૭૪ ગઢડા, શ્રીનગરમાં મૂર્તિપ્રતિષ્ઠાની દેશોદેશ કંકોતરીઓ લખી કૃષ્ણાનંદ ને વૈષ્ણવાનંદ સન્યાસીની વાત, ત્યાંથી ઝીંઝાવદર પધાર્યા.

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 4:52pm

અધ્યાય ૭૪

ત્યાર પછી ગામ મછીઆવથી મહારાજ ચાલ્યા માર્ગમાં હરિભક્તોનાં ગામ આવ્યાં ત્યાં પોતાના અનન્ય સત્સંગીઓને દર્શન દેતા અને હરિભક્તોના મનોરથને પૂર્ણ કરતા થકા ગામ ગઢડે ગયા. ત્યાં મંદિરમાં ઉતારો મેલીને પોતાના અક્ષર મહોલમાં ઢોલીયા ઉપર વિરાજમાન થયા. જીવુબા આદિક ભક્તજનોએ ભારે ભારે થાળ કરીને મહારાજને જમાડ્યા. જમીને હસ્ત ધોઇને, જલપાન કરીને અક્ષર ઓરડીએ ઢોલીયા ઉપર વિરાજમાન થયા. તે સમયે નિત્યાનંદ સ્વામી આદિક સંત મંડળોએ આવીને મહારાજને દંડવત્‌ કર્યા. ત્યારે મહારાજ ઊઠીને તે સંતોને મળ્યા. પછી ઢોલીયા ઉપર વિરાજ્યા, તે સમયે ઝાલાવાડના સત્સંગીઓની ખબર પૂછી. બાઇઓ પાસે બીરંજની રસોઇ સંતો સારુ કરાવી. પછી પોતે પીરસવા પધાર્યા. તે ડંકા ભરી ભરીને સંતોને પીરસતા જાય અને તાણ કરતા જાય. એવી રીતે સંતોને જમાડીને પછી સાકર અને દૂધ તે પણ તાણ કરી કરીને જમાડ્યાં.

પછી પાર્ષદ પાસે હાથ ધોવરાવ્યા. અને સંતો પણ જમીને ચળુ કરીને ઊઠ્યા. મહારાજે પોતે મુખવાસ જમીને તે પ્રસાદીનો મુખવાસ સંતોને આપ્યો. પછી મહારાજ સભામાં વિરાજમાન થયા. પછી સંતો પાસે કથા કરાવી. ત્યાર પછી કીર્તન ગવરાવ્યાં. ત્યાર પછી રાત્રિએ પોઢવા માટે પધાર્યા. પછી સવારે વહેલા જાગીને નિત્યવિધિ કરીને સભામાં કથા વાંચવા લાગ્યા. પછી કથાની સમાપ્તિ કરીને. થાળ જમવા બિરાજ્યા. અને સંતોને પણ જમવા તેડાવ્યા. ત્યારે મહારાજ જમીને ચળુ કરીને મુખવાસ લઇને ધોતિયાંની પલવટ વાળીને સંતોને હરિસો પીરસવા માંડ્યા. અને તે ઉપર નાના પ્રકારનાં જે વંતાક, વાલોળ આદિક જે શાક તેને બ્રહ્મચારી પીરસતા જાય એવી રીતે મહારાજે સંતોને તાણ કરીને જમાડ્યા. અને પોતે ઉતારે આવ્યા. ત્યાં ઘડીક પોઢીને પછી જાગ્યા. પછી જલપાન કરીને તથા વસ્ત્ર પહેરીને ચાખડીએ ચઢીને ચાલ્યા તે ઉગમણાબારની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજ્યા. ત્યાં સંતોને તેડાવ્યા અને કહેવરાવ્યું જે વાજાં લેતા આવજો.

પછી સંતો આવીને પગે લાગીને બેઠા અને વાજાં લઇને ગાવા લાગ્યા તે ભેળા મહારાજ પણ ચપટી વગાડતા જાય અને ઘેરે સાદે કરીને ગાતા જાય. એવી રીતે ગાવણું કરાવ્યું. પછી આરતી-ધુન્ય બોલીને સંતો પગે લાગીને બેઠા. અને મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં જઇને પલંગ ઉપર પોઢ્યા અને સંત પણ સૌ સૌને આસને જઇને શયન કરી ગયા.

પછી સવારમાં વહેલા ઊઠીને સર્વે સ્નાન વિધિ કર્યા પછી નિત્યવિધિ કરી લીધી. પછી શ્રીજી મહારાજ વાસંતી વસ્ત્રો પહેરીને ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજ્યા. પછી સંતમંડળ વાજાં લઇને ગાવા લાગ્યા. પછી મહારાજ પાસે આવીને વચ્ચે એક કળશ મેલ્યો. પછી મહારાજને પગે લાગીને વસંતી કીર્તન ગાવા લાગ્યા. પછી તે સમયમાં મહારાજ સંત ઉપર રંગ-ગુલાલ નાખતા જાય અને સંતમંડળ પણ મહારાજ ઉપર રંગ-ગુલાલ નાખે. તે સમયે આંબાનાં બુરો જે કળશ ઉપર હતાં તેને જોઇને મહારાજ બહુ રાજી થયા અને નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરી જે, અમારી બેઠક છે તેની પૂર્વબાજુ આંબા વવડાવજો.

પછી સંતો મહારાજ ઉપર રંગ તથા ગુલાલ નાખવા માંડ્યા. તે વખતે મહારાજ પણ સંતો અને સત્સંગીઓ ઉપર રંગ અને ગુલાલ નાખતા જાય અને તે વખતે વાજિંત્રનો એક તાર ધ્વનિ થઇ રહ્યો હતો અને મહારાજ પડકાર કરતા જાય અને રમુજ કરતા જાય. પછી પાર્ષદને કહ્યું જે, ઘોડી લાવો. ત્યારે તેણે ઘોડી લાવી આપી. તે ઉપર સવાર થઇને ઊભી બજારે ચાલ્યા જાય અને ગુલાલ ઉડાડતા જાય અને પ્રેમાનંદ સ્વામી આદિ સંતો વાજિંત્ર લઇને વસંતનાં કીર્તન બોલતા જાય અને આગળ વાજીંત્રોના વગાડનારા તે પણ ઢોલ અને શરણાઇઓ વગાડતા જાય. એવી રીતે ઉન્મત ગંગામાં ખીજડા વાળે આરે સ્નાન કરવા પધાર્યા અને ત્યાં ઘોડીએથી ઉતરીને પછી પહેરેલાં વસ્ત્રો ઉતારીને જળના પ્રવાહ મધ્યે સ્નાન કરવા લાગ્યા. અને સર્વે સંતો તથા હરિભક્તો મહારાજને હેઠવાસ સ્નાન કરવા બેઠા. તે સમયમાં સર્વે ધામોના મુક્તો પણ મહારાજની આજ્ઞાથી આવેલા હતા તેમણે પણ મહારાજનાં દર્શન કરીને ત્યાં સ્નાન કર્યું. પછી મહારાજ નાહીને કોરાં વસ્ત્રથી અંગ લૂછીને ભારે પોષાક હતો તે પહેર્યો. અને પુષ્પના હારો હતા તે પણ પહેર્યા. તેમજ પુષ્પના બાજુબંધ બાંધ્યા, અને પુષ્પના તોરા પાઘ ઉપર ધારણ કર્યા. તથા પુષ્પના ગુચ્છ કર્ણ ઉપર ધારણ કર્યા. અને ઘોડી ઉપર સ્વાર થઇને ગાજતે વાજતે ચાલ્યા તે દાદાખાચરના દરબારમાં ઘોડી ઉપરથી ઉતરીને અક્ષર ઓરડીએ પધાર્યા અને ત્યાં પોતાનો પોષાક ઉતારીને થાળ જમવા બિરાજ્યા.

પછી થાળ જમીને ચળુ કરીને મુખવાસ લઇને જ્યાં ઓરડાની ઓસરીએ સંતોની પંક્તિ થઇ હતી ત્યાં પીરસવા પધાર્યા. તે મોતૈયા લાડુ આદિ પકવાન પીરસતા જાય અને તાણ કરતા જાય. પછી સંતોને જમાડી અને પોતે જળ લઇને હાથ ધોયા. ત્યાર પછી પોતાને ઉતારે પલંગ ઉપર પોઢ્યા. પછી જાગીને જલપાન કરીને બહિર્ભૂમિ જઇ આવ્યા અને હાથ ધોઇને ગરમ પાણીથી સ્નાન કરીને અંગ લૂછીને બીજાં વસ્ત્રો પહેરીને ત્યાંથી ઓરડાની ઓસરીએ આવીને ઢોલિયા ઉપર બિરાજ્યા. પછી સર્વે સંતો મહારાજને પગે લાગીને બેઠા. તે સમયે કૃષ્ણાનંદ સંન્યાસી તથા વૈષ્ણવાનંદ સંન્યાસી એ બે જણ નર્મદા નદીએ જઇને પોતાના સંન્યાસનો ત્યાગ કરીને મહારાજ પાસે આવ્યા અને દંડવત કર્યા.

પછી મહારાજ ઊભા થઇને તેમને મળ્યા અને ખબર પૂછ્યા જે તમે આમ કેમ કર્યું ? ત્યારે તે બન્ને જણ બોલ્યા જે, હે મહારાજ ! જે તમારી પ્રસાદી માટે શિવજીએ પણ પાર્વતીનો શાપ ગ્રહણ કર્યો હતો અને વળી જે પ્રસાદી માટે બ્રહ્મા પણ માછલું થયા હતા અને અમોએ જે પ્રસાદીની ઇચ્છાથી સંસારનો ત્યાગ કરીને ભેખ લીધો છે એવી તમારી પ્રસાદી જો ન લેવાય અને વળી તમો વારંવાર સંતોની પંકિતમાં પીરસો છો તે પણ ન જમાય ત્યારે ભેખ લઇને શું કમાણા ? તે સાંભળીને મહારાજે કહ્યું જે હવે આજથી આપણે સંન્યાસી નહીં કરીએ. કારણ જે કળિયુગમાં સંન્યાસ આશ્રમ નિષેધ છે.

વળી ગૃહસ્થને ઘેર સંન્યાસીને એકલું જવાનું થાય અને ત્યાં બાઇઓનો પ્રસંગ થાય. માટે બ્રહ્મચારી આશ્રમ ઠીક છે. આટલી વાત કરીને મહારાજ ઉતારે પધાર્યા અને વસ્ત્રો ઉતારીને થાળ જમવા પધાર્યા. તે થાળ જમીને કૃષ્ણાનંદજી તથા વૈષ્ણવાનંદજીને પ્રસાદીનો થાળ આપ્યો. અને તેઓ જમવા બેઠા. મહારાજે તેને હેતે સહિત પોતાને હાથે જમાડ્યા. પછી હાથ ધોઇને ઢોલિયે બિરાજ્યા.

પછી ગુજરાતથી હરિભક્તોનો સંઘ આવ્યો ; તેને ઉતારા અપાવીને પોઢ્યા. પછી વહેલા જાગીને વતું કરાવ્યું. પછી સ્નાન કરી વસ્ત્રો પહેરીને બેઠા. તે સમયે અમદાવાદથી આનંદ સ્વામીનો કાગળ આવ્યો તે શુકમુનિ પાસે વંચાવ્યો. તેમાં લખેલું હતું જે મંદિર કરાવવાની તમોએ આજ્ઞા કરેલી હતી તે મંદિર તૈયાર થયું છે. અને નરનારાયણદેવની મૂર્તિઓ પણ તૈયાર થઇ રહેલ છે. અને સંવત્‌ ૧૮૭૮ના ફાગણ શુદ ૩ ત્રીજનું મુહૂર્ત મૂર્તિઓ પધરાવવાનું છે. માટે અહીં મુક્તાનંદ સ્વામી આદિક સદ્‌ગુરુઓને મોકલાવશો અને અમોએ અહીં સામાન તૈયાર કરવાનું શરુ કર્યું છે. એવો પત્ર વાંચીને મહારાજે કહ્યું જે, સંતોને તેડાવો. ત્યારે સંતોને તેડાવ્યા. તે આવીને મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે તે વાત કહી સંભળાવી.

પછી મહારાજે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી જે, તમે અમદાવાદ આનંદ સ્વામી પાસે જાઓ. એમ કહીને પોતે વસ્ત્રો ઉતારીને થાળ જમવા બિરાજ્યા. તે જમતાં જમતાં શ્રીનગરના મંદિરની સંતોને ભલામણ કરતા જાય. પછી જમી, જલપાન કરીને પ્રસાદીનો થાળ તે સદ્‌ગુરુઓને આપ્યો. તે જમી રહ્યા ત્યારે મહારાજે તે સદ્‌ગુરુઓને માટે ગાડી જોડાવી આપી. પછી સંતો શ્રીનગર તરફ ચાલ્યા. પછી મહારાજ થોડીક વાર પોઢીને જાગ્યા. જલપાન કરીને ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેઠા.

પછી દેશ-પ્રદેશ પ્રત્યે કંકોત્રીઓ લખાવીને મોકલાવી અને કાઠીના સવાર તેડાવ્યા. પછી કચ્છ, હાલાર, સોરઠ, વાળાક દેશ અને કાઠીઆવાડ, આદિ સર્વે દેશના સંઘો તેડાવ્યા, તેથી તે સર્વે દેશના સત્સંગીઓ આવવા લાગ્યા. તે સમયે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને અંગુઠા પાસેની આંગળીની સાને કરીને બોલાવ્યા અને કહ્યું જે, તમો સર્વે અક્ષરધામના મુક્તોને જાણ કરો. તેવી જ રીતે ગોલોક તથા વૈકુંઠ આદિ ધામમાં પણ ખબર કરો અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય અને ચંદ્રાદિક નવ ગ્રહ, તથા દશ દિગ્પાળ, બૃહસ્પતિ આદિ સર્વે ઋષિઓ તથા પિતૃઓ તથા મુનિઓ તથા જે ગંગા આદિક નદીઓ છે તે સર્વને જાણ કરો જે, મહારાજ શ્રીનગરમાં નરનારાયણદેવની મૂર્તિઓ પધરાવે છે તે સર્વે ત્યાં આવજો. અને પછી શતાનંદ સ્વામીને બોલાવીને કહ્યું જે, તમો શ્વેતદ્વિપમાં તથા બદ્રિકાશ્રમમાં જઇને તથા મેરુ પર્વત તથા હિમાચળ આદિક આઠ કુલગિરિઓને પણ ખબર કરો જે, તમો તમારા દાસ દાસીઓ સહીત આવશો. એમ કહીને તે બન્ને સંતોને મોકલ્યા તે ૧૪ લોક તથા સાત દ્વિપ નવખંડમાં તથા સર્વે ધામોમાં ખબર આપી દીધી. અને જે જે દેશોના સંઘો તેડાવ્યા હતા તે સર્વ વેલું, માફા, પાલખી, વિમાન, હાથી, ઘોડા, ઉંટ તેણે યુક્ત એવા જે, સંઘો તે બહુ જ શોભવા લાગ્યા. અને ગામ બહાર તેને ઉતારા આપ્યા. અને કાઠીના સવાર તથા પાળા તથા પરમહંસ તથા બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓ પણ આવ્યા. તથા સાત સ્વર્ગના જે દેવો તે પણ મનુષ્યનાં રૂપ ધરીને આવ્યા. તથા પ્રહ્‌લાદ તથા બલિરાજા આદિ તથા સત્ય લોકના નિવાસી બ્રહ્માદિકો પણ સર્વે મનુષ્યના દેહ ધરીને આવ્યા. અને જેમ સમુદ્રમાં નાનો બેટ હોય તેમ ચારે કોર ઘણા સંઘ ઉતરેલા હતા. તેણે કરીને ગઢપુર બેટની માફક દેખાવા લાગ્યું. અને મહારાજ આસન ઉપર પોઢ્યા.

પછી સવારમાં વહેલા ઊઠીને પોતાનો નિત્યવિધિ કરીને થાળ જમીને જલપાન કરી, મુખવાસ લઇને મસ્તક ઉપર ફેટો બાંધ્યો. કિનખાબની ડગલી અને સુરવાળ પહેર્યો, અને બીજો રેંટો ભારે કેડમાં બાંધ્યો, અને શેલું ખભે નાખીને પૂર્વ બહારના ઓરડાની ઓસરીએ વિરાજમાન થયા. તે સમયે હરિભક્તોએ મહારાજને પુષ્પના હાર પહેરાવ્યા અને હરિભક્તો ત્યાં બેસી ગયા. તે સમયે અગણિત વાજાં વાગી રહ્યાં હતાં અને કાઠીના સવાર પણ તૈયાર થઇને પોતપોતાના ઘોડાને શંખલાદિ પલાણ તથા સોનેરી લગામો આદિથી શણગારીને તથા સૌ સૌના હાથમાં ઢાલ, સોનાની મુઠોવાળી તલવારો તેમજ બખ્તર ધારણ કરીને અને હાથમાં ચળકતાં ભાલાં ધારણ કરીને તૈયાર થઇ રહ્યા હતા. તથા પાર્ષદો પણ ઢાલ, તલવાર, બંદૂકો વિગેરે હથિયાર ધારણ કરીને તૈયાર થયા. તથા સર્વે મુનિમંડળો તથા બ્રહ્મચારીઓ તથા સંન્યાસીઓ પણ તૈયાર થયા. તે સમયે પાર્ષદ માણકી ઘોડી ઉપર પલાણ શણગારીને તે ઘોડીને મહારાજ પાસે લાવ્યા. એટલે મહારાજ પણ તે માણકી ઘોડી ઉપર સ્વાર થઇને ગઢપુરથી ચાલવા તૈયાર થયા. તે સમયે દશે દિશાઓમાં જય જય શબ્દ થઇ રહ્યો હતો અને મહારાજ ઉપર ઇંદ્રાદિ સર્વે દેવો આવીને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. તે સમયે સર્વ ધામના મુક્તો તૈયાર થઇને દર્શન કરવા આવ્યા. તે બે હસ્ત જોડીને નમસ્કાર કરીને ઊભા રહ્યા.

ત્યારે મહારાજ નેત્રની સાને કરીને સર્વને કહેવા લાગ્યા જે, આગળ ચાલો. એમ કહીને મહારાજ ચાલ્યા. સહુથી આગળ પાર્ષદો બંદુકોના બાર કરતા ચાલ્યા અને તેમની આગળ નાના પ્રકારનાં વાજિંત્ર વાગી રહ્યાં હતાં, તેમજ ગુલાલ પણ ઉડી રહ્યો હતો, તેમજ કાઠીના ઘોડા હણહણી રહ્યા હતા. અને મહારાજની ઉપર સોનાના ઇંડાએ યુક્ત છત્ર બિરાજમાન હતું. તથા બે બાજુ ચામર શોભી રહ્યાં હતાં. ઇંદ્રાદિક દેવો પણ પોતાના વિમાનોમાં બેસીને આકાશ માર્ગેથી ચંદન પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા હતા. અને જે દેશના હરિભક્તોના સંઘ ઉતર્યા હતા તે પણ સર્વે મહારાજનાં દર્શનની રાહ જોઇને ઊભા હતા.

મહારાજ આવ્યા ત્યારે તે પણ મહારાજનાં દર્શન કરીને સાથે ચાલ્યા. એમ કાઠીના સ્વારો તથા બે હજાર સરબંધી તથા અગણિત સંઘનાં માણસો સાથે ચાલ્યા. તે વખતે રજ ઉડવાથી સૂર્ય ઢંકાઇ ગયો હતો. એવી શોભા યુક્ત મહારાજ ગામ ઝીંઝાવદરની ભાગોળે આવ્યા અને ત્યાંના ભક્તો અલૈયા ખાચર આદિએ સામૈયું કરીને પોતાના દરબારમાં પધરામણી કરાવી અને સંઘને ગામ બહાર ઉતારો આપ્યો.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ મછીઆવ થઇને ગઢડે આવ્યા અને દેશાંતર ના હરિભક્તોને શ્રીનગરમાં મૂર્તિ પ્રતિષ્ઠા સંબંધી કંકોત્રીઓ લખી અને ત્યાંથી સંઘ સહિત ચાલ્યા તે ગામ ઝીંઝાવદર આવ્યા એ નામે ચુંમોતેરમો અધ્યાય. ૭૪