શ્યામની છબી રે, સખી શ્યામની છબી (૪)

Submitted by swaminarayanworld on Mon, 23/11/2015 - 6:29pm

ગોડી પદ-૧

શ્યામની છબી રે, સખી શ્યામની છબી,

જોને ફુલડેથી છાઈ, સખી શ્યામની છબી. ટેક૦

ફુલોના તોરાની ફોરે, ભ્રમર કરે ગુંજાર;

અંગોઅંગ હરિને ઓપે, ફુલડાંના શણગાર. શ્યામની૦ ૧

કાનુમ ફુલડાંના કુંડળ, ફુલોના ભુજબંધ;

ફુલતણા ગજરા ફાવે છે, સુંદર માંહી સુગંધ. શ્યામની૦ ૨

ફુલતણો શિર મુગટ જોઈને, મગન ફીરે વ્રજનાર;

ફુલતણી શોભાપર જાયે, બ્રહ્માનંદ બલિહાર. શ્યામની૦ ૩

પદ - ૨

ફુલની માળા રે, શોભે ફુલની માળા

બેની સુંદરવરને શોભે ગળે, ફુલની માળા. ટેક૦

નવલ કલંગી પટકા ઊપર,  તોરે હદ વાળી;

ફુલની પછેડી ઓઢી, ઊભા વનમાળી. ફુલની૦ ૧

ફુલડાંની વૈજયંતી માળા, હરિવરને ફાવે;

એ માળાને જોવા સારુ, ઈન્દ્રાદિક આવે. ફુલની૦ ૨

ફુલ કલંગી માથે લટકે, છબી નૌતમ સારી;

બ્રહ્માનંદ કહે નટવર મૂરતિ, નેણુંમાં ધારી. ફુલની૦ ૩

પદ - ૩

ફુલની બાંધી રે પોચી, ફુલની બાંધી;

હેલી નટવરજીને હાથે, પોચી ફુલની બાંધી. ટેક૦

ફુલતણાં છોગલીયાં ફરતાં, મેલ્યાં મરમાળા;

કાનું ઊપર ફુલડાં ખોસ્યાં લાગે રૂપાળાં. ફુલ૦ ૧

ફુલદડો ઊછાળે વહાલો, લટકે મન લેવા;

એ લટકાંને જોવા આવે, ભવબ્રહ્મા જેવા. ફુલ૦ ૨

ફુલડાંની ટોપી ગુંથીને, પ્રેમે પેરાવી;

બ્રહ્માનંદ કહે એ છબી મેતો, અંતર ઠેરાવી. ફુલ૦ ૩

પદ - ૪

મન મારું મોહ્યું રે આલી, મન મારું મોહ્યું;

એની ફુલડાંની શોભા જોઈને, મન મારું મોહ્યું. ટેક૦

ફુલડાં કેરા ગજરા ધાર્યા સુંદરવર છેલે;

તે ગજરાની ફોરે ભમરા, કેડો નવ મેલે. મન૦ ૧

ફુલડાં કેરા  તોડા પહેર્યા, વ્રજજીવન વાલે;

ભૂધરજી ફુલડાંને ભારે લટકંતા ચાલે. મન૦ ૨

અલબેલાને સર્વે અંગે, ફુલી ફુલવાડી;

બ્રહ્માનંદ કહે એ છબી જોવા, આવીશ હું દાડી. મન૦ ૩

Disqus
Facebook Comments