તરંગઃ - ૮૪ - શ્રીહરિયે જાુનાગઢમાં ને ગઢપુરમાં દેવની પ્રતિષ્ઠા કરી

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:55am

પૂર્વછાયો

વાલમજી વૃત્તપુરીમાં, રહ્યા કરી મન પ્યાર । નિત્ય નવી લીલા કરે, સંસાર તારણહાર ।।૧।। 

એક સમે કોઇ દિવસે, ગયા ગામથી બહાર । ૧કલિકલ્પના તરુ નીચે, સભા કરી બેઠા સાર ।।૨।। 

સંત હરિજન સર્વે ત્યાં, બેઠા થઇ મન સ્થિર । એક ચિત્તે જોઇ રહ્યા છે, કરીને અંતરે ધીર ।।૩।। 

ચંદ્રમાને ચકોર નિરખે, તન્મય થઇ નિરધાર । એજ પ્રમાણે ભક્તજનો, થઇ રહ્યા તદાકાર ।।૪।।

 

ચોપાઇ

 

ગામ લસુંદ્રાના પાટીદાર, ત્યાંહાં આવ્યા છે તે જણ ચાર । પ્રીતે આવ્યા પ્રભુજીની પાસ, ચરણસરોજ જુવે છે તાસ ।।૫।। 

રણછોડ જીવણ પ્રભુદાસ, ઇચ્છાભાઇ એ નામ પ્રકાશ । ઉભા સન્મુખ થઇ સ્થિર, એકાગ્રચિત્તે ગોમતીતીર ।।૬।। 

એમ જોઇ રહ્યા ઘણીવાર, પછે બોલ્યા કરીને વિચાર । હે દયાનિધિ હે મહારાજ, અમારી સુણો વિનતિ આજ ।।૭।। 

તવ ચરણ જોતાં મહારાજ, મહાપ્રભુ જણાઓછો આજ । ઉપર સામું જોતાં સુખસાજ, મનુષ્ય જેવા દિસો છો આજ ।।૮।। 

ઘણી સભાયો દેખીછે સહી, પણ આ રીતની જોઇ નહી । સભા સર્વે થઇ એકચિત્તે, તમને જુવે પૂરણપ્રીતે ।।૯।।

આવું જોયું નથી એકે સ્થાન, સાચું કૈયે છૈયે ભગવાન । માટે કૃપા કરી સમઝાવો, દૃઢ નિશ્ચે અમને કરાવો ।।૧૦।। 

ત્યારે બોલ્યા શ્રીજીમહારાજ, સુણો ભક્તજનો તમે આજ । મહાવૈરાટ બ્રહ્માદિદેવ, તેણે આ ચરણમાટે તો એવ ।।૧૧।। 

અમ ચરણ પૃથ્વીપર આવે, એને અર્થે સ્તુતિ કરી ભાવે । તેનાં વર્ષ ૧પંચાશત વળી, સવા પોર દિન ચડ્યો મળી ।।૧૨।। 

ત્યાં સુધી કરી સ્તુતિ અમારી, અમ ચરણવિષે ચિત્તધારી । ત્યારે આ ચરણ આવ્યાંછે આંહી, ગમે તેમ સમઝો તમે સહી ।।૧૩।। 

અક્ષરથી સદ્ગુરૂ રૂપ, સવિતા પ્રગટ્યો છું અનૂપ । આંહી સર્વે બેઠા છે જે સંત, ૨સુરમુખી કંજ છે મહંત ।।૧૪।। 

તેમાટે સામું જોઇ રહ્યાછે, મારેવિષે એ લીન થયા છે । પુરૂષોત્તમપણું વિખ્યાત, ઘણીવાર સુધી કરી એ વાત ।।૧૫।। 

એવું સુણી પાટીદાર ચ્યાર, સ્થિર થઇ ગયા તેણીવાર । ત્યારે સંશય મનનો ગયો, શ્રીજીમહારાજનો નિશ્ચે થયો ।।૧૬।। 

વળી એકસમે મહારાજા, ઉગમણે બંગલે બિરાજા । ગામ કણભાના ઝવેરભાઇ, શ્રીહરિને પુછે સુખદાઇ ।।૧૭।।

બોલ્યા કર જોડી શીષ નામી, સુણો અલબેલા અંતર્યામી । ભગવાનની મૂર્તિ અનૂપ, તેનું ધામમાં કેવું છે રૂપ ।।૧૮।। 

ત્યારે મહારાજ બોલ્યા ભાઇ, નથી શોધવા જાવું તે ક્યાંઇ । અક્ષરમાં મૂરતિ છે જેહ, આ પ્રત્યક્ષ અમે છૈયે તેહ ।।૧૯।। 

એજ મૂરતિ તેમાં બિરાજે, વર્તમાનકાળે આંહિ રાજે । પછે બોલ્યા છે ઝવેરદાસ, એ મૂર્તિ દેખાડો અવિનાશ ।।૨૦।। 

અક્ષરધામમાં તે દેખાડો, કૃપા કરી સંતોષ પમાડો । એવું સુણીને સુંદર શ્યામે, સમાધિ કરાવી તેહ ઠામે ।।૨૧।। 

નિજધામમાં પોતાનું રૂપ, બતાવ્યું છે પ્રત્યક્ષ અનૂપ । તે મૂર્તિમાં કોટિ કોટિ મુક્ત, અનંત ઐશ્વર્ય શક્તિ યુક્ત ।।૨૨।। 

કરાવ્યાં છે એવાં દર્શન, મનાવ્યું નિજ ભક્તનું મન । સર્વોપરિ તેને નિશ્ચે કરાવ્યો, નિજ રૂપમાં સ્નેહ ધરાવ્યો ।।૨૩।। 

એમ અકળરૂપ અજીત, કરે અદ્ભુત ચરિત્ર નિત । ઘણા દિવસ વડતાલે રહ્યા, પછે દુર્ગપુરવિષે ગયા ।।૨૪।।

દાદાખાચરતણું જે ઠામ, તેમાં જઇ કર્યો છે મુકામ । તેના બીજા દિવસ મોઝાર, ધોલેરેથી આવ્યા સમાચાર ।।૨૫।। 

પુંજાજી નામે જે દરબાર, આવ્યા શ્રીહરિ પાસે તેવાર । પ્રતિષ્ઠા કરાવ્યાતણું કામ, શ્રીહરિને કહ્યું અભિરામ ।।૨૬।। 

પુંજાજી આવ્યા તેડવા કાજ, એમ જાણી ગયા મહારાજ । સંત હરિજન લઇ સંગે, ચાલ્યા પંુજાજી સાથે ઉમંગે ।।૨૭।। 

ધોલેરે પધાર્યા મુક્તસાથ, મંદિરમાં ગયા નરનાથ । પછે વિપ્રને બોલાવ્યા પાસ, શુભ મુહૂર્ત પૂછ્યું અવિનાશ ।।૨૮।। 

વૈશાખ સુદી તેરશ દિન, નક્કી મુહૂર્ત કીધું અભિન । શાસ્ત્ર વેદની વિધિ પ્રમાણે, રૂડો હોમ કરાવ્યો તેટાણે ।।૨૯।। 

રાધિકા સહિત તતખેવ, સ્થાપ્યા મદનમોહન દેવ । તેને જોડે પોતાનું સ્વરૂપ, પધરાવ્યું છે આપે અનૂપ ।।૩૦।। 

વાગે વાજીંત્ર નાનાપ્રકાર, થઇ રહ્યો જયજયકાર । પૂજા કરી આરતી ઉતારી, નારાયણમુનિએ મન ધારી ।।૩૧।। 

પોતાનું તેજ ધારણ કીધું, મૂર્તિઓને વિષે સ્થાપી દીધું । પછે કરાવ્યું બ્રહ્મભોજન, દક્ષિણાઓ દીધી છે જીવન ।।૩૨।। 

તેને બીજે દિવસે સવાર, નૃસિંહજયંતિ આવી સાર । તેનો ઉત્સવ કીધો ઉમંગે, બીજે દિને જમ્યા રૂડે રંગે ।।૩૩।। 

એમ લીલા કરીને દયાળ, દુર્ગપુરે ગયા તતકાળ । ત્યારપછે જીરણગઢથી, ઝીણાભાઇ આવ્યા દ્રઢ મનથી ।।૩૪।। 

તાકીદે આવ્યા તેડવા એહ, પ્રતિષ્ઠા કરવાની છે જેહ । તેની સંગાથે સુંદરછેલો, જીર્ણગઢે ગયા અલબેલો ।।૩૫।। 

મંદિરે જઇ કર્યો મુકામ, બ્રાહ્મણને બોલાવ્યા તે ઠામ । કર્યો મુહૂર્તનો નિરધાર, ૧રાધમાસ કૃષ્ણ દ્વિતીયા સાર ।।૩૬।। 

કર્યા રાધારમણ સ્થાપન, પૂર્વ મંદિરમાં તે પાવન । મધ્યના મંદિર વિષે જ્યાંય, દ્વારિકાધીશ સ્થાપ્યા છે ત્યાંય ।।૩૭।। 

ડાબા પડખે જે તતખેવ, સ્થાપ્યા સિદ્ધેશ્વર મહાદેવ । પોતાનું તેજ દેવમાં ધર્યું, એમ પ્રતિષ્ઠાનું કામ કર્યું ।।૩૮।। 

આરતી પૂજા દેવની કરી, પૂર્ણાહુતિ કીધી ભાવ ભરી । લાખો વિપ્રને પ્રેમે જમાડ્યા, દક્ષિણા આપી મોદ પમાડ્યા ।।૩૯।। 

પછે પધાર્યા ધારીને ઉર, પ્રાણપતિ ગયા દુર્ગપુર । હવે ગઢપુરે દુઃખહારી, રહ્યા સેવકના સુખકારી ।।૪૦।। 

ગોપીનાથનું રૂડું મંદિર, તે કરાવે છે શ્યામ સુંદિર । થોડા માસમાં થયું તૈયાર, પોતે કરાવ્યું છે નિરધાર ।।૪૧।। 

પ્રતિષ્ઠા મુહૂર્ત પુછી લીધું, શુભ કામ તે ચાલતું કીધું । અતિ ઉત્તમ મંડપ સાર, વેદિકાકુંડ કર્યો તે ઠાર ।।૪૨।। 

લાખો બ્રાહ્મણો ત્યાં બોલાવ્યા, પ્રતિષ્ઠાના કામે તે સ્થાપિયા । ઘૃત હોમીને હોમ કરાવ્યો, વેદવિધિવત મન ભાવ્યો ।।૪૩।। 

પછે દ્વાદશીનો જે ૨વાસર, શુભ મુહૂર્ત વિષે સત્વર । મધ્યભાગનું મંદિર જ્યાંય, ગોપીનાથ પધરાવ્યા ત્યાંય ।।૪૪।। 

દક્ષિણ બાજુ મંદિર સોય, પોતાની મૂર્તિ સ્થાપી ત્યાં જોય । વામ બાજુમાં સુંદર સ્થાન, રૂડું મંદિર શોભાયમાન ।।૪૫।। 

તેમાં ધર્મભક્તિ વાસુદેવ, પ્રેમે પધરાવ્યા તતખેવ । બીજું પૂર્વ દિશે જે મંદિર, તેતો શોભે છે અતિ સુંદિર ।।૪૬।। 

તેમાં રેવતી ને બલદેવ, પોતે સૂર્ય પધરાવ્યા એવ । એવી રીતેથી કર્યું સ્થાપન, આરતી સહિત કર્યું પૂજન ।।૪૭।। 

અલૌકિક પોતાનું જે તેજ, મૂર્તિઓમાં ધર્યું છે એજ । મધુરાં વાગેછે ત્યાં વાજીંત્ર, થયો આનંદનો એક તંત્ર ।।૪૮।। 

દેવ ગાંધર્વ ગણ સહિત, આવ્યા આકાશમાં કરી હીત । વાગે દુંદુભિ નાનાપ્રકાર, બોલે મુખે જયજયકાર ।।૪૯।। 

ગઢપુરની લીલા નિરખી, વારે વારે વખાણે છે હરખી । વળી પુષ્પની વૃષ્ટિ કરે છે, સેવા કરવા ઇચ્છા ધરે છે ।।૫૦।। 

કરે ગર્જના વિપ્ર ગંભીર, વેદ મંત્ર ભણે મતિધીર । પછી પૂર્ણાહુતી કરી ત્યાંય, અતિ મુદ થયો મનમાંય ।।૫૧।। 

વિપ્રને કરાવ્યાં છે ભોજન, આપી દક્ષિણા કર્યા પ્રસન્ન । દેશાંતરના લાખો હરિજન, તે આવ્યા છે કરવા દર્શન ।।૫૨।। 

તેમને કરાવ્યાં ભોજન પાન, તૃપ્ત કરીને દીધાં છે માન । ઉત્તમ રાજાનો મનોરથ, પૂર્ણ કર્યો મહોત્સવ અરથ ।।૫૩।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે જાુનાગઢમાં ને ગઢપુરમાં દેવની પ્રતિષ્ઠા કરી એ નામે ચોરાશીમો તરંગઃ ।।૮૪।।