સ્નેહગીતા કડવું - ૦૨

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 7:47pm

સ્નેહની મૂર્તિ સુંદર શ્યામજી, પ્રેમે કરી પ્રગટ્યા ગોકુળ ગામજી।
સ્નેહી જનનાં સારવા કામજી, નટવર નાગર સદા સુખધામજી ।।૧।।

ઢાળ –

સુખના સાગર શ્રીહરિ, જેનેદેખતાં દિલડું ઠરે ।
મૂર્તિ જોતાં માવજીની, હેલામાં મન મુનિનું હરે ।।૨।।

જેને જોઈ મોહી જનજુવતી, અતિ પ્રીત કરી હૈયે હેતશું ।
સ્નેહ બાંધ્યો શ્યામ સંગે, સાપી તન મન ધન સમેતશું ।।૩।।

વળી પશુ પંખી ને વૃક્ષ વેલી, હરિપ્રીતમાં પરવશ થયાં ।
સરિતા સર ને નાગ નગ જે, સ્નેહમાં સંકુલાઈ રહ્યાં ।।૪।।

ગાયો ગોપી ને ગોવાળીએ, હરિ આત્માથી અધિક કર્યા ।
સ્નેહ બાંધ્યો પ્રેમ વાધ્યો, પ્રીત રીત અતિ આચર્યા ।।૫।।

મીનનું જીવન જળ જોને, જેમ ચકોર સ્નેહી ચંદ છે ।
તેમ વ્રજ જુવતીનું જીવન જાણો, શ્રીનંદજીનો નંદ છે ।।૬।।

જેમ મોરનું મન મળ્યું મેઘશું, જેમ બપૈયો સ્નેહી સ્વાંતનો ।
તેહ થકી અધિક અંગે, સ્નેહ જુવતી જાતનો ।।૭।।

જેમ અગ્નિને સંગે ઓગળે, મીણ માખણ ને ઘણું ઘૃત ।
તેમ કૃષ્ણ મળે મન ગળે, અને ટળે તે તન શુદ્ધ તરત ।।૮।।

જેહ નયણે નિરખે નાથને, તેનું હાથ હૈયું કેમ રહે ।
તે લાજ તજે કૃષ્ણ ભજે, એવી સ્નેહમૂર્તિ છે સુખ મહે ।।૯।।

નટવર નાગર સુખસાગર, મનોહર મૂર્તિ મદનજી,
નિષ્કુલાનંદ ગોવિંદ છબી, સુખતણું જો સદનજી ।।૧૦।। કડવું ।।૨।।