ઇશ, મહિમા કહિ શકે ન લેશ । એવો મોટો છે મહિમા જેનો, પ્રાણી કયાંથી પાર પામે તેનો ।।૮।।

દાદા પ્રશ્ન પુછ્યું મુને તમે, માટે સંક્ષેપથી કૈયે અમે । છુપૈયાપુર ફરતા રહંત, અષ્ટાદશ યોજન પર્યંત ।।૯।।

છુપૈયાપુરની રજ જેહ, અજાણે ઉડીને અડે એહ । તેનાં પાપ સર્વે બળી જાશે, અક્ષરધામ વિષે વાસ થાશે ।।૧૦।।

નારાયણસરને જે જન, નજરે જોશે નિર્મળ મન । પામશે તે શ્વેતદ્વીપ ધામ, એનાં સફળ થાશે જ કામ ।।૧૧।।

વળી સરોવરનું જે વારી, કરશે આચમન જે ધારી । વૈકુંઠધામને પામે તેહ, નથી તે વિષે કાંઇ સંદેહ ।।૧૨।।

આ સરોવરે કરે જે સ્નાન, મળે ગોલોકમાં તેને માન । જે અમારી સ્મૃતિએ સહિત, મહિમા સાથે સંશે રહિત ।।૧૩।।

કરશે ભાવ થકીજો સ્નાન, આત્યંતિક મોક્ષ દેશું દાન । અભય પદ અમારૂં ધામ, દેશું અક્ષરમાં એને ઠામ ।।૧૪।।

આ સરોવરમાંથી વિશેક, મૃતિકા ભરી લે મુષ્ટિ એક, લેઇ નાખે સરોવર તીર, બદ્રિકાશ્રમ પામે તે વીર ।।૧૫।।

વિશ્વામિત્રી સરિતાને સ્થાન, તે ગૌઘાટે કોઇ ભાગ્યવાન । કાળગ્રસ્તનું અસ્થિ લગીર, જે કોઇ લાવી નાખે ત્યાં ધીર ।।૧૬।।

તેની સાત પેઢી પર્યંત, સ્વર્ગનું સુખ પામે અનંત । ગૌઘાટ ને ૧વિસારસાગર, ખંપાસર નારાયણસર ।।૧૭।।

શ્રાદ્ધાદિક ક્રિયા અનુક્રમ, કરશે તે સ્થળે આવી પરમ । એનો આત્યંતિક મોક્ષ થાય, મારા અક્ષરધામમાં જાય ।।૧૮।।

સુણો દાદા કહું સત્ય વાત, નારાયણસરની સાક્ષાત । આજથી આરંભીને સદાય, વૃદ્ધિ પામશે એ મહિમાય ।।૧૯।।

અડસઠ તીર્થ કૈયે જેહ, આંહિ વાસ કરી રેશે તેહ । ક્ષણમાત્ર રહે નહિ દૂર, જાણી લેજ્યો હે દાદા જરૂર ।।૨૦।।

જે જે પ્રભુના છે અવતાર, વળી બ્રહ્માંડાધિપતિ સાર । સનકાદિક મુનિ ને દેવ, અઠ્યાશી સહસ્ર ઋષિ એવ ।।૨૧।।

નવલખે પર્વતે પ્રસિદ્ધ, તેમાં જેટલા રહે છે સિદ્ધ । એ આદિ સહુ પ્રભુના ભક્ત, આ બ્રહ્માંડોના વાસી આસક્ત ।।૨૨।।

આ સરોવરે કરવા સ્નાન, નિત્ય આવે છે મુકીને માન । દર્શન પૂજા પ્રક્રમા સાર, અમને કરે છે નમસ્કાર ।।૨૩।।

પછે જાય છે પોતાને સ્થાન, એમ આચરે થઇ નિરમાન । મોક્ષધામ છુપૈયાસમાન, નથી બ્રહ્માંડમાં કોઇ સ્થાન ।।૨૪।।

છુપૈયાપુર ધર્મતડાગ, નારાયણસર મહાભાગ । ખંપાસરોવર કહેવાય, રુડી વિશ્વામિત્રી સરિતાય ।।૨૫।।

વળી નિર્મળ ભૂતિયો કૂપ, ફુલબાગની ભૂમિ અનુપ । અમારું જન્મસ્થાનક આજ, બીજી ઉપમા નથી એ કાજ ।।૨૬।।

રામસાગર કલ્યાણસર, મીનસાગર છે પાપહર । ચુડહા બગીહા વન જોય, કુંજગલીતણું વનસોય ।।૨૭।।

સુખકારી શોભીતાંછે સ્થાન, એ ચતુર્દશ તીર્થનિદાન । આ તીર્થમાં અમોએ અપાર, લીલા કરીછે વારમવાર ।।૨૮।।

છુપૈયાપુર પાવનકારી, જાણે તેને ભવભયહારી । ગંગાદિતીર્થ સર્વે કહાવે, છુપૈયાપુરતુલ્ય તે નાવે ।।૨૯।।

એક છુપૈયામાં ઉતકર્ષ, મહાતીરથ છે ચતુર્દશ । તે તીર્થનો છે પ્રૌઢ પ્રતાપ, સંસૃતિનો ટાળે તે સંતાપ ।।૩૦।।

બ્રહ્મહત્યાદિ જે પંચ પાપ, કરેલાં હોય જેણે અમાપ । મન વાણી કાયાએ નિઃશંક, પાપ કર્યાં હોય આડે અંક ।।૩૧।।

કપટી ક્રૂર નિર્દયપણું, પરદ્રવ્ય હર્યું હોય ઘણું । તેવડે દેહ કરેલા પુષ્ટ, મન મેલા દુરાચારી દુષ્ટ ।।૩૨।।

ક્રોધી કુટિલ કુચ્છિત કામી, લોભી લંપટ લુણહરામી । દેવબ્રાહ્મણનું દ્રવ્યવૃત્તિ, તેને હરવાપણું દૂર મતિ ।।૩૩।।

વ્યભિચારી વિકારી સુરારી, વેદમાર્ગ તજે અવિચારી । વર્ણાશ્રમની મર્યાદા તજે, દંભ મત્સર હિંસાને ભજે ।।૩૪।।

માતપિતાને દુઃખ પમાડે, પાપી પડે અસત્ય અખાડે । એઆદિ બીજાં પાપ અપાર, કરેલાં હોય પામી વિકાર ।।૩૫।।

પણ છુપૈયા મુખે લે નામ, પામે એ પ્રાણી અક્ષરધામ । કુલસહિત પામે ઉદ્ધાર, એમાં સંદેહ નથી લગાર ।।૩૬।।

છુપૈયા ત્રિઅક્ષરનું રૂપ, કહું અર્થસહિત અનુપ । છુ અક્ષર માયાબંધ છોડાવે, કાળકર્મનો ત્રાસ તોડાવે ।।૩૭।।

પુરૂષોત્તમજીનો સંબંધ, પ્રાણિને પમાડે નિરબંધ । વળી પ-અક્ષરનો પ્રતાપ, સુણો ચિત્ત દઇ નિષ્પાપ ।।૩૮।।

પ્રારબ્ધ ક્રિયમાણ સંચિત, ત્રૈણે પાપ હોય જો ખચીત । તેને નાશ કરે તતખેવ, પરમપદને પમાડે એવ ।।૩૯।।

ત્રીજો અક્ષર યજે કેવાય, તેનો કહું રૂડો મહિમાય । યત્ કિંચિત રૂપ ને નામ, તેને મિથ્યા કરે અભિરામ ।।૪૦।।

છુપૈયા નામનો વર્ણ એક, ટાળે જન્મમરણ વિશેક । છુપૈયા નામના ત્રૈણ વર્ણ, મુખેથી કરેજે ઉચ્ચારણ ।।૪૧।।

તે તો પ્રકૃતિપુરૂષથી પર, ચિદ્ઘન ધામ છે સુંદર । તેના તેજ વિષે વ્યતિરેક, પુરૂષોત્તમજી રહે એક ।।૪૨।।

તેમને પમાડે તતકાળ, જન્મમરણની ટાળે ઝાળ । એવું છુપૈયા ધામ પવિત્ર, પ્રભુએ કર્યાં છે ત્યાં ચરિત્ર ।।૪૩।।

બીજાં તીરથ છે જે અનેક, પરમકલ્યાણકારી વિશેક । અઘઓઘ-હારી તે કહાવે, પણ છુપૈયાસમાન નાવે ।।૪૪।।

જેમ ગંગા ને બીજી સરિતા, તેની તુલ્ય ન થાય અભિતા । કલ્પવૃક્ષ અન્ય તરુ જેમ, નાવે છુપૈયાસમાન એમ ।।૪૫।।

સૂર્યચંદ્રનું ગ્રહણ હોય, કરે કોટિ ગૌવાદાન જોય । વળી શંભુક્ષેત્રમાં તે કરે, તોય છુપૈયાતુલ્ય ન ઠરે ।।૪૬।।

કીડી મકોડી કીટ પતંગ, વેલી વૃક્ષ પશુ પક્ષી અંગ । સ્થાવર જંગમ પ્રાણી એહ, મમ સંબંધ પામ્યા છે જેહ ।।૪૭।।

વળી મારા આશ્રિત કેવાશે, તેના સંબંધી જે જન થાશે । નિશ્ચે પામશે મોક્ષ એ જન, માની લેજ્યો દાદા નિશ્ચે મન ।।૪૮।।

મમ જન્મભૂમિકા આ સ્થાન, એનો મહિમા મોટો નિદાન । સાતે પુરી અને ચારે ધામ, વળી સર્વે તીરથ જેઠામ ।।૪૯।।

તે નાવે આ છુપૈયાસમાન, કોટિમા ભાગમાં તે નિદાન । આ સ્થાનમાં આવીને જે જન, વિપ્રસાધુને આપે ભોજન ।।૫૦।।

વળી વસ્ત્ર ધેનું ભૂમિ દાન, આપે આંહિ આવીને જે માન । પ્રભુની પ્રતિમાઓને જાણી, થાળ કરી જમાડે જે પ્રાણી ।।૫૧।।

કરાવે વસ્ત્ર ઘરેણાં ભાવે, વળી બીજી જગ્યાઓ બંધાવે । પામે તે જન અક્ષરધામ, તેવા રૂપે બને અભિરામ ।।૫૨।।

મંદિરમાં પૂજાનો પ્રવાહ, ચલાવે જો કરીને ઉત્સાહ । તે તો શ્રીહરિસમીપ રેશે, લાવો અક્ષરધામમાં લેશે ।।૫૩।।

નારાયણસરોવર તીર, ધર્મ કરશે જે ધરી ધીર । કીડી મીન આદિ જે અનેક, નાખશે અન્ન કણુંકો એક ।।૫૪।।

સ્વર્ગનું સુખ તેને મળશે, એ દેવની પંક્તિમાં ભળશે । નારાયણસર પર થઇને, જો પક્ષી ઉડે આકાશે જઇને ।।૫૫।।

તે પક્ષી પામે સ્વર્ગ નિવાસ, સિધિ વાત કહું છું પ્રકાશ । શ્રીહરિ કે સુણો દાદા વાત, તમે પ્રશ્ન પુછ્યું તું વિખ્યાત ।।૫૬।।

રંગ ઉત્સવમાં ગયો કાળ, તેની વિગત કહું દયાળ । ચતુર્મુખી બ્રહ્મા છે જેહ, તેનો ત્રુટિકાળ કૈએ તેહ ।।૫૭।।

તેટલો કાળ ગયો અમને, સત્ય વૃત્તાંત કહ્યું તમને । હે દાદા તમે છો સદ્મતિ, જાણી લેજ્યો એ કાળની ગતિ ।।૫૮।।

છુપૈયાપુરનો મહિમાય, તે તો અતિ અગાધ કહેવાય । કહ્યો કિંચિત ભાગથી અમે, મુમુક્ષુજનને કહેજો તમે ।।૫૯।।

સુણી શ્રીહરિનાં એ વચન, પિતા બંધુ થયા છે પ્રસન્ન । પામ્યા આશ્ચર્ય મન અપાર, કર જોડી કર્યા નમસ્કાર ।।૬૦।।

એમ કરે જીવન ચરિત્ર, પૃથ્વીતળ કરવા પવિત્ર । વ્હાલો ધરી મનુષ્યનું રૂપ, અતિ લીલા કરેછે અનૂપ ।।૬૧।।

ધરણીમાં જે રહ્યોતો અધર્મ, તેને નાશ કર્યો અનુક્રમ । નિજ આશ્રિતને સુખ આપ્યું, કૈક સેવકનું કષ્ટ કાપ્યું ।।૬૨।।

કરવા અનંતનાં કલ્યાણ, થાય મનુષ્ય વિગ્રહ જાણ । મહાઅમોઘ નિજ પ્રતાપ, ગુપ્ત રાખીને વર્તે છે આપ ।।૬૩।।

જાણિતાને રહેછે આ ભાન, અજાણ્યાને નથી રેતું ધ્યાન । જાણ્યું તેણે મહાસુખ માણ્યું, નથી જાણ્યું તેને શું વખાણું ।।૬૪।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ધર્મદેવને છુપૈયાપુરનું માહાત્મ્ય કહ્યું એ નામે નવાણુંમો તરંગઃ ।।૯૯।।