સ્નેહગીતા કડવું - ૪૨

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:35pm

ભકિત મારી છે બહુ ભાતનીજી, જન મળી કરેછે જુજવી જાતનીજી ।
પણ પ્રેમની ભકિત છે પ્રાણ ઘાતનીજી, તે કેમ કરી કરે કોયે નથી મુખ વાતનીજી ।।૧।।

ઢાળ –

મુખવાત તેની નથી થાતી, એતો પ્રાણ ગયાની પેર છે ।
એવી જે જન આદરે, તેહ ઊપર મારી મે’ર છે ।।૨।।

સ્નેહ કરે જે મુજ સાથે, તન મન કરી કુરબાણ ।
ઊદ્ધવ મારે ધન એહછે, વળી જાણુંછું જીવનપ્રાણ ।।૩।।

મને સંભારેછે સ્નેહી જન, તેમ સંભારૂં હું સ્નેહીને ।
અરસ પરસ રહે એકઠાં, જેમ પ્રીત છેદેહ દેહીને ।।૪।।

અંતર પ્રીત સરળ ચિત્ત, વળી હૈયે હેત અતિ ઘણું ।  
ઊદ્ધવ એવા જન જેહ છે, તેહ રે’વા ઘર છે મુજતણું ।।૫।।

જેનું અંતર લુખું હૃદય સૂકું, વળી નેહ નહિ જેના નેણમાં ।
ઊદ્ધવજી હુંતો ત્યાં ન રહું, મર ધરે ધ્યાન દિન રેણમાં ।।૬।।

જપ તપ તીરથ જોગ યજ્ઞ, જેહમાં તે ફળની આશ છે ।  
એહને ધાયે ભકત કહેવાયે, પણ તેશું મારો કાંય દાસ છે ।।૭।।

કોય નર નિરાશી ચરણ ઊપાસી, મમતા રહિત મુજને ભજે ।  
એવા ભકત જકત વિરકત જેહ, તેહ ઊદ્ધવજી મુજને રજે ।।૮।।

હુંતો વશ છઉં પ્રેમને, કહું ગોપ્ય મારો મતછે ।  
સ્નેહ વિના હું શિયે ન રીઝું, એહ માનજે સત્ય સત્ય છે ।।૯।।

વ્રજવનિતા પ્રેમરતા, પ્રીતે અજીત મને જીતિયો ।  
નિષ્કુલાનંદનો નાથ કહેછે, ઊદ્ધવ હેતે હું એનો થયો ।।૧૦।। કડવું ।।૪૨।।