જેતલપુર ૪ : અખંડ સ્મૃતિ તથા ઉત્તમ ભક્તની સેવા કરે તોપણ મોક્ષ થાય

Submitted by swaminarayanworld on Sun, 17/01/2016 - 5:27pm

જેતલપુર ૪ : અખંડ સ્મૃતિ તથા ઉત્તમ ભક્તની સેવા કરે તોપણ મોક્ષ થાય.

સંવત્‌ ૧૮૮૨ના ચૈત્ર શુદી ૬ છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મોહોલને વિષે દક્ષિણાદા ગોખને વિષે ગાદીતકીયાનું ઉઠીગણ દઇને વિરાજમાન હતા, ને મસ્તકને ઉપર પુષ્પનો ખુંપ તેણે યુક્ત શ્વેત પાઘ શોભતી હતી, ને શ્વેત પુષ્પની પછેડી ઓઢી હતી, ને કેસરચંદને કરીને સર્વ અંગ ચર્ચ્યાં હતાં, ને શ્વેત હિરકોરી ખેસ પહેર્યો હતો, ને કંઠને વિષે ગુલદાવદીના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ સર્વસભા પ્રત્યે એમ બોલ્યા જે, ‘‘આ લોકને વિષે જીવનું કલ્યાણ તો એટલા વડે જ છે જે, પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય ને તેમનાં દર્શન ને તેમની અખંડ સ્મૃતિ તેણે કરીને થાય છે, કાં જે ભાગવતમાં એમ કહ્યું છે જે, કંસ, શિશુપાલ, દંતવક્ર આદિક જે નિંદાના કરનારા તેને ભગવાનની અખંડ સ્મૃતિ રહી તેણે કરીને તેમનું કલ્યાણ થયું છે. માટે ભગવાનની નિરંતરજે સ્મૃતિ તેણે કરીને કલ્યાણ થાય છે, એવી જે સ્મૃતિ તે તમારે સર્વેને છે, માટે તમારૂં કલ્યાણ થઇ જ રહ્યું છે તો પણ મારી બાંધેલી જે ધર્મમર્યાદા તેને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી તમારે સર્વ પ્રકારે પાળવી. ત્યારે તમે કહેશો જે ભગવાન તો મળ્યા છે ને તેની સ્મૃતિ પણ નિરંતર રહે છે તેને વર્તમાન પાળ્યાનું શું પ્રયોજન છે ? તો તેનું તો એમ છે જે, એક તો વર્તમાન દઢ રાખે છે, ને એક તો વર્તમાનમાં કસરવાળો છે, તે બેમાં ફેર કેટલો છે તે કહીએ છીએ જે, સ્મૃતિ તો બેયને છે, પણ જે નિયમ ધર્મે રહિત છે તે તો પોતાનુંજ કલ્યાણ કરે છે, પણ એનાથી બીજા જીવનું કલ્યાણ થાય નહિ, ને તે એકાંતિક ભક્ત પણ ન થાય. ને તે ભગવાનના નિર્ગુણ ધામને પણ ન પામે, ને જન્મ મરણથી રહિત તો થાય, ને તેથી સત્સંગમાં પણ ન બેસાય અને તમે તો સર્વે ઉત્તમ ભક્ત છો, તે ધર્મનિયમે યુક્ત એવા જે તમ જેવા સાધુ તેની તો વાત જ નોખી છે, તે હેતુ માટે તમને જે કોઇ ભાવે કરીને જમાડશે તેને કોટિ યજ્ઞનું પુણ્ય થશે ને તે અંતે મોક્ષને પામશે. અને તમારા ચરણનો જે કોઇ સ્પર્શ કરશે તેનાં કોટિ જન્મનાં પાપ નાશ પામશે ને તમને ભાવેકરીને વસ્ત્ર ઓઢાડશે તેનું પણ કલ્યાણ થશે. ને તમે જે જે નદી તળાવને વિષે પગ બોળો છો તે તે સર્વ તીર્થરૂપ થાય છે. અને તમે જેજે વૃક્ષતળે બેઠા હો ને જે જે વૃક્ષનું ફળ જમ્યા હો તે તે સર્વનું રૂડુંજ થાય છે, ને તમારાં કોઇક ભાવે કરીને દર્શન કરે છે. કોઇક તમનેભાવે કરીને નમસ્કાર કરે છે તેનાં સર્વ પાપનો ક્ષય થાય છે. ને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઇકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. ઇત્યાદિક ધર્મ નિયમવાળા તમારા જેવા સંતની સર્વે ક્રિયા કલ્યાણરૂપ છે. કેમ જે જે પ્રત્યક્ષ શ્રીનરનારાયણ ઋષિનો તમારે દૃઢ આશરો છે ને તે શ્રી નરનારાયણ ઋષિ તમારી સભામાં નિરંતર બીરાજે છે. એ બે વાતનો એ ઉત્તર છે. અને વળી તમે કહેશો જે, ભગવાનનો દૃઢ આશરો છે ને માયિકગુણ કેમ વ્યાપે છે ? તો તે કહીએ જે ષડૂર્મિએ રહિત નેમાયિક ગુણે રહિત સર્વેને કરવા તેમાં તો કાંઇ વાર નથી અને અસંખ્ય જન્મની સ્મૃતિ થઇ આવે ને અનંત બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિક ક્રિયાને કરે એવા સર્વેને કરવા તેમાં તો કાંઇ વાર નથી. પણ અમારી ઇચ્છાએ કરીને એમ તમને રાખ્યા છે. ને તમારા સામર્થ્યને રૂંધિરાખ્યું છે તે પ્રત્યક્ષ ભગવાનના સુખની પ્રાપ્તિને અર્થે છે ને શ્રીપુરૂષોત્તમ તે જે તે આજ તમને સર્વને શ્રીનરનારાયણ ઋષિ રૂપ થઇને પ્રગટ મળ્યા છે. માટે નિઃસંશય થઇને આનંદમાં ભજન કરજો’’ એમ કહીને શ્રીજીમહારાજ મૌન રહ્યા.

તે સમે આશજીભાઇએ શ્રીજીમહારાજને પ્રશ્ન પુછ્યો જે, ‘‘હે મહારાજ ! વૈરભાવે કરીને જે કલ્યાણ થાય છે તે કેમ થાય છે તે કહો ?’’ પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા જે, ‘‘દ્રુપદરાજા હતો તેને દ્રૌપદી જે પોતાની પુત્રી તેને પરણાવવાં હતાં તે સારૂં સ્વયંવર રચ્યો હતો ત્યાં રાજા માત્રને તેડાવ્યા હતા અને દ્રોણાચાર્ય પણ આવ્યા હતા અને પાંડવ પણ આવ્યા હતા. પછી બીજા સર્વે રાજાએ મળીને મત્સ્ય વેંધવા માંડ્યો પણ કોઇથી મત્સ્ય ન વેંધાયો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું જે, હું મત્સ્ય વેંધું એમ કહીને યુધિષ્ઠિરે સુરત બાંધી ત્યારે દ્રોણાચાર્યે કહ્યું જે, આ સભા દેખાય છે ? ત્યારે કહ્યું જે દેખાય છે અને વળી કહ્યું જે તમારૂં શરીર દેખાય છે ? ત્યારે કહ્યું જેદેખાય છે. ત્યારે દ્રોણાચાર્ય કહ્યું જે તમથી મત્સ્ય નહી વેંધાય. એવી રીતે ચાર ભાઇ થકી મત્સ્ય ન વેંધાણો ત્યારપછી અર્જુને ઉઠીને ધનુષ્ય લઇને સુરત બાંધી ત્યારે દ્રોણાચાર્યે પુછ્યું જે આ સભાને દેખો છો ? ત્યારે અર્જુને કહ્યું જે સભાને તો નથી દેખતો ને મત્સ્યને પણ નથી દેખતો અને મત્સ્ય ઉપર જે પક્ષી છે તેને દેખું છું ત્યારે દ્રોણાચાર્યે કહ્યું જે, એની માથા સામી સુરત રાખો ત્યારે અર્જુને સુરત બાંધીને કહ્યું જે, પક્ષીને નથી દેખતો ને એકલું મત્સ્ય દેખું છું ત્યારે વળી દ્રોણાચાર્યે કહ્યું જે, હવે ઘા કરો. ત્યારે અર્જુન મત્સ્યના મસ્તકને વેંધતા હવા. એવી રીતે સર્વે વૃત્તિઓનો એક ભગવાનના સ્વરૂપને વિષે નિરોધ થાય ત્યારે તે વૈરભાવે કરીને મુક્તિ થાય છે. જેમ શિશુપાલ તથા કંસ એ આદિકની શ્રીકૃષ્ણના સ્વરૂપને વિષે તદાકાર વૃત્તિઓ થઇ ગઇ હતી. ત્યારે કલ્યાણ થયું એવી રીતનોદ્રોહ જો ન આવડે તો તે દ્રોહનો કરનારો નારકી થાય છે. અને તે કરતાં ભગવાનની ભક્તિ કરવી તે સુલભ છે. અને દ્રોહ બુદ્ધિ રાખીને ભજે તેનું અસુર એવું નામ કયારેય મટે જ નહિ, ને તે ભક્ત પણ કહેવાય જ નહિ. માટે અસુરની રીત મેલીને જેનેધ્રુવ, પ્રહ્લાદ, નારદ, સનકાદિકની પંક્તિમાં ભળવું હોય તેને તો ભક્તિએ કરીને જ ભગવાનને ભજવા તે અતિ શ્રેષ્ઠ છે.’’એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરી, તેને સાંભળીને સર્વે પરમ આનંદને પામતા હવા.

ઇતિ વચનામૃતમ્‌ જેતલપુરનું  ।।૪।। ૨૩૩ ।।

Friday, 13th April, 1826

નોંધ – આ વચનામૃતનો સમાવેશ વડતાલ દેશની આવૃતિમાં નથી.