તરંગઃ - ૯૧ - શ્રીહરિ-વિચરણ

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:00pm

ચોપાઇ

ગામ કેરાકોટે મહારાજે, લીલાયો કરીછે સુખસાજે । સદાબાના દરબારમાંય, સદાવ્રત બાંધ્યું વળી ત્યાંય ।।૧।। 

નારાયણધરામાં પાવન, જલક્રીડા કરીછે જીવન । તેમાં કુંડ સજીવન સારા, અનંતવાર નાહ્યાછે પ્યારા ।।૨।। 

વળી બળધિયા ગામે હરિ, ગંગાકુંડે નાહ્યા હેત કરી । ત્યાંના બાઇ ભાઇ હરિજને, ઘેર ઘેર જમાડ્યા સુમને ।।૩।। 

બેઉ પક્ષ રહ્યા પ્રાણપતિ, તિયાં પપૈયાં જમ્યા છે અતિ । કણબી મૂળજી જેનું નામ, તેમને ઘેર રહ્યાછે શ્યામ ।।૪।। 

સારૂં ગામછે તે મેઘપુર, તેમાં ગયા છે હરિ જરૂર । સમાધિયો કરાવી છે સારી, ઘણું રહ્યા છે દેવ મુરારી ।।૫।। 

ગામ સરલીમાં ધર્મદુલારો, સરિતામાં નાહ્યા બહુ પ્યારો । કેવડાની તે કળિયો લીધી, સર્વે સંતને આપી દીધી ।।૬।। 

એવી રીતની લીલા કરીને, રામપુર ગયા છે ફરીને । ત્રણ માસ રહ્યા સુખસિંધુ, ઘેર ઘેર જમ્યા દીનબંધુ ।।૭।। 

ઘણા રહેછે વેકરા ગામ, સમાધિ કરાવે સુખધામ । બબે માસ સમાધિમાં રહે, સર્વે જાગીને તે વાત કહે ।।૮।। 

ગંગાજીને કાંઠે પોતે આવી, ઘણી સપ્તાયો તિયાં કરાવી । બ્રહ્મયજ્ઞ કરાવ્યો છે ભારી, રાખો અંતરમાંહિ તે ધારી ।।૯।। 

ગજોડ્ય ને પુનડી છે ગામ, બહુવાર ગયા ઘનશ્યામ । ગામ ડોણ્યમાં શ્રીહરિ આવી, હોળિકાનો ઉત્સવ ભજાવી ।।૧૦।। 

ગામ ધણોઇમાં ધરો સારો, ઘણું નાહ્યા છે ધર્મદુલારો । શવજી સુતાર જેનું નામ, અઢી માસ રહ્યા તેને ધામ ।।૧૧।। 

ગામ સાંધળામાં હરિ જમ્યા, સર્વે જનતણે મન ગમ્યા । સુતાર જીવણ તેને ઘેર, પાંચ દિન રહ્યા સુખભેર ।।૧૨।। 

ધુફાઇમાં તે ધુન્ય મચાવી, કર્યા સેવક નિમ ધરાવી । બંદરામાં તે બંધ છોડાવ્યા, કાળકર્મના બંધ તોડાવ્યા ।।૧૩।। 

માંડવી ગામમાં શિવબાઇ, હરિભક્તિ કરે સુખદાઇ । દિવ્યસ્વરૂપે દીનદયાળે, તેને દર્શન દીધાં કૃપાળે ।।૧૪।। 

કહે શ્રીમુખે શ્રીઅવિનાશ, પુત્ર થાશે તમારે પ્રકાશ । અક્ષરધામના મોટા મુક્ત, સેવા કરજ્યો પ્રેમે આશક્ત ।।૧૫।। 

દયાળુએ આપ્યું વરદાન, પછે પુત્ર થયા ભાગ્યવાન । ડોસાભાઇછે નામ અનૂપ, આવ્યા અનાદિ મુક્ત સ્વરૂપ ।।૧૬।। 

તળાવને કાંઠે તેહ સ્થળ, છત્રી બંધાવી છે નિરમળ । પધરાવ્યાં ત્યાં હરિચરણ, રહે તેસ્થળે અશરણશરણ ।।૧૭।। 

સર્વે તીરથનું છે તે ધામ, ઘણું નાહ્યાછે સુંદરશ્યામ । પ્રેમજાુક્ત કરે દરશન, નરનારીયો થાશે પાવન ।।૧૮।। 

વળી તિયાં રત્નાકર સારો, મીઠી કુઇયે નાહ્યા છે પ્યારો । તેનું જલ પોતે મીઠું કર્યું, શ્રીહરિયે અંતરમાં ધર્યું ।।૧૯।। 

વળી તળાવને કાંઠે સાર, ઘણી લીલા કરી તેહવાર । ખયા ક્ષત્રી આદિ ઘણા જનને, ચમત્કાર દેખાડ્યા જીવને ।।૨૦।। 

ગામ રવામાં તેહ રંગીલો, રસરોટલી જમ્યા છબીલો । બહુવાર પધાર્યા માવ, હરિજનનો દેખીને ભાવ ।।૨૧।। 

કાળુતળાવ છે ગામ સારું, ઘણી સપ્તાયો કરાવી વારુ । રામાનંદ સ્વામી ઘણું રેતા, ત્યાગ-વૈરાગ્યની વાતો કેતા ।।૨૨।। 

તેરા ગામના રાજા દેવાજી, તેના દરબારે ગયા માવજી । તિયાં પણ લીલા બહુ કરી, કેટલીક લખું ફરી ફરી ।।૨૩।। 

ઘરાણીમાં અંગરખું પેરાવ્યું, શ્રીહરિને અંગે તે ધરાવ્યું । કણબી હરિજન છે સારા, લાગે સત્સંગમાં બહુ પ્યારા ।।૨૪।। 

ગામ વંગડિયાના તળાવે, નાથો ઘોડો પાવા ગયો ભાવે । ઘોડાસહિત કુવામાં પડ્યો, નાથાને તો કુવો બહુ નડ્યો ।।૨૫।। 

તેસમે હરિ બેઠાતા દૂર, લાંબા હાથ કરીને જરુર । ઘોડાસહિત કાઢ્યોછે બાર, તેની રક્ષા કરી નિરધાર ।।૨૬।।

 ભગવાનપણું તે મનાવ્યું, પછે નાથે તે શીષ નમાવ્યું । હાથ જોડી પ્રાર્થના કરી, ત્યારે રાજી થયા પોતે હરિ ।।૨૭।। 

સામત્રામાં તે શ્યામ સધાવ્યા, સાથે અક્ષરમુક્તને લાવ્યા । અષ્ટમીનો તે ઉત્સવ કરી, ગંગામાં ન્હાવા પધાર્યા હરિ ।।૨૮।। 

નેત્રાગામમાં નેત્ર મિંચાવ્યા, સર્વે સંતને ધ્યાન ધરાવ્યાં । અક્ષરધામ તિયાં દેખાડ્યું, આનંદ સૌ જનને પમાડ્યું ।।૨૯।। 

ગામ રૂવાનાગઢ ઉપર, ગયા સુંદર શ્રીનટવર । રાજાયે બહુ સન્માન કરી, મોહોલમાં પધરાવ્યા હરિ ।।૩૦।। 

સર્વે સંતને લાડુ જમાડ્યા, પાંચદિન આનંદ પમાડ્યા । પછે ચાલ્યા મનોહર માવ, વિરાણીયે ગયા અતિભાવ ।।૩૧।। 

ગામ અંગીયામાં સુખધામે, ઘણી લીલા કરી ઘનશ્યામે । તે દેશમાં કણબીછે ઘણા, થયા સત્સંગી શ્રીહરિતણા ।।૩૨।। 

સુખપુરમાં સુંદરશ્યામ, ઘણીવાર ગયા તેહ ગામ । એકાદશીનો ઉત્સવ કીધો, ઘણો લાવો હરિજને લીધો ।।૩૩।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ-વિચરણ એ નામે એકાણુંમો તરંગઃ ।।૯૧।।