૫૯. વિઘ્ન સંતોષીઓને ડારો દઇને પણ જમાડ્યા, વિદ્વાનોની સભામાં શ્રીહરિની જીત, ઘોડી ચોરવા આવેલ જોબનપ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:45pm

રાગ સામેરી –

વળતા તે વિપ્ર બોલીયા, મહારાજ શું કહો છો તમે ।

જેમ આપો આગન્યા, તેમ સહુ કરીએ અમે ।।૧।।

મહારાજ કહે એક તમે, એક અમારો તમસાથ ।

તમે લેજયો લાડવા, એ લેશે જેષ્ટિકા હાથ ।।૨।।

પિરશે પોતાનાં પારકાં, જો કરશો જરાય ।

તો તમને એ તાડશે, તેની રાવ રોષ ન કાંય ।।૩।।

પછી ભર્યાં મોદકનાં ગાડલાં, તેણે જુતા જોધ્ધ જુવાણ ।

પાક ફરે પંગત્યમાં, એમ જમાડે જીવનપ્રાણ ।।૪।।

તોય બ્રાહ્મણ ભુંડાઇ ન તજે, લઇ બેઠા એક એક લાકડી ।

તૈયે મહારાજ કહે કાઠિયો, તમે આવો સહુ ઘોડે ચડી ।।૫।।

લેવરાવી સૌને લાઠિયો, કાઠી આવિયા ઘોડે ચડી ।

વિના ગોળીએ વછોડીયો, ત્યાં બંધુકો બહુ પડી ।।૬।।

ભાંગી ભડાકે કોઠીયો, સુંદર દાળની સોળ ।

જાણે દુષ્ટ વિઘન પાડશું, સામું પડ્યા પોતાને રોળ ।।૭।।

ખોટે ડારે ડરાવિયા, કહે ઉઠશો જમતાં કોય ।

જરૂર તેને મારશું, તમે ઉઠજયો એવું જોય ।।૮।।

જુક્તિ કરીને જમાડીયા, નવ પડવા દીધું વિઘન ।

એમ રૂડી રીતશું, મહારાજે કરાવ્યો જગન ।।૯।।

પછી દિવસ વળતે, તેડ્યા પુરાણી પંડિત ।

કરી ચરચા ચોકમાં, ત્યાં થઇ પોતાની જીત ।।૧૦।।

લાખો લોક ભેળા થયા, નિરખવા નયણે નાથ ।

તેમાં નર તસકરા, આવ્યાતા નાખવા હાથ ।।૧૧।।

જોયો સર્વે સંઘને, બહુ ખબરદાર દીઠા ખરા ।

પછી અશ્વ ઉપરે, આવી તાકીયા તસકરા ।।૧૨।।

ત્રણ દિવસના ભુખ્યા તરષા, નયણે નિદ્રા નવ કરી ।

આવીને જુવે અશ્વને, ત્યાં ઘોડે ઘોડે દીઠા હરિ ।।૧૩।।

પછી પ્રભુને પાય લાગ્યા, કહે દયા કરજયો દયાળ ।

જયાંથી ગુહ્ના છુટીયે, ત્યાં કર્યા ગુહ્ના કૃપાળ ।।૧૪।।

પછી સત્સંગી થઇ, વળી ગયા પોતાને ઘેર ।

એમ પોતે અનેક રીત્યે, કરી તે લીલાલેર ।।૧૫।।

દાસનાં દુઃખ કાપવા, આપવા દર્શન દાન ।

હરેફરે હરિ સંઘમાં, વળી બેસે મેડે ભગવાન ।।૧૬।।

મેડા ઉપર મહાપ્રભુ, પળ મેલિને પોઢ્યા ઘડી ।

અજાણે એક જન આવ્યો, મનફર મેડે ચડી ।।૧૭।।

જબકી જીવન જાગિયા, વળી અચાનક ઉઠ્યા હરિ ।

કોણ હતું અમપાસળે, એમ કહીને રીશ કરી ।।૧૮।।

પહેર્યાં હતાં બહુપેરનાં, વળી ઘરેણાં ઘણાં ઘણાં ।

અંગોઅંગ ઓપતાં, સુંદર તે સુવર્ણતણાં ।।૧૯।।

વેઢ વિંટી ને કનક કડાં, પોંચી અંગોઠી ઓપતી ।

બાજુ કાજુ બેરખા વળી, શોભે કાને કુંડળ અતિ ।।૨૦।।

કંઠે હાર તે હેમના, હુલર હીરા સાંકળી ।

અંગોઅંગ આભૂષણ પહેરી, પોઢ્યાતા પોતે વળી ।।૨૧।।

એવા સમામાં ઉઠાડિયા, વળી જાલ્મ નરે જગદીશ ।

તે સારૂં સહુ ઉપરે, મહારાજે કરી રીશ ।।૨૨।।

પછી આભૂષણ ઉતારીયાં, અને ફેંકીયાં ફરતાં વળી ।

અંબર એક અંગે રાખ્યું, બીજાં મેલિયાં સર્વે મળી ।।૨૩।।

કેણે ન જવાય પાસળે, વળી બીક લાગે સહુને ।

જોઇ જીવન રૂઠડા, વળી દુઃખ થયું બહુને ।।૨૪।।

પછી ભાઇ રામદાસજી, ધીરેધીરે પાસે ગયા ।

મહારાજ વસ્ત્ર ઓઢિયે, અમ ઉપર કરી દયા ।।૨૫।।

પછી વસ્ત્ર પહેરીયાં, હસી પ્રભુજી બોલ્યા વળી ।

હતી ઉદાસી અતિ ઘણી, પણ હવે તો સર્વે ટળી ।।૨૬।।

પછી વિપ્ર તેડાવિયા, તમે કરો શીઘ્ર રસોઇ ।

લાખો માણસ જમશે, વળી કેમ રહ્યા છો સોઇ ।।૨૭।।

બ્રાહ્મણ ભેળાણા ઉંઘમાં, સુતા તે સદને સંતાય ।

તે એકોએકને ઉઠાડિયા, પ્રભુ પોતે ઝાલી બાંય ।।૨૮।।

પછી મનમાન્યા મોદક કરી, જમે વાડવ યૂથનાં યૂથ ।

પાર ન આવે પંગત્યનો, વળી મળ્યા વિપ્ર વરૂથ ।।૨૯।।

આપે સીધાં અતિ ઘણાં, માગે સાઠ્ય ત્યાં શત પાંચ ।

કોઇ રીતે સરાજામની, વળી આવે નહિ લેશ આંચ ।।૩૦।।

જેજેકાર તે થઇ રહ્યો, આપે અન્ન તે અતિઘણું ।

ભેટ્ય બાંધી બ્રાહ્મણે, જે જમીયે તે આપણું ।।૩૧।।

પછી થઇ પૂર્ણાહુતિ, યજ્ઞ ર્નિિવઘન થયો ।

બંકાશિર ડંકા દઇ, પ્રૌઢ પ્રતાપ જણાવિયો ।।૩૨।।

પછી વિદ્યા જોઇ વિપ્રની, દીધાં દાન દક્ષિણા ઘણી ।

રાજી કરી વળી વાડવા, વળાવિયા ભુવનભણી ।।૩૩।।

વળી ખરચતાં ખૂટ્યા નહિ, વધ્યા લાડવા લાખો સહિ ।

ગોળ ઘી ને દાળ રસાળ, વળી પિષ્ટનો પાર નહિ ।।૩૪।।

પછી પુછ્યું નાથને, આ મોદકનું કેમ કરીએ ।

આપો ઘરોઘર ગામમાં, એમ હુકમ કીધો હરિએ ।।૩૫।।

પછી માંડ્યા આપવા, ભરીભરી મોદક ટોપલા ।

આલતાં ખુટ્યા નહિ, પોતા લાડવા અતિભલા ।।૩૬।।

વહેંચતાં વધી પડ્યા, તે નાખ્યા જળમાં જંતુને ।

મહારાજે આપી આગન્યા, વળી સાજામાંદા સંતને ।।૩૭।।

પછી સંઘ સર્વેને શીખ આપી, જાઓ સહુ સહુને ઘેર ।

પંચ વરતને પાળજયો, પ્રભુ ભજજયો રૂડિ પેર ।।૩૮।।

પછી પોતે પધારીયા, કરી તે જયજયકાર ।

કરી લીળા ડભાણમાં, અલબેલે અપરમપાર ।।૩૯।।

પોત્યે યજ્ઞ પૂરો કર્યો, પોષસુદી પુન્યમતિથિ ।

તેદિ યજ્ઞ પૂરો થયો, કર્યો યથાયોગ્ય કાંઇક કથી ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્યનિષ્કુળાનંદ મુનિવિરચિતે ભક્તચિંતામણિ મધ્યે ડભાણમાં યજ્ઞની સમાપ્તિ કરી એ નામે ઓગણસાઠમું પ્રકરણમ્ ।।૫૯।।