સ્નેહગીતા કડવું - ૦૭

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:04pm

વ્રજ વનિતાના પ્રેમને જોવા વળીજી, વાલ્યમે વગાડિ વનમાંયે વાંસળીજી ।
સુણી સર્વ સુંદરી મોહનને જઈ મળીજી, એક રહી આવરી નવ શકી નિકળીજી ।।૧।।

ઢાળ –

નિકળી નવ શકી સુંદરી, ગોપી ઘેરીને ઘાલી ઘરમાં ।
દેહ ગેહમાં ગ્રહિ ઘાલ્યું, પણ પ્રાણ કાંઈ છે તેના કરમાં ।।૨।।

તેહને વિરહ ઊપન્યો અંગમાં, વળી વિયોગ રોગ વાધ્યો ઘણું ।
આ સમે હું તો રહી અમથી, અહો અભાગ્ય એવું મુજતણું ।।૩।।

એમ સ્નેહમાં શોચે ઘણું, વનિતા કહે રહી વાંસળ્યે ।
પછી મેલ્યું દેહ મંદિરમાંયે, પ્રાણ પો’તા પિયુને પાસળ્યે ।।૪।।

એહ રીતે પો’તી અબળા, મોહનજી સંગે જૈ મળી ।  
ભૌતિકદેહનું ભાન ભૂલી, અતિવાકયદેહ પામી વળી ।।૫।।

પ્રેમી જનનું એહ પારખું, પ્રિતમવિના પળમાં મરે ।
પિયુ વિયોગે પ્રાણ રહે, તે સ્નેહ શઠ સાને કરે।।૬।।

પ્રીતની તો રીત એહવી, જેના પ્રીતમ સાથે પ્રાણ છે ।  
જીવન વિના જરૂર જેને, પંડ્ય પાડવું પ્રમાણ છે ।।૭।।

ધન્ય એ નારી પ્રેમપ્યારી, જેણે વા’લા વિયોગે તન ત્યાગિયું ।  
અલ્પ સુખની આશા મેલી, મન મોહનજીશું લાગિયું ।।૮।।

એવા જનથી અર્ધ ઘડી, વાલમ ન રહેવેગળા ।  
હેતે હળ્યા રહે મળ્યા, જો અંગે હોય કોયે અબળા ।।૯।।

શું થાયે કૈયે હેત જો હૈયે, અને પ્રેમ વિના તો સુકું સરે ।  
નિષ્કુલાનંદ સર્વે સાધન, સ્નેહી સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૭।।