વિદુર નીતિ અધ્યાય - ૫

Submitted by swaminarayanworld on Sat, 16/01/2016 - 11:15pm

સત્તર મૂર્ખાઓનો નરકવાસ

વિદુર બોલ્યા :- હે રાજેન્દ્ર ! સત્તર પુરૂષોને સ્વાયંભુવ મનુએ આકાશને મુષ્ટિથી પ્રહાર કરનારા કહ્યા છે. હે વિચિત્રવીર્યના પુત્ર ! તેમણે તેમને મેઘમાં રહેલા, ન નમાવી શકાય તેવા ઇન્દ્રધનુષને નમાવનારા અથવા સૂર્ય, ચંદ્ર વગેરેનાં ન ઝલાય તેવા કિરણોને ઝાલનારા કહ્યા છે. (અત્યંતમૂર્ખ) ૧-૨

હે નરેન્દ્ર ! જે ઉપદેશને અયોગ્ય એવાને ઉપદેશ આપનાર, અલ્પ લાભથી સંતોષ માની બેસનાર, પોતાના સ્વાર્થને માટે શત્રુનાં પડખાં સેવનાર, સ્ત્રીઓને સાંચવ્યા કરવામાં કલ્યાણ માનનાર, યાચનાને અયોગ્યની યાચના કરનાર, જે આપબડાઇ હાકે છે, જે સારાકુળમાં જન્મ્યા છતાં અયોગ્ય કાર્ય કરનાર, નિર્બળ હોઇ બળીયા સાથે વેર રાખનાર, અશ્રદ્ધાળુને હિતવચન કહેનાર, જે અનિચ્છનીય વસ્તુની ઇચ્છા રાખનાર, પુત્રવધુની ઠઠ્ઠા મશ્કરી કરનાર સસરો, સસરાની પાસે રક્ષણ મેળવ્યા છતાં તેમની પાસે માન આદિની ઇચ્છા રાખનાર, જે પરસ્ત્રીમાં અથવા પરાયા ખેતરમાં બીજ વાવનાર, સ્ત્રી સાથે હદબહારનો કજીયો કરનાર, જે પોતાને કાંઇ વસ્તુ મળ્યા છતાં મને યાદ નથી એવું કહેનાર, જે વચન આપ્યા છતાં યાચકને વચન મુજબ નહિ આપનાર અને જે દુર્જનને પણ સજ્જન કરી બેસાડે છે. આ સત્તર જણાને હાથમાં પાશ ધારણ કરનારા યમદૂતો નરકમાં લઇ જાય છે. ૩-૬

ધર્મ એટલે શું ?

જે મનુષ્ય જેના પ્રત્યે જેવું વર્તન રાખે, તેના પ્રત્યે તે મનુષ્ય તેવું વર્તન રાખવું, એ ધર્મ છે. કપટી સાથે કપટથી વર્તવું અને સદાચારી સાથે સદાચારથી વર્તવું. ૭

કોણ કોનો નાશ કરે છે ?

ઘડપણ રૂપનો, આશા ધીરજનો, મૃત્યુ પ્રાણોનો, ઇર્ષ્યા ધર્માચરણનો, કામ લજ્જાનો, નીચની સેવા સદ્વર્તનનો, ક્રોધ લક્ષ્મીનો અને અભિમાન સર્વસ્વનો નાશ કરે છે. ૮

ધૃતરાષ્ટ્ર બોલ્યા :- સર્વ વેદોમાં પુરૂષને સો વર્ષના આયુષ્યવાળો કહેલો છે, તો શાથી તે આ લોકમાં સો વર્ષનું પુરું આયુષ્ય ભોગવતો નથી ?૯

આયુષ્ય ઘટવાનું કારણ

વિદુર બોલ્યા :- હે નરપતિ ! તમારું કલ્યાણ થાઓ, મહા અભિમાન, મર્યાદા રહિત ભાષણ, ત્યાગનો અભાવ, ક્રોધ, એકલપેટાપણું અને મિત્રદ્રોહ આ છ તીક્ષ્ણ તલવારો સમાન છે અને તેઓ જ દેહધારીઓના આયુષ્યને કાપી નાખે છે. મનુષ્યોને તેઓ જ મારે છે, મૃત્યુ મારતું નથી. ૧૦-૧૧

કોનો સંગ ન કરવો ?

હે ભારત ! જે મનુષ્ય વિશ્વાસુની સ્ત્રીનો સંગ કરે છે, જે ગુરુપત્ની સાથે ગમન કરે છે, જે બ્રાહ્મણ થઇને શુદ્ર જાતિની સ્ત્રી સાથે સમાગમ કરે છે, જે બ્રાહ્મણ મદિરાપાન કરે, જે મજૂર પાસે મફત કામ કરાવે છે, જે બ્રાહ્મણની આજીવિકાનો નાશ કરે છે, જે બ્રાહ્મણો પાસે દાસપણું કરાવે છે અને શરણે આવેલાને હણે છે, તે સર્વે બ્રહ્મહત્યારા સમાન જાણવા. એમનો સંસર્ગ થાય તો પ્રાયશ્ચિત કરવું. એવી વેદની આજ્ઞા છે. ૧૨-૧૩

સ્વર્ગમાં જનાર

મોટાની આજ્ઞા માનનારો, નીતિવેત્તા, દાતા, પંચયજ્ઞ કર્યા પછી બાકી રહેલું અન્ન જમનાર, કોઇને દુઃખ ન આપનાર, અનર્થકારી કૃત્ય નકરનાર, કરેલા ઉપકારનો યાદ રાખનાર, સત્યનિષ્ઠ અને સૌમ્ય એવો વિદ્વાન સ્વર્ગલોકમાં જાય છે. ૧૪

દુર્લભ માણસ

હે રાજન્‌ ! મીઠું મીઠું બોલનાર પુરુષો તો જ્યાં ત્યાં સદૈવ સહેજે મળી આવે છે, પરંતુ કડવું છતાં હિતકારી કહેનાર અને સાંભળનાર તો દુર્લભ હોય છે. ૧૫

જે પુરૂષ કેવળ ધર્મ તરફ જ દૃષ્ટિ રાખે છે અને પોતાના સ્વામીને પ્રિય લાગશે કે અપ્રિય તેની દરકાર ન રાખતાં તેની અપ્રિય છતાં હિતકારી વચન કહે છે, તે પુરૂષથી જ રાજા સહાયવાન છે. ૧૬

કુળને માટે એક પુરૂષનો ત્યાગ કરવો, ગામને માટે કુળનો ત્યાગ કરવો, દેશને માટે ગામનો ત્યાગ કરવો અને પોતાને માટે પૃથ્વીનો ત્યાગ કરવો. ૧૭

આપત્તિમાં કામ આવે એટલા માટે ધનનું રક્ષણ કરવું, ધનનો ખર્ચ કરીને પણ સ્ત્રીનું રક્ષણ કરવું અને દ્રવ્ય તથા સ્ત્રી બન્ને વડે હમેશાં પોતાનું રક્ષણ કરવું. ૧૮

જુગારનો નિષેધ

દ્યુત એ મનુષ્યોને વેર કરાવનાર છે. એવું પૂર્વકલ્પમાં જોવામાં આવ્યું છે માટે બુદ્ધિમાન મનુષ્યે ગમ્મતને માટે પણ દ્યુત રમવું નહિ. ૧૯

હે પ્રતીપવંશી રાજા ! દ્યુત રમતી વખતે પણ આ યોગ્ય નથી, એવું વચન મેં કહ્યું હતું, પરંતુ હે વિચિત્રિવીર્યના પુત્ર ! જેમ મરવાની તૈયારીવાળાને પથ્ય ઔષધ ન રુચે, તેમ તમને તે મારૂં પથ્યવચન રૂચ્યું નહિ. ૨૦

હિત વચન

તમે કાગળા જેવા કૌરવો વડે વિચિત્ર પીંછાંવાળા મયૂરરૂપી પાંડવોને હરાવવા ઇચ્છો છો, પણ હે નરેન્દ્ર ! આતો તમે સિંહોને છોડીને શિયાળોને સંઘરી રહ્યા છો. એટલે સમય આવ્યે તમારે આંસુ જ પાડવા પડશે. ૨૧

હે તાત ! જે સ્વામી પોતાના હિતમાં પરાયણ એવા ભક્ત સેવક ઉપર કદી ક્રોધ કરતો નથી, તે સ્વામી ઉપર સેવકોને સદૈવ વિશ્વાસ રહે છે અને આપત્કાળે પણ તેઓ તેને ત્યજી જતા નથી. પોતાના સેવકોની આજીવિકા અટકાવીને નવું રાજ્ય અથવા ધન મેળવવાની ઇચ્છા કરવી નહિ, કારણ કે એ રીતે છેતરાયેલા અમાત્યો પ્રીતીવાળા હોય તો પણ આજીવિકા વિનાના થવાથી વિરુદ્ધ થઇને પોતાના સ્વામીનો ત્યાગ કરે છે. ૨૨-૨૩

આથી પ્રથમ પોતાના સર્વ કાર્યોની સાધ્યતા તથા અસાધ્યતા વિશે નિર્ણય કરવો, તેમજ આવક જાવકને અનુલક્ષીને સેવકો માટે પગારની ગોઠવણ કરવી, એ પછી યોગ્ય સહાયકોનો સંગ્રહ કરવો, કારણ કે દુષ્કર કાર્યો સહાયથી જ સાધ્ય થાય છે, જે સેવક પોતાના સ્વામીનો અભિપ્રાય સમજીને સર્વ કાર્યો આળસ રહિત થઇને કરે છે, જે હિતકારી વચન કહે છે, જે પ્રેમ રાખે છે, જે પોતાની શક્તિને જાણે છે અને જે ઉત્તમ આચરણ રાખે છે, તેને સ્વામીએ પોતાના જેવો સમજીને તેના ઉપર અનુગ્રહ કરવો. ૨૪-૨૫

જે સેવક કહેલાં વચનોનો અનાદર કરે છે, કામ કરવાનું કહેતાં ઊલટો ઉત્તર આપે છે, પોતાની બુદ્ધિને માટે અભિમાની રહે છે અને આજ્ઞાથી વિરુદ્ધ બોલે છે, તેવા સેવકને એકદમ કાઢી મૂકવો. ૨૬

દૂત કેવો જોઇએ ?

ગર્વ રહિત, સામર્થ્યવાન, સીઘ્ર કામ કરનાર, દયાળુ, મીઠા સ્વભાવનો, બીજાથી ન ફુટી જનારો, નિરોગી અને યુક્તિ ભરેલું તથા મહાન અર્થવાળું બોલનારો, એ આઠ ગુણોથી જે સંપન્ન હોય તેને દૂત કહે છે. ૨૭

સામાન્ય નીતિ

સમજુ મનુષ્યે સાયંકાળ જેવા કસમયે અવિશ્વાસપાત્રને ઘેર વિશ્વાસ પૂર્વક જવું નહિ, રાતે ચકલામાં છુપાઇ રહેવું નહિ અને રાજાની કામનાપાત્ર સ્ત્રીને ભોગવવાની ઇચ્છા કરવી નહિ, ઘણાએ મળીને જે મસલત કરી હોય તે ખરાબ હોય તો પણ તેનો નિષેધ કરવો નહિ, તેમ જ મને તારામાં વિશ્વાસ નથી, એમ પણ કહેવું નહિ, પરંતુ કંઇ સકારણ કામનું બહાનું કાઢીને ત્યાંથી દૂર થઇ જવું. ૨૮-૨૯

લજ્જાશીલ રાજા, વ્યભિચારીણી સ્ત્રી, રાજસેવક, પુત્ર, ભાઇ, બાળક, પુત્રવાળી માતા, વિધવા, સેનાપતિ અને અધિકાર ઉપરથી દૂર કરેલો મનુષ્ય એટલાની સાથે દ્રવ્ય વ્યવહારનો સંબંધ રાખવો નહિ. ૩૦

બુદ્ધિ, કુલિનતા, શાસ્ત્રજ્ઞાન, ઇન્દ્રિયનિગ્રહ, પરાક્રમ, અલ્પ ભાષણ, યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા આ આઠ ગુણો પુરૂષને દીપાવે છે. ૩૧

હે તાત ! એ મહાન ગુણોને પણ એક રાજસન્માનરૂપી ગુણ દીપાવે છે. રાજા કોઇ મનુષ્યનો સત્કાર કરે છે, તો તે મનુષ્યમાં બીજા ગુણો ન હોય તો પણ રાજસન્માનરૂપી એક ગુણ ઉપલા સર્વ ગુણોને પોષે છે. ૩૨

દસ લાભ

સ્નાન કરનારા મનુષ્યને બળ, રૂપ, સ્વરશુદ્ધિ, સ્પષ્ટ વર્ણોચ્ચાર, ત્વચાની કોમળતા, સુગંધ, પવિત્રતા, શોભા, લાવણ્ય અને ઉત્તમ સ્ત્રીઓ, આ દસ ગુણો પ્રાપ્ત થાય છે. ૩૩

છ લાભ

માપસર ભોજન કરનાર મનુષ્યને આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, સારી સંતતિ અને ખાઉધરાપણાની નિંદાથી બચાવ આ છ લાભ પ્રાપ્ત થાય છે. ૩૪

કોને ઘરમાં આવવા દેવો નહિ ?

આળસુ, બહુ ભોજન કરનાર, લોકને અણગમતો, મહાકપટી, ક્રુર, દેશકાળને ન જાણનાર અને ખરાબ વેશવાળો આટલા જણને ઘરમાં વાસ આપવો નહિ. ૩૫

કોની યાચના કરવી નહિ ?

કંઠે પ્રાણ આવ્યા હોય તો પણ કંજુસ, ગાળ ભાંડનાર, મૂર્ખ, માછી, ધૂર્ત, હલકાને માન આપનાર, નિર્દય, વેર કર્તા અને કૃતઘ્ની એટલાની પાસે કદી યાચના કરવી નહિ. ૩૬

બંડખોર, અતિ પ્રમાદી, નિત્ય ખોટું બોલનાર, સાધારણ ભક્તિવાળો, સ્નેહ છોડી દેનાર અને પોતાને ચતુર માનનાર આ છ અધમ પુરુષોને સેવવા નહિ. ૩૭

સામાન્ય ઉપદેશ

સહાયકો હોવાથી ધન મળે છે અને ધનથી સહાયકો મળે છે. એ બન્ને એકબીજાનો આશ્રય કરીને રહેલા છે, તેથી તેમાંના એક વિના બીજાની સિદ્ધિ થતી નથી. ૩૮

પુત્રોને ઉત્પન્ન કરી તેમને ઋણ વિનાના કરીને, તેમ જ તેમને કંઇક આજીવિકા કરી આપીને અને સર્વ કુમારી પુત્રીઓને યોગ્ય ઠેકાણે પરણાવીને પછી અરણ્યમાં રહીને મુનિ થવાની ઇચ્છા કરવી. ૩૯

જે કર્મ સર્વ પ્રાણીઓને હિતકારી હોય અને પોતાને સુખકારક હોય, તે કર્મ ઇશ્વર અર્પણ બુદ્ધિથી કરવું, કારણ કે સર્વ ફળની સિદ્ધિને માટે એ પ્રકારનાં કર્મ જ મૂળ સાધનરૂપ છે. ૪૦

ધનાદિની વૃદ્ધિ, પ્રભાવ, તેજ, ધર્મ તથા જ્ઞાનના ઐશ્વર્યરૂપ સત્ત્વ, ઉદ્યોગ અને નિશ્ચય, આટલું જેને હોય તેને જીવિકાના અભાવનો ભય ક્યાંથી હોય ? ૪૧

હે રાજા ! પાંડવોની સાથે વિરોધ કરવામાં કેટલા દોષો છે, તે તમે જુઓ, એ વિરોધ છતાં ઇન્દ્ર સહિત સર્વે દેવો વ્યથા પામશે, પુત્રો સાથે વેર થશે, નિત્ય ચિંતાતુર રહેવું પડશે, યશ નાશ પામશે અને શત્રુઓ હર્ષ પામશે. હે ઇન્દ્ર તુલ્ય રાજા ! ભીષ્મનો, તમારો, દ્રોણનો અને યુધિષ્ઠિરરાજનો કોપ વૃદ્ધિ પામશે, તો તે આકાશમાં આડા ઊગતા ધૂમકેતુની પેઠે આ લોકોનો નાશ કરશે. ૪૨-૪૩

શાન્તિનું ફળ

પણ તમે આ વિરોધ શાંત કરો તો તમારા સો પુત્રો, કર્ણ અને પાંચ પાંડવો આ સમુદ્ર પર્યંતની આખી પૃથ્વીનું રાજ્ય કરશે. હે રાજન્‌ ! મારા મત પ્રમાણે ધૃતરાષ્ટ્રપુત્રો વનરૂપ છે અને પાંડવો તેમાના વાઘ છે. માટે તમે વાઘ સાથે વનનો નાશ કરશો નહિ અને વનમાંથી વાઘનો નાશ થાઓ નહિ.૪૪-૪૫

વાઘ વિના વન રહેતું નથી અને વન વિના વાઘો રહેતા નથી, કારણ કે વાઘોથી વનનું રક્ષણ થાય છે અને વન વાઘોનું રક્ષણ કરે છે. ૪૬

દુષ્ટબુદ્ધિવાળા લોકો બીજાના દોષો જોવાની જેવી ઇચ્છા રાખે છે, તેવી તેઓના ઉત્તમ ગુણો જાણવાની ઇચ્છા રાખતા નથી. ૪૭

ધનનું મૂળ ધર્મ છે

જેને ઘણું ધન મેળવવાની ઇચ્છા હોય, તેણે પ્રથમથી જ ધર્માચરણ કરવું, કારણ કે જેમ અમૃત સ્વર્ગલોકમાંથી દૂર થતું નથી, તેમ ધન ધર્મથી દૂર થતું નથી. ૪૮

જેણે પાપથી દૂર થયેલા પોતાના મનને કલ્યાણમાં જોડ્યું છે તેણે પ્રકૃતિ (માયા) તથા વિકૃતિ (મહત્તત્ત્વાદિ) એટલું કે સારૂં નરસું સર્વ જાણ્યું છે. જે મનુષ્ય ધર્મ, અર્થ તથા કામનું યથા સમયે સેવન કરે છે, તેને આલોકમાં તથા પરલોકમાં ધર્મ, અર્થ અને કામનો સંબંધ પ્રાપ્ત થાય છે. ૪૯-૫૦

હે રાજા ! જે મનુષ્ય ક્રોધ તથા હર્ષથી ઉપજેલા વેગને સારી પેઠે કબજે રાખે છે અને જે સંકટમાં મુંઝાતો નથી, તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૫૧

પાંચ પ્રકારનાં બળ

પુરૂષોનું બળ નિત્ય પાંચ પ્રકારનું છે. તે તમે મારી પાસેથી સાંભળો. જે બાહુબળ છે, તે તો હલકું બળ કહેવાય છે, તમારૂં કલ્યાણ થાઓ, અમાત્યનો લાભ એ બીજું બળ કહેવાય છે, વિદ્વાનો ધનલાભને ત્રીજું બળ કહે છે. ૫૨-૫૩

હે રાજન્‌ ! મનુષ્યનું બાપદાદાથી ચાલતું આવેલું જે સ્વાભાવિક કુળબળ છે, તેને ચોથું બળ કહેલું છે, હે ભારત ! એ સર્વ બળનો જેમાં સમાવેશ થાય છે અને જે સર્વ બળમાં શ્રેષ્ઠ છે તે બુદ્ધિબળ કહેવાય છે. ૫૪-૫૫

મહા અનિષ્ઠ કરવા સમર્થ હોય, એવા મનુષ્યની સાથે વેર કરીને હું તેનાથી દૂર છું, એમ વિશ્વાસ કરવો નહિ. સ્ત્રી, રાજા, સર્પ, વેદાધ્યયન, સમર્થ શત્રુ, વૈભવ અને આયુષ્ય એટલાનો વિશ્વાસ કયો ડાહ્યો મનુષ્ય કરે ?૫૬-૫૭

બુદ્ધિરૂપી બાણથી હણાયેલા પ્રાણીને સાજો કરવા વૈદ્યો, ઔષધો, હોમ, મંત્રો, પુણ્યકર્મો, અથર્વવેદના પ્રયોગો અથવા સિદ્ધ રસાયણો પણ સમર્થ થતાં નથી. હે ભારત ! સર્પ, અગ્નિ, સિંહ અને જ્ઞાતિ એ ચારનું મનુષ્યે અપમાન કરવું નહિ, કારણ કે એ સર્વે અતિ તેજસ્વી હોય છે. ૫૮-૫૯

સ્વતેજનો પ્રતાપ

લોકમાં અગ્નિરૂપ મહાન તેજ કાષ્ટમાં ગુપ્ત રહે છે, તે બીજાએ ચેતવ્યું ન હોય ત્યાં સુધી પોતાના રહેવાના કાષ્ઠને પણ બાળતું નથી. પરંતુ તેને જ જ્યારે લાકડાંઓનું મંથન કરીને ચેતાવવામાં આવે છે. ત્યારે તે પોતાના તેજ વડે પેલાં લાકડાંને તથા બીજાં વનને પણ સપાટાબંધ બાળીને ભસ્મ કરી નાખે છે. ૬૦-૬૧

એ પ્રમાણે જ ઉત્તમ કુળમાં જન્મેલા પાંડવો અગ્નિ જેવા તેજસ્વી છે, ક્ષમાશીલ છે અને બહારથી પોતાનો આકાર ઢાંકીને કાષ્ઠમાં રહેનારા અગ્નિની પેઠે રહ્યા છે. ૬૨

સંપ ત્યાં જંપ

મારા માનવા પ્રમાણે તમે પુત્રો સહિત લતારૂપ છો અને પાંડવો મહા વૃક્ષરૂપ છે. મહાવૃક્ષનો આશ્રય કર્યા વિના લતા કદી વૃદ્ધિ પામતી નથી. ૬૩

હે અંબિકાપુત્ર ! તમારો પુત્ર વનને ઠેકાણે છે. અને પાંડવો તે વનમાં રહેલા સિંહ છે. હે રાજન્‌ ! આ તમે જાણો. હે તાત ! સિંહ વિનાનું વન વિનાશ જ પામે છે અને વન વિનાના સિંહો પણ વિનાશ પામે છે. ૬૪

ઇતિ શ્રીમહાભારતે ઉદ્યોગપર્વ અંતર્ગત પ્રજાગરપર્વમાં વિદુરનીતિવાક્યનો પંચમઃ અધ્યાયઃ ।।૫।।