શ્ર્લોક ૧૮૮-૧૯૬ સાધુના વિશેષ ધર્મ

Submitted by swaminarayanworld on Fri, 08/01/2010 - 10:54am

હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ- અમારે આશ્રિત જે સર્વ સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્‍ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્‍યાગ કરવો તથા સ્‍ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્‍યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા. (૧૮૮)

અને સર્વે જે ઇંદ્રિયો તે જીતવી ને રસના ઇંદ્રિયને તો વિશેષ કરીને જીતવી અને દ્રવ્‍યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઇ બીજા પાસે પણ કરાવવો નહિ. (૧૮૯)

અને કોઇની થાપણ ન રાખવી અને કયારેય પણ ધીરજતાનો ત્‍યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગા બંધિની હોય તો તેને વિષે કયારેય પણ સ્‍ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. (૧૯૦)

અને તે સાધુ તેમણે આપત્‍કાળ પડયા વિના રાત્રિને વિષે સંગસોબત વિના ચાલવું નહિ તથા આપત્‍કાળ પડયા વિના કયારેય પણ એકલા ચાલવું નહિ. (૧૯૧)

અને જે વસ્‍ત્ર બહુ મૂલ્‍યવાળું હોય તથા ચિત્રવિચિત્ર ભાત્‍યનું હોય તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુસાલા હોય ને તે જો બીજાની ઇચ્‍છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તોપણ તે વસ્‍ત્ર પોતાને પહેરવું ઓઢવું નહિ. (૧૯૨)

અને ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્‍થના ઘર પ્રત્‍યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભકિત તે વિના વ્‍યર્થ કાળ નિગમવો નહિ, નિરંતર ભક્તિ કરીને જ કાળ નિગમવો (૧૯૩)

અને જે ગૃહસ્‍થના ઘરને વિષે  રાંધેલ અન્‍નનો પીરનારો પુરુષ જ હોય તથા સ્‍ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઇ રીતે થાય એમ ન હોય (૧૯૪)

તેવી રીતનું જે ગૃહસ્‍થનું ઘર તે પ્રત્‍યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્‍ન માગીને પોતાના હાથે રસોઇ કરવી ને ભગવાનને નૈવેધ ધરીને જમવું. (૧૯પ)

અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જેતે પૃથ્‍વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું (૧૯૬)