સ્નેહગીતા કડવું - ૩૦

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:05pm

ઊદ્ધવ કહે સુણો સરવે સુંદરીજી, કેવા જાણી કૃષ્ણને કહો તમે પ્રીત કરીજી ।
સમઝયા વિના સુખ ના’વે જો જાયે મરીજી, જુઠું નથી જુવતી વાત અંતે એ ખરીજી ।।૧।।

ઢાળ –

ખરી કહું ખોટી નથી, તમે સમઝયાં નહિ કાંઈ સુંદરી ।
પરાપર જે બ્રહ્મ પૂરણ, તેને તમે જાણિયો જાર કરી ।।૨।।

પૃથ્વી જળ ને તેજ વાયુ, વળી વ્યોમ ત્રિગુણ અહંકાર ।
એહ મળી મહત્તત્ત્વ માયા, એક પુરૂષને આધાર ।।૩।।

પુરૂષ રહે પરબ્રહ્મમાંહિ, પરબ્રહ્મ રહે નિરાધાર ।
તેહ જે શ્રીકૃષ્ણ મૂરતિ, તેને જાણિયો તમે જાર ।।૪।।

વળી વિશ્વમાંહિ વ્યાપી રહ્યો, પડ બ્રહ્માંડમાં ભરપૂર ।  
કૃષ્ણ વિના તો કોયે નથી, તેને દેખિયો તમેદૂર ।।૫।।

હવે એકાગ્ર ચિત આણો, તમે ધરો અંતરે ધ્યાન ।
બાહ્ય વૃત્તિ મેલો બાઈ, ભીતર છે ભગવાન ।।૬।।

મન કૃત્ય મિથ્યા કરીને, અંતર વૃત્તિ વાળીયે ।  
તો સાક્ષીરૂપે સરવમાંહિ, વ્યાપક વસ્તુને ભાળિયે ।।૭।।

આંખ્ય મીચી જુવો અબળા, તો ધ્યેય ધ્યાતા ધોખો ટળે ।  
અણછતાં શું થાઓ ઊભાં, એક વિના અન્ય નવ મળે ।।૮।।

વેદ વેદાંત ને સાંખ્યનું, સુંદરી એહ સાર છે ।  
એમ સમઝે થાશો સુખિયાં, અંતે તેહ નિરધાર છે ।।૯।।

દેહ બુદ્ધિ બાઈદૂર કરી, વળી વિષય વાસના પરહરો ।
નિષ્કુલાનંદના નાથે કહ્યું, તમે જોગ જુગતે શું આદરો ।।૧૦।। કડવું ।।૩૦।।